Related Questions

શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?

mind

નોટો ગણતી વખતે!

પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એ હતો કે સતત જપ કરીએ, માળા ફેરવીએ તોય એકાગ્રતા કેમ નથી થતી?

દાદાશ્રી: પણ વ્યગ્રતા તો થાય છે? એકાગ્રતા કરતાં વ્યગ્રતા મોટી, તે મોટી સારી કે નાની સારી? બે થવાનું, કાં તો એકાગ્રતા થવાની કાં તો વ્યગ્રતા થવાની.

પ્રશ્નકર્તા: એકાગ્રતા સારી ને?

દાદાશ્રી: કોણ હરકત કરે છે એમાં?

પ્રશ્નકર્તા: મન. મનની એકાગ્રતા નથી રહેતી. ખૂબ ચિંતન કરીએ પણ પાછું ફરી જાય.

દાદાશ્રી: હા. પણ મન તો હવે ઘૈડું થઈ ગયું હશે ને કે જવાન છે હજુ?

પ્રશ્નકર્તા: જે છે એવું છે.

દાદાશ્રી: નહીં, ઘૈડું થઈ ગયેલાને શું જોવાનું? છો ને બૂમાબૂમ કરે. આપણે જુદા, મન જુદું. તમે ને મન, બે જુદાં નહીં?

પ્રશ્નકર્તા: મન જુદું ન હોવું જોઈએ.

દાદાશ્રી: તો એક જ હોય? ભગવાનની ભક્તિ કરતી વખતે મન ઠેકાણે રહે છે? મન આઘુંપાછું થાય છે?

પ્રશ્નકર્તા: આઘુંપાછું થાય છે હવે. એવી કંઈક ચાવી બતાવો કે જેથી હંમેશા મન સ્થિર થાય.

દાદાશ્રી: એ મનનો દોષ નથી, દોષ આપણો છે. મન એવું નથી. મન તો બહુ સારું છે બિચારું. જે મન આઘુંપાછું થાય છે, જંપવા દેતું નથી, એ આપણો દોષ છે. તમે બેંકમાં જાવ, દસ હજાર રૂપિયા લેવાના હોય, તે ઘડીએ મન સારું રહે કે ના રહે? મન એકાગ્ર રહે?

પ્રશ્નકર્તા: હા, રહે.

દાદાશ્રી: ત્યારે બળ્યું, પૈસો વહાલો છે અને ભગવાન વહાલો નથી. ભગવાન જો એટલો વહાલો હોય તો મન એમાં રહે જ. પૈસાની ઉપર વહાલ વધારે છે ત્યારે એની પર રહે જ. તો મનને ભટકવાની ટેવ નથી. તમે વાંકા છો. મન તો બહુ ડાહ્યું છે. જો પૈસા હોય તો આમ પઈ એ પઈ ગણે. સામો છોકરો આવે તોય એની સામે જુએ નહીં. નહીં તો ગણવામાં ભૂલ થાય, એટલા હારુ. એટલે મન તો તમારું બહુ સરસ છે. આ ભૂલ જ તમારી છે કે તમને પૈસા ઉપર પ્રિયતા વધારે છે અને ભગવાન ઉપર પ્રિયતા નથી. જ્યાં પ્રિયતા વધારે હોય ત્યાં મન સ્થિર થાય. પૈસા ગણતી વખતે મન ચોક્કસ રહે કે ના રહે?

પ્રશ્નકર્તા: હા, રહે ને!

દાદાશ્રી: જુઓને, કેવો ડાહ્યો! એ ઘડીએ એની વાઈફ બોલવવા આવે તો કહે, 'હમણે નહીં, પછી આવજો.' તેય ગણતરીમાં ભૂલ ન થાય એટલા હારુ. ત્યાં બહુ પાકો.

પ્રશ્નકર્તા: પૈસામાં તો એકાગ્રતા રહે જ ને?

