Related Questions

ભયના કારણો શું છે?

ભયના કારણો સમજીએ તો ભયમાંથી નીકળવાના ઉપાયો આપોઆપ મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ સમજણરૂપી ખજાનામાંથી ભય પાછળના સચોટ કારણોની છણાવટ અહીં પ્રાપ્ત થાય છે.

ભવિષ્યની ચિંતા

કેટલાક ભય ભવિષ્યની ચિંતાના પરિણામે ઊભા થતા હોય છે. “કાલે શું થશે?” એવા અગ્રશોચમાં લોકો ભય અને ચિંતાથી દિવસો કાઢતા હોય છે. ઈન્કમટેક્ષનો કાગળ આવે તો “હવે શું થશે?” એવી સતત બીક લાગ્યા કરે. આખો દિવસ ચિંતા અને અંતરક્લેશ થયા કરે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા પછી પરિણામ શું આવશે તેની વધારે પડતી ચિંતા થાય તો ભય પેદા થાય. નોકરી માટે ઈન્ટરવ્યુ આપતી વખતે પણ “નિષ્ફળતા મળશે તો શું?” એવા ભયથી કામગીરી ઉપર અવળી અસર પડે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ભવિષ્યના વિચાર કરતાં જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે. આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે કે આમ થશે તો શું થશે? આમ થશે તો શું થશે? એવો ભડકાટ લાગ્યા કરે.” આર્તધ્યાન એટલે બીજા કોઈને દુઃખ ના પહોંચાડે પણ પોતે દુઃખી થયા કરે. એના પરિણામે પોતાને જ ખૂબ દુઃખ પડે અને ભય ઊભો થાય.

દ્વેષ, અભાવ, તિરસ્કાર

ભય એ પરિણામ છે. તેના રૂટકૉઝમાં દ્વેષ, અભાવ અને તિરસ્કાર કામ કરે છે. ઉદાહરણ તરીકે, પોલીસવાળો આપણા ઘરનું બારણું ખટખટાવે, તો તરત અંદર ભય ઊભો થાય. શાથી? કારણ કે પોલીસ પ્રત્યે કંઈક દ્વેષ-અભાવ છે. વકીલની નોટિસ આવી કે કોર્ટમાં ઊભા રહેવાનું થયું છે, તો? તરત ફફડાટ થવા માંડે. કારણ કે, કોર્ટ પ્રત્યે અણગમો છે. એટલું જ નહીં, કોઈ પણ જીવ પ્રત્યે, ગરોળી છે, વાંદો છે, વીંછી છે, સાપ છે, તેનો ભય લાગે તો સમજી જવું કે તેને માટે કંઈ અભાવ-તિરસ્કાર છે જ. 

આપણે ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે “મને નોકરી નથી ગમતી, બોસથી ડર લાગે છે.” કેટલાક લોકો કહે કે “મને કડવી દવા ભાવતી નથી, એ પીવાના નામથી જ કંપારી છૂટી જાય છે.” આમ આપણે હાલતા ને ચાલતા વસ્તુઓ અને વ્યક્તિઓને “નથી ગમતું” કર્યા કરીએ છીએ. પરિણામે એના પ્રત્યે અભાવ થાય છે અને એમાંથી ધીમે ધીમે ભય ઉત્પન્ન થાય છે. વસ્તુ જ નહીં, આપણી નજીકની વ્યક્તિઓમાં પણ કોઈ વ્યક્તિ “ના ગમતી” થાય તો ધીમે ધીમે વ્યક્તિનો પણ ભય ઉત્પન્ન થઈ જાય. હંમેશા જે વસ્તુ ના ગમે તેનો ભય પેસી જાય. કોઈ વ્યક્તિ ના ગમતી હોય, તો એ વ્યક્તિ દેખતાની સાથે ભય લાગે. જેનો આપણે તિરસ્કાર કરીએ તેનો ભય આપણામાં જરૂરથી પેસી જાય એવો નિયમ છે. કારણ કે “નથી ગમતું” એવું બોલવાથી સાયકોલોજીકલ ઈફેક્ટ પડે છે. પણ એ જ વ્યક્તિ માટે “ગમે છે” કહીએ તો એમનો ભય ના લાગે. જેમના માટે અણગમો થતો હોય એ વ્યક્તિ માટે મનમાં માફી માંગ્યા કરીએ અને “એ સારા છે. ભલા છે” એવું પાંચ-પચ્ચીસ વખત બોલ બોલ કરીએ તો પણ દ્વેષની આંટી ઉકલી જાય અને ભય જતો રહે. પછી વ્યવહાર સરસ થાય.

