Related Questions

મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ?

મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. એનો સાવ સરળ અર્થ એવો થાય છે કે 'મિથ્યા મેં દુષ્કૃતમ' એટલેકે, મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ. આમ મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ. આટલા અર્થ પરથી પણ એટલું સમજી શકાય કે આ શબ્દ સંવત્સરીના દિવસે સામે મળનાર દરેકને બેસતાં વર્ષની શુભેચ્છાની જેમ પાઠવવાનો શબ્દ ન હોય. આ શબ્દ આપણાથી થયેલી ભૂલો પ્રત્યે આપણો પશ્ચાતાપ વ્યક્ત કરવા માટે છે. અને એ પશ્ચાતાપ એટલે સંવત્સરીના દિવસે કરવામાં આવતું પ્રતિક્રમણ. સાવ સામાન્ય પ્રશ્ન છે કે જો ભૂલો આખું વર્ષ કરતા હોઈએ તો પ્રતિક્રમણ કેમ એક જ દિવસે કરવાનું! તો ચાલો પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાનની જ ભાષામાં સમજીએ કે યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય તથા મહાવીર ભગવાને કેવા પ્રતિક્રમણની વાત કરી છે.

micchami-dukkadam

ક્રમણ, અતિક્રમણ, પ્રતિક્રમણ

આ જગત ઊભું કેમ થયું? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણા રોજબરોજના વ્યવહારમાં, સાંસારિક સંબંધોમાં જાણે-અજાણે ઘરનાને, વડીલોને, સગા-સંબંધીઓને, મિત્રોને, આશ્રિતોને મન-વચન-કાયાથી દુઃખ અપાઈ જાય છે. અતિક્રમણ થઈ જાય છે. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી અને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણ તો છે જ. સહેજાસહેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો.

દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણમાં ફરક શું ?

ભાવ એવો રાખવો કે આવું ના હોવું જોઇએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને બધું શબ્દેશબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે. એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય. જેમ ડોકટરે આપણને ચોપડવાની આપેલી હોય અને આપણે દવા પી ગયા હોય. એવી જ રીતે ભગવાન મહાવીરે આપેલ પ્રતિક્રમણને આપણે માગધિભાષામાં ગોખી નાખી, ચોપડવાની દવા પી ગયા છે. આ તો આપણે ફક્ત સવંત્સરીના એક દિવસ પૂરતી એક બીજાને “મિચ્છામિ દુક્કડમ્” કરી નાખ્યા એટલે થઇ ગયું પ્રતિક્રમણ? એવું નથી. સમજણ વગરનું પ્રતિક્રમણ કેટલું મદદ કરે જેટલું કોઈ યુરોપિયન તમને રસ્તો પૂછે અને તમે એને ગુજરાતીમાં રસ્તો બતાવો, એટલું.

યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય ?

પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘને ધોઇને સાફ કરી નાખવું. એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી એનું નામ પ્રતિક્મણ. સાચું પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે પ્રતિક્રમણથી તો એટલી બધી અસર થાય છે સામા માણસને, કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો, તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ જાય. બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ તો હથિયાર છે મોટામાં મોટું !

તો ચાલો વાંચીએ, પરમ પૂજ્ય દાદાશ્રી અને મુમુક્ષુ વચ્ચેનો આવો જ એક સુંદર વાર્તાલાપ!

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે. તેની પાછળ સાયન્સ શું છે ?

દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે, ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે.

પ્રશ્નકર્તા : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ?

દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માંગવી એ જ કર્મનો નિયમ !!

પ્રશ્નકર્તા : તો તો બધા પાપ કરતાં જાય ને માફી માંગતા જાય.

દાદાશ્રી : હા. પાપ કરતાં જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે.

પ્રશ્નકર્તા : પણ ખરા મનથી માફી માંગવાનીને ?

દાદાશ્રી : માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તો ય ચલાવી લેવાશે. તોય માફી માંગજો.

પ્રશ્નકર્તા : તો તો પછી એને ટેવ પડી જાય ?

દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય. પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો !!! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ.

દાદાશ્રી : કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. મારે છોડી દેવી છે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે.

અતિ દુર્લભ એવા આ મનુષ્ય જીવનમાં ધ્યેય શું હોવો જોઈએ ? સાંસારિક ધ્યેય ભલે ગમે તે હોય પણ આત્યંતિક ધ્યેય તો સર્વે દોષોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ હોવો જોઈએ. અને એ માટે ખપશે ખરા દિલથી અતિક્રમણના પ્રતિક્રમણ. આ ભૂલો જે થાય છે, તે તો પરિણામ છે, રિઝલ્ટ છે. પ્રતિક્રમણ દોષોના કોઝીઝને તોડી દોષો નિર્મૂળ કરે છે. મહાવીર ભગવાનનો સિદ્ધાંત છે કે જો ખરા હૃદયથી, હાર્ટીલી ગમે તેવા દોષોના પ્રતિક્રમણ કરાવવામાં આવે તો આ ભવે જ સર્વ વેરથી મુક્ત થવાય અને સાથે સાથે પ્રતિક્રમણની સૈદ્ધાંતિક લિંક લાગે તો આત્માનુભવ પણ દૂર નથી.

×
Share on