Related Questions

લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?

પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના વ્યવહાર અને વર્તન એટલા આદર્શ હતા કે એમની અભેદતા અને પ્રેમથી એમના મિત્રો તથા સગાંસંબંધી પણ પરિચિત હતા. જેમ કે, હીરાબા રોજ શાક લેવા જતા ત્યારે તેઓ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછતા કે, “શું શાક લાવું?” આમ, દાદાશ્રીને પૂછીને તેઓ પોતાની ફરજ બજાવતા. અને દાદાશ્રી પણ એમને જવાબમાં કહેતા કે, “તમને જે ઠીક લાગે તે લાવજો.” આ રીતે દાદાશ્રી એમની ફરજ નિભાવતા. પરમ પૂજ્ય દાદાશ્રીને કાયમ પૂછીને જ જવાનો આ રિવાજ, હીરાબાએ આખી જિંદગી સિન્સિયરલી નિભાવ્યો હતો.

એમનો દરેક વ્યવહાર સિન્સિયર હતો. કોઈ પણ સંજોગ કે વ્યક્તિના કારણે એમનો વ્યવહાર અને વર્તન વધતા કે ઘટતા નહોતા. એમની વચ્ચેનો આ વિનયપૂર્ણ વ્યવહાર ફક્ત દેખાડા માટે નહીં, પણ સમજણપૂર્વક હતો.

ઉપર દર્શાવેલ પ્રસંગ એ પરમ પૂજ્ય દાદાશ્રીના આદર્શ જીવનનું એક ઉદાહરણ માત્ર છે. એમના દ્વારા દર્શાવેલ નીચે મુજબની સરળ ટીપ્સથી તમે પણ સુખી લગ્નજીવન કઈ રીતે જીવવું એ શીખી શકશો.

પતિ-પત્ની નહીં, પણ આજીવન મિત્રો બનો

મતભેદ ના પડે એનું નામ સાચા કમ્પેનિયન. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા, તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. પતિ-પત્ની બે મિત્રો જ કહેવાય. એટલે, એમણે મિત્રાચારીથી ઘર ચલાવવાનું હોય. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં એવું નથી થતું, તો પતિ-પત્ની એવું કઈ રીતે કરી શકે? પતિ-પત્નીની ફ્રેન્ડશીપ મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય!

વખાણ કરો

જો તમારી પત્ની તમારાથી નારાજ થઈ જાય તો થોડીવાર પછી, “તું ગમે તે વઢે, તોય તારા વગર મને ગમતું નથી.” એમ કહી દેવું. આટલો ગુરુમંત્ર કહી દેવો. લગ્નજીવનને સુખી બનાવવા માટે આવું બોલવું! બોલવામાં વાંધો શું? તારા વગર ગમતું નથી એવું કહી દેવું! મનમાં પ્રેમ રાખવો, પણ થોડું ખુલ્લું કરવું.

લગ્નજીવનમાં સુમેળ સાધો

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોય ને એ એમ તો કહે કે, ‘ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચારશ્રેણી પર માણસ આવી શકે નહીં. ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. પત્નીના મનમાં એમ થાય કે આવો પતિ નહીં મળે કોઈ દહાડો અને પતિના મનમાં એમ થાય કે આવી પત્ની પણ ક્યારેય ના મળે! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા અને ત્યારે જ લગ્નજીવન સાર્થક ગણાય!

ડખોડખલ ન કરવી

જેમ નોકરી કે ધંધામાં તમારી જવાબદારીઓ નક્કી હોય છે, એમ જ લગ્નજીવનમાં પણ જવાબદારીઓ નક્કી થયેલી હોવી જોઈએ. કયું કામ કયા ડિપાર્ટમેન્ટનું છે, એ એકવાર નક્કી થઈ જાય કે પછી તમારે બીજાના ડિપાર્ટમેન્ટમાં ડખલ કરવી જોઈએ નહીં. પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો અને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાના ‘ડિપાર્ટમેન્ટ’માં જ રહેવું. તેમ છતાં, જો તમને એવું લાગે કે તમારા જીવનસાથી તેમની જવાબદારીને પહોંચી નથી વળતા, તો ચોક્કસપણે, તમારે એમની મદદ કરવી જોઈએ. તો જ તમારું લગ્નજીવન સુખી બનશે.