અભાવ, તિરસ્કાર અને અને ભય વચ્ચેનો સંબંધ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી અહીં મળે છે.

દાદાશ્રી: તિરસ્કાર કર્યા કરે છે, તેથી ભય લાગે છે. તિરસ્કાર કરવાથી ભય લાગે છે. તમારા અનુભવમાં આવ્યું થોડું?

પ્રશ્નકર્તા: હા, આવ્યું પણ પહેલો તિરસ્કાર હોય છે કે પહેલો ભય હોય છે?

દાદાશ્રી: પહેલો તિરસ્કાર હોય છે. પહેલો ભય હોતો નથી. તિરસ્કાર કેવી રીતે? સાંભળ્યું હોય કે આ પોલીસવાળા બહુ ખરાબ, એ જ્ઞાન થયેલું હોય, એટલે પહેલો તિરસ્કાર પેસે. આ જ્ઞાનનાં આધારે પોલીસવાળા બહુ ખરાબ કહેશે. ખરાબમાં ખરાબ પોલીસવાળા એવું જ્ઞાન સાંભળેલું હોય, એ તિરસ્કાર છે, પછી ભય છે. તિરસ્કારનું ફળ છે ભય. જ્ઞાનના આધારે પેલો તિરસ્કાર પેસે અને તિરસ્કારથી ભય ઉત્પન્ન થાય છે. પછી એ ભય વધતો જાય દહાડે દહાડે અને પોલીસવાળો તેને ઘેર આવ્યો હોય ને તો પેલાને અકળામણ થઈ જાય છે, ખાલી પૂછવા જ આવ્યો હોય તોય!

પ્રશ્નકર્તા: બાજુવાળાનું એડ્રેસ પૂછવા આવ્યો હોય.

દાદાશ્રી: હા, બાજુવાળાનું એડ્રેસ પૂછવા આવ્યો હોય, તે પેઠો ત્યાંથી જ ભય લાગે.

પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં પોલીસના ઉદાહરણથી સમજાવે છે કે, લૌકિક જ્ઞાન જાણ્યું એના આધારે અભાવ, તિરસ્કાર પેઠો અને ભયની શરૂઆત થઈ. હવે સાચું જ્ઞાન પેસે તો અભાવ, તિરસ્કાર ના રહે અને ભયમાંથી મુક્ત થવાય.

કલ્પના

મોટેભાગે ભૂત, પ્રેત અને ડાકણના ભયની પાછળ કલ્પના કામ કરે છે. વારેવારે જે વાત સાંભળવામાં આવી હોય, એ પ્રમાણે આપણી બુદ્ધિ કલ્પના ચીતરે છે અને ના હોય ત્યાં પણ ભૂતનો આભાસ ઊભો થાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન પોતાના જ જીવનનો એક પ્રસંગ વર્ણવે છે અને કહે છે કે “આ જે કલ્પનાના ભૂતો, એ મારી નાખે છે. ત્યારે બીજું કશું મારતું નથી.”

પરમ પૂજ્ય દાદા ભગવાનના મોટાભાઈના પહેલા પત્નીનું અવસાન થયું હતું. પરમ પૂજ્ય દાદાશ્રી જ્યારે તેર વર્ષની ઉંમરના હતા ત્યારનો આ પ્રસંગ કલ્પનાના ભય સામે વાસ્તવિકતા ખુલ્લી કરે છે.

