શુકન-અપશુકન એટલે કોઈપણ કાર્યનું ફળ શુભ મળશે કે અશુભ તેનો પૂર્વસંકેત. દુનિયાભરમાં શુકન અને અપશુકનને લગતી અનેક માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે બિલાડી આડી આવવી, છીંક આવવી, દૂધ ઊભરાવું, આંખ ફરકવી, અમુક દિવસે વાળ ધોવા, સાંજે કચરો વાળવો વગેરે અપશુકન થવાના ચિહ્નો છે. કાચ તૂટવો એ કેટલાક સંજોગોમાં શુકન અને કેટલાક સંજોગોમાં અપશુકન ગણાય છે. ઘણી વાર અમુક રંગો અને અંકો સાથે પણ શુકન, અપશુકન સંકળાયેલું છે. આ માટે, જુદા જુદા દેશોમાં જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે, જેમાં એક વસ્તુ એક જગ્યાએ શુકનિયાળ કહેવાય તે બીજી જગ્યાએ અપશુકનિયાળ કહેવાય છે.
સમજીને વિચારણા કર્યા વગર શુકન અને અપશુકનની લૌકિક માન્યતાઓનું આંધળું અનુકરણ કરવાથી આપણા સમય અને શક્તિ વેડફાય છે. ખરેખર, મનુષ્યદેહમાં આંતરિક શક્તિઓ પ્રગટ કરવાની છે. શુકન અને અપશુકનમાં પડીને મનુષ્ય પોતાના જીવનની સફળતા કે નિષ્ફળતા બદલ, બહારના નિમિત્તોને દોષિત ઠરાવીને ખોટા આશ્વાસનો લે છે. તેનાથી આંતરિક શક્તિઓ તૂટી જાય છે. ખોટી માન્યતાઓ મગજમાં પેસવાથી પોતે દુઃખી દુઃખી થઈ જાય છે. નિયમ એવો છે કે આપણા મનમાં કોઈ વહેમ કે અંધશ્રદ્ધા જ નહીં હોય, તો કોઈ શુકન કે અપશુકન આપણને નડવાના નથી.
પશ્ચિમના દેશોમાં તેર નંબરને અપશુકનિયાળ માનવામાં આવે છે. એટલે ત્યાં કોઈપણ બહુમાળી મકાનમાં તેરમો માળ જ ન હોય, બારમા માળ પછી સીધો ચૌદમો માળ આવે. તેમજ કોઈપણ રૂમનો નંબર તેર રાખવામાં નથી આવતો, કારણ કે એ નંબરના રૂમમાં કોઈ રહે જ નહીં. હવે તેર નંબર અપશુકનિયાળ હોય તો તેર તારીખે જન્મેલી વ્યક્તિ શું કરે? એની સાથે કોઈ લગ્ન ન કરે? એને જીવનમાં સફળતા જ ન મળે? અમુક દેશોમાં નવનો આંકડો શુકનિયાળ ગણાય છે, તો બીજા અમુક દેશમાં એ જ નવનો આંકડો અપશુકનિયાળ ગણાય છે. એટલે સમજાય કે આ બધી માન્યતાઓ જ છે. સફળતા કે નિષ્ફળતાને આંકડા સાથે કોઈ સંબંધ નથી.
વ્યક્તિગત રીતે આપણે માનતા હોઈએ છીએ કે ફલાણો ડ્રેસ લકી છે. કારણ કે એ ડ્રેસ પહેર્યો હોય ત્યારે કોઈ મહત્ત્વનું કામ સંજોગવશાત્ સફળ થઈ ગયું હોય. પણ પછી અગત્યના દરેક કામ માટે આપણે વારંવાર એ જ ડ્રેસ પહેર્યા કરીએ. કોઈ મોટી વ્યક્તિના ઘરમાં પગલાં થાય તો આપણે કહીએ કે એનાથી લક્ષ્મી ઘરમાં આવી. પણ એ વ્યક્તિ પોતે જે ઘરમાં રહેતી હોય ત્યાં તો તેના રોજ પગલાં થાય છે, તો પોતાને કેમ એનો ફાયદો નથી થતો? એટલે આ માન્યતા જ છે. આપણે માનીએ કે આજે મારી આંખ ફરકી એટલે કંઈક અણબનાવ બનવાનો. ઘરના દરવાજાથી બહાર ડાબો પગ પહેલાં મૂકાઈ ગયો એટલે આજે તો હવે બધું બગડવાનું અને પછી દુઃખી થયા જ કરીએ. હવે ભૂતકાળમાં આવું બધું તો કેટલીય વાર બની ગયેલું હોય, એ બધા પ્રસંગને યાદ કરવાના. એમાંથી એકાદ વખત તો આપણું માનેલું ખોટું પડ્યું જ હોય. એક વખત કાગડો બેઠો ને ડાળ પડી, એટલે દરેક વખતે કાગડો બેસે ને ડાળી પડે જ એ માની લેવાની જરૂર નથી. તેવી રીતે, દરેક વખતે આમ થાય તો અપશુકન થશે જ એ માની લેવાની જરૂર નથી. એ બધી અંધશ્રદ્ધા જ છે.
