Related Questions

ત્રિકાળજ્ઞાન કોને કેહવાય? શું સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે?

ત્રિકાળજ્ઞાન

વર્તમાનમાં રહી ત્રણે કાળનું દેખે તે ત્રિકાળજ્ઞાન

પ્રશ્નકર્તા: ત્રિકાળજ્ઞાનની ખરી ડેફિનેશન કહોને.

દાદાશ્રી: એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન, ત્રણેય કાળમાં શું સ્થિતિ થશે એનું જ્ઞાન, એને ત્રિકાળજ્ઞાન કહ્યું છે. ભૂતકાળમાં શું હતું, વર્તમાનમાં શું છે, ભવિષ્યકાળમાં શું થશે, એવું એને જ્ઞાન છે. એને ત્રિકાળજ્ઞાન કહ્યું.

ત્રણ કાળના જ્ઞાનને આપણા લોકો શું સમજે છે કે પહેલા થઈ ગયું તે, અત્યારે થાય છે તે અને ભવિષ્યમાં થશે તેય દેખી શકે, એવું જ કહે છે ને?

પ્રશ્નકર્તા: હા, બરોબર, એ ત્રિકાળ.

દાદાશ્રી: પણ એવું નથી. ત્રણે કાળનું જ્ઞાન એટ-એ-ટાઈમ હોય ખરું, બુદ્ધિપૂર્વકથી સમજો તો? બુદ્ધિપૂર્વક સમજે તો ભવિષ્યકાળને વર્તમાનકાળ જ કહેવાયને? ત્રણેય કાળનું અત્યારે જો દેખાતું હોય આપણને તો એ કયો કાળ કહેવાય?

પ્રશ્નકર્તા: વર્તમાન, બરોબર છે.              

દાદાશ્રી: વર્તમાન કાળ જ કહેવાય ને! ત્રણ કાળનું જ્ઞાન કહેવાય છે, પણ એ ત્રણ કાળનું જ્ઞાન કેવી રીતે છે? ત્રિકાળજ્ઞાન એવી વસ્તુ છે, કે આજે આપણે કોઈ વસ્તુ જોઈ, સાદી બાબતમાં તો આ ઘડો જોયો, તે આજે વર્તમાનકાળમાં ઘડો છે. અત્યારના ઘડો જોયો એ જ્ઞેય કહેવાય. હવે આ ઘડો થયો છે, એ ભૂતકાળમાં શું હતો, મૂળ પર્યાય શું હતા, એ જ્ઞાન અમને કહેશો? ત્યારે કહે, હા, મૂળ માટીરૂપે હતો. માટીમાંથી એને પલાળી અને એમાંથી કુંભારે એને ચાકડા પર મૂકીને ઘડો બનાવ્યો. પછી એને પકવ્યો. પછી બજારમાં વેચાયો અને આ દેખાય છે એવો થયો. ત્યારે કહે, ભવિષ્યમાં શું થશે? ત્યારે કહે, અહીંથી એ ઘડો ભાંગી જશે. ત્યાંથી પછી ધીમે ધીમે એની ઠીકરીઓ થશે. ઠીકરીઓ છે તે ઘસાતી ઘસાતી ફરી પાછી માટી થશે. એટલે વર્તમાનમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બેઉ સાથે વર્ણન કરી શકે. દરેક પર્યાયો બતાવી શકે, ભવિષ્યકાળના પર્યાય અને ભૂતકાળના પર્યાય. એટલે દરેક વસ્તુની ભૂતકાળ ને ભવિષ્યકાળની સ્થિતિ વર્તમાનમાં કહી આપે એનું નામ ત્રિકાળજ્ઞાન.

Reference: Book Name: આપ્તવાણી 14 Part 3 (Page #273 - Paragraph #1 to#7, Page #274 - Paragraph #1)

 ભૂત, ભવિષ્ય જાણે તે કાળ વર્તમાન જ!

પ્રશ્નકર્તા: સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધા ય પર્યાય જાણે?

દાદાશ્રી: વર્તમાનમાં બધા પર્યાયને જાણે એવું. કૃપાળુ દેવે આનો બહુ સારો અર્થ કર્યો છે. એક સમયે આ પર્યાય આવા હતા તે પણ જાણે ને આ પર્યાય આવા થશે એવું પણ જાણે, સાવ આવા થઈ ગયા એવું ય જાણે.

એટલે એ સર્વજ્ઞ બધું જે જાણે છે એક કાળે તો તે ભવિષ્યકાળ ને ભૂતકાળ રહ્યું જ નહીં પછી, વર્તમાન કાળ જ છે બધું.

પ્રશ્નકર્તા: હા, એમને માટે વર્તમાન કાળ છે.

દાદાશ્રી: એટલે વર્તમાન કાળમાં ભવિષ્યકાળ દેખી શકે નહીં, એટલે પછી એમણે કહ્યું કે આવી રીતે દેખાય, તીર્થંકર ભગવાને, કે આ ઘડો આજે જોયો તે મૂળ આવી રીતે હતો.તેમાંથી આમ થયું, તેમાંથી આમ થયું, આમ પર્યાય થતા થતા માટી થઈ જશે. એવી રીતે જીવો છે, એટલે બધા પર્યાયને જાણે એ.

પ્રશ્નકર્તા: તીર્થંકર સર્વ જીવના સર્વ વસ્તુના પર્યાયને જાણે?

દાદાશ્રી: હા.

પ્રશ્નકર્તા: જેનામાં ઉપયોગ મૂકે એ બધાને જાણેને?

દાદાશ્રી: એમણે વસ્તુ જોઈ કે બધા પર્યાય કહી આપે, હવે પહેલા કેવા પર્યાય હતા ને હવે પછી! ઉપયોગ જ હોય, કેવળજ્ઞાન એટલે શુદ્ધ ઉપયોગ, કમ્પ્લીટ શુદ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા: પણ એ તો બીજા ઉપર તો ઉપયોગ ના હોય ને? પોતાના સ્વભાવમાં હોય.

દાદાશ્રી: એ જ સ્વભાવ!

પ્રશ્નકર્તા: પણ એ બધાના પર્યાય પ્રતિબિંબ થાય?

દાદાશ્રી: પણ એ જ કેવળજ્ઞાન સ્વભાવ, સર્વ પર્યાયને જાણવા એનું નામ શુદ્ધ ઉપયોગ.

પ્રશ્નકર્તા: એ ખરું બરાબર, પણ કોના જાણે, ક્યા વખતે!

દાદાશ્રી: એ જાણવાનો પ્રયત્ન ના હોય એટલે એ જાણે ફક્ત. સહજસ્વભાવે બધાં પર્યાય આમ હતા એવું જાણે ને આમ થશે એવું જાણે પછી બીજો એનો અર્થ કરવા જઈએ, તો બધો ઊંધો થઈ જાય.

Reference: Book Name: આપ્તવાણી 11 પૂર્વાર્ધ (Page #251 - Paragraph #3 to #9, Page #252 - Paragraph #1 to #8)       

×
Share on