પ્રશ્નકર્તા: આપે કહ્યું કે ભૂતનો ભય લાગતો, તે ભૂત જોયેલું?

દાદાશ્રી: હું તેર વર્ષનો હતો ત્યારે તાવ આવેલો અને બંધ ઓરડામાં બેઠેલો, બારણા વાસીને. સામે મોટું કબાટ હતું, તે એને બારણા નહીં. ગોખલા ખરા મહીં. ત્રણ-ચાર માળના ગોખલાવાળા કબાટ હોય, પણ બારણું ના હોય એને. એકવાર આંખ ઉઘાડી તો સામે ઝાંખું દેખાયું, ત્યાં મારા (પહેલાં) ભાભી દેખાયા. મને તો મણિભાઈના પહેલાં વહુ દેખાવા માંડ્યા. મણિભાઈ પહેલાં પરણેલા ને, તે સૂરજભાભી દેખાવા માંડ્યા. અને એમનો બાબો મેં જોયેલો, તે બાબો ને ભાભી બેઉ દેખાવા માંડ્યા. મેં કહ્યું, ‘આ ક્યાંથી આવ્યા પાછા?’ તે પણ બાબાને લઈને ચઢ-ઊતર કરતા દેખાય. અને પછી એ ગોખલામાં પહેલે માળે ચઢે, પછી પાછું છોકરું દેખાય. બીજે માળે ચઢે, છોકરું દેખાય. મેં કહ્યું, ‘આ ભૂત છે કે શું છે આ?’ લોકો કહેતા હતા કે તે મરી ગયા ને ભૂત થયા છે. તે મને તાવના ઘેનમાં એવું દેખાયું. તે મને બીક પેઠી. તે એવી પ્રતિષ્ઠા કરેલી તે દેખાયું. ભૂત થયેલા એ જ્ઞાન હાજર થયું. અને લોકોએ સ્થાપના કરી હતી કે ભૂત છે, તેથી દેખાયું. તે હું તો પછી કંટાળ્યો ને ભય પામી ગયો. પછી તો એકદમ આંખ મીંચીને બારણું ખોલી નાખ્યું. એટલે ભૂત દેખાતું બંધ થયું. આ બધા કલ્પનાના ભૂતા! આપણે જેવું કલ્પીએ ને, એવું દેખાય. જેનો વિચાર આવે તેવું દેખાય. માટે સમજવું કે જેવી પ્રતિષ્ઠા કરીએ તેવું ફળ આપે.

પરમ પૂજ્ય દાદા ભગવાનને કોન્ટ્રાક્ટનો ધંધો હોવાથી મોડે સુધી બહાર રહેવું પડતું. તેઓશ્રીનો સ્વભાવ એવો હતો કે નાનપણથી જ ભયની સામે પડતા. એવા જ એક પ્રસંગનું અહીં વર્ણન આવે છે. તેઓશ્રીએ દાખવેલી હિંમતના આધારે આપણને કાલ્પનિક ભયમાંથી મુક્ત થવાની ચાવીઓ મળે છે.

દાદાશ્રી: એક વખત પાલેજ-બારેજા આગળ અમારું નાના નાળાનું કામ ચાલે. તે રાતે એક ફેરો અંધારામાં હું જતો’તો. કોન્ટ્રાક્ટનો બિઝનેસ એટલે મોડું થાય, પછી અંધારામાં જવું પડે. તે અંધારું થઈ ગયેલું. એટલે ભૂત દેખાયું હારું, હાલતું-ચાલતું દેખાયું.

હવે હતું કશું નહીં. બાવળિયાનું ઠૂંઠું આમ ઊભેલું હતું ને ઉપર પાંદડા-બાંદડા કંઈ નહીં ને, એટલે માણસ જેવું દેખાય. તે મને એમ લાગ્યું આ લોકો કહેતા’તા એ વાત સાચી છે કે આ જગાએ રહે છે. તે ત્યાંય એવું કર્યું હતું. મેં કહ્યું, ‘ચાલો હવે, એને અડીને જ જવું આપણે.’
આ સામા જવાની ટેવ પહેલેથી, એટલે હું તો એ ભૂતના ભણી જ ચાલ્યો રોફભેર... મૂળ તો ક્ષત્રિય પ્રજાને! ત્યાં ગયા ત્યારે તેને હું અડ્યો તો ઠૂંઠું નીકળ્યું! બાવળિયાનું ઠૂંઠું જોયું.

