Related Questions

અરિહંત કોને કહી શકાય?

અરિહંત કોને કહેવાય?

  • જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી, કેવળજ્ઞાની હોય તેને અરિહંત કહેવાય.
  • જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત કહેવાય.. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય !
  • જે હાજર હોય તેને. ગેરહાજર હોય, તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવા જોઈએ.

arihant

ઓળખાણ,અરિહંત ભગવાનની

  • અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ સ્થિતિ છે પણ બંધન તરીકે આટલું રહ્યું છે. જેમ બે માણસને સાઈઠ વર્ષની સજા કરી હતી તે એક માણસને જાન્યુઆરીની પહેલી તારીખે કરી હતી. એ બીજા માણસને જાન્યુઆરીની ત્રીજી તારીખે કરી. પહેલાને સાઈઠ વર્ષ પૂરા થઈ ગયા. પેલો છૂટો થઈ ગયો. બીજો બે દહાડા પછી છૂટો થવાનો છે. પણ એ છૂટો જ કહેવાયને ? એવી એમની સ્થિતિ છે !
  • અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવાં પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા એમના શરીરમાં ગોઠવાઈ ગયેલા. ત્યારે એ શરીર કેવું ! એ વાણી કેવી ! એ રૂપ કેવું ! એ બધી વાત જ કેવી ! એમની તો વાત જ જુદીને ?! એટલે એમની જોટે તો મૂકતા જ નહીં, કોઈનેય ! તીર્થંકરની જોટે કોઈને મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય.
  • અરિહંત તો નિરંતર અરિહંત જ રહે અને અરિહંત જ દેશના આપે.
  • ‘અરિહંત કોણ છે !’ એને જાણો તો દર્દ ઓછા થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે.
  • સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત કહેવાય. અરિહંત! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતાડવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલાં મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને.
  • અરિહંત તો સીમંધર સ્વામી છે અગર તો બીજા ઓગણીસ તીર્થંકરો હોય એ અરિહંત છે, જે વર્તમાન તીર્થંકર હોય એ અરિહંત કહેવાય.

‘અત્યારે અરિહંત હયાત ક્યાં છે?’

સીમંધર સ્વામી એ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરો. હજુ એ હાજર છે. અરિહંત તરીકે હોવા જોઈએ, તો આપણને ફળ મળે. એટલે આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે.

ચાલો આપણે અરીહંત ભગવાન વિશેની વધુ માહિતી મેળવીએ, નીચે દર્શાવેલા પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા સંવાદ દ્વારા.. 

પ્રશ્નકર્તા : અરિહંત દેહધારી હોય?

દાદાશ્રી : હા, દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય.

પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું?

દાદાશ્રી : ના, વર્તમાન તીર્થંકર જ અરિહંત ભગવાન કહેવાય. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ મોક્ષમાં જઈને બેઠા. આમ કહે છે કે 'અમારા ચોવીસ તીર્થંકરો' અને એક બાજુ વાંચે છે 'નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં'. આપણે તેમને કહીએ, 'આ બે છે ?' ત્યારે એ કહે, 'હા, બે છે.' મેં કહ્યું, 'અરિહંત દેખાડો જોઈએ.' ત્યારે કહે, 'આ ચોવીસ.' અલ્યા, એ તો સિદ્ધ થયા છે. અત્યારે સિદ્ધ છે એ તો. તમે સિદ્ધને અરિહંત કહો છો પાછાં ? શાને અરિહંત કહેતા હશે આ લોકો ?

પ્રશ્નકર્તા : એ ચોવીસ તીથંકરો તો બધાં સિદ્ધ થઈ ગયા.

દાદાશ્રી : તો પછી તમે કહેતા નથી લોકોને કે ભઈ, આ સિદ્ધ થયેલાને અરિહંત શું કામ કહો છો ?! આ તો બીજા પદમાં, સિધ્ધાણંમાં જાય. અરિહંતનું પદ ખાલી રહ્યું, તેની આ ઉપાધિ છેને ! તેથી અમે કહીએ કે અરિહંતને મૂકો. સીમંધર સ્વામીને મૂકો. શા હારુ કહીએ છીએ તમને સમજાયું ? પેલા ચોવીસ તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય ? એ અત્યારે એમની દશા સિદ્ધ છે કે અરિહંત છે ?

પ્રશ્નકર્તા : અત્યારે સિદ્ધમાં છે.

દાદાશ્રી : સિદ્ધ છેને ? તમને ખાતરી છેને ? સો ટકાની ને ?

પ્રશ્નકર્તા : હા, સો ટકાની.

દાદાશ્રી : તો પછી એ સિધ્ધાણંમાં મૂકેલાં છે. સિધ્ધાણંમાં પહોંચી ગયું. ત્યાર પછી અરિહંતમાં કોણ હવે ? અરિહંત એટલે હાજર હોવા જોઈએ. વાત ગમી ? અત્યારે માન્યતા અવળી ચાલ્યા કરે છે. ચોવીસ તીર્થંકરોને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે 'નમો સિધ્ધાણં' બોલીએ, તેમાં એ આવી જ જાય છે તો અરિહંતનું ખાનું બાકી રહે છે, અરિહંતનો ભાગ બાકી રહે છે. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી. માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માની અને કામ લેવું પડશે, તો જ નમસ્કાર મંત્ર પૂર્ણ થાય. ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા, તે બધાં 'નમો સિધ્ધાણં'માં આવી જાય છે. જેમ કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે કહીએ કે 'એય, કલેક્ટર અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?

પ્રશ્નકર્તા : લાગે જ.

દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ તો બહુ જ મોટું નુકસાન થાય છે. એમને નુકસાન થતું નથી, કારણ કે એ તો વીતરાગ છે. પણ આપણને બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય છે.

×
Share on