Related Questions

જીવનસાથીના પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ?

ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે નેગેટિવ વિચારો કરવાથી પણ જાણતા-અજાણતા એમને દુઃખ પહોંચતું હોય છે. પછી ધીમે ધીમે એમનું આપણા તરફનું વર્તન પણ બદલાવા લાગે છે જેની આપણા લગ્નજીવન પર નેગેટિવ અસર પડે છે. આનું કારણ એ છે કે એમને કોઈ રીતે આપણાથી દુઃખ થઈ ગયું છે. આવા સંજોગોમાં આપણે કઈ રીતે લગ્નજીવનને સાચવી શકીએ? એવી કોઈ રીત છે કે જેનાથી આપણે જીવનસાથીને અપાયેલું દુઃખ ભૂંસી શકીએ? હા! હૃદયપૂર્વક માફી માંગવાથી!

પતિ-પત્ની વચ્ચે થતી નાની અથડામણ કે ઝઘડાને આપણે સામાન્ય માનીને ગણકારતા નથી. ઝઘડા થયા પછી પણ એ જ વ્યક્તિ સાથે, એ જ ઘરમાં રહેવાનું હોય ત્યારે અથડામણ કે ઝઘડો કરવાનો કોઈ અર્થ જ નથી. આવું થાય ત્યારે પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને માફી માંગવાની અનોખી સમજણ આપતા કહે છે:

અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઈફ’ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઈફ’ જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું? એ વિચાર કરવો પડે ને? સહુથી પહેલા ધણીએ માફી માગવી. ધણી મોટા મનનો હોય.

લગ્નજીવનમાં અહમ્‌ને લીધે કકળાટ કે અથડામણ થઈ જતાં હોય છે. અહમ્ ખોટો છે એ આપણને ખબર હોવા છતાં આપણે તેમાંથી બહાર નથી નીકળી શકતા. આવો જ પ્રશ્ન લઈને આવેલા એક ભાઈને પરમ પૂજ્ય દાદાશ્રી ખૂબ જ પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે:

પ્રશ્નકર્તા: આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી?

દાદાશ્રી: અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઈફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમ્‌થી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએ ને?

અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઈફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.

પરમ પૂજ્ય દાદાશ્રી લગ્નજીવનમાં એડજસ્ટ કરવાની સુંદર ચાવી આપે છે:

જેમ તેમ કરીને ‘એડજસ્ટ’ થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકેય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તોય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તોય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાંય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમનેય પાછા આપણે ના ગમતા હોઈએ!

આપણને પતિ કે પત્ની સાથે રહેવું બિલકુલ ગમતું જ ન હોય, છતાં ફરજિયાત રહેવું જ પડતું હોય ત્યારે શું કરવું જોઈએ? એમની સાથે બહાર વ્યવહાર રાખવા છતાં અંદર ને અંદર માફી માંગવાથી કેવો ફેરફાર થઈ જાય છે તે વિશે પરમ પૂજ્ય દાદાશ્રી અદ્‌ભુત ચાવી આપે છે:

”અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે. નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, તેની ‘હે ભગવાન હું ક્ષમા માગું છું.’ આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.”

×
Share on