આપણે પણ આવા કલ્પનાના ભયથી પીડાતા હોઈએ છીએ. ત્યાં જો વાસ્તવિકતાનું જ્ઞાન થાય તો ખ્યાલ આવે કે ભય રાખવા જેવું કશું હતું જ નહીં.

લોકસંજ્ઞાના આધારે વહેમ

મોટેભાગે લોકસંજ્ઞાના આધારે મનમાં ખોટો વહેમ પેસી જતો હોય છે અને તેના પરિણામે ભય ઊભો થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનો આવો જ એક પ્રસંગ છે જેમાંથી ખોટા વહેમના આધારે ઊભા થતા ભય સામે વાસ્તવિકતા ખુલ્લી થાય છે. આવા વહેમની પોકળતા સમજાતાં તેનો ભય સહેજે દૂર થાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. લગભગ ચોવીસ વર્ષની ઉંમરે તેઓશ્રીને કામની સાઈટ ઉપર જવાનું થયું હતું. સાઈકલ લઈને ત્યાં ગયા અને પાછા આવતા રાતના સાડા અગિયારનો સમય થઈ ગયો. ઘોર અંધારામાં ધૂળિયા રસ્તે તેઓ ઝડપથી સાઈકલ ચલાવીને આવતા હતા. રસ્તામાં એક મહુડાનું ઝાડ આવ્યું. ત્યારે લોકોમાં વાતો થતી હતી કે એ મહુડા ઉપર ભૂત રહે છે. તેઓશ્રીને આ વાત યાદ આવી. ત્યારે જ ત્યાં લગભગ બસ્સો ફૂટના અંતરે મોટા મોટા આગના ભડકા સળગે અને ઓલવાય, સળગે અને ઓલવાય એવું દેખાયું. તેઓશ્રીના મનમાં વહેમ પેઠો કે “લોકો કહે છે એવું ભૂત હશે તો?” એક તરફ ભય તો લાગ્યો, પણ પરમ પૂજ્ય દાદા ભગવાનનો સ્વભાવ પહેલેથી જ સાહસી હતો. જ્યાં જ્યાં અડચણ આવે ત્યાં એક ક્ષત્રિયની જેમ સામા જવાની તેમની ટેવ અને પોતાને કશું થાય નહીં એવો આત્મવિશ્વાસ પણ! તેઓશ્રીએ નક્કી કર્યું, કે ભૂત હોય તો તેનાથી ડરીને ભાગવું નહીં, પણ સામા પડવું.

સાહસ દાખવતા તેઓશ્રીએ સાઈકલની ઝડપ ખૂબ વધારી અને જ્યાંથી ભડકા દેખાતા હતા ત્યાં જ સાઈકલ સાથે પડતું નાખ્યું. પણ ત્યાં તો કોઈ ભૂત નહોતું! ત્યાં એક માણસ બીડી સળગાવતો હતો. પરમ પૂજ્ય દાદાશ્રી સાઈકલ સાથે એ માણસ ઉપર પડ્યા. માણસે તો બૂમાબૂમ કરી કે “ભઈ સાબ, મને ક્યાં મારી નાખ્યો?” પછી તેઓશ્રી એને પાટાપીંડી કરવા લઈ ગયા અને અમુક રૂપિયા આપીને વિદાય કર્યો.

