Related Questions

ભૂતકાળને મેમરી / યાદગીરી સાથે કનેક્શન ખરું કે નહીં?

રાગ-દ્વેષ પ્રમાણે મેમરી!

પ્રશ્નકર્તા: દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં? અને મેમરી તો નેચરલ ગીફ્ટ છે એવું કહીએ છીએ ને?

દાદાશ્રી: ના, ના. ગીફ્ટ એટલે આમ કોઈ ઈનામ આપી દે એવું નથી. નેચરલ ગીફ્ટનો કહેવાનો ભાવાર્થ શો છે કે એના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એને મેમરી હોય જ. હવે રાગ-દ્વેષ કેટલાક લોકોને શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય.તે શાસ્ત્રો વાંચ વાંચ કરે તો ય યાદ ના રહે. એટલે પછી એને ડફોળ કહે. બીજી પાર વગરની મેમરી હોય એને. પણ બીજી કામ લાગે નહીં ને, લોક તો ડફોળ જ કહે ને? અને અહીં શાસ્ત્રોમાં આપણે તો હુશિયાર કહે, બહુ મેમરીવાળો છે. એટલે એને ગીફટ કહે લોકો. અને મેમરી હંમેશા ય ભૂતકાળમાં જ હોય ને? ભૂતકાળની જ વસ્તુ ગણાય, મેમરી. આપણને મેમરીને લેવા-દેવા નહીં. મેમરી તો આપણને અહીં આગળ જ્ઞાનમાં વિસ્મૃત થવી જોઈએ. સ્મૃતિ છે તે વિસ્મૃત થવી જોઈએ.

પ્રશ્નકર્તા: પણ ભૂતકાળ તો કાયમ વંચાય જ ને?! ભૂતકાળ તો કાયમ કોઈ પણ પગલું મૂકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે, એનાં ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને ? એટલે મેમરી પર જ આખું આવે ને?

દાદાશ્રી: હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટીવ વસ્તુ છે. આપણે રિયલની વાત કરીએ છીએ. આ રિલેટીવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને તો અમને એવું પાછલી યાદગીરી આવે ભૂતકાળની. એ કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં કેવું ફરતા'તા ને કેવી મઝા કરતા'તા ને આ શું ને આમ તેવું, એવું બધું યાદ આવે તો શું થયું?

પ્રશ્નકર્તા: ડખોડખલ.

દાદાશ્રી: માટે વર્તમાનમાં રહો.

પ્રશ્નકર્તા: એ વિસારે કેવી રીતે પડે બધાને? આજે મારો ભૂતકાળ છે તે આજે એને બહાર મૂકવા માટે શું કરવાનું? એ તો મેમરી ઉપર જ જશે ને? કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો ખુલ્લો થવાનો ને?

દાદાશ્રી: આ રિલેટીવમાં તો ભૂતકાળનું આલંબન લઈને ચાલ્યા જ કરે છે બધું?

ભૂતકાળના સરવૈયારૂપે જ આ વર્તમાનકાળ હોય છે. એટલે ભૂતકાળ તમારે કશો યાદે ય ના કરવો પડે. તમારી છોડીનો વિવાહ કર્યો તો એ ભૂતકાળ તમારા સરવૈયારૂપે આ જ વર્તમાનમાં હોય જ તમારી પાસે એટલે તમારે કશું જ કરવાનું નહીં, વર્તમાનમાં રહો. શું શર્તો કરી હતી, શું એ બધું નક્કી કરેલું, બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશા ય પડી જ જાય છે. ભૂતકાળ ઊભો રહેતો નથી, પડી જ જાય છે.

×
Share on