Related Questions

સાસુ-વહુનાં પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?

એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે ? ભગવાન શું કરે ?

આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણાં ઘરે ભેગા કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગલા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર. બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?

પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !

દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો, હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.

અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે.

મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે, તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે. 

×
Share on