Related Questions

પ્રેમ હોવા છતાં શા માટે પતિ-પત્ની આપસમાં લડે છે? સંબંધોમાં મતભેદનું કારણ શું છે?

પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો યે દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : કોની જોડે ?

પ્રશ્નકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?

દાદાશ્રી : એ દ્વેષ નથી કહેવાતો. હંમેશાં ય જે આસક્તિનો પ્રેમ છેને, એ રિએક્શનરી છે. એટલે જો ચિડાય ત્યારે આ પાછા અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે, એટલે અથડામણ થાય. ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોયને, ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને ! એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવનો પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીં ને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.

એને લોકો શું કહે છે ? 'અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.' ત્યારે વાત સાચી છે પણ. એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?

પ્રશ્નકર્તા : હા. અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય ને ?

દાદાશ્રી : એ તો આસક્તિમાંથી જ બધી ભાંજગડ ઊભી થાય છે. જે ઘરનાં બેઉ જણ સામસામી બહુ લડતાં હોયને તો આપણે જાણીએ કે અહીંયાં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી અમે નામ શું પાડીએ ? 'વઢે છે' એવું ના કહીએ. તમાચા મારે સામાસામી, તોય અમે એને 'વઢે છે' એવું ના કહીએ. અમે એને પોપટમસ્તી કહીએ. પોપટ આમ ચાંચ મારે, પેલો આમ ચાંચ મારે, ત્યારે બીજો પોપટ આમ મારે. પણ છેવટે લોહી ના કાઢે. હા, એ પોપટમસ્તી ! તમે નહીં જોયેલી પોપટમસ્તી ?

હવે આવી સાચી વાત સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં, પણ માર હઉ બહુ ખાધા ! 

×
Share on
Copy