ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: સંગમદેવના ઉપસર્ગો

ગોશાળાએ પોતાની મતિ પ્રમાણે એકાંતે નિયતિવાદને પકડ્યો હતો; જ્યારે શ્રી ભગવાન મહાવીરે જગતને અનેકાંતવાદ રૂપી પાંચ સમવાય કારણો આપ્યા. ત્યારબાદ, ઇતિહાસમાં કોઈની પર ન થયા હોય એવા સંગમદેવના ઘોર ઉપસર્ગ વિશે વાંચીએ.

ભગવાન મહાવીર આગળ વિહાર કરતા ગયા. તેઓ એક ઉદ્યાનમાં આત્મરમણતામાં ધ્યાન કરતા બેઠા હતા. ત્યાં દેવલોકમાં, ઇન્દ્ર દેવોની સભામાં, શકેન્દ્ર દેવને ભગવાનના દર્શનથી પ્રભાવિત થઈને ખૂબ ભક્તિભાવ જાગ્યો. એમણે ભક્તિભાવમાં એક પછી એક ભગવાનની સમતા અને સદ્‌ગુણોની વાત કરી. ભગવાન મહાવીર એક જ પુદ્‌ગલ પર દૃષ્ટિ રાખીને ધ્યાનમાં સ્થિર હતા; એ દૃષ્ટિમાંથી કોઈ એમને ચલાયમાન કરી શકે એમ નહોતું. ત્રણેય લોકમાં ભગવાન મહાવીરને એમના ધ્યાનમાંથી ચલાયમાન કરી શકે એવું કોઈ ન હતું. શકેન્દ્ર દેવે દેવતાઓની સભામાં, બીજા બધા દેવોની સામે, ભગવાનનું જબરજસ્ત ઉત્સાહ અને વિશ્વાસ સાથે વર્ણન કર્યું અને એમના કીર્તન ગાયા. આ સાંભળીને એક સંગમ નામના દેવથી સહન ના થયું. એ દેવ રાગી-દ્વેષી અને જબરજસ્ત કષાયી હતો. સંગમદેવને થયું, “ઓહોહો, આવું તે હોઈ શકે?” અને તે ક્રોધે ભરાઈને શકેન્દ્ર દેવને જેમતેમ બોલવા માંડ્યો, ”શું વાત કરો છો? કાળા માથાનો માનવી તે વળી કઈ પ્રકારની સમતામાં હોઈ શકે? આપણે અહીંયાં કેટલાય દેવાધિદેવો છે! એની આગળ આ માણસનું શું? બહુ બહુ તો એક સાધુ જ છે ને! એની એટલી તે શું તાકાત હોઈ શકે? કોઈ પણ એને ન ચલાયમાન કરી શકે? એવી તે કેવી વાત છે!”

સંગમદેવનો જબરજસ્ત અહંકાર છંછેડાયો અને એણે નક્કી કર્યું કે, ”હું ગમે તે રીતે આ મહાવીર સાધુને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ જ!” પછી એ ભગવાન મહાવીરનું ધ્યાન તોડવા માટે પોતાની બધી જ યોજના સાથે નીકળી પડ્યો.

સંગમદેવે ભગવાન મહાવીર સાથે જે ઉપસર્ગો કર્યા તે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