આ પ્રસંગથી પરમ પૂજ્ય દાદાશ્રીએ યુવાનવયે તારણ કાઢ્યું કે રાત્રે અંધારામાં, પવનમાં એ માણસ બીડી પીવા માટે દીવાસળી સળગાવતો હતો. પણ પવનને કારણે દીવાસળી ઓલવાઈ જાય એટલે ફરી ફરી સળગાવતો હતો. એ દીવાસળીનો ભડકો આમ તો નાનો હતો, પણ કલ્પનાના કારણે એ મોટો દેખાતો હતો. મહુડામાં ભૂત છે એવું લોકોએ કહ્યું હતું, તેનાથી વહેમ પડી ગયો હતો, એના પરિણામે આ ભય ઊભો થયો હતો. બીજું કોઈ હોય તો ભડકા દેખીને ભાગી જાય અને “મહુડામાં ભૂત છે” એ લોકમાન્યતાને વધારે દૃઢ કરી નાખે. જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રીએ સાહસ કર્યું જેનાથી લોકમાન્યતા ખોટી ઠરી. વાસ્તવિકતા ખુલ્લી થતાં ભય નાબૂદ થઈ ગયો.

અંધશ્રદ્ધા

ઘણી વખત લોકો સાંભળેલી વાતો ઉપર વિચાર્યા વગર શ્રદ્ધા મૂકી દે છે, પરિણામે સમાજમાં અંધશ્રદ્ધા પ્રચલિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે, એવી માન્યતા પ્રવર્તે છે કે માણસનું મૃત્યુ થાય એટલે યમરાજ જીવ લેવા આવે. રાત્રે કૂતરું રડે એટલે લોકો માને કે યમરાજ આવ્યા, એ કૂતરાને જ દેખાય, હવે એ જીવ લઈને જશે. એટલું જ નહીં, જેમણે જીવનમાં પાપ કર્યા હોય એમને યમરાજ રસ્તામાં મારતા મારતા, ખૂબ દુઃખ આપીને લઈ જાય. યમરાજનું વર્ણન પણ એટલું ભયાનક હોય કે એની કલ્પના કરતાં જ ભય ઊભો થઈ જાય. મરતી વખતે યમરાજના નામથી માણસ પણ ફફડે અને બાળકો તો ખૂબ ગભરાય. મોટા મોટા દાંત અને નખવાળા, લાંબા લાંબા શિંગડાવાળા યમરાજ ભેંસ ઉપર બેસીને આવે. એમણે કાળાં કપડાં પહેર્યા હોય અને ચહેરો ખૂબ બિહામણો હોય.

પરમ પૂજ્ય દાદા ભગવાનને તેર વર્ષની ઉંમરે પાડોશના એક વૃદ્ધ કાકાની સેવામાં રાત રોકાવાનું થયું હતું. કાકા બીમાર હતા અને છેલ્લા દિવસો ગણતા હતા. તેઓશ્રીએ એ ઉંમરે વાત સાંભળેલી એના પરથી ભય ઊભો થયો કે નક્કી યમરાજ આવશે અને કાકાને લઈ જશે, એટલે આખી રાત જાગતા રહ્યા. થોડીવાર આંખ મીંચાઈ પછી ઝબકીને સવારે જાગ્યા તો જોયું કે કાકા તો જીવતા હતા. ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીની યમરાજના ભય સંબંધી જબરજસ્ત વિચારણા ચાલુ થઈ ગઈ હતી કે આની હકીકત શું છે? પછી તો તેઓશ્રી ઠેર ઠેર તપાસ કરતા ગયા. ખૂબ તપાસ કરી પણ સાચી વાત જાણવા ના મળી. એટલે પોતે વિચારણા કરતા રહ્યા. છેવટે પચ્ચીસમે વર્ષે તેઓશ્રીએ ખોળી કાઢ્યું કે જમરા (યમરાજ) નામનું કોઈ જીવડું જ નથી, કોઈ દેવ પણ નથી. યમરાજ નથી પણ નિયમરાજ છે. જગતને નિયમ જ ચલાવ્યા કરે છે. નિયમને આધીન છે આખું જગત. બીજો કોઈ ચલાવનાર નથી. દરેક જીવ નિયમથી જન્મે છે, નિયમથી મરે છે; નિયમથી રાત થાય, નિયમથી દિવસ થાય; કુદરતનો નિયમ જ છે એવો! આવું વાસ્તવિક જ્ઞાન ખુલ્લું કરીને લોકોને નિર્ભય બનવાનો રસ્તો દર્શાવ્યો.

