Related Questions

મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’

શું તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેનાં પોતાના આજુબાજુનાં વાતાવરણને એડજસ્ટ થાય છે ?

  • જેવી રીતે નદીનું પાણી સરળતાથી રસ્તામાં આવતા ઝાડ, પહાડ અને પથ્થરોને એડજસ્ટ થાય છે. બધું જ માત્ર પોતાના ધ્યેય સમુદ્ર સુધી પહોંચવા માટે જ.
  • અથવા દુકાળમાં, ઝાડના મૂળિયા પાણી મેળવવા માટે જમીન નીચે ઊંડા અને વ્યાપક ફેલાય છે. આવી રીતે રણમાં ઝાડ એડજસ્ટ થાય છે.
  • અમુક ઋતુમાં, પક્ષીઓ અને પશુઓ તેમનું જીવન બચાવવા માટે સ્થળાંતર કરવું પડે છે.

આ તો માત્ર અમુક ઉદાહરણો છે જ્યાં કુદરતનાં તેમનાં આસપાસનાં વાતાવરણ સાથેનાં એડજસ્ટમેન્ટનાં છે.

પરંતુ …

જીવનમાં એડજસ્ટમેન્ટ પાછળનો આશય શું છે ?

પરમ પૂજ્ય દાદા ભગવાનેએડજસ્ટ એવરીવ્હેર’ ની અનુપમ ચાવી આપી છે. તો ચાલો આપણે તેમના જ શબ્દો માં વાંચીયે કે જીવનમાં એડજસ્ટમેન્ટ પાછળનો આશય શું છે:

પ્રશ્નકર્તા : 'એડજસ્ટમેન્ટ'ની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં સુધી એડજસ્ટમેન્ટમાં આવવું ?

દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. 'દાદા'નું 'એડજસ્ટમેન્ટ'નું વિજ્ઞાન છે. અજાયબ 'એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં 'એડજસ્ટ' નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ?! આ 'ડિસ્એડજસ્ટમેન્ટ' એ જ મૂર્ખાઈ છે. 'એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દૂરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે, એનાથી ચઢાવીએ. છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !!

અત્યાર સુધી એકુંય માણસ અમને ડિસ્એડજસ્ટ થયો નથી. અને આ લોકોને ઘરનાં ચાર માણસો ય એડજસ્ટ થતાં નથી. આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શીખવવાપણું રહેતું નથી. કયું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય.

અહીં ઘેર 'એડજસ્ટ' થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલને પૂળો અહીંથી. પહેલું 'આ' શીખને. ઘરમાં 'એડજસ્ટ' થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત !

સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી. પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ. એટલે કામ કાઢી લેવા જેવું છે.

જીવનમાં સરળ રીતે એડજસ્ટ થઈ શકાય તે માટે ઉપયોગી સમજણ: 

  • આ પૃથ્વી પર બહુ જ ટૂંકા સમય માટે છીએ તો આપણે આપણો સમય ટેમ્પરરી વસ્તુઓ માટે અથડામણ કરવામાં ના વીતાવવો જોઈએ. આપણે મરી જઈશું ત્યારે આપણી સાથે કંઈ જ નહી આવે, તેથી આપણે એડજસ્ટ થઈ જવું જોઈએ.
  • જો આપણે બરફની માલિકી માટે રણમાં દલીલ કરીએ, તો આપણે આપણો સમય વેડફી રહ્યા છીએ, કારણ કે બરફ ઓગળી જશે, અને આપણે ખાલી હાથે રહી જઈશું. ખરેખર, દરેક વસ્તુ એન્ડ વાળી છે, તો એથી સારું તો એડજસ્ટ થવું અને મનની શાંતિ જાળવી રાખવી છે.
  • જો કોઈ ભૂલ કરે તો તમે તેની ભૂલ બતાવવાને બદલે તમે તેની સાથે એડજસ્ટ થઈ જાવ તે જ સારું છે. તમારી સાથે જ એવું કેટલીયવાર બને છે કે તમે ભૂલ નથી કરવા માંગતા, છતાંયે પણ તે થાય છે કારણ કે તે તમારા હાથમાં નથી. એવી જ રીતે, સામી વ્યક્તિ તેમનો આશય ન હોવા છતાં ભૂલ કરે, તો તમારે આ સમજવું જોઈએને એડજસ્ટ થવું જોઈએ. બીજી બાજુ જો તમારા પાર કોઈ કચકચ કરતુ હોય, તો તમારી ભૂમિકા અહીં બદલાઈ જય છે. તમારે એ સમજવું જોઈએ કે તેઓ ક્યાંથી આવે છે, એટલે કે તેમનો વ્યૂપોઈન્ટ શું છે, કારણ કે છેલ્લે તો તેઓ તમારા સારા માટે જ તમને કહેતા હોય છે. જો તમે બંને પરિસ્થિતિમાં તમારો રોલ સમજવા માટે સમર્થ હોય તો એ તમારો જ ફાયદો છે.
  • તમારા ઘરમાં દરેકનું વ્યક્તિત્વ અને રહેણી-કરણી જુદી જુદી છે, પરંતુ છેલ્લે તે બધા તમારા સ્નેહીજનો છે. જો તેમને તમારા ડખા અને કચકચ વિના તેમની રીતે રહેવા દેવામાં આવશે તો તે લોકો ખુશ રહેશે. એટલે જો તમે બધાની પ્રકૃતિ સમજી ને તેમની સાથે એડજસ્ટ થશો તો એ જ બધા માટે સારું છે.
  • જો તમારા જીવનમાં અથડામણ વધી જશે તો, તે મતભેદમાં પરિણમશે, તમારા ઘરમાંથી પ્રેમ જતો રહેશે. તેના બદલે, જો તમે ઘરમાં તમારી આજુબાજુનાં લોકો સાથે એડજસ્ટ થશો તો, તમારી વચ્ચે પ્રેમ રહેશે.
  • જો તમે એડજસ્ટ નહીં થાવ, તો તમે સામી વ્યકિતને દુઃખી કરો છો, તત્ક્ષણે તમને એની મેળે જ દુઃખ પડશે. જો તમે સામી વ્યક્તિનાં દોષ નહી જુઓ તો તમે ખુશ રહી શકશો.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “સંયોગો તો બધા બદલાયા કરવાના. એ પોતે 'એડજસ્ટ' નહીં થાય, તમારે 'એડજસ્ટ' થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપણામાં ભાવ છે. સંજોગોને અનુકૂળ કરવા એ આપણું કામ. પ્રતિકૂળ સંજોગો એ અનુકૂળ જ છે. દાદરો ચઢે છે તે ઘડીએ હાંફ ચઢે છે, પણ શાથી ચઢે છે ? ઉપર જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે !”

જો તમારે જીવનમાં પ્રગતિ કરવી હોય અને અંતર શાંતિ અને સુખનો અનુભવ કરવો હોય તો, ‘એડજસ્ટ એવરીવ્હેર’ એ તમારા ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌથી આવશ્યક અને પ્રથમ સોપાન છે.

×
Share on