  • સૌપ્રથમ સંગમદેવે ભગવાન મહાવીર પર જબરજસ્ત ધૂળ ઉડાડી. એટલી બધી ધૂળની રજકણો ઉડાડી કે આખું અંધારું થઈ જાય અને શ્વાસ પણ ન લેવાય. શ્વાસ રૂંધાઈ જાય અને ઓક્સિજન ન મળવાથી અશક્ત થઈ જવાય; શરીર આખું લોચા જેવું થઈ જાય. તો પણ ભગવાન તો પોતાના ધ્યાનમાં જ હતા; જરાય એમનું ધ્યાન ચલિત ન થયું.
  • પછી સંગમદેવે બીજું હથિયાર લીધું. વજ્ર જેવા મુખવાળી મોટી-મોટી કીડીઓનો ઉપસર્ગ કર્યો. સોયની જેમ ભગવાનના શરીરને ચાળણી કરી નાખે એમ એ બધી કીડીઓ ડંખ મારતી હતી; તોય ભગવાન ચલાયમાન ન થયા.
  • ત્રીજો ઉપસર્ગ દેવે મોટા ડાંસ મચ્છરોનો કર્યો. બધા ડાંસ મચ્છરો ભગવાનના શરીરને જોરજોરથી એવા ડંસ આપ્યા કે ભગવાનના આખા શરીરે સફેદ રક્તની ધાર નીકળી. તોય ભગવાને એકેએક ઉપસર્ગ સમતામાં રહીને પૂરો કર્યો; ક્યાંય એમનું ધ્યાન ચલાયમાન ન જ થયું.
  • ચોથા ઉપસર્ગમાં મોટી ચાંચોવાળી ઘીમેલો ભગવાન પર ઢગલેબંધ નાખી. ઘીમેલો એટલી બધી ચાંચો મારતી, કરડતી, તોય ભગવાન એમની સમતામાંથી ચલિત થયા ન હતા.
  • પાંચમો ઉપસર્ગ મોટી પૂંછડીવાળા વીંછીઓનો કર્યો. એ મોટા વીંછીઓ કરડે તો એનો ડંસ સહન જ ના થાય એટલો બધો ભારે હોય. વીંછીઓ એકસામટા ડંસ મારતા હતા, તોય ભગવાન મહાવીર જરાય ચલાયમાન ન થયા.
  • છઠ્ઠા ઉપસર્ગમાં એ દેવે મોટા દાંતવાળા ઢગલાબંધ નોળિયાઓ ભગવાન પર ફેંક્યા. નોળિયાઓએ ભગવાનનું માંસ ચૂંથી કાઢ્યું, છૂટું પડી નાખ્યું, તોય ભગવાન પોતાના ધ્યાનમાંથી જરાય ચલાયમાન ન થયા.
  • સંગમદેવે સાતમો ઉપસર્ગ મોટા ભયંકર નાગનો કર્યો. જેમ કોરડા વીંઝે એમ એ નાગે ભગવાનના શરીરને પગથી માથા સુધી બધે ફટકા માર્યા, વીંઝી નાખ્યા. નાગે ભગવાનને જબરજસ્ત ઝેરીલા ડંસ માર્યા, તોય ભગવાન જરાય ચલાયમાન ન થયા.
  • આઠમા ઉપસર્ગમાં ભગવાન પર મોટા ઘૂસ (જંગલી) જેવા ઉંદરો ફેંક્યા. તે જંગલી ઉંદરોએ પોતાના મોટા દાંતથી ભગવાનને ખૂબ કરડીને લ્હાય-લ્હાય કરી નાખ્યા, તોય ભગવાન તો પોતાના આત્મધ્યાનમાં જ હતા. તેઓ પોતાના એક પુદ્‌ગલને જ જોતા હતા; કેટલી જબરજસ્ત સમતા!

સંગમદેવે જે ઉપસર્ગો કર્યા છે એના જેવા ઉપસર્ગો કોઈ તીર્થંકરને, કોઈ માનવને ક્યારેય નથી આવ્યા. ઇતિહાસમાં આ જબરજસ્ત ઉપસર્ગ છે અને ભગવાન આ બધાને પાર કરી ગયા.

