Related Questions

પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?

‘બાહ્ય જગત સાથે અથડામણ ટાળવી એ યોગ્ય છે, પરંતુ મારા પરિવાર સાથે હું ઝઘડા થતા કઇ રીતે ટાળી શકું?’ 

તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઇએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે તેઓને પણ તમારા પ્રત્યે પ્રેમ હોય, તેવી વ્યક્તિ સાથે તમે કઇ રીતે અથડાઇ શકો? આવી અથડામણોનો અંત આવવો જોઇએ. પારિવારિક ઝઘડાઓને કારણે આપણે શા માટે બધું બરબાદ કરીએ? તેવું આપણને શોભે નહિ. 

દરરોજ સવારે એવી પ્રતિજ્ઞા લો કે કોઇના પણ દોષ જોવા નથી અને આખા દિવસ દરમિયાન કોઇની પણ સાથે અથડાવું નથી. જો આપણે કોઇને દુઃખ આપીએ તો આપણે સુખી ન રહી શકીએ. બીજાને ખુશ કરીને જ આપણે ખુશી મેળવી શકીએ. જો તમે તમારા ઘરમાં ખુશીઓ આપો છો, તો તમને પણ બદલામાં ચોક્ક્સ રીતે સુખ મળે છે. જગત ભોગવટા માટે નથી બન્યું, તે તો માણવા કરવા માટે છે. 

તમારો સૌથી મોટો ધ્યેય એ હોવો જોઇએ કે જે વ્યક્તિએ તમારી કાળજી લીધી છે તેનું રક્ષણ કરવું જોઇએ. તેઓ ભૂલો કરે તો પણ તેમનું ધ્યાન રાખો. તમારા પરિવારના સભ્યોને ધમકાવો નહિ. માતા-પિતા, દાદા-દાદી, બાળકો, પતિ, પત્ની – આ બધા લોકો તમારા જ પરિવારના સભ્યો છે ને ! તેમના દોષ ન શોધવા જોઇએ. 

અથડામણો દરરોજ થતી નથી. તે ત્યારે જ થાય છે જ્યારે તમારા ગત ભવના કર્મો ફળ આપવા પાકી જાય છે. આવું જ્યારે બને ત્યારે એડજસ્ટ થાવ. અને તેની ખાતરી રાખો કે અથડામણો થવાથી તમે તમારા સ્નેહીજનોથી વિખૂટા ન પડી જાવ. સામી વ્યક્તિ તમારી સાથે ભેદ પાડવા આવે તો પણ તમારે તેમની સાથે ભેદ ન પડવા દેવો. આ અથડામણોના કારણે તમારા સંબંધોમાં દૂરી ન આવવા દેશો. જો આવું થાય તો, વહેલી તકે તેને સાંધવાનો પ્રયત્ન કરો. 

પારિવારિક અથડામણોને ટાળવા માટે તમારા ઘરના લોકોની પ્રકૃત્તિને ઓળખો 

ઘરના દરેક લોકોના વ્યક્તિત્વને ઓળખો. ઘરમાં પચાસ માણસો પણ હોય શકે, પરંતુ તમને તેમની પ્રકૃતિની ઓળખાણ ન હોવાથી મતભેદો થાય છે. તમારે તેમના તફાવતો ઓળખવા જોઇએ. જો ઘરની કોઇ વ્યક્તિ સતત તમને ફરિયાદ કર્યા કરે છે, તો તે તેમની પ્રકૃત્તિ છે. અને પછી તેવું સમજી જવું જોઇએ કે આ સામી વ્યક્તિની ટેવ છે, તેથી તમે અસરમુક્ત રહી શકશો. આપણો સાચો સ્વભાવ આ બધી ટેવોની પેલે પાર છે. બધી પરિસ્થિઓનો આ જ્ઞાનથી ઉકેલ આવશે. પરંતુ જો તમે પરિસ્થિત સાથે જકડાઇ જશો તો અથડામણો ચાલુ જ રહેશે. ઉદાર અને કૃતજ્ઞ બનો, જે કંઇ પણ આવે છે તેને સાગરની માફક ખુશીથી સ્વીકારી લો અને આગળ ચાલો. તેઓ તમારી નિખાલસતાની નોંધ લેશે અને તમારી પ્રશંસા પણ કરશે. 