કેટલાક એમ માને કે આ દીકરો કે દીકરી જન્મ્યા પછી ઘરમાં પરિસ્થિતિ સુધરી. અથવા આ દીકરી કે દીકરાના જન્મ પછી જ ઘરમાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ. લગ્ન પછી ઘરમાં વહુના પગ પડ્યાં ને કોઈનું મૃત્યુ થયું હોય તો આખી જિંદગી વહુને સાંભળવું પડે. હકીકતમાં આપણું જ કર્મ આપણને ફળ આપે છે. પાપકર્મ ફળ આપે ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય અને આપણું પુણ્યકર્મ ફળ આપે ત્યારે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય. પોતાના જ કૉઝીઝની ઈફેક્ટ આવે છે, તેમાં કાળ, જગ્યા, સંજોગો અને વ્યક્તિ એ બધા નિમિત્ત હોય છે. એમાં એ લોકોનો શું વાંક? એટલે કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ મૂકવો એ એક પ્રકારની ખોટી માન્યતા કે અંધશ્રદ્ધા જ છે. કોઈ વ્યક્તિ આપણને અડી શકે નહીં, દુઃખ આપી શકે નહીં. આ જગતમાં અવળી સમજણ જ દુઃખ આપે છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, જીવ કે પરિસ્થિતિ દુઃખ નથી આપી શકતા. આપણી સમજણ ઊંધી હોય તો દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. જ્યારે એ જ સમજણ સવળી થાય તો દુનિયામાં દુઃખ નામની વસ્તુ આપણા માટે રહેશે નહી. એટલે અંધશ્રદ્ધાની અવળી માન્યતાઓ આપણા મગજમાં ઘૂસવા ન દેવી, નહીં તો એ નડ્યા જ કરશે.
ભારતમાં રસ્તામાં બિલાડી કે ગધેડું આડા આવે તો અપશુકન મનાય છે. જ્યારે કેટલાક દેશોમાં કાળી બિલાડી રસ્તો કાપે તો શુકન મનાય છે. એમાં સાચું શું? આપણે કહીએ કે આજે રસ્તામાં બિલાડી આડી ઊતરી એટલે નુકસાન થયું. હવે બન્યું એમ હોય કે, બિલાડીને જોતાં જોતાં જતાં હોઈએ અને શંકા પડે કે નુકસાન થશે, એમાં ગફલત ખાઈને પગથિયું ચૂકાય ને પડી જવાય. પછી કહીએ બિલાડી જોઈ એટલે થયું! બિલાડી તો રોજ આ રસ્તેથી પસાર થતી હતી, પણ આપણા જોવામાં આવી એટલે શંકા પડી, નહીં તો કશું નહોતું. એક વખત શંકા પડી કે બિલાડી નડી, એટલે પછી એ નડવાની શરૂઆત થાય અને પોતે આખો દિવસ દુઃખી થયા કરે. વાસ્તવિકતામાં બિલાડી નડતી નથી, આપણી શંકા નડે છે. આપણા કર્મના હિસાબે જે બનવાનું છે એ તો બનશે, એમાં બિલાડી જોવાથી કોઈ ફેરફાર કેવી રીતે થાય? માટે, આપણને દુઃખી કરે એવી માન્યતાઓને બાજુએ મૂકી દેવાની. માનનારાને અપશુકન થાય, ન માનીએ તો કશું ન થાય. ખરેખર તો બિલાડી, ગધેડું, ઘુવડ વગેરે દરેક જીવમાં આત્મા છે. દરેક જીવની અંદર ભગવાન બેઠા છે, પરમાત્મા છે, એવી દૃષ્ટિથી જોઈએ તો ક્યાંથી અપશુકન થાય? એવી દૃષ્ટિથી દરેક જીવને જોઈએ તો કોઈ અપશુકન ન થાય અને આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શકાય.
