Related Questions

હું શા માટે બીજાની ભૂલો જોઉં છું?

પ્રશ્નકર્તા: મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે એનું શું કારણ?

દાદાશ્રી: આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે. દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોળી કાઢે તરત! અને દોષ જડેય ખરાં અને પોતાના દોષ જડે નહીં ને?

પ્રશ્નકર્તા: સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય?

દાદાશ્રી: એવો કોઈ કાયદો નથી, છતાં એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે? પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ. એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ.

પ્રશ્નકર્તા: બીજાની ભૂલ જ માણસ શોધે છે ને?

દાદાશ્રી: ભૂલ કોઈની જોવાય નહીં. કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ? તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું? મોટા ભૂલના જોવાવાળા આવ્યા? ભૂલ જોઉં છું, તો પછી તું ભાન વગરનો છું. બેભાન છું. ભૂલ હોતી હશે? બીજાની ભૂલ તો જોવાતી હશે? ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી. બીજાની શું કરવા ખોળો છો? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી.

અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય? કોઈની ભૂલ જ ના જોવાની હોય. છેય નહીં ભૂલ. જે ભૂલ કાઢેને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે, એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે. એની પાછળ ખરાબ આશયો હોય છે. હા, ભૂલ ક્યાંથી લાવ્યા? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. એમાં ભૂલ ક્યાં આવી? આ ન્યાયાધીશનું ડીપાર્ટમેન્ટ છે? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને!

પ્રશ્નકર્તા: એ જ ભૂલી જાય છે કે આ સામો માણસ કર્તા નથી.

દાદાશ્રી : હા, એ એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યાંથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં. માણસ ગૂંચવાયેલો રહે.

અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી અને દેખાય તો અમે મોંઢે કહી દઈએ. ઢાંકવાનું નહીં કે ભઈ, આવી ભૂલ અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે. 

×
Share on