Related Questions

શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?

નિશ્ચય કરે કોણ?

પ્રશ્નકર્તા: મારું મન નિર્બળ કેમ રહે છે?

weak mind

દાદાશ્રી: શરીર સારું રહે છે ને? હેં? વળી મન તો છો ને નિર્બળ રહે, આપણને શો વાંધો છે? બળવાન મન તો તમારું તેલ કાઢી નાખે. નિર્બળ શાને કહો છો? બહુ જોશ નથી કરતું?

પ્રશ્નકર્તા: સંકલ્પ નથી રહેતો? એટલે કે પોતે જે કંઈ નિશ્ચય કરે, એને વળગી નથી રહી શકાતું.

દાદાશ્રી: નિશ્ચય મન કરતું જ નથી. એ તો પેમ્ફલેટો મૂક મૂક કર્યા કરે. નિશ્ચય તો બુદ્ધિ કર્યા કરે. એટલે બુદ્ધિની જરાક કચાશ છે. મન તો પેમ્ફલેટો ફેરવે કે અહીંથી આમ ચાલીને જઈશું. ટેક્સી કરી લઈશું, બધું બોલે, જેટલું હોય એટલું. પણ બુદ્ધિનો નિશ્ચય જોઈએ. એટલે નિશ્ચય થતો નથી? ડિસિઝન જલ્દી લેવાતું નથી?

પ્રશ્નકર્તા: નહીં.

દાદાશ્રી: એ બુદ્ધિ દોષ છે, મનનો વાંધો નથી. જલ્દી ડિસિઝન લેવાનું હોય તો જલ્દી લેવાય નહીં. તને આપણે અહીં જ્ઞાન આપીશું ને તેનાથી બુદ્ધિ શક્તિ વધી જશે. પછી ડિસિઝન લેવાશે. બીજી કઈ મુશ્કેલી છે?

પ્રશ્નકર્તા: આ મરકટ મનમાં અનેક વિચારો આવ્યા કરે છે તો એક વિચારને ફળીભૂત કરવા માટે શું કરવું જોઈએ?

દાદાશ્રી: વિચારને ફળીભૂત કરીએ તો પાછો મરકટ થાય. એનાં કરતા એ વિચારને ધ્યાન પર જ ના લેવું એ સારું. વાંદરું છે એને દારૂ પાઈએ, શું થાય પછી? કૂદાકૂદ ચાલી. એને પછી વીંછી કૈડે, જોઈ લો એ મજા પછી.

પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એવો છે કે આપણા બધા વિચારોમાંથી કોઈ એક વિચાર આપણે ફળીભૂત કરવો હોય તો આપણે શું કરવું?

દાદાશ્રી: કયો વિચાર ફળીભૂત કરવો છે?

પ્રશ્નકર્તા: ઔદ્યોગિક બાબતમાં.

દાદાશ્રી: હા, એ તો આપણે નક્કી કરવું. જે વિચાર આપણને આવતો હોય તે નિશ્ચય કરવો કે 'આ જ કરવું છે હવે.' એટલે તરત ફળીભૂત થાય. તમે એ વિચાર ઉપર નિશ્ચય કરો. હા, સ્ટ્રોંગ નિશ્ચય. એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ લો કે મારે આજ કરવું છે, બીજું નહીં હવે. તો એ સીધું થઈ જાય, એને લાઈન મળી જાય.

એવું પૂછો છો ને તમે? બીજું કશું પૂછો છો? ડિસિઝન લઈ લો, કોઈ રોકશે નહીં પછી. તમારું સાચું ડિસિઝન હશે તો ભગવાન પણ રોકી શકે નહીં, કારણ કે ભગવાનથી કોઈની આડખીલી ના કરાય. નહીં તો ભગવાનનું પદ જતું રહે. એ આડખીલી કરે તો ભગવાનનું પદ જતું રહે. એટલે એય સમજે છે કે મારી આ ડિગ્રી જતી રહેશે, એનેય ભય લાગ્યા કરે.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on