ભારતમાં કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ચોઘડિયું જોઈને શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે, જેથી કાર્ય નિર્વિઘ્ને સફળ થાય. પણ ઘણી વખત શુભ મુહૂર્ત જોઈને આદરેલું કાર્ય પણ પૂરું નથી થતું. જો ખરેખર આ વસ્તુ વૈજ્ઞાનિક હોય તો તેના સિદ્ધાંતમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ. સિદ્ધાંત એટલે શું કે હાઈડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ ભેગા થાય એટલે પાણી જ બને. પછી કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ કાળે, કોઈપણ સંજોગોમાં એ સિદ્ધાંત અફર હોય. પણ જો સિદ્ધાંતમાં ફેરફાર થાય તો સમજવું કે તેમાં વિરોધાભાસ છે, તે વૈજ્ઞાનિક નથી. ચોઘડિયું જોઈને કાર્ય કરવામાં ક્યારેક લાભ થાય ને ક્યારેક ગેરલાભ થતા હોય તો સમજવું કે આમાં સિદ્ધાંત નથી. મારા સારાં-નરસાં કર્મોના આધારે મને લાભ-ગેરલાભ થાય છે. ખરેખર તો આપણને શ્રદ્ધા હોય તે ભગવાનને કે દેવ-દેવીઓને પ્રાર્થના કરીને જે સમયે કામ શરૂ કરીએ તે શુભમાં શુભ ચોઘડિયું છે. એવું પણ કહેવાય છે કે ચોમાસામાં દેવ પોઢી જાય એટલે લગ્ન માટે શુભ મુહૂર્ત નથી હોતું. પણ વાસ્તવિકતામાં ચોમાસામાં લગ્ન લેવા જાય તો વરસાદની ઋતુમાં વરઘોડો કાઢવો, ફટાકડા ફોડવા, મોંઘા કપડાં પહેરીને નીકળવું એ બધું શક્ય ન બને. ભારત ખેતીપ્રધાન દેશ છે, એટલે પહેલાં ખેડૂતો ચોમાસામાં ખેતી કરવામાં વ્યસ્ત રહેતા એટલે લગ્ન માટે સમય ન હતો. એટલે કેટલાક મુહૂર્ત નક્કી કરવા પાછળ હેતુ સામાજિક વ્યવસ્થા જાળવવાનો હોઈ શકે. બીજી બાજુ જોઈએ તો ધાર્મિક કથાઓ ચોમાસાની ઋતુમાં ધમધોકાર ચાલતી હોય છે, તો એમાં મુહૂર્ત નહીં નડતું હોય? એટલે આપણે આવી અંધશ્રદ્ધામાં પડવું નહીં. જે સમયે જે કાર્ય કર્યું તે યોગ્ય છે એમ માનીને ચાલવું.
વાસ્તુશાસ્ત્ર અને ફેંગશૂઈ જેવી પ્રાચીન પ્રણાલી મુજબ રહેઠાણની રચના, ફર્નિચરની ગોઠવણી અને ઘરમાં અમુક વસ્તુઓ વસાવવાની પ્રથા ચાલતી આવી છે. તેમાં ઘરનો દરવાજો, પલંગ વગેરે અમુક દિશામાં રાખવું શુકનવંતું ગણાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે, એવું મનાય છે. મોટે ભાગે લોકો આર્થિક, શારીરિક કે કૌટુંબિક મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી ઘર ઓફિસ કે ફેક્ટરીમાં તોડફોડ કરાવીને બાંધકામની દિશામાં ફેરફાર પણ કરાવે છે.
