Related Questions

ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?

પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ? 

દાદાશ્રી : ગરમ તો થઈ જ જાય ને ! એમના હાથમાં ઓછું છે ? અંદરની મશીનરી હાથમાં નહીં ને ! આ તો જેમ તેમ કરીને મશીનરી ચાલ્યા કરે. પોતાના હાથમાં હોય તો મશીનરી ગરમ થવા જ ના દે ને ! આ સહેજ પણ ગરમ થઈ જવું એટલે ગધેડા થઈ જવું, મનુષ્યપણામાં ગધેડો થયો ! પણ એવું કોઈ કરે જ નહીં ને ! પોતાના હાથમાં નથી ત્યાં પછી શું થાય તે ? 

એવું છે, આ જગતમાં કોઈ કાળે ગરમ થવાનું કારણ જ નથી. કોઈ કહેશે કે, 'આ છોકરો આમ કહ્યું માનતો નથી.' તો ય એ ગરમ થવાનું કારણ નથી, ત્યાં તારે ઠંડા રહીને કામ લેવાનું છે. આ તો તું નિર્બળ છે માટે ગરમ થઈ જાય છે. અને ગરમ થઈ જવું એ ભયંકર નિર્બળતા કહેવાય. એટલે વધારેમાં વધારે નિર્બળતા હોય તેથી તો ગરમ થાય છે ને ! એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે આ બિચારાને આમાં કશું ય કંટ્રોલમાં નથી. જેને પોતાનો સ્વભાવે ય કંટ્રોલમાં નથી, એની દયા ખાવી જોઈએ.

ગરમ થવું એટલે શું ? કે પોતે પહેલું સળગવું અને પછી સામાને બાળી મેલવું. આ દીવાસળી ચાંપી એટલે પોતે ભડભડ સળગવું ને પછી સામાને બાળી મેલે. એટલે ગરમ થવાનું પોતાના હાથમાં હોય તો કોઈ ગરમ થાય જ નહીં ને ! બળતરા કોને ગમે ? કોઈ એવું કહે કે, 'સંસારમાં ક્રોધ કરવાની કેટલીક વખત જરૂર પડે છે.' ત્યારે હું કહું કે, 'ના, કોઈ એવું કારણ નથી કે ત્યાં ક્રોધ કરવાની જરૂર હોય.' ક્રોધ એ નિર્બળતા છે, એટલે તે થઈ જાય છે. ભગવાને એટલે અબળા કહ્યું છે. પુરુષ તો કોનું નામ કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને 'પુરુષ' કહ્યા. એટલે આ પુરુષો દેખાય છે એમને પણ અબળા કહ્યા છે; પણ આમને શરમ નથી આવતી ને, એટલા સારા છે, નહીં તો અબળા કહીએ તો શરમાઈ જાયને ? પણ આમને કશું ભાન જ નથી. ભાન કેટલું છે ? નાહવાનું પાણી મૂકો તો નાહી લે. ખાવાનું, નહાવાનું, ઊંઘવાનું એ બધાં ભાન છે, પણ બીજું ભાન નથી. મનુષ્યપણાનું જે વિશેષભાન કહેવામાં આવે છે કે આ સજ્જન પુરુષ છે, એવી સજ્જનતા લોકોને દેખાય, એનું ભાન નથી. 

ક્રોધ-માન-માયા-લોભ એ તો ખુલ્લી નબળાઈ છે અને બહુ ક્રોધ થાય ત્યારે આ હાથ-પગ આમ ધ્રૂજતા જોયા નથી તમે ? 

પ્રશ્નકર્તા : શરીર પણ ના પાડે કે તારે ક્રોધ કરવા જેવો નથી. 

દાદાશ્રી : હા, શરીરે ય ના પાડે કે આપણને આ શોભે નહીં. એટલે ક્રોધ તો કેટલી બધી નબળાઈ કહેવાય ! એટલે ક્રોધ ના હોય આપણને !

×
Share on
Copy