લગ્નજીવનમાં સિન્સિયારિટી

પરિણીતોમાં પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ, કોઈ બીજાનો વિચાર પણ ન આવવો જોઈએ. પરસ્ત્રી અને પરપુરુષ એ મોટામાં મોટું જોખમ છે. તમારા પોતાના જીવનસાથી સાથે કંઈ જ જોખમ નથી. તો જ તમે તમારા જીવનસાથી સાથે સિન્સિયર રહ્યા કહેવાય.

જીવનસાથી સાથેનો સંબંધ સુધારો

એકવાર એક પતિએ પરમ પૂજ્ય દાદાશ્રીને ફરિયાદ કરી કે એમની પત્ની એમના માતા-પિતાની સાથે રહેવા કે એમને બોલાવવા પણ માંગતી નથી. પરમ પૂજ્ય દાદાશ્રીએ પછી પેલા પતિને સમજાવીને અને કળાપૂર્વક કામ લેવાનું કહ્યું. પત્નીના મા-બાપને ઘરે બોલાવીને ખૂબ સેવા કરવા કહ્યું. પત્ની સાથે સંબંધ એવો સરસ કરી દેવો કે પત્ની જ કહે કે તમારા મા-બાપનું ધ્યાન રાખો.

એકમત થાઓ

મતભેદ ટાળવા માટે જ્ઞાની પુરુષ ચાવી આપે છે કે,‘આપણે બધા એક છીએ અને આપણામાં જુદાઈ નથી.’ આટલું દરરોજ પાંચ વખત સવારમાં બોલવું. તો એક દહાડો કોઈની જોડે મતભેદ નહીં રહે એવો સમય આવશે.

નીચે દર્શાવેલ સંવાદ પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા પ્રશ્નોત્તરી સત્સંગમાંથી લેવામાં આવ્યો છે.

1) દાદાશ્રી: મત જ નહીં રાખવો જોઈએ. વળી બંનેએ શાદી કરી પછી મત જુદો કેવો? બંનેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે?

પ્રશ્નકર્તા: રખાય નહીં પણ રહે.

દાદાશ્રી: તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે? નહીં તો શાદી નહોતી કરવી, શાદી કરી તો એક થઈ જાવ.

2) પ્રશ્નકર્તા: આવા મતભેદ બંધ કરવાનો આપ શું રસ્તો બતાડો છો?

દાદાશ્રી: આ તો હું રસ્તો બતાવું છું કે ‘એડજસ્ટ એવરીવ્હેર’. એ કહે કે, ‘ખીચડી બનાવવી છે.’ તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું. અને તમે કહો કે ‘ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે.’ તો એમણે ‘એડજસ્ટ’ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને આપણે એડજસ્ટ થઈ જવું.

લગ્નજીવનમાં આદર્શ વ્યવહાર

  • કામકાજનો દિવસ
    ઘરેથી કકળાટ કર્યા વગર નીકળવાનું અને જોબ કરીને પાછા આવીએ એટલે જોબમાં બોસ સાથે જો માથાકૂટ થઈ હોય તો પછી તે રસ્તામાં શાંત કરી દેવી. અને શાંત થઈને ઘરમાં પેસી જવું, એટલે કકળાટ કશો ઘરમાં નહીં કરવાનો. બોસ સાથે ઝઘડો થઈ ગયો હોય, તો એમાં તમારી પત્નીનો શું દોષ?
  • રજાનો દિવસ
    રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજે રજાનો દિવસ છે એટલે બધાને ફરવા લઈ જવા જોઈએ. સારું સારું જમવાનું બનાવવું જોઈએ. ફરીને પછી લિમિટ રાખવાની કે રજાના દિવસે આટલો જ ખર્ચ. કોઈ વખતે વધારે કરવો પડે તો બજેટ કરવું, પણ બાકી નહીં તો અમુક જ ખર્ચ. એ બધું નક્કી કરવું જોઈએ, પત્ની પાસે જ નક્કી કરાવવું.
×
Share on