Related Questions

જો ભવિષ્યની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? આવતી કાલની ચિંતા શા માટે ના કરવી?

ભૂતકાળ, 'અત્યારે' કોણ સંભારે?

પ્રશ્નકર્તા: આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે?

દાદાશ્રી: આવતી કાલ હોતી જ નથી. આવતી કાલ તો કોઈએ જોયેલી જ નહીં જગતમાં. જ્યારે જુઓ ત્યારે 'ટુડે' જ હોય. આવતી કાલ તો મુશ્કેલીના સાધન તરીકે છે. ગઈકાલનો અર્થ જે કાળ ગયો તે. ભૂતકાળ એનું નામ ગઈકાલ. એટલે આવતી કાલની ચિંતા કરવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા: તો અગાઉથી ટિકિટ શી રીતે કઢાવો છો?

દાદાશ્રી: એ તો 'એવિડન્સ' છે. એ સાચું નાય પડે કોઈ દિવસ. આ તમે પ્રોગ્રામ નથી કરતા કે ૨૫મી તારીખે મુંબઈ જવું છે, ૨૮મી તારીખે વડોદરા જવું છે? એ બધું તમને 'વિઝન' છે જ. એ 'વિઝન'થી તમે યથાર્થ રીતે જોતા નથી. તમે આમ બગવાયા બગવાયા 'વિઝન'થી જુઓ છો. યથાર્થ 'વિઝન'માં તમે સ્થિરતામાં રહીને જોઈ શકો. નિયમ એવો છે કે અમુક બાઉન્ડ્રી સુધી તમે જુઓ તો તમને યથાર્થ 'વિઝન' મળશે ને એ 'બાઉન્ડ્રી'ની આગળ આજે જોશો તો અત્યારે ઠોકર ખાશો. જેની જરૂર નથી એને જોશો નહીં. આપણે ઘડિયાળ આગળ જો જો કરીએ તો ઊલટું અહીં આગળ ઠોકર વાગે. એટલે આ 'વિઝન'માં અમુક હદ સુધીનું જ જોઈ જોઈને ચાલવું.

જ્યાં આવતી કાલ નામની વસ્તુ જ નથી એનો અર્થ શો? જે કાળ ચાલી રહ્યો છે તે આજ છે અને ગયા કાળને ગઈકાલ કહે છે, એ ભૂતકાળ છે. ભૂતકાળને તો કોઈ મૂર્ખોય ના સંભારે, ને આવતી કાલ 'વ્યવસ્થિત'ના હાથમાં છે. માટે વર્તમાનમાં રહો, એક વર્તમાનકાળમાં જ રહો.

Book Name: આપ્તવાણી-4 (Page #213 and Page #214)

ભવિષ્યમાં પડે તો ખોવે સુખ!

આ વર્તમાનમાં આપણને સુખ છે, જે પાર વગરનું સુખ છે, એ ભવિષ્યકાળનો વિચાર કરવા જતા આ સુખ બગડી જાય છે. એટલે આય સુખ ભોગવાતું નથી અને ભવિષ્યેય બગડે છે. તે આપણે કહીએ કે આ ભવિષ્યકાળનું બધું વ્યવસ્થિતના તાબામાં ગયું. હવે જ્યાં આપણા તાબામાં નથી વસ્તુ, એની ભાંજગડ કરીને શું કામ છે? કેટલીક વસ્તુ મારા તાબામાં હોય એને તમે કહો કે દાદાના તાબાની વાત છે, મારે શું કરવા ભાંજગડ કરવી? એવી રીતે 'વ્યવસ્થિત'ના તાબાની આપણે ભાંજગડ કરવાની જરૂર શું? તમને અનુભવમાં આવી ગયું બધાને? એક્ઝેક્ટ 'વ્યવસ્થિત' છે. હવે ઘડી પછી શું થશે એ 'વ્યવસ્થિત'ને તાબે છે. એટલે આ આગળની ચિંતા છોડી દો.

આ બધા તમારા મિત્રો-બિત્રોને, બધાને ભવિષ્યની ચિંતા ખરી, ખૂંચ્યા કરે. આમ થઈ જશે તો આમ થશે! લોક તો શું કહે છે કે, આગળનું જોવું તો પડે ને? અરે પણ, બે-ત્રણ દહાડાનું જોવાનું હોય, વીસ વરસનું જોવાનું હોતું હશે? હજી છોડી ત્રણ જ વરસની છે. બાવીસ વરસની થઈ હોય તો સમજણવાળી વાત કહેવાય. ભવિષ્યકાળનો અગ્રશોચ ને એ બધી કેટલી ઉપાધિઓ થાય! તે અલ્યા, હજી છોડી મરશે કે જીવશે, તું જીવીશ કે મરીશ! મૂઆ, આની શું કરવા આજથી ભાંજગડ લઈને બેઠો છું તે? ત્યારે છોડીને પૈણાવા હારુ પૈસા જોઈશે ને આમ જોઈશે ને! અલ્યા, તે ઘડીએ જોઈ લેવાશે, પણ આજ તો હમણે મજા કર!

Book Name: આપ્તવાણી-11 (U) (Page #262 and Page #263)

×
Share on