Related Questions

દાન/ધર્માદાનાં ફાયદા શું છે?

પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ?

દાદાશ્રી : એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે.

charity

પ્રશ્નકર્તા : આત્માને અને દાનને કંઈ સંબંધ નથી તો પછી આ દાન કરવું જરૂરી કે નહીં ?

દાદાશ્રી : દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરોને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે. એટલે તમે આપો અને લ્યો. આ ગયે અવતારે આપ્યું, સારા કામમાં પૈસો વાપરેલો એવું કંઈ કરેલું, તેનું આપણને ફળ મળ્યું. હવે ફરી આવું ના કરો તો પછી ધૂળધાણી થઈ જાય. આપણે ખેતરમાંથી ઘઉં તો લઈ આવ્યા ચારસો મણ, પણ ભઈ એ પચાસ મણ વાવવા ન ગયા તો પછી !?

પ્રશ્નકર્તા : તો ઊગે નહીં.

દાદાશ્રી : એવું આ બધું. એટલે આપવાનું. આ પડઘો જ પડશે, પાછું આવશે, અનેકગણું થઈને. ગયે અવતારે આપેલું તેથી તો અમેરિકા અવાયું, નહીં તો અમેરિકા આવવાનું સહેલું છે કંઈ ?! કેટલાં પુણ્ય કર્યાં હોય ત્યારે આ પ્લેનમાં બેસવાનું મળે છે, કેટલાંય લોકોએ પ્લેન તો જોયું ય નથી ! 

×
Share on