
મહાસતી મૃગાવતીએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંસારમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું શીલ સાચવ્યું. તેઓ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની અનન્ય ભક્તિથી સંસારમાં વૈરાગ્ય પામીને દીક્ષિત થયાં. અહીં, ક્રોધવશ ગોશાળાએ સર્વજ્ઞ ભગવાન પર તેજોલેશ્યા છોડી અને તેનું શું પરિણામ આવ્યું તેનું વૃત્તાંત વાંચીએ.
મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં પહેલાં મંખલિપુત્ર ગોશાળો એમની સાથે શિષ્ય થઈને ફરતો હતો અને ઘણી બધી કળાઓ અને વિદ્યાઓ એણે ભગવાન પાસેથી પ્રાપ્ત કરી હતી. ગોશાળો સ્વચ્છંદમાં પોતાનો જુદો ચોકો માંડીને સર્વજ્ઞ થઈને ફરતો હતો. મહાવીર સ્વામી તો તીર્થંકર હતા જ, ગોશાળો નહોતો; છતાં એ પોતાની જાતને સર્વજ્ઞ, તીર્થંકર તરીકે ઓળખાવતો હતો. તેણે પોતાનું નામ ગોશાળાને બદલે ઉદાય મુનિ રાખ્યું હતું અને પોતે જાણે કોઈ નવી જ વ્યક્તિ હોય એવી રીતે પોતાને રજૂ કરતો હતો.
એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીમાં વિહાર કરતા કરતા પધાર્યા અને એ જ શ્રાવસ્તી નગરીમાં ગોશાળો પહેલેથી જ ઉદાય મુનિ તરીકે, સર્વજ્ઞ અને ચોવીસમા તીર્થંકર તરીકે રહેતો હતો. ત્યાં એક હાલાહલા નામનો બહુ મોટો કુંભાર રહેતો હતો જેની પાસે પાંચસો દુકાનો હતી; એ દુકાનોમાં વાસણો અને ઘણી વસ્તુઓ વેચતો હતો. ત્યાં આગળ ગોશાળાએ પોતાનો વાસ કર્યો. ભગવાન મહાવીરે પણ એ જ નગરીના ઉદ્યાનમાં બિરાજીને સમવસરણમાં દેશના આપી.
એક વખત બન્યું એવું કે આનંદ મુનિ પોતાના છઠનું પારણું કરીને ભગવાન સ્વામી પાસે આવતા હતા. ત્યાં રસ્તામાં હાલાહલાની દુકાન આવી જ્યાં ગોશાળો તીર્થંકર તરીકે બધાની સાથે વાતો કરતો હતો. ગોશાળાનો પણ એક મોટું ટોળું હતું અને એના ઘણા ભક્તો હતા. પાછા ફરતાં આનંદ મુનિએ ગોશાળાને જોયો. એની પાસે ટોળું બેઠેલું જોઈને મુનિ ત્યાં ગયા અને બધી તપાસ કરી કે આ શું છે અને કોણ છે.
ગોશાળાએ બધાની વચ્ચે કહ્યું, “હું તો સર્વજ્ઞ છું; ચોવીસમો તીર્થંકર છું. મારી પાસે રિદ્ધિ-સિદ્ધિઓ છે; હું મોક્ષે જવાનો છું અને આ બધાને મોક્ષે લઈ જવાનો છું.” એવી બધી મોટી-મોટી વાતો કરી. આનંદ મુનિએ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ બધું સાંભળી લીધું અને સીધા ભગવાન મહાવીર પાસે ગયા. એમણે ભગવાનને પૂછ્યું, “હકીકત શું છે? ગોશાળો તો એમ કહે છે કે મારામાં તો બહુ શક્તિ છે. મારામાં તેજોલેશ્યાની એટલી શક્તિ છે કે હું ગમે એને બાળીને ભસ્મીભૂત કરી નાખું. તો શું વાત છે? આવું તો બની શકે?”
