Related Questions

નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?

સામાની સમજણ શોધાય?

સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા! એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે 'તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.

'તમે સમજતા નથી' એવું ય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, 'ભઈ, વિચારો તો ખરા, તમે જરા વિચાર તો કરો.' 'સમજતા જ નથી' કહીએ, તો આ બધા ડફોળ જ છે? આવું બોલે છે કે નથી બોલતા લોકો?!

પ્રશ્નકર્તા: બોલે છે. આ બુદ્ધિવાળા એમ જ બોલે છે કે 'આને સમજ નથી.'

દાદાશ્રી: હા, એવું બોલે. સામાને 'તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. 'તમે ના સમજો' એવું ના કહેવાય. પણ 'તમને સમજણ પાડીશ' એવું કહેવું. 'તમે ના સમજો' કહે તો, સામાના કાળજે ઘા વાગે.

Reference: Book Name: વાણીનો સિદ્ધાંત (ગ્રંથ) (Page #385 - Paragraph #1 to #4)

પોઝિટિવ દ્રષ્ટિથી એન્કરેજમેન્ટ                   

આ જગતમાં હંમેશાં 'પોઝિટિવ' લો. 'નેગેટિવ' તરફ ચાલશો નહીં. 'પોઝિટિવ'નો ઉપાય થશે. હું તમને ડાહ્યો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાંય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને 'એન્કરેજ' ના કરીએ તો એ આગળ વધેય નહીં.

મૂરખ કહીએ તોય બગડી જાય ને બહુ ડાહ્યો કહીએ તોય બગડી જાય. કારણ કે ડાહ્યો કહીએ એટલે એના અહંકારને 'એન્કરેજમેન્ટ' મળી જાય અને મૂરખ કહો તો 'સાયકોલોજિકલ ઈફેક્ટ' અવળી પડે. ડાહ્યા માણસને ૨૫-૫૦ વખત મૂરખ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે, 'ખરેખર શું હું ગાંડો હોઈશ?' એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય 'તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી' એમ કરી કરીને 'એન્કરેજમેન્ટ' આપું છું.

દુનિયામાં કોઈને અક્કલ વગરનો કહેશો નહીં. અક્કલવાળો જ કહેજો, તું ડાહ્યો છે, એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે 'તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છે, સમજણવાળી છે.' મેં એને પૂછયું, 'ભેંસને તું આમ કેમ કહે છે?' ત્યારે એણે કહ્યું કે, 'આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે.' ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે?

Reference: દાદાવાણી Sep 2009 (Page #19 - Paragraph #7 & #8, Page #20 - Paragraph #1 & #2)

નેગેટિવ શબ્દોની અસરો કેવી?

એક માણસ છે તે વિચારીને એના મનમાં એમ વહેમ પડ્યો કે વરસ દહાડાથી આ દુકાનમાં છે તે દરરોજ નુકસાન આવ્યા જ કરે છે અને પાછા મહેતાએ ચોરી કરવા માંડી છે. માટે આ દુકાન હવે રહે નહીં. અક્કલવાળો હોય તે એને વહેલી ખબર પડે અને ઓછી અક્કલવાળાને મોડી ખબર પડે. અક્કલવાળો વહેલો હિસાબ કાઢી નાખેને કે આ દુકાન નાદારીમાં જાય. કારણ કે મનમાં એમ નક્કી થયું કે નાદારી, એ ડિસિઝન આવ્યું. એટલે પછી તે શબ્દ એને અસર જ કર્યા કરે. જ્યાંં સુધી એ શબ્દ ખસે નહીં. એટલે હું શું કહું છું તમને જે કાંઈ વિચાર આવે, તે મારે ત્યાં રિડિરેક્ટ કરી દો. ગો ટુ દાદા. નહીં તો અસર કરશે બધું. એક શબ્દ તો બહુ અસરવાળો છે. અસરવાળી ચીજો છે આ, એ ના કરશો. મને તાવ આવ્યો હોય તો હું કોઈ દહાડો કહેતો નથી કે 'મને તાવ આવ્યો'. એ કહું તો અસર થાય.

આપણે લોક કહે છે ને 'મારું મગજ ચાલતું જ નહીં'! મેર ડફોળ, આવું બોલ્યો? 'મારું મગજ ચાલતું જ નહીં', કહેશે. એ તો ત્યાં કાયમ બોજો રહે અને બોજો રહેવાથી પછી બંધ થઈ જાય ધીમે ધીમે. તમે બોલ્યા ને સહી કરી આપી. એટલે પછી તમે રિડિરેક્ટ કરજો દાદાને ત્યાં, કશો વાંધો નહીં.

પ્રશ્નકર્તા: રિડિરેક્ટ કરવાનું આપે ઉત્તમ બતાવ્યું છે..

દાદાશ્રી: હા. પણ, મારે ત્યાં મોકલો. હું બધાંને એ જ કહું છું કે બધું મારે ત્યાં મોકલી આપજો, બા. તારે બોજો તો આવવાનો જ. મનુષ્ય છું, એટલે બોજો આવવાનો.

Reference: દાદાવાણી Sep 2009 (Page #13 - Paragraph #8 to #10, Page #14 - Paragraph #1)

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on