અજ્ઞાનતા

છેવટે તમામ પ્રકારના ભયના પાયામાં અજ્ઞાનતા છે. અધૂરું જ્ઞાન ભય પેદા કરે છે. જેમ કે, આપણે જંગલના રસ્તે પસાર થતાં હોઈએ અને કોઈ કહે કે “રસ્તામાં વાઘ-સિંહ છે.” તો આપણને તરત એ રસ્તે જતાં ભય ઊભો થાય. સહેજ જો ગર્જનાનો અવાજ સંભળાય કે આપણા હોશ ઊડી જાય અને ભયથી થથરી ઊઠીએ. પછી કોઈ આપણને પૂરું જ્ઞાન આપે અને કહે કે “વાઘ-સિંહ છે, પણ પાંજરામાં છે.” તો ભય તરત ગાયબ થઈ જાય અને નિરાંતે જંગલમાંથી પસાર થવાય. એટલે પૂરેપૂરું જ્ઞાન થાય તો ભય જતો રહે, પણ અધૂરા જ્ઞાનથી ભડકાટ રહ્યા કરે. એવું જ બીજું ઉદાહરણ લઈએ. રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને રૂમમાં સાપ પેસતો જોયો, તો એ નીકળે નહીં ત્યાં સુધી ઊંઘ ના આવે. પણ સાપ બહાર નીકળી ગયો છે એવું જ્ઞાન થાય તો ભય આપોઆપ નીકળી જાય. બુદ્ધિનું જ્ઞાન અધૂરું છે. બુદ્ધિના જ્ઞાનથી અમુક અંશે ભય કાઢી શકાય છે. પણ સંપૂર્ણ નિર્ભય થવા માટે આત્મજ્ઞાન જરૂરી છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે ''જગતમાં ભય પામવા જેવું નથી. જે થવાનું છે તે પુદ્‌ગલનું થશે, આપણું કશું જ થવાનું નથી.'' પુદ્‌ગલ એટલે જેનું પૂરણ થાય અને ગલન થાય તે. મન-વચન-કાયા એ પૂરણ ગલન સ્વભાવના છે, વિનાશી છે, ટેમ્પરરી છે. જ્યારે આત્મા શાશ્વત છે, પરમેનન્ટ છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે કોઈ શેઠની દુકાનમાંથી માલ ચોરાઈ ગયો હોય અને શેઠ બૂમાબૂમ કરી મૂકે કે “મારું બધું ચોરાઈ ગયું!” ત્યારે આપણે એમને કહીએ કે “શેઠ તમારું નહીં, આ તો દુકાનનું બધું ચોરાઈ ગયું.” તો તેમને વાત સમજાય. તેવી જ રીતે આત્મામાંથી કશું જતું નથી, જે જાય છે એ બધું પુદ્‌ગલનું જાય છે. એમ બહારના દરેક સંજોગો પુદ્‌ગલને અડે છે, આપણને સ્પર્શી શકતા નથી એવું જ્ઞાન થાય પછી તમામ પ્રકારના ભયથી કાયમની મુક્તિ મળે છે. આપણું પોતાનું સ્વરૂપ આત્મા જ છે એવું ભાન થાય અને આત્માનો અનુભવ હાજર રહે, પછી સંપૂર્ણ નિર્ભયપદ આવીને ઊભું રહે છે. પરંતુ એ દશા ન આવે ત્યાં સુધી ભય ઉપજાવનારી જગ્યાએ સાવચેતી રાખવી જરૂરી છે, પણ ભય રાખવો જરૂરી નથી.

Related Questions
 1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
 2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
 3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
 4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
 5. ભયના કારણો શું છે?
 6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
 7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
 8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
 9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
 10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
 11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
 12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
 13. મારી શંકા ક્યારે જશે?
 14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
 15. કેવા ભય હિતકારી છે?
 16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
×
Share on