વાસ્તવિકતામાં જોવા જઈએ તો ઘણા લોકો વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે મકાન બંધાવે છે, તેની પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, છતાં તેમને કાયમ સફળતા નથી મળતી. ઘણી વાર વાસ્તુશાસ્ત્રીઓ પાસે જઈને તો તેઓ કહે છે કે તમે જે ઘરમાં રહો છો ત્યાં બારણું દક્ષિણ દિશામાં છે, તેથી લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે. પોતે એ ઘરમાં વીસ વર્ષથી રહેતી હોય તે વ્યક્તિ પણ આવી વાતમાં આવી જાય છે અને ઘરમાં તોડફોડ કરીને દરવાજાની દિશા બદલાવે છે. પોતાની નિષ્ફળતાનો દોષ બારણાને આપવાથી આશ્વાસન મળે છે. તેમ છતાં ખોટ તો પૂરી થતી નથી, ઉપરથી દરવાજો બદલવાનો ખર્ચો આવે છે. ધારો કે, ફેરફાર થાય તો પણ તે સંજોગને આધીન હોય છે. કારણ કે ખોટનો કાળ અમુક સમય માટે જ હોય, એ પૂરો થતાં નફો થવાનો જ હોય છે. પણ વ્યક્તિ માની બેસે કે દરવાજો બદલવાથી નફો થયો. આમ અંધશ્રદ્ધા ઘર કરી જાય છે. એક વખત માન્યતા પેસી ગઈ કે આ દરવાજો ખોટી દિશામાં છે કે આ કબાટ ખોટી જગ્યાએ મૂકાયું છે, તો પછી પોતે સતત દુઃખી થયા કરે કે એના આધારે પરિસ્થિતિ બગડી છે. જો વાસ્તુશાસ્ત્ર કે ફેંગશૂઈના આધારે સુખ, સમૃદ્ધિ મળતાં હોય, તો બધા વાસ્તુશાસ્ત્રીઓના જીવનમાં કોઈ દુઃખ ન હોવા જોઈએ. પણ એવું જોવામાં આવતું નથી.
શાસ્ત્રના આધારે કરેલી જે ક્રિયા ક્યારેક સફળ થતી હોય અને ક્યારેક સફળ ન થતી હોય, તો સમજવું કે એ સત્ય નથી. જેમ પાણીને ગરમ કરીએ તો વરાળ થાય ને વરાળ ઠંડી પડતાં પાણી જ બને એ સિદ્ધાંત છે. તેમ વાસ્તવિકતામાં જો વાસ્તુશાસ્ત્ર કે ફેંગશૂઈ પાછળ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય તો તો દરેક વ્યક્તિને ફળવો જોઈએ. પણ જો એમ ન થાય તો તે વિજ્ઞાન નથી, માન્યતા જ છે. મનુષ્યના પુણ્ય-પાપના આધારે સુખ-દુઃખ પડે છે, વસ્તુ કે ઘર નડતા નથી. પાપ અને પુણ્યનો ઉદય-અસ્ત, ઉદય-અસ્ત થાય એમ ચક્કર ચાલ્યા જ કરે છે. કોઈ વસ્તુની જગ્યા બદલી, દરવાજાની દિશા બદલવાથી આપણા કર્મમાં ફેરફાર થાય એ બનવાનું નથી. ખરેખર, વાસ્તુશાસ્ત્રના પહેલા પાને લખેલું છે કે, જે આત્મામાં રહે છે તેને માટે વાસ્તુશાસ્ત્રની જરૂર જ નથી.
Q. જ્યોતિષમાં માનવું જોઈએ કે નહીં?
A. વિશ્વભરમાં અને તેમાંય ભારતમાં લોકો આર્થિક, કૌટુંબિક કે શારીરિક સમસ્યાઓના નિરાકરણ માટે, તેમાંય ખાસ... Read More
Q. શું માતાજીનું ધૂણવું, મેલીવિદ્યા અને ભૂત-પ્રેત હકીકતમાં હોય છે?
A. ભારતના ગામડાઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ પ્રવર્તતી હોય તો તે માતાજી ધૂણવા બાબતની છે. લોકો એવું... Read More
A. ભારતમાં લોકો જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ આવે એટલે જ્યોતિષી, ભૂવા અને તાંત્રિકો પાસે જાય. એ લોકો કહે... Read More
A. ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ હાથમાંથી કંકુ કે રાખોડી કાઢે, ખાલી હાથ ઘડિયાળ લઈ આવે, આંખથી વસ્તુ... Read More
subscribe your email for our latest news and events