ઘરમાં કોઇ એમ પણ કહેશે કે, “ તમે સાવ મૂર્ખ છો.” આ સમયે તમારે સ્વીકારવું જોઇએ કે તે વ્યક્તિ આ રીતે બોલે છે તે તેની ટેવ છે. આ રીતે તમારે એડજસ્ટ થવાનું. જો તમે તેનું અપમાન પાછું આપો છો, તો તમે થાકી જશો અને અથડામણો ચાલ્યા જ કરશે. તે લોકો તમારા સાથે અથડાય છે, પરંતુ જો તમે પણ સામે અથડાશો તો એવું સાબિત થશે કે તમે આંધળા છો. તમારે માનવ જાતની જૂદી જૂદી પ્રકૃત્તિને સમજવી જોઇએ જેથી તમે સહેલાઇથી એડજ્સ્ટ થઇ શકશો. 

વ્યક્તિઓની કિંમત ઘણી છે, જયારે વસ્તુઓ બદલી શકાય એમ છે 

જ્યારે તમે તમારી ઘરની વ્યક્તિઓ કરતા વસ્તુઓ પર વધુ ભાર મૂકો છો, ત્યારે તમે અજાણતા જ મોટું નુકસાન કરી રહ્યા છો. ઘરની વસ્તુઓની કિંમત અમુક ડોલર હોય છે, પરંતુ જ્યારે તમે કોઇ વ્યક્તિને દુ:ખ આપો છો ત્યારે તમે હજારો ડોલર ગુમાવો છો. શું તે ખરેખર યોગ્ય છે? 

જો તમે બન્ને સોફા માટે ઝઘડો છો તો સોફાને બાજુ પર મૂકી દો. તે સોફો માત્ર અમુક સો ડોલરનો જ પડશે. શું તેના માટે ઝઘડવું યોગ્ય છે? તે માત્ર નફરતના બીજ વાવશે. તેને દૂર હટાવી દો. કોઇ પણ વસ્તુ જે તમારા ઘરમાં અથડામણનું કારણ બને છે તેને દૂર ફેંકી દો. તેની પાછળનું કારણ એ છે કે તમારા ઘરના લોકો અમૂલ્ય છે, જ્યારે તમારા ઘરની વસ્તુઓ બદલી શકાય છે. તમે નવી વસ્તુઓ ખરીદી શકો છો, પરંતુ જેને તમે અત્યંત પ્રેમ કરો છો તેના હ્રદયને કઇ રીતે સાંધી શકશો? 

તમારે તમારા ઘરના દરેક લોકોને કહેવું જોઇએ કે, “ આપણે એકબીજાના દુશ્મનો નથી; કોઇને પણ કોઇની સાથે ઝઘડવું ન જોઇએ. અભિપ્રાયોમાં ભેદ પાડવાની કોઇ જરૂરિયાત નથી. ચાલો આપણી પાસે જે કંઇ પણ છે તે એકબીજા વચ્ચે વહેંચીએ અને ખુશ રહીએ.” આ રીતે તમારે વિચારવું જોઇએ અને બધું કરવું જોઇએ. તમારે તમારા ઘરના લોકો સાથે ક્યારેય ઝઘડવું ન જોઇએ. જેની સાથે તમે એક જ ઘરમાં રહેતા હોય તેવા લોકોની સાથે તમે કઇ રીતે ઝઘડી શકો? બીજાને દુ:ખ આપીને કોઇ પણ વ્યક્તિ સુખી ન થઇ શકે અને આપણે બીજાને સુખ આપીશું તો જ સુખી થઇ શકીશું. જો આપણે ઘરમાં બીજાને ખુશ રાખીશું તો જ આપણે ખુશ રહી શકીશું. 

×
Share on