Related Questions

પ્રિય સ્વજનના મૃત્યુનું દુઃખ કઈ રીતે દૂર થાય?

death

પ્રિય સ્વજનના મૃત્યુની ઘટનાના સાક્ષી બનવું એ ખૂબ જ દુઃખદ અનુભવ છે. પણ જે બન્યું તેને ફેરવી શકાય તેમ નથી. આવા સમયે કઈ સમજણ હાજર રાખવી જેનાથી આ કપરા સમયમાં અંદર શાંતિ રહે?

પ્રિય વ્યક્તિને દુઃખ ના પહોંચાડીએ:

કોઈ વ્યક્તિનું અવસાન થાય, ત્યારે તે દેહ છોડીને બીજા દેહે જન્મ લે છે. એટલે એ વ્યક્તિનો આત્મા આ દુનિયામાં ક્યાંક હાજર છે જ! આપણે અહીં જે ભાવના કરીએ તે ભાવના વ્યક્તિ જ્યાં હોય ત્યાં તેમને પહોંચે છે. આપણે એમને યાદ કરીએ, તો એના સ્પંદનો પણ એમને પહોંચે છે.

એટલે જો પ્રિય સ્વજનના મૃત્યુ પછી તેમની પાછળ આપણે દુઃખી થઈએ, રડીએ તો એમને દુઃખના સ્પંદનો પહોંચે, પરિણામે એમને દુઃખ થાય. તેને બદલે, સ્વજનની બહુ યાદ આવે તો આપણે ભગવાનનું નામ લેવું, અને કહેવું કે વ્યક્તિનો આત્મા જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિ પામો. જેટલી વાર સ્વજન યાદ આવે એટલી વાર એમને શાંતિ મળે એમ પ્રાર્થના કરવી. આમ કરવાથી તેમને શાંતિના સ્પંદનો પહોંચે છે.

એક ડાળના પંખી:

આ દુનિયા પંખી મેળો, નથી કાયમનો અહીં મુકામ!

આ જગત શેના જેવું છે? એક ઝાડ ઉપર પંખીઓ ભેગા થાય, સામસામે સગાઈઓ થાય અને સવારના પહોરમાં બધા ઊડી જાય. જેમ આપણે એક ટ્રેનમાં મુસાફરી કરતાં હોઈએ, અને આપણા ડબ્બામાં સાથે બીજા મુસાફરો આવે, તેમની સાથે પરિચય થાય, બધા સાથે જમીએ, હસી-મજાક કરીએ કરીએ. ત્યારબાદ પેલા મુસાફરોનું સ્ટેશન આવે અને તે ઊતરી પડે, તો આપણે એમનો હાથ પકડી લઈએ કે, “અમે તમને હમણાં નહીં જવા દઈએ?” કોઈ જો એવું કરે તો લોકો એને પાગલ કહેશે. તે જ રીતે આપણે પણ એક ઘરમાં, એક કુટુંબમાં કર્મોના હિસાબે એક અવતાર માટે ભેગા થયાં છીએ, અને બીજા અવતારે વિખરાઈ જઈશું.

ઘરમાં કોઈ ગમતાં મહેમાન આવ્યા હોય અને એમની વિદાય થાય ત્યારે ક્ષણિક દુઃખ થાય છે. પણ મહેમાનને આપણે નથી કહેતા કે “તમે કાયમ માટે અહીં જ રહી જાઓ.” કારણ કે, આપણને ખ્યાલ છે કે કાયમ માટે રોકાય એ મહેમાન નથી. તે જ રીતે આપણા જીવનમાં સ્નેહીજનો ભેગા થાય છે અને છૂટા પડે છે. ભેગા થવું એ એક સંયોગ છે, અને છૂટા પડવું એ વિયોગ છે.

સંયોગો વિયોગી સ્વભાવના છે. એક સંયોગ ભેગો થાય અને એનો ટાઈમ થાય એટલે નિયમથી વિયોગ થાય જ.

જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ ના થાય ત્યાં સુધી જન્મ-મરણની આ ઘટમાળ ચાલ્યા જ કરે છે. એટલે બીજી રીતે વિચારીએ તો, આજે કોઈ એક સ્વજન માટે આપણે અત્યંત દુઃખી થઈએ છીએ. પણ પૂર્વભવમાં આપણા ઘણાં સ્વજનો મૃત્યુ પામીને જતા રહ્યા, અથવા આપણે એમને છોડીને આવી ગયા છીએ. તો શું એ લોકો આપણને યાદ છે? ગયા અવતારના મા-બાપ, પતિ-પત્ની, છોકરાઓ કોણ હતાં તે આપણને યાદ નથી. એમને યાદ કરીને આપણે દુઃખી પણ થતા નથી. એટલે આ બધા સંબંધો એક અવતારના સાપેક્ષ સંબંધો છે, રિલેટીવ સગાઈઓ છે, કાયમની સગાઈઓ નથી. આ વાસ્તવિકતાનો ખ્યાલ આવે તો સ્વજન ગુમાવ્યાના દુઃખમાંથી ઊગરી શકાય છે.

એક ભાઈ તેમના દીકરાના આકસ્મિક મૃત્યુથી ખૂબ વ્યથિત થઈને પરમ પૂજ્ય દાદાશ્રીને પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓશ્રી શું સમજણ આપે છે તે જોઈએ.

death

પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું?

દાદાશ્રી : આ જગતમાં જે બધું આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, એ બધું 'રિલેટિવ કરેક્ટ' છે, તદ્દન સાચી નથી એ વાત! આ દેહ પણ આપણો નથી, તો છોકરો આપણો કેમ કરીને થાય? આ તો વ્યવહારથી, લોકવ્યવહારથી આપણો છોકરો ગણાય છે, ખરેખર એ આપણો છોકરો હોતો નથી. ખરેખર તો આ દેહ પણ આપણો નથી. એટલે જે આપણી પાસે રહે એટલું જ આપણું અને બીજું બધું જ પારકું છે! એટલે છોકરાને પોતાનો છોકરો માન માન કરીએ તો ઉપાધિ થાય અને અશાંતિ થાય! એ છોકરો હવે ગયો, ખુદાની એવી જ ઇચ્છા છે, તો તેને હવે 'લેટ ગો' કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, અલ્લાની અમાનત આપણી પાસે હતી તે લઈ લીધી!

દાદાશ્રી : હા, બસ. આ બધી વાડી જ અલ્લાની છે.

આત્મા મરતો નથી:

પ્રિય સ્વજન એમનો દેહ મૂકીને ગયા, અને દેહના તો અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. દેહમાંથી આત્મા નીકળીને બીજો દેહ ધારણ કરી ચૂક્યો હશે. વ્યક્તિ સાથેનો સંબંધ એમના દેહ સાથે નાશ પામે છે. મા-બાપ છે ત્યાં સુધી પુત્ર કે પુત્રી છીએ, પણ મા-બાપ નથી તો પુત્ર કે પુત્રીનો સંબંધ નથી. પતિ છે ત્યાં સુધી પત્ની છે. બાળકો છે ત્યાં સુધી મા-બાપ છીએ. એટલે જગતના બધા સંબંધો વિનાશી છે, ટેમ્પરરી છે. એમાં ફક્ત આત્મા જ પરમેનન્ટ છે, શાશ્વત છે! જન્મ અને મૃત્યુ એ દેહનું છે, આત્માનું નથી.

જેનો જન્મ થાય તેનું મૃત્યુ અવશ્ય થાય જ છે. મૃત્યુ એ જીવનનું પૂર્ણવિરામ નથી, પણ અલ્પવિરામ છે. જેમ બે દિવસ વચ્ચે રાત આવે, તેમ બે જન્મ વચ્ચે એક મૃત્યુ આવે છે. વ્યક્તિ જૂનાં કપડાં બદલીને નવાં કપડાં પહેરે તેમ જીવ એક દેહ ત્યાગીને બીજો દેહ ધારણ કરે છે. જીવ દેહ ત્યાગે તેને મૃત્યુ કહીએ છીએ, અને બીજો દેહ ધારણ કરે તેને જન્મ. દરેક જીવ જન્મતાં જ કર્મોનો સ્ટોક લઈને આવે છે. આયુષ્ય પણ એક કર્મ જ છે. એક-એક કરતાં બધાં કર્મો પૂરા થઈ જાય, એટલે શ્વાસ ખૂટી પડે છે અને આયુષ્ય પૂરું થાય છે જેને આપણે મૃત્યુ કહીએ છીએ.

આમ, આત્માના શાશ્વતપણાની સમજણ, અને સ્વજન મૃત્યુ પછી પણ બીજા દેહમાં ક્યાંક હાજર છે એ ખ્યાલ માત્ર આપણને સ્વજનને ગુમાવવાના દુઃખમાં આશ્વસ્ત કરે છે.

તૈયારી રાખીએ તો દુઃખ ના થાય:

આ સંસાર વહેતા દરિયા જેવો છે. તેમાં આ જીવનરૂપી પરપોટો ક્યારે ફૂટી જાય ભરોસો નથી. એટલે આપણા કે સ્વજનના મૃત્યુની તૈયારી રાખવી જોઈએ. જેમ ૪૪૦ વોટના સાધન સાથે કામ કરતાં હોઈએ ત્યારે આપણે ચપ્પલ પહેરીએ, ઇન્સ્યુલેશન માટે હાથમાં મોજા પહેરીએ, લાકડું સાથે રાખીએ વગેરે તૈયારીઓ કરીએ છીએ. જેથી આપણને શૉક ના લાગે. દોઢ ફૂટનું પગથિયું હોય પણ જો આપણને ખબર હોય કે આગળ પગથિયું છે તો વાંધો ન આવે, અને જો તૈયારી ન હોય તો દોઢ ઇંચના ખાડામાં પગ આડો પડે ને મચકોડ આવી જાય. તેવી જ રીતે સ્વજનના મૃત્યુ માટેની જો તૈયારી કરી રાખી હોય તો આપણને આઘાત ન લાગે, દુઃખ ઓછું થાય.

એટલે કુટુંબની દરેક વ્યક્તિ માટે “કાલે એમનું મૃત્યુ થઈ જાય તો હું કેવી રીતે રહીશ?” એવી માનસિક તૈયારી કરી રાખીએ જેથી વ્યક્તિના મૃત્યુના સમાચાર જીરવી શકાય.

તાવ આવ્યો ને ટપ:

ઘણી વખત લૌકિક વ્યવહારના નિમિત્તે લોકો સ્વજનના મૃત્યુ પછી મળવા આવે, અને તેમની યાદો તાજી કર્યા કરે જેથી રૂઝાયેલા ઘા ફરીથી ખુલ્લાં થઈ શકે છે. ક્યારેક લોકોને સ્વજનના મૃત્યુ સંબંધી લાંબા ખુલાસા આપવા જતાં આપણે મુશ્કેલીમાં મૂકાઈ શકીએ છીએ. “તમે આમ કર્યું હોત તો એ બચી જાત” એવી સલાહ સામેથી આવે તો પરિણામે આપણે પોતાને કે બીજાને ગુનેગાર જોઈએ છીએ. એવા સમયે કઈ તકેદારી રાખવી, તેની પણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સમજણ આપે છે.

પરમ પૂજ્ય દાદાશ્રી એક પ્રસંગનું વર્ણન કરતાં કહે છે કે, “ઘૈડા કાકા માંદા હોય ને તમે ડૉક્ટરને બોલાવો, બધી દવાઓ કરી, પણ તોય છતાં ખલાસ થઈ ગયા. પછી બેસવા આવનારા હોયને પાછાં એ આશ્વાસન આપવા આવે. પછી પૂછે કે, 'શું થઈ ગયું હતું કાકાને?' ત્યારે તમે કહો કે, 'મૂળ તો મેલેરિયા તાવ જેવું લાગતું હતું; પણ પછી ડૉક્ટર કહે કે આ તો જરા ફ્લુ જેવું છે!' પેલા પૂછશે પછી કે, 'કયા ડૉક્ટરને બોલાવ્યો હતો?' ત્યારે તમે કહો, 'ફલાણાને'. ત્યારે કહેશે, 'તમે અક્કલ વગરના છો. પેલા ડૉક્ટરને બોલાવવાની જરૂર હતી.' પાછો બીજો આવીને એ તમને ટૈડકાવશે, 'આમ કરવું જોઈએને! આવી અક્કલ વગરની વાત કરો છો?' એટલે આખો દહાડો લોક ટૈડકાવ ટૈડકાવ કરે! એટલે આ લોક તો ઊલટાં ચઢી બેસે; તમારી સરળતાનો લાભ ઊઠાવે. તે હું તમને શું સમજણ પાડું કે લોક બીજે દહાડે પૂછવા આવે તો તમારે શું કહેવું કે, 'ભઈ, કાકાને જરા તાવ આવ્યો ને ટપ થઈ ગયા; બીજું કશું થયું નથી.' પેલો પૂછે એટલો જવાબ. આપણે જાણીએ કે વિગતવાર કહેવા જઈશું તો ભાંજગડ થશે, એના કરતાં રાતે તાવ આવ્યો ને સવારના ટપ થઈ ગયા કહીએ. પછી ભાંજગડ જ નહીંને!

ખરી રીતે જોઈએ તો, વ્યક્તિનું આયુષ્ય પૂરું થવાનો કાળ પાકે એટલે સંજોગો એવા ભેગા થઈ જાય કે કોઈ બચાવી ન શકે, જેમ કે, ડોકટર મોડા આવે, એમ્બ્યુલન્સ ન મળે, સમયસર સારવાર ન થાય અને થોડા જ સમયમાં મૃત્યુ થઈ જાય. આપણે મૃત્યુ પહેલા વ્યક્તિને બચાવવાના બધાં જ પોઝિટિવ પ્રયત્નો કરી શકીએ, પણ કોઈથી મૃત્યુ અટકાવી શકાય તેમ નથી. શ્રી રામ, શ્રીકૃષ્ણ કે મહાવીર ભગવાન કોઈ પોતાનું મૃત્યુ રોકી નહોતા શક્યા, તો આપણે કઈ રીતે રોકી શકીએ? એટલે મૃત્યુ થઈ જાય પછી કોઈ બીજા નિમિત્તને કે પોતાને દોષિત ન માનતા કર્મોનો હિસાબ પૂરો થયો એવી સમજણ હાજર રાખીએ તો સ્વજનના મૃત્યુમાં અવશ્ય સમતા રહે.

એ આયુષ્ય એનું અહીંયાં તૂટી જવાનું હતું, એટલે તે ઘડીએ તૂટવાનાં બધાં ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગાં થાય ને આયુષ્ય ઊડી જાય, ભમરડો ઝટપટ ફરી જાય!” – દાદાશ્રી

સ્વજનના મૃત્યુ સમયે કરવાની પ્રાર્થના

પરમ પૂજ્ય દાદા ભગવાને સ્વજનના મૃત્યુ પછી નીચે પ્રમાણેની પ્રાર્થના કરવાનું સૂચન કર્યું છે, જ્યાં પોતે જે ભગવાનને માનતા હોય તેમને યાદ કરીને નીચેની પ્રાર્થના કરી શકે છે.

“પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ સીમંધર સ્વામીની સાક્ષીએ, દેહધારી *ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે શુધ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે * જ્યાં હોય ત્યાં સુખ-શાંતિને પામો. મોક્ષને પામો.

આજ દિનની અદ્યક્ષણ પર્યંત મારાથી * પ્રત્યે રાગ-દ્વેષ, કષાયો થયાં હોય, તેની માફી માગું છું. હૃદયપૂર્વક પસ્તાવો કરું છું. મને માફ કરો અને ફરી એવાં દોષો ક્યારેય પણ ના થાય એવી શક્તિ આપો.

* મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ લેવું.

આ પ્રમાણે પ્રાર્થના વારંવાર કરવી. પછી જેટલી વખત મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ આવે ત્યારે ત્યારે આ પ્રાર્થના કરવી.

×
Share on