પછી ભગવાને કહ્યું, “હા, એની વાત સાચી છે. એને એટલી બધી તેજોલેશ્યાની શક્તિ મળી છે કે એ ગમે એને બાળી શકે છે. માત્ર અમને એકલાને ના બાળી શકે. માટે તમે બધા ચેતતા રહેજો અને ગમે ત્યારે એ સામો આવે તો એક અક્ષર પણ એની સાથે બોલશો નહીં; બધા મૌન રહેજો. આ ગોશાળો જેવોતેવો નથી.” મહાવીર સ્વામી અને આનંદ મુનિનો જાહેરમાં લોકો વચ્ચે વાર્તાલાપ થવાથી બધાને ખબર પડી ગઈ કે આ ગોશાળો પોલંપોલ છે. એટલે નગરજનોમાં ચર્ચા થઈ, “આપણા ગામમાં બે-બે તીર્થંકરો આવી ગયા છે. એમાં કોણ સાચું અને કોણ ખોટું?” કેટલાક મહાવીર સ્વામીને, જ્યારે કેટલાક ગોશાળાને, સાચો માનતા હતા.
સ્વાભાવિક છે કે દરેકને પોતાના ગુરુ સાચા અને બીજાના ખોટા જ લાગે. સાચા-ખોટાની પરીક્ષા કરવાની કોઈની કુશાગ્ર બુદ્ધિ કે સમજણ હતી નહીં. એટલે બિચારા બાળાભોળા જીવ, જેને જ્યાં ઉદય ખેંચી જાય ત્યાં જતા હતા. ગોશાળાની પાસે બે વિદ્યાઓ હતી. એક વિદ્યા તેજોલેશ્યાની હતી જે તેણે વૈપાયન તાપસ પાસેથી પ્રાપ્ત કરી હતી અને બીજી વિદ્યા અષ્ટાંગ નિમિત્તની હતી. અષ્ટાંગ નિમિત્તની વિદ્યા એટલે બધાના મનનું, ભવિષ્યનું જાણી શકે એવી વિદ્યા. આ બે વિદ્યાથી એ લોકોને પોતાની તરફ જબરજસ્ત આકર્ષી શકતો હતો. લોકોને એ ચમત્કારિક પુરુષ લાગતો હતો. કારણ કે જે કોઈ આવે એને ગોશાળો અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી એના મનની વાતો જાણીને એ પ્રમાણે સામા જોડે વાતો કરતો; એને એના મનની વાતો કહી દેતો. એટલે લોકોને એમ થતું કે ગોશાળો તો કોઈ જબરજસ્ત તીર્થંકર જેવો જ છે, કેવળજ્ઞાની છે, આખા બ્રહ્માંડના ત્રણ લોકનું બધું જાણી શકે એમ છે.
લોકોને ખબર નથી હોતી સાચું શું ને ખોટું શું! લોકોને અધ્યાત્મની બાળક જેવી સમજણ હોય છે, એટલે છેતરાઈ જાય. જો પરિપક્વ થયેલા હોય, તો બે મિનિટમાં ઓળખી કાઢે કે તીર્થંકર કોણ હોય કે જેને રાગ-દ્વેષ ના હોય, સંપૂર્ણ વીતરાગતા હોય, જેની આંખોમાં નિર્મળતા હોય, નિર્દોષ હોય. આંખો જોઈને જ ખબર પડી જાય. સાચા જ્ઞાની હોય, સાચા તીર્થંકર હોય તો એની આંખોથી જ ખબર પડે; આંખોમાં નિર્મળતા હોય.
તીર્થંકર ભગવાનની તો કેવી આંખો હોય! ઓહોહો! આખો આત્મા ખુલ્લો પ્રગટ થયો હોય. એમની દૃષ્ટિ કેટલી નિર્મળ હોય, કેટલી નિર્દોષ હોય! બાળાભોળા જીવને તો ખબર ના હોય; જરાક ચમત્કાર જુએ એટલે લોકો ગાંડા થઈ જાય. ખરેખર આ જગતમાં એક આત્મા સિવાય કોઈ વસ્તુ પર અંજાવા જેવું નથી. આત્મા સિવાય બીજા કોઈ ચમત્કારમાં પડવા જેવું નથી. કારણ કે આ બધી લોભામણી, મનને વિલાસ કરાવનારી વસ્તુ છે. આપણા ચિત્તને પકડી રાખે એટલો વખત આપણને સારું લાગે. બાકી આપણા પલ્લામાં શું આવે છે?
ઘણા જાતજાતના ચમત્કારો કરે છે પણ તેથી આપણા ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષમાં શું ફરક પડ્યો? ચમત્કારથી જો આપણને શાંતિ થાય, ક્રોધ-માન-માય-લોભ ઘટે, આત્મદર્શન થાય તો આપણા માટે કામનું છે. ખાલી થોડી વાર પૂરતું જરા આનંદ લાગે, પછી પાછું હતા તેના તે જ! આપણામાં કશો ફેરફાર ના થાય. જે જબરજસ્ત સમજણવાળા છે, એ કોઈ દિવસ ચમત્કારમાં ના પડે. એ પોતાની સાધનામાં આગળ વધ્યા જ કરે. કેમ કરીને પોતાની સાધ્ય વસ્તુ કે આત્મા પ્રાપ્ત કરવો છે, મોક્ષને પામવું છે, એ જ એના મગજમાં દિન-રાત હોય. બીજી કોઈ વસ્તુ એને આંજી ના શકે. જે આત્મા સિવાય કોઈ પણ અન્ય વસ્તુમાં અંજાઈ જાય તો સમજવાનું કે આ બહુ કાચો છે, મોક્ષને લાયક નથી. જો આપણને મોક્ષ જોઈએ છે, ઈશ્વરપ્રાપ્તિ જોઈએ છે, ભગવાન જોડે મળવું છે, એવી જાતજાતની બધી કલ્પનાઓમાં આપણે રાચતા હોઈએ, પણ બીજી બાજુ આપણી આ સમજણ આવી કાચી હોય તો કોઈ રીતે ભગવાન આપણને ભેગા થાય નહીં અને આવા બધામાં આપણે અટવાઈ જઈએ.
ઘણા ગોશાળાની ચમત્કારિક વાતોથી અટવાઈ જતા હતા, એના શિષ્ય થઈ જતા હતા અને આખા બ્રહ્માંડનું ઊંચામાં ઊંચું જ્ઞાન જેમની પાસે હતું એવા પ્યોર ભગવાન મહાવીરને લોકો ઓળખી ન શક્યા. એટલે ભગવાનના શિષ્યો કરતાં ગોશાળાના શિષ્યો ખૂબ વધારે હતા! કારણ કે લપસવાનું સહેલું છે. સહેલો રસ્તો બધાને ગમે અને જે સાચો રસ્તો છે, એ રસ્તે જવાનું બહુ ઓછાને ગમે. ઊંધા રસ્તે જવાનું બધાને વધારે ફાવે! એ હિસાબે ઘણા બધા ગોશાળાના શિષ્યો થઈ ગયા હતા અને એને સર્વજ્ઞ તેમ જ તીર્થંકર તરીકે સ્વીકારતા હતા.
ભગવાન મહાવીરે બધાને આમાં ન પડવાનો સંકેત આપી દીધો હતો. એમણે ગૌતમ સ્વામીને પણ કહ્યું, “તમે આમાં પડશો નહીં. ગોશાળાની કોઈ પણ વાત ક્યાંય કરશો નહીં.” આ બધી વાતો ભગવાનને બધા વચ્ચે કોઈક પૂછે એટલે ભગવાન તો જવાબ આપતા. પછી ભગવાને ચોખ્ખું કહ્યું, “આ તો મંખલિપુત્ર ગોશાળો છે અને એણે મારી પાસેથી જ દીક્ષા લીધેલી અને મારી પાસેથી જ શિક્ષા લીધેલી પણ પછી એ છૂટો પડી ગયો.” ભગવાનને તો જેમ હોય તેમ કહેવું જ પડે. પણ લોકો પછી ગૂંચવાડામાં પડ્યા અને નગરમાં જાતજાતની ચર્ચાઓ થતી હતી. નગરજનો એ વાત પાછી ગોશાળાને પણ જઈને કહી આવતા, “પેલા મહાવીર તો પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે અને તીર્થંકર છે અને આ બાજુ તમે છો. કોણ સાચું ને કોણ ખોટું?” આ સાંભળીને ગોશાળો લાલચોળ થઈ ગયો; એને ખૂબ ક્રોધ આવ્યો. સ્પર્ધામાં માણસને શું ના થાય? સ્પર્ધામાં પડે એટલે પોતાને સાચો પુરવાર કરવા માટે ગમે તે કરી નાખે!
આવા કાળમાં, ખરેખર આપણને મહાવીર સ્વામીની વાતો ખૂબ કામ લાગે છે. ભગવાન કેવા વીતરાગ હતા, કેવા અહિંસક હતા! આપણે એમના જેવા થવાનું છે; આપણો એ ધ્યેય છે. જો આપણે ભગવાનની, તીર્થંકરોની, જ્ઞાનીઓની અને ત્રેસઠ શલાકા પુરુષોની કથા વાંચીએ તો એ વાંચતા વાંચતા, આપણી અંદર પણ એમના જેવું થવું છે, આપણે પણ આવું કરવું છે, એવું પોઝિટિવ આપણે અંદર અપનાવતા જઈએ, નિશ્ચય કરતા જઈએ તો પોતાની મેળે એ વસ્તુ પ્રગટ થતી જાય. નિયમ એવો છે કે સારી વસ્તુની આપણે કદર કરીએ તો એ વસ્તુ આપણી અંદર પ્રગમે અને ખરાબ વસ્તુની કદર કરીએ તો આપણી અંદર ખરાબ વસ્તુ પ્રગમે. એટલે જો આપણે સારા ચરિત્રો સાંભળીએ, વાંચીએ અથવા મનન કરીએ તો આપણી અંદર એવા ચરિત્રો ઉત્પન્ન થતા જશે.
ગોશાળાને લોકો બધી વાતો કરતા પણ ભગવાન તો વીતરાગ હતા; એ તો કંઈ બોલતા નહોતા. ફક્ત એટલું જ બોલતા, “ગોશાળો કહે છે એ સત્ય વાત નથી.” ગોશાળો તો જબરજસ્ત ગુસ્સામાં અપશબ્દો બોલતો, ગમેતેમ બોલતો હતો. આટલો જ ફેર ખબર પડે કે તીર્થંકરો વીતરાગ હોય, રાગ-દ્વેષ વગરના હોય અને ગોશાળો તો કેટલો રાગી-દ્વેષી હતો, જબરજસ્ત ડંસીલો અને વેરવાળો હતો. બધાને કેટલી બધી ગાળો આપતો હતો. તો એ કઈ રીતે તીર્થંકર કહેવાય? કઈ રીતે સર્વજ્ઞ કહેવાય? ખાલી શબ્દોથી કે ખાલી ચમત્કારો બતાડવાથી કે કંઈક નવી જાતનું કઈ કરી બતાડે એટલે કંઈ મહાન થઈ ગયો, જ્ઞાની થઈ ગયો, તીર્થંકર થઈ ગયો એવું છે નહીં! વીતરાગતા એ જ જ્ઞાનીની નિશાની છે. સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે એણે તીર્થંકર કહેવાય.
ગોશાળામાં તો જરા પણ વીતરાગતા હતી નહીં. એ તો ઊલટો એટલો બધો ગુસ્સે થઈ ગયો અને ક્રોધમાં ને ક્રોધમાં ભગવાન મહાવીર પાસે ગયો અને ખૂબ બોલ્યો, “અરે કાશ્યપ! તું શું માને છે તારી જાતને? તું મારા વિશે લોકોમાં ખોટી વાતો કેમ કરે છે? હું તારો શિષ્ય મંખલિપુત્ર છું જ નહીં. હું ગોશાળો જ નથી. હું ઉદાય મુનિ છું. તું ખોટેખોટી મારી બદનામી કરે છે. હું તો તીર્થંકર છું ને સર્વજ્ઞ છું! તું શેનો? તને મારી શક્તિની ખબર નથી. હું તને આમ મારી તેજોલેશ્યાથી ઉડાડી દઈશ!” આવું ગમેએમ આડુંઅવળું ભગવાનને બોલતો હતો. ભગવાન તો ગોશાળા માટે જરા પણ ભાવ બગાડ્યા વગર શાંતિથી, વીતરાગતાથી બધું સાંભળતા હતા. એમને ગોશાળા પ્રત્યે એક પણ નેગેટિવ સ્પંદન ઊભું ન થયું, ત્યારે જ તો એ વિનય અને વીતરાગતા કહેવાય.
ભગવાન તો તીર્થંકર હતા; એમને કેવળજ્ઞાન વર્તતું હતું, એમને જરાય અંદર અડતું નહોતું. એમને ગોશાળા પ્રત્યે એ જ વીતરાગતા હતી, એ જ કરુણાભાવ હતો; એમાં જરાય ફેર નહોતો. પણ, મહાવીર સ્વામીના અનુરાગવાળા ભક્તોથી ગોશાળાનું આવું વર્તન સહન ન થયું. એમાંથી એક શિષ્યને અંદર જબરજસ્ત ઉકળાટ થઈ ગયો કે, “મારા ભગવાનને તું આવું કહે છે? આટલા બધા ખરાબ શબ્દો બોલે છે?” એ શિષ્યે ગુસ્સામાં ને ગુસ્સામાં ગોશાળાને કહ્યું, “તું મંખલિપુત્ર ગોશાળો જ છે. તું ખોટું બોલે છે; લોકોને છેતરે છે. ભગવાન માટે આવા શબ્દો તું શા માટે વાપરે છે?”
શિષ્યના પડકારથી ગોશાળો જબરજસ્ત કોપાયમાન થઈ ગયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં એણે એ શિષ્ય પર પ્રાપ્ત કરેલી વિદ્યા, તેજોલેશ્યા છોડી. એનાથી ત્યાં ને ત્યાં જ એ શિષ્યને અગન-અગન થઈ ગયું. તેજોલેશ્યામાં એટલી બધી જબરજસ્ત શક્તિ હોય છે. તેજોલેશ્યા એટલે કોઈ જેવીતેવી વસ્તુ નથી. ભગવાન મહાવીરે પછી તેજોલેશ્યાનું વર્ણન કર્યું, “તેજોલેશ્યા સોળ-સોળ દેશોને એકસાથે બાળી નાખે, એકસાથે ભસ્મીભૂત કરી નાખે. એટમ બોમ્બ પણ આના જેવો ના હોય. એટલો બધો જબરજસ્ત એનો તાપ હોય, ભયંકર શક્તિ હોય.” તેજોલેશ્યા એટમ બોમ્બ અને ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ જબરજસ્ત શક્તિશાળી હોય. ગોશાળાએ એક જ જણ ઉપર કેન્દ્રિત કરીને તેજોલેશ્યા છોડી.
ગોશાળાની તેજોલેશ્યાથી ભગવાન મહાવીરના શિષ્ય ત્યાં ને ત્યાં જ મરણિયા થઈ ગયા. શરીરમાં સહન ના થાય એટલી બધી ગરમી થઈ ગઈ હતી. એમને ખબર પડી ગઈ હતી કે હવે મરવાનું છે એટલે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા ભરી, એમને ખૂબ ખમાવીને આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યા. વ્રત અંગીકાર કરીને ભગવાનની હાજરીમાં એમનો દેહ છૂટ્યો એટલે એ સીધા દેવગતિ પામ્યા. ભગવાન મહાવીરે તો બધાને કહ્યું હતું, “તમે મારા વિશે બધું બોલબોલ ના કરો. ગોશાળાનું નેગેટિવ પણ લોકોમાં ના ચર્ચો. એનું પરિણામ બહુ ખરાબ આવશે.” પણ લોકો ભગવાનની વાત માન્યા નહીં.
ભગવાન તો વીતરાગ, કંઈ બોલ્યા નહીં. ગોશાળો હજી ગુસ્સામાં વધારે ને વધારે ભગવાન માટે ગમે તેમ બોલ્યો. પછી બીજા શિષ્યથી સહન ન થતાં એ પણ ઊભો થઈ ગયો. એણે પણ ગોશાળાને ખખડાવી નાખ્યો કે, “આ શું ભગવાન માટે બોલે છે? આવું તું શા માટે ભગવાનને કહે છે? તું ગોશાળો છે છતાંય ખોટું શું કામ બોલે છે?” પછી તો ગોશાળાએ વધારે ગુસ્સે થઈને ભગવાનના બીજા શિષ્ય પર પણ તેજોલેશ્યા છોડી. એ શિષ્ય પણ ત્યાં ને ત્યાં જ તેજોલેશ્યાથી અગન-અગન થઈ ગયા અને એમના મૃત્યુની છેલ્લી ક્ષણ આવીને ઊભી રહી. એમણે પણ પ્રભુને પ્રદક્ષિણા કરીને આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યા અને ફરીથી વ્રત અંગીકાર કરીને દેહ છોડીને દેવગતિ પામ્યા.
મહાવીર સ્વામીના બે શિષ્યો ગોશાળાની તેજોલેશ્યાથી મૃત્યુ પામ્યા. ભગવાનના જે ભક્તો ત્યાં બેઠા હતા એમને અરેરાટી થઈ ગઈ, “અરર! આ મારી નાંખે છે? ભગવાન! આટલા મહાન મુનિઓને ગોશાળો જોતજોતામાં બાળીને ભસ્મીભૂત કરે છે!” બધાએ મહાવીર સ્વામીને વિનંતી કરી, “પ્રભુ, આપ તો કેવળજ્ઞાની છો, તીર્થંકર છો; આખા બ્રહ્માંડના સ્વામી છો. ગોશાળો આ બંનેને મારી શકે છે તો શું આપ આ બંનેને પાછા જીવિત ના કરી શકો? આપ તો તીર્થંકર છો.” ત્યારે ભગવાને કહ્યું, “હું મોક્ષદાતા છું; હું જીવનદાતા નથી.” ભગવાનની કેવી સુંદર વાત છે. મોક્ષ આપવા માટે ભગવાન છે નહીં કે મરેલાને જીવતા કરવા માટે! અનંત અવતાર મર્યા અને જીવ્યા, મોક્ષની આગળ આની શું કિંમત છે? બંને મુનિને મોક્ષ પ્રાપ્ત થવાનો જ, એમાં બે મત જ નહીં. ભગવાનની હાજરીમાં જેણે દેહ છોડ્યો હોય એ દેવગતિમાં થઈને પછી મોક્ષે જ જવાના.
પહેલી વાર જ્યારે ભગવાન મહાવીરની હાજરીમાં જ ગોશાળા ઉપર એક તાપસે તેજોલેશ્યા ફેંકી હતી ત્યારે ભગવાને ગોશાળાને બચાવવા માટે સામે શીતલેશ્યા ફેંકી હતી. ત્યારે ભગવાને ગોશાળાને બચાવ્યો હતો કારણ કે એનું આયુષ્યકર્મ હજી પૂરું થવાનું બાકી હતું. ભગવાનને ગોશાળા સાથેનો હિસાબ પોતાના જ્ઞાનમાં તો ખ્યાલ આવી જ ગયો હતો. પણ ત્યારે ભગવાન કેવળજ્ઞાન નહોતા પામ્યા એટલે આટલું કાર્ય થયું. કેવળજ્ઞાન થયા પછી તો કોઈ આવું કર્મ બાકી રહેતું જ નથી, એટલે કે તેઓ સંપૂર્ણ વીતરાગ હોય છે. પછી તો તીર્થંકર ભગવાનનું કેવળ મોક્ષ આપવા માટેનું જ કાર્ય બાકી હોય અને તીર્થંકરો એ જ કાર્ય અવિરત કરતા હોય છે.
મહાવીર ભગવાન તો વીતરાગ હતા એટલે કશું જ બોલ્યા નહીં પણ પછી બધા બહુ જ ઊકળી ઊઠ્યા. ભગવાનને જોઈને ગોશાળાને વધારે ગુસ્સો આવ્યો એટલે એણે મહાવીર ભગવાન પર તેજોલેશ્યા છોડી. ભગવાન તો તીર્થંકર હતા, ચરમશરીરી હતા; એમનો અકાળે દેહવિલય થાય જ નહીં. એમનું તો પૂર્ણ નિર્વાણપદ થાય અને કેવળજ્ઞાનમાં થાય. એટલે તેજોલેશ્યાની અસર ભગવાનને તો ન થઈ પણ એ જ તેજોલેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાના શરીરમાં ગઈ એટલે બધી અસર ગોશાળાને થઈ.

તેજોલેશ્યામાં ખૂબ જ શક્તિ હોવાથી એ ગોશાળાના શરીર પર પડવાથી એના આખા શરીરમાં ખૂબ જ અગન-અગન થયું. ગોશાળો મરણિયો થઈ ગયો. પણ, એની પાસે કોઈ ચારો નહોતો. પછી એ ભગવાનને બેફામ જેમતેમ બોલ્યો, “તમે ગમે એટલું કરો પણ આ તેજોલેશ્યાની અસર તો તમને થયા વગર રહેવાની જ નથી. છ મહિનામાં જ, તમે છદ્મસ્થ અવસ્થામાં જ મરી જવાના.” પછી ભગવાને શાંત મુદ્રામાં ગોશાળાને કહ્યું, “એવું કશું નથી થવાનું. મારું આયુષ્ય હજી તો બાકી છે અને નિર્વાણ થવાનું છે. તું આમાંથી પાછો વળ અને આ બધું છોડી દે કારણ કે તેજોલેશ્યાની અસરથી સાત દિવસમાં જ તું મૃત્યુ પામીશ.”
આ સાંભળીને ગોશાળાને જબરજસ્ત ક્રોધ ચડ્યો. તેજોલેશ્યાની અગ્નિથી એના શરીરમાં એટલી બધી બળતરા વ્યાપી ગઈ હતી કે એ ચાલવા માટે પણ સમર્થ ન હતો. પડતો, પછડાતો, ઘવાયેલા સિંહની જેમ ગર્જના અને ઘાંટાઘાંટી કરતો હતો. ક્રોધમાં એનું મગજ પણ અસ્થિર થઈ ગયું હતું અને છેવટે જેમતેમ કરીને એ પોતે ભગવાન પાસેથી નીકળીને કુંભારની દુકાને પહોંચ્યો. કંઈક અનર્થ થયું છે એવું એને લાગ્યું પણ એને પશ્ચાત્તાપ થયો જ ન હતો. હજી તો એ ભગવાનને અપશબ્દો બોલતો જ હતો, જ્યારે મહાવીર સ્વામીને ગોશાળા પ્રત્યે કરુણા હતી. ભગવાને તો કાયમ ગોશાળાને રક્ષણ જ આપ્યું; એના માટે એક પણ ખરાબ સ્પંદન ન થવા દીધું.
ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, “આ શું છે બધું? કેમ આવું થયું?” પછી ભગવાને ગૌતમ સ્વામીને શાંતિથી બધું સમજાવ્યું કે “આ તો પૂર્વભવનો હિસાબ છે.” ભગવાને ગોશાળા સાથેના પોતાના પૂર્વભવના ઋણાનુબંધની એટલે કે ઘણા અવતારો પહેલાંની વાત કરી. ભગવાનના સત્યાવીસ ભવો પહેલાંના ઘણા ભવો પહેલાંની વાત હતી. ત્યારે ગોશાળો અને ભગવાન મહાવીર સાથે ને સાથે જ ગુરુ-શિષ્ય તરીકે હતા. ભગવાન મહાવીર પોતે ગુરુપદે હતા અને ગોશાળો એમનો શિષ્ય થયેલો. તીર્થંકરોની ઘણી બધી વાતો ગુરુના હૃદયમાં હતી; એ હિસાબે જ તેઓ પોતાનો આચાર, પોતાનો વ્યવહાર કરતા હતા. એક વખત ગુરુ મહારાજે બધાને એવું કહ્યું કે, “જેને મોક્ષે જવું હોય એણે ખૂબ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અહિંસા કેળવવી જોઈએ. પોતાના આચારમાં સંપૂર્ણ અહિંસા હોવી જોઈએ. છકાય જીવોની ખૂબ રક્ષા કરવી જોઈએ, એની હિંસા ન થવા દેવી જોઈએ. પૃથ્વીકાય જીવોને પણ આપણે ખૂબ જાગૃતિપૂર્વક અને યત્નપૂર્વક બચાવવા જોઈએ. આપણાથી કોઈ પણ જીવની હિંસા થાય એવું બેફામપણું ન ચાલે.” ગોશાળાનો જીવ, જે શિષ્ય તરીકેનો હતો, એને ગુરુની આ વાતનો સ્વીકાર ન થયો અને અંદર જબરદસ્ત વિરોધ થયો, “આવું તો કંઈ હોતું હશે? આટલી બધી તો અહિંસા કેવી રીતે શક્ય જ છે! આવું તો કોઈ પાળી જ ના શકે.”
પણ પછી એને અંદર પશ્ચાત્તાપ થયો, “અરે! આ ગુરુએ કહ્યું છે પણ ગુરુ પાસે તો તીર્થંકર ભગવાનની જ વાત છે. હું એમનો વિરોધ કેમ કરું છું?” ગોશાળો પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત કરીને પાછો વળ્યો. ફરી ગુરુ મહારાજની છકાય જીવોની અહિંસા સંબંધી વાત સાંભળીને પાછું એનું મગજ છટક્યું અને અંદર જબરજસ્ત વિરોધ થયો, “આવું કેવું કહે છે ગુરુ મહારાજ? આ કઈ રીતે શક્ય છે? આમ ગુરુ મહારાજ પૃથ્વીકાય જીવને બચાવવાની વાત કરે છે પણ પોતે અત્યારે પૃથ્વી ઉપર બેઠા છે, ચૂલા સળગાવે છે, અગ્નિ થાય છે, ખાય-પીએ છે. આ બધી હિંસા તો થાય જ છે ને? માટે આ બધી વાતો ખોટી છે. જે ના થઈ શકે એ વાત કરવાનો શું અર્થ છે? તીર્થંકર ભગવાને વચ્ચેનો માર્ગ કેમ ના આપ્યો? ન પાળી શકાય એવી વસ્તુ કરવાના બદલે જે થઈ શકે એટલી જ વસ્તુ કરવાની કહી હોત તો કેવું સહેલું પડત ને! એટલે મને આ વાત સ્વીકાર્ય નથી. હું મારી રીતે કંઈક વિચારીને નવો જ આચાર ઊભો કરીને મારો નવો જ પંથ પ્રવર્તાવીશ.” આવું ગોશાળાએ પોતાના પૂર્વભવમાં નક્કી કર્યું.
પોતાના પૂર્વભવમાં ગોશાળાને એના ગુરુ મહારાજની બધી જ વાત ઊંધી પડતી ગઈ અને છેવટે પોતે સ્વછંદ કરીને ગુરુથી છૂટો પડી ગયો. એ ગુરુના દોષો કાઢતો ગયો અને એની પર વીજળી પડી અને એનું મૃત્યુ થયું. મૃત્યુ બાદ એ અધોગતિમાં ગયો. કેટલી વાર એ નર્કમાં અને તિર્યંચમાં જઈને પાછો મનુષ્યમાં આવ્યો. મનુષ્યમાં આવીને એ બ્રાહ્મણ, ક્ષુદ્ર અને એકાદ-બે વાર રાજા પણ થયો. છેવટે, અનેક ભવો ભટકતો ભટકતો ગોશાળો ભગવાન મહાવીરના વખતમાં એમનો શિષ્ય મંખલિપુત્ર થયો. તેનો જન્મ નીચી જાતિમાં થયો હતો પણ પૂર્વના ઋણાનુબંધના હિસાબે ભગવાનની પાછળ ને પાછળ