  • આટલાથી ન પત્યું એટલે સંગમદેવે નવમો ઉપસર્ગ કર્યો, મોટી સૂંઢવાળા હાથી મૂક્યા. હાથીઓ સૂંઢથી ભગવાનને ઉછાળીને પછાડતા અને મોટા-મોટા દાંતોથી પ્રહાર કરતા, તોય ભગવાન ચલાયમાન ન થયા.
  • દસમો ઉપસર્ગ દેવે હાથણી મોકલીને કર્યો. એણે માથા અને દાંતથી ભગવાનના શરીરને ભેદી નાખ્યું, છૂંદી નાખ્યું. ભગવાન તો ચરમ શરીરી હતા એટલે એમનો દેહ તો ખલાસ થવાનો ન હતો પણ એમની સમતા પણ જરાય તૂટી નહીં; તૂટી તો નહીં પણ એમાં જરાય તિરાડ પણ ન પડી.
  • અગિયારમો ઉપસર્ગ મોટા મગર જેવા પિશાચોનો કર્યો. ભગવાન તોય એનાથી ન ડગ્યા.
  • બારમા ઉપસર્ગમાં મોટા વાઘને મોકલ્યા. વાઘે પોતાના મોટા નખ અને દાંતથી ભગવાનને જબરજસ્ત પીંખી નાખ્યા. તોય ભગવાન એમની સમતામાંથી ન ડગ્યા.
  • પછી સંગમદેવે પોતાના વૈક્રિય શરીરથી ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલાનું સ્વરૂપ ધારણ કર્યું. એમનો દેહવિલય તો થઈ ગયો હતો છતાંય નવી જાતનું તોફાન કર્યું અને માતા-પિતા બંનેને જબરજસ્ત વિલાપ કરતા બતાવ્યા. તેમને ઝૂરતાં જોઈને પણ ભગવાનને કંઈ અસર ન થઈ; એમની સમતામાં જરાય ફેરફાર ના થયો. માતા-પિતાને પાછા જોઈને પણ ભગવાન ન ડગ્યા.
  • આટલાથી ના પત્યું તો સંગમદેવે હજુ વધારાનો પંદરમો ઉપસર્ગ કર્યો. ભગવાનના બે પગને લાંબા કરાવી અને પગ વચ્ચે બધા લાકડાંઓ નાખી ઉપર તપેલું મૂક્યું. ભગવાનના પગનો ચૂલો બનાવ્યો અને ઉપર ભાત રાંધવા મૂક્યો. એટલો બધો અગ્નિ કર્યો કે ઓહોહો, મોટી મોટી જ્વાળાઓ, પગ તો બળીને ખાખ થઈ જાય! પણ ભગવાન ચરમ શરીરી હતા એટલે એવું થયુ નહીં પણ ભોગવટો જબરજસ્ત આવ્યો. કોઈને કલ્પનામાં પણ ન આવે કે હેરાન કરવાની કઈ કઈ રીતો હોય! પગનો ચૂલો કરીને, લાકડાં ખોસીને અગ્નિ બાળે, એવું તો કોઈના મગજમાંય ના આવે.
  • સોળમા ઉપસર્ગમાં ચંડાળ મોકલ્યા અને પછી ભગવાનના ગળા, કાન, નાક, હાથ અને જાંઘ પર બધે પક્ષીઓના પિંજરાં લટકાવ્યા. પક્ષીઓએ ચાંચ મારી-મારીને ભગવાનને લોહીલુહાણ કરી દીધા. ભગવાનની માંસપેશીઓ બહાર કાઢી નાખી. તોય ભગવાન પોતાની સમતામાંથી ખસતા જ ન હતા.
  • સત્તરમા ઉપસર્ગમાં ભગવાન પર મોટું પવનનું વાવાઝોડું ફેંક્યું. એ વાવાઝોડા થકી ભગવાનને વંટોળિયાની જેમ ઉપરથી નીચે વારંવાર પછાડ્યા. તોય ભગવાન એમની સમતામાંથી ન હટ્યા.
  • અઢારમા ઉપસર્ગમાં મોટા લોખંડના ચક્રો ફેંક્યા. જો એ ચક્ર કોઈ મનુષ્ય પર પડે તો એના ચૂરેચૂરા થઈ જાય. ભગવાન એ ચક્રથી જમીનમાં અડધા ગરકી ગયા પણ સમતામાંથી આઘાપાછા ન થયા.
  • ઓગણીસમા ઉપસર્ગમાં મોટા દેવ વિમાનમાંથી સંગમદેવ સદેહે આવ્યો અને ભગવાનને લાલચ આપી, “તમે કહો એ તમને બધું આપું.” લાલચ આપીને ભગવાનને ચલાયમાન કરવાની વાત કરી અને કહ્યું, “હું તમારા પર રીઝી ગયો છું. તમે માંગો એ આપું. તમને ચક્રવર્તીનું રાજ આપું, દેવગતિમાં લઈ જઉં, ત્યાંના ભોગ આપું. તમે કહો તો તમને મોક્ષે પણ લઈ જઉં.” દેવે ભગવાનને મોક્ષનું પ્રલોભન આપ્યું.

mahavira upsarg

ભગવાન તો સમજી ગયા કે, “મારા કર્મની આગળ કોઈથી કશું થાય નહીં. કોઈ દેવ મને કશું આપી ના શકે. અહીંથી મને દેવગતિમાં ના લઈ જઈ કે અને મોક્ષે પણ ના લઈ જઈ શકે. હું મારા પુરુષાર્થથી જે કંઈ કરી શકું એ મને મળશે. બાકી આ મને કરી આપે અને મારો ઉદ્ધાર થાય એવું કોઈ કાળે ક્યારેય બને નહીં.” એટલે ભગવાન મહાવીરે સાક્ષાત દેવ જોડે પણ આ દૃષ્ટિ રાખી હતી.

સંગમદેવે આપેલી લાલચ સામે ભગવાન મહાવીરનું એક પણ પરમાણુ હલ્યું ન હતું. ભગવાન પોતે તો સંપૂર્ણ જ્ઞાનમાં જ હતા કે, “મારી પાસે જે કંઈપણ આવશે એ મારા જ કર્મોનું ફળ આવશે. એથી વધારે એક પરમાણુ જેટલું પણ કોઈનાથી વધારી શકાય એમ નથી કે ઘટાડી શકાય એમ નથી.”

