Related Questions

હું મારી બુદ્ધિને કેવી રીતે સ્થિર કરું? તે મને સતત બીજાના દોષ દેખાડે છે?

પ્રશ્નકર્તા: એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ?

દાદાશ્રી : હા, એવું છે ને, બુદ્ધિને એક જગ્યાએ સ્થિર કર્યા વગર કામ નહીં થાય, એટલે જો એનો દોષ જોશો તોય બુદ્ધિ સ્થિર થશે. અને એને નિર્દોષ જુઓ ને પોતાનો દોષ જુઓ, તોય બુદ્ધિ સ્થિર થાય. નહીં તો એમ ને એમ બુદ્ધિ સ્થિર થાય નહીં ને પાછી!

પ્રશ્નકર્તા: એટલે ક્યાંક તો દોષ છે. એનો અર્થ એ થયો કે ત્યાં દોષ નથી તો અહીંયા દોષ છે.

દાદાશ્રી: હા એટલો જ ફેર.

પ્રશ્નકર્તા: હવે સમજમાં બેઠું કે આ નિર્દોષ કેવી રીતે છે!

દાદાશ્રી: કારણ કે, બુદ્ધિ શું કહે છે? બુદ્ધિ સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. એટલે તમે કોઈકનો દોષ કાઢો તો બુદ્ધિ સ્થિર થાય. પછી એની જવાબદારી ગમે તે હોય. પણ કોઈકનો દોષ કાઢ્યો ને એટલે બુદ્ધિ સ્થિર થાય. દોષ કોઈનો નથી, મારો જ છે, તોય બુદ્ધિ સ્થિર થાય. પણ આમ બુદ્ધિ સ્થિર થવાનો રસ્તો એ મોક્ષમાર્ગ.

હવે બુધ્ધિ આમે ય સ્થિર થાય અને આમે ય સ્થિર થાય છે, પણ જે કોઈના પર આરોપણ થયા સિવાયની બુદ્ધિ હોય, એવી બુદ્ધિની સ્થિરતા હોવી જોઈએ. એટલે આપણે પોતાના પર જ નાખીએ તો આનો ઉકેલ આવે એવો છે. તો બુદ્ધિ પણ સ્થિર થાય ને!

આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે. અને પોતાની ભૂલ પકડાતી નથી. અને સામાની ભૂલ તરત માલમ પડી જાય. કારણ કે, બુદ્ધિ મૂકાઈ છે ને! અને જેને બુદ્ધિ મૂકાઈ નથી તેને તો કંઈ ભૂલનો સવાલ જ નથી રહેતો ને, કોઈ ફરિયાદ જ નહીં ને! ગાયો-ભેંસો છે, બધા એવા અનંતા જીવો છે, એ લોકોને કોઈ ફરિયાદ નહીં, બિલકુલ ફરિયાદ નહીં.

×
Share on