Related Questions

ઉપાધ્યાય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?

પ્રશ્નકર્તા : 'નમો ઉવજ્ઝાયાણં.'

upadhyay

દાદાશ્રી : ઉપાધ્યાય ભગવાન ! એનો શું અર્થ થાય ? જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરાં છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોનાં હોય કે જૈનોનાં હોય કે ગમે તેનાં હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આજના આ સાધુઓ છે એ બધા ચાલે નહીં. આમાં આત્મા પ્રાપ્ત કરેલો નથી. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે. આ તો અપમાન કરે તો ફેણ માંડે ખરા ? તે એ ફેણ માંડે તે ના ચાલે ત્યાં.

પ્રશ્નકર્તા : ઉપાધ્યાય એટલે જાણે ખરાં કહ્યું, તો શું જાણે એ ?

દાદાશ્રી : ઉપાધ્યાય એટલે આત્મા જાણે, કર્તવ્યને જાણે, આચારને પણ જાણે, છતાં આચાર કેટલાક આવ્યા હોય ને કેટલાક આચાર ના આવ્યા હોય. પણ સંપૂર્ણ આચાર મહીં નહીં થવાથી તે ઉપાધ્યાય પદમાં છે. એટલે પોતે હજુ ભણે છે ને બીજાને ભણાવે છે. 

×
Share on