દાદાશ્રી: તો બોલો હવે, ત્યાં રહે ને ભગવાનની પૂજામાં નથી રહેતું. શું ભેદ હશે એમાં? અરે, શાક લેતી વખતે એકાગ્ર રહે અને અહીં નથી રહેતું, એનું શું કારણ? આ તો ના છૂટકે કરવું પડે છે, પરાણે, ફરજિયાત! આ નહીં કરીએ તો બગડી જશે એવા ભયથી કરીએ છીએ. જેટલી પૈસા જોડે રુચિ એટલી ભગવાન જોડે રુચિ ના જોઈએ? તે કેમ રાખતા નથી?

પ્રશ્નકર્તા: હવે એના માટે રસ્તો શો?

દાદાશ્રી: ભગવાન પર રુચિ કરવાનો રસ્તો તો, અહીં આવજો. હું તમને બતાડીશ બધો. પણ રુચિ થઈ નથી. લક્ષ્મી ઉપર રુચિ છે. બાકી મન એકાગ્ર તો કરી શકે એવું જ છે. મન બધી શક્તિવાળું છે. મન ફ્રેક્ચર નથી થઈ ગયું. આપણો સ્વભાવ બગડી ગયો છે.

એટલે આ ભૂલ પ્રિયતાની છે, તમે ત્યાં આગળ પ્રિયતામાં લોકસંજ્ઞાથી ચાલ્યા. લોક શું કહે છે કે 'પૈસાથી સુખ છે' એવું તમેય માની લીધું. ભગવાનનું કહેવું ના માન્યું. ભગવાને કહ્યું કે 'લોકસંજ્ઞામાં સુખ નથી, જ્ઞાનીની સંજ્ઞાથી મોક્ષ છે.' લોકોએ પૈસામાં સુખ માન્યું, વિષયોમાં સુખ માન્યું અને તમે જો પૈસા અને વિષયોમાં સુખ માનો તો ભગવાનનું કહેલું માનતા નથી. ભગવાને શું કહ્યું કે 'જ્ઞાનીની સંજ્ઞાથી ચાલજો.' જ્ઞાનીએ જેમાં સુખ કહ્યું તેમાં વર્તો.

પ્રશ્નકર્તા: જ્ઞાનીએ કહ્યું તેમ વર્તવાનું.

દાદાશ્રી: હા, જ્ઞાનીનો પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય અને એ તમને મોક્ષને રસ્તે જ ચઢાવે.

Reference: Book Name: આપ્તવાણી-10(P) (Page #73 – Paragraph #7 to #9, Entire Page #74 & #75, Page #76 – Paragraph #1 & #2)

મન, શાંતિનીવાટે...

ધાર્મિક પ્રવૃત્તિ સમયે મનની મોંકાણ!

પ્રશ્નકર્તા: કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતી વખતે મન ઠેકાણે નથી રહેતું, એ માટે આપણે શું ઉપાય કરવો જોઈએ?

દાદાશ્રી: તમારું મન ધાર્મિક કાર્ય વખતે ભટકે છે, ઠેકાણે નથી રહેતું?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: મુસલમાન લોકો છે તે આમ કાનમાં આંગળી ઘાલીને બાંગ પોકારે. તે ઘડીએ આ મન બિલકુલ બંધ થઈ જાય, ગમે એટલું વિચારતું હોય ને તોયે મન બિલકુલ બંધ થઈ જાય. મુસલમાનો માટે એ બહુ સરસ છે. હિન્દુઓ માટે બરોબર નથી. હિન્દુઓને જેનું મન ઠેકાણે ના રહેતું હોય તેણે હાકોટા પાડીને નવકાર મંત્ર બોલવો અને મન ઠેકાણે રહેતું હોય તો ધીમે રહીને બોલવું.

પ્રશ્નકર્તા: આ પૂજાવિધિ કંઈ કરતા હોય તે વખતે કેવી રીતે મન સ્થિર કરવું?

દાદાશ્રી: મન સ્થિર કરવું હોય તો જપ કરવા પડે, એવું તેવું કંઈ કરે ત્યારે સ્થિર થાય. એમ ને એમ તે એકાગ્રતા કંઈક કરો તો સ્થિર થાય. નહીં તો મન એમ સ્થિર થાય નહીં.

પ્રશ્નકર્તા: પણ એકાગ્ર નથી રહેતું.

દાદાશ્રી: તો પછી ભગવાનને નિવેદન કરવું જોઈએ કે તમને માથે ધર્યા ને! પછી હવે તો હું તમારી જોડે વેર રાખીશ. ના કહેવાય એવું?

પ્રશ્નકર્તા: એવું નહીં કહેવું જોઈએ, સત્ પુરુષોને કેમ એવું કહેવાય?

દાદાશ્રી: પણ એવું કહે નહીં તો કોણ કરી આપે?

પ્રશ્નકર્તા: કોઈક વખતે પૂજામાં એકાગ્રતા રહે, કોઈ વખત નથી રહેતી. કોઈ મૂર્તિમાં મન કેન્દ્રિત થાય, એવું ક્યારે થાય?

દાદાશ્રી: શું ફાયદો એમાં?

પ્રશ્નકર્તા: મૂર્તિમાં ઈશ્વરનાં દર્શન થાય.

દાદાશ્રી: હા, સ્થિરતા રહે, શાંતિ રહે પછી આગળ ઉપર ઈશ્વરનાં દર્શન થાય. નહીં તો દર્શન થાય નહીં.

માળા કરતાં મનને જોયા કરવું!

પ્રશ્નકર્તા: ભગવાનનું નામ લઈએ છીએ, માળા ફેરવીએ છીએ, ત્યારે મન બીજે ભમતું હોય છે.

દાદાશ્રી: ઓળખાણવાળા ભગવાનનું નામ દેવું જોઈએ. મારું કહેવાનું કે જેને ઓળખતા જ ના હોય, જોયા જ ના હોય, એની જોડે મિત્રાચારી થાય ખરી?

પ્રશ્નકર્તા: ના.

દાદાશ્રી: તો પછી ભગવાનેય શી રીતે ભેગા થાય તે? આ ભગવાન તો મહીં બેઠા છે તે સાંભળે છે. કૃષ્ણનું નામ દો કે મહાવીરનું નામ દો કે રામનું નામ દો પણ મહીં બેઠા છે તે સાંભળે છે. બીજા કોઈ બહારનાં કોઈ સાંભળવા આવવાનાં નથી. તમારી મહીં, માંહ્યલો ભગવાન સાંભળશે. એટલે માંહ્યલા ભગવાનને જ સીધી વાત કરો ને! એમનું નામ શું? 'હે શુદ્ધાત્મા ભગવાન,' એવું કરીને તમે વાત કરજો. બહારવાળાને વળી પાછી દલાલી આપવી ને બધું વહેંચાઈ જાય. અને પાછું છેવટે એ તો અહીં જ મોકલી આપે છે. કારણ કે એ પરોક્ષ ભક્તિ કહેવાય. પરોક્ષ એટલે એ પોતે સ્વીકારે નહીં. જેનું હોય તેને મોકલી આપે. એટલે માંહ્યલા ભગવાનને ભજો.

માળા કરવા ના બેસજો. મનને જોયા કરવા બેસજો. એટલે ફરશે નહીં પછી. મન શું કરે છે, ક્યાં ક્યાં ભટકે છે, એને જોયા કરજો. એટલે માળા કરતાં ઉત્તમ ફળ આપશે, ઘણું મોટું ફળ આપશે. પડી સમજણ? નહીં તો અમારે ત્યાં આવજો. દવાની પડીકી લઈ જજો. મન ભટકતું હોય તો દવાની પડીકી લઈ જવી પડે.

Reference: Book Name: આપ્તવાણી-10(P) (Entire Page #67 & #68, Page #69 – Paragraph #1 & #2)

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on