Related Questions

ગુરુમાં આપણને શ્રદ્ધા હોય તો શું ફાયદો થાય?

પ્રશ્નકર્તા : ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રદ્ધા હોય તો તે ફળે કે ના ફળે ?

દાદાશ્રી : આપણી શ્રદ્ધા ફળે, પણ ગુરુ પર અભાવ ના આવે તો આપણી શ્રદ્ધા ફળે. ગુરુ વખતે ગાંડું કાઢે તોય અભાવ ના રહે તો આપણી શ્રદ્ધા ફળે.

પ્રશ્નકર્તા : એટલે આપણો જો ભાવ હોય તો ગુરુ કરતાં આપણે આગળ વધીએ ને ?

દાદાશ્રી : વધો, ચોક્કસ વધો ! પણ તમે તમારો ભાવ ના બગાડો તો. અને ગુરુની મહીં ભગવાન બેઠા છે જીવતા જાગતા. પેલા ભીમે લોટું મૂક્યું હતું તોય ચાલ્યું હતું. તમારી શ્રદ્ધા જ કામ કરે છે ને ! માણસે ગુરુ કર્યો હોય અને એ ગુરુ જ્યારે કો'ક ફેરો જરાક વાંકું બોલે, એટલે માણસને પછી ભૂલ કાઢવાની ટેવ હોય ને, તો એ પડી જાય. જો તારામાં ગુરુને સાચવવાની શક્તિ હોય, તો ગુરુ ગમે તેવા ગાંડા કાઢે અગર તો ગુરુને સનેપાત થાય, તોય સાચવે તો કામનું. પણ ઠેઠ સુધી નભાવતા જ નથી ને ! નભાવતા આવડતું જ નથી ને !

પ્રશ્નકર્તા : અયોગ્ય પુરુષમાં પણ પૂર્ણ શ્રદ્ધાથી સ્થાપના કરી હોય, તો એ ફળ આપે કે નહીં ?

દાદાશ્રી : કેમ નહીં ? પણ એ સ્થાપન કર્યા પછી આપણે ફરવું ના જોઈએ.

આ બધું શું છે ? તમને ખરી હકીકત કહું ? હું તમને ખુલ્લું કહી દઉં ? આ ગુરુ તો ફળ નથી આપતા, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે. ગુરુ ગમે તે હશે, પણ આપણી દ્રષ્ટિ ફળ આપે છે. આ મૂર્તિ યે ફળ નથી આપતી, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે ને જેવી જેવી તમારી સ્ટ્રોંગ શ્રદ્ધા, તેવું તરત ફળ !

એવું છે, આ જગતમાં શ્રદ્ધા આવે ને ઊડી જાય. એક જ્ઞાની પુરુષ એકલા જ એવા છે કે જે શ્રદ્ધાની જ મૂર્તિ, બધાંને શ્રદ્ધા આવી જાય. એમને દેખતાં, વાત કરતાં શ્રદ્ધા આવી જાય. જ્ઞાની પુરુષો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એ તો કલ્યાણ કરી નાખે ! નહીં તોય તમારી શ્રદ્ધા જ ફળ આપે છે. 

×
Share on