  • છેલ્લા વીસમા ઉપસર્ગમાં સંગમદેવે બધી દેવીઓને મહાવીર ભગવાન પાસે મોકલી અને દેવીઓને કહ્યું, “ગમે તેમ કરીને ભગવાનને વિષયમાં પાડો, લલચાવો. ગમે તે રીતે એમને પછાડો.” દેવાંગનાઓએ એમની રીતે બધા જ પ્રયત્નો કર્યા. દેવીઓ શું ના કરી શકે! એમની પાસે રૂપ અને બીજી બધીય કળાઓ હતી. પણ ભગવાન તો ભગવાન જ રહ્યા; તેઓ આ બધી દેવીઓના ઉપસર્ગમાં જરાય ચલાયમાન ન થયા. તેઓ આ બધા ઉપસર્ગોની પાર ગયા.

ત્યારે સંગમદેવને થયું, “અરર! આ તો કોઈ રીતે જીતાતા નથી. માટે આમની શક્તિ જબરજસ્ત છે!” એને પોતાને થયું, “હું કેવી રીતે દેવોને મોઢું બતાવું? પાછો દેવલોકમાં કેવી રીતે જઉં?” એને ખૂબ શરમ આવી. એટલે એણે નક્કી કર્યું, “જે થાય એ હવે, વધારેમાં વધારે ઉપસર્ગ કર્યા જ કરું.” પણ તેનો પણ અંત તો આવે જ છે ને! દેવે આખી રાત ખૂબ ઉપસર્ગ કર્યા તો પણ ભગવાન સમતામાંથી ચલાયમાન ન જ થયા.

સવાર પડતાં જ ભગવાન તો વિહાર કરવા જતા હતા અને ભગવાન જ્યારે પારણું કરવા જાય તો સંગમદેવ આખો ખોરાક જ ખરાબ કરી બગાડી નાખતો. પછી સંગમદેવે પાંચસો-પાંચસો ચોરને મોકલ્યા; એ બધા ભગવાનને એવી રીતે ભેટ્યા કે હાડકાં તૂટી જાય. રેતીમાં પગ ખૂંપી જાય એટલું તો બધાએ ચલાવીને ભગવાનને ખૂબ માર્યા. તોય ભગવાને જરાય પોતાની સમતા ન તોડી. આવી રીતે છ મહિના સુધી જુદી જુદી રીતે સંગમદેવે ભગવાન પર રાત-દિવસ જબરજસ્ત ઉપસર્ગો કરીને હેરાન કર્યા અને છ મહિના સુધી ભગવાન ભૂખ્યા રહ્યા; એમણે ઉપવાસ કર્યા. ભગવાનને સંગમદેવ માટે જરા પણ ભાવ ન બગડ્યા; કારણ કે તેઓ નિરંતર જ્ઞાનમાં જ હતા. એટલે આટલા બધા ભયંકર ઉપસર્ગો હોવા છતાં પણ ભગવાનની કરુણા, વીતરાગતા અને સંગમદેવ સાથેનો હિસાબ ચૂકવવાનો જે અડગ નિશ્ચય હતો એમાં જરાય ફેરફાર થયો ન હતો.

ભગવાન મહાવીર તો તીર્થંકર હતા. ચોવીસે ચોવીસ તીર્થંકરોમાં સૌથી વધારે કર્મો ખપાવવાના ભગવાન મહાવીરને આવ્યા; આ ભગવાનનું મોટું અપવાદ છે. કોઈ તીર્થંકરને આટલા ઉપસર્ગો ના હોય. ભગવાનની સમતામાં રહેવાની જે આત્મસ્થિતિ હતી એ અજબ હતી. જે આત્મામાં રહે તે જ ખરેખર સમતામાં રહી શકે છે. દેહભાવમાં રહે તો દેહ તો જતો રહે એટલે પોતે પણ જતો રહે; સમતામાં ન રહી શકે. ભગવાન મહાવીરના જીવનમાં આટલા બધા ઉપસર્ગો આવ્યા એમાં સંગમદેવના ઉપસર્ગો ઐતિહાસિક રીતે પ્રચલિત છે. ભગવાન તો જ્ઞાની હતા; નિરંતર શુક્લધ્યાનમાં રહેતા હતા. બહાર બધા ઉપસર્ગો એમના શરીરને ચાળણી જેવા કરી નાખતા પણ અંદર એમની સમતા, વીતરાગતામાં જરાય ફેરફાર નહોતો. ભગવાન તો અંદર પરમાનંદમાં જ હતા અને જબરજસ્ત એમના કર્મો ખપાવતા રહ્યા. જેના આધારે એમનું કેવળજ્ઞાન નજીક ને નજીક આવતું ગયું અને ભગવાન કેવળજ્ઞાનને પંથે આગળ ને આગળ દિન-રાત પ્રગતિ કરી રહ્યા હતા. સંગમદેવે મહાવીર ભગવાન પર કરેલા ઉપસર્ગોને મોટું આશ્ચર્ય કહેવામાં આવે છે. જે દસ આશ્ચર્ય એટલે કે અચ્છેરા કહેવામાં આવે છે અપવાદો. અધ્યાત્મ જગતના અપવાદોમાંનો આ એક અપવાદ કહેવાય છે કે ભગવાન પર આટલા બધા ઉપદ્રવ થયા.

સંગમદેવ છેવટે થાક્યો, હાર્યો અને ભગવાનના શરણમાં આવ્યો. છ મહિના પછી એ ટાઢો પડ્યો. છ મહિના એણે ભગવાન પર સતત ઉપસર્ગો કર્યા પણ પછી છેવટે હારી ગયો કે હવે નહીં થાય. એણે ભગવાનને નમસ્કાર કરીને ચરણમાં પડીને કહ્યું, “સૌધર્મ દેવે તમારી પ્રશંસા કરી અને મને એમાંથી અહંકાર જાગ્યો હતો. મેં તમને જબરજસ્ત દુઃખ આપ્યા એનો મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારી શું ગતિ થશે એની મને ખબર નથી પણ મને માફ કરો. તમારા ચરણોમાં આવ્યો છું; મારી પર કૃપા રાખજો.” ખૂબ હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરીને પછી પાછો પોતાના સ્થાને દેવલોકમાં ગયો.

દેવલોકમાં સૌધર્મેન્દ્ર દેવ અને બીજા બધા દેવોને સંગમદેવને જોઈને બહુ જ અભાવ થયો. સૌધર્મેન્દ્ર દેવે એને ખૂબ જ જેમતેમ ઠપકાર્યો, “પાપી, તું કેવો છે! આખી દુનિયાના, ચૌદ લોકના નાથ છે; એમને તું આટલો બધો રંજાડે છે. અમે બધા ચૂપ રહ્યા, નહીં તો તને એક જ ક્ષણમાં અમે ભગાડી શક્યા હોત! પણ શું કરે ભગવાનનો નિયમ છે કોઈ પણ તીર્થંકર ભગવંતો બીજાની સહાયતાથી પોતાના કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામતા નથી. પોતાના સ્વ-પુરુષાર્થથી જ બધા કર્મો સમતામાં રહીને ખપાવીને કેવળજ્ઞાન પામે છે. એ નિયમને લીધે અમે કોઈ કશું જ બોલી શક્યા નહીં. તેં જેમ ફાવ્યું તેમ કર્યું અને અમે બધા રડતા હૃદયે આ બધું જોઈ રહ્યા હતા પણ કશું અમારાથી થાય નહીં. પણ હવે તો તારું પતી ગયું. હવે અમે તને નહીં ચલાવી લઈએ. તેં આટલો ભયંકર કેર વર્તાવ્યો; એટલે હવે તને અમે અમારી ભેગો નહીં રાખીએ.” બધા દેવોએ સંગમદેવને મારીને કાઢી મૂક્યો અને કહ્યું, “તું જતો રહે હવે અહીંથી.” પછી મેરુ પર્વત પર જઈને બાકીનું આયુષ્ય સંગમદેવે પૂરું કર્યું. તેની બધી દેવીપત્નીઓ સહિત આખા પરિવારે વિનંતી કરી કે, “અમને પણ સંગમદેવની સાથે મેરુ પર્વત પર જવાની આજ્ઞા આપો.” પછી સૌધર્મેન્દ્ર દેવ અને બીજા દેવોએ એમની માંગણીનો સ્વીકાર કર્યો.

ઇતિહાસમાં આશ્ચર્યજનક ઘટના બની જેમાં સૂર્ય અને ચંદ્ર બંને એકસાથે ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા એ વિશે તથા જિનદત્ત શેઠની ભગવાન મહાવીર પ્રત્યેની અનન્ય ભક્તિ દર્શાવતી ભાવ અને દ્રવ્યની સમજણ આપતી એક વિશેષ ઘટના બની હતી એ વિશે આગળ વાંચીએ.

×
Share on