Related Questions

ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?

પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ?

દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય અને છોકરા જોડે બાપ ગુસ્સે થાય એ ક્રોધ ના કહેવાય. એ ક્રોધમાં અહંકાર ના ભળે. માટે એ ગુસ્સો કહેવાય. ત્યારે ભગવાને કહ્યું કે ભઈ, આ ગુસ્સો કરે તો ય એનું પુણ્ય જમે કરજો. ત્યારે કહે છે, આ ગુસ્સો કરે છે તો ય ? ત્યારે કહે, ના, ક્રોધ કરે તો પાપ છે, ગુસ્સાનું પાપ નથી. ક્રોધમાં અહંકાર ભળેલો હોય અને તમારે ગુસ્સો થાય ને, તો મહીં તમને ખરાબ લાગે છે ને ?

ક્રોધ-માન-માયા-લોભ બે જાતનાં હોય છે.

એક પ્રકારનો ક્રોધતે વાળી શકાય તેવો - નિવાર્ય. કોઈની ઉપર ક્રોધ આવ્યો હોય તો તે અંદરને અંદર ફેરવી શકાય અને તેને શાંત કરી શકાય તે વાળી શકાય તેવો ક્રોધ. આ સ્ટેજે પહોંચે તો વ્યવહાર ઘણો જ સુંદર થઈ જાય !

બીજા પ્રકારનો ક્રોધ તે વાળી ના શકાય તેવો-અનિવાર્ય. ઘણો પ્રયત્ન કરે પણ કોઠી ફૂટ્યા વગર રહે જ નહીં ! તે વાળી ના શકાય તેવો અનિવાર્ય ક્રોધ. આ ક્રોધ પોતાનું અહિત કરે ને સામાનું ય અહિત કરે !

ભગવાને ક્યાં સુધીનો ક્રોધ ચલાવી લીધો છે સાધુઓ માટે, ચારિત્રવાળા માટે કે જ્યાં સુધીનો ક્રોધ સામા માણસને દુઃખદાયી ન થઈ પડે, એટલા ક્રોધને ભગવાને ચલાવી લીધો છે. મારો ક્રોધ મને એકલાને દુઃખ આપે પણ બીજા કોઈને દુઃખ ના આપે એટલો ક્રોધ ચલાવી લીધો છે.

×
Share on