Related Questions

શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?

બ્રહ્માંડનો માલિક કોણ?

આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઇ ગયો! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ! હજી એવું શાથી સમજાયું નથી? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે! કોઇ આપણને ગાળ આપે તો તે કંઇક ખાતામાં બાકી હશે તેથી, તો તે જમે કરી લેવાનું. હવે ફરી કોણ વેપાર માંડે? જમે કરી લઇએ તો વેપાર બંધ થતો જાય અને તે પછી સારો માલ આવશે.

આ આંખ હાથથી દબાઇ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રીયલ સ્વરૂપ નથી. એ તો રીલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને! આ કાચના ટુકડા જમીન ઉપર પડયા હોય તો કેટલી બધી આંખો દેખાય છે? આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગોના પ્રેસરથી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તો ય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે. મનમાં ભાવ બગડે તે ય પોતાની ભૂલ. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.

પહેલાં 'ક્રમિક' માર્ગમાં તમે તપ-ત્યાગ કરતા હતા, છતાં પોતાની ભૂલો દેખાતી નહોતી. માટે હવે આ 'અક્રમ' માર્ગ પામ્યા છો તો કામ કાઢી લો. આ તો સાહેબ પાસે જાય ને કહે, 'સાહેબ, મને છોડાવો, સાહેબ મને છોડાવો.' પણ પેલો જ બંધાયેલો હોય તે તને શી રીતે છોડાવશે? અત્યારે તો જે આ ટ્રીક કરે છે, કપટ કરે છે તે કપટથી બંધાયેલો કયારે છૂટશે? કોઇ બાપો ય બાંધનાર નથી. હોત તો તો ભક્તિથી કરગરે, માફી માગે તો ય સાહેબ છોડે; પણ ના, એવું નથી, આ તો પોતાની જ ભૂલથી 'પોતે' બંધાયો છે. 'જ્ઞાની પુરુષ' અંગુલિનિર્દેશ કરે કે આમ કરો, તો ભૂલ ભાંગે. કાં તો 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળે તો કામ થાય!

ભગવાને શું કહ્યું કે, 'પોતે શાનાથી બંધાયો છે? માત્ર ચાલી આવતા વેરથી બંધાયો છે.' એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટિન્યુઅસ વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે, તે જ પાછું આવતે ભવ આવે અને ગુંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય!

લોક માને કે ભગવાન ઉપરી છે તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઇશું; પણ ના, કોઇ બાપો ય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઇ બાપો ય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તે ય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તે ય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને?

પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy