Related Questions

કોઈને આપણા માટે સ્પર્ધા કે ઈર્ષ્યા થાય તો શું કરવું?

સ્પર્ધામાં જયારે સામી વ્યક્તિને આપણા માટે સરખામણી ઊભી થાય કે “આની પાસે વધારે, મારી પાસે ઓછું”, ત્યારે તેને આપણા માટે ઈર્ષ્યા શરૂ થાય છે. સામી વ્યક્તિ આપણી સાથે સ્પર્ધા કે ઈર્ષ્યા કરે ત્યારે કઈ રીતે જાગૃત રહેવું તેની અહીં સમજણ પ્રાપ્ત થાય છે.

વિનયમાં રહેવું

જે વ્યક્તિને આપણા માટે ઈર્ષ્યા થતી હોય એ જુએ કે, “આ મોટા ચડી બેઠા છે, રોફ મારે છે, પોતાની જાતને શુંય સમજે છે!” એટલે એ વ્યક્તિને આપણા માટે દ્વેષ, સ્પર્ધા અને ઈર્ષ્યા થાય. માટે, આપણે સફળ થઈએ ત્યારે આજુબાજુના લોકો આવીને આપણા વખાણ કરે, આપણને અભિનંદન પાઠવે, તો પણ આપણે સામે નમ્રતા રાખવી. કોઈ આપણી સાથે સ્પર્ધા ના કરે તે માટે આપણે ખૂબ જ વિનમ્ર રહેવું. અંદરથી એવો ભાવ પકડી રાખવો કે “મારે કોઈની સાથે સ્પર્ધામાં પડવું નથી.”

આપણી પાસે સાચી સમજણ હોય કે પુણ્યને આધારે કામમાં સફળતા મળી છે, પાછલી નિષ્ફળતાને યાદ કરીને વિચારીએ કે ત્યારે આપણી આવડત ક્યાં હતી? પુણ્ય પરવારશે ત્યારે નિષ્ફળતા પણ મળશે. એટલે સફળતાનો અહંકાર આપોઆપ ઉતરી જાય અને નમ્રતા આવે છે.

સામાનું પોઝિટિવ જોવું

સામાના પોઝિટિવ જોવાથી આપણો અહંકાર આપોઆપ ઓછો થાય છે. એટલે કોઈ વ્યક્તિને આપણા માટે ઈર્ષ્યા થતી હોય તો એમના પોઝિટિવ જોવા, એ પોઝિટિવ ગુણોની લોકોમાં પ્રશંસા પણ કરવી. સામાના વિનયમાં રહેવું, “એ મારાથી મોટા છે, હું નાનો છું.” એમ મનમાં રાખવાથી વિનય ઉત્પન્ન થાય છે.

આપણે પણ બધા ઉપર ઇમ્પ્રેશન પાડ પાડ કરતા હોઈએ, એટલે સામાને ઈર્ષ્યા થાય. તે સમયે સામી વ્યક્તિને ઇન્વોલ્વ કરવી જેથી એ પણ ખુશ થઈ જાય. આપણી સફળતામાં, આપણા કામમાં કે વાતોમાં બધાને ઇન્વોલ્વ કરીએ, બધાને સાથે રાખીએ તો આપણું માન આપોઆપ ઓછું થતું જશે. અને સામાને સ્પર્ધા કે ઈર્ષ્યા ઊભી નહીં થાય.

પ્રાર્થના અને ભાવનાનો ઉપાય

ઈર્ષ્યા એટલે બળતરા અને દુઃખ. કોઈ આપણાથી ઈર્ષ્યા કરતું હોય તો તેના માટે આપણે દ્વેષ કરવો નહીં. પણ એ વ્યક્તિની અંદર રહેલા ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવી કે એમનું દુઃખ દૂર થાઓ. એમને શાંતિ થાઓ.

સામી વ્યક્તિ આપણું નેગેટિવ કરતી હોય અને આપણી પાસે એ વાત આવે, તો આપણે કહેવું, કે “બરાબર છે. મારી કચાશ તો હોય ને? એમને દેખાય છે તો હું સુધારીશ.” પણ આપણે સામાનું નેગેટિવ કોઈની પાસે બોલવું નહીં.

સામી વ્યક્તિને પણ હેલ્પ થાય, એને સવળા સંજોગો મળે અને ઈર્ષ્યાનું કારણ દૂર થાય એવા આપણે ભાવ રાખવા જોઈએ, તો જ એમાંથી છૂટાશે. આપણા નિમિત્તે કોઈને સ્પર્ધા ના થાય એવી ભાવના કર્યા કરવી. છતાં જો કોઈને સ્પર્ધા થાય તો તેના માટે ચોખ્ખા હૃદયથી પશ્ચાત્તાપ કરવો.

રિએક્શન (પ્રતિસાદ) ન આપવો

જે વ્યક્તિને આપણા નિમિત્તે સ્પર્ધા અને ઈર્ષ્યા થતી હોય તે સતત આપણને નીચા પાડવાના, આપણી ભૂલ કાઢવાના, આપણને પછાડવાના પ્રયત્નો કર્યા કરશે. આપણને લાગે કે સામો જાણીને હેરાન કરે છે તોય તે સમયે સામો પ્રતિસાદ ના આપવો. જેને આ સ્પર્ધામાંથી બહાર નીકળવું છે, તેણે માર ખાઈ લેવો. સામો ગમે તેવું આપણું નુકસાન કરે, પાડવા ફરે, વગોવવા ફરે, દુઃખ કે ત્રાસ આપે, આપણી બદબોઈ કરે, નેગેટિવ વાતો કરે, એ બધામાં આપણે સામે બિલકુલ રીએક્ટ ના થવું.

સામી વ્યક્તિ આપણી સાથે સ્પર્ધા કરતી હોય, તો એના માટે એકપણ નેગેટિવ આપણે બહાર નહીં બોલવું. એમની નેગેટિવ વાતો થતી હોય તો એમાં ખુશ પણ ના થવું.

કોઈને આપણી સાથે સ્પર્ધા કે ઈર્ષ્યા થાય તો આપણે જાગૃત રહેવું કે તેની અસરમાં આપણે ના આવીએ, અંદર કોઈ રાગ-દ્વેષ ના થાય. કારણ કે, આપણને અસર થઈ ગઈ તો આપણે પણ સામા જેવા જ થઈ જઈશું અને સામે સ્પર્ધામાં ઉતરી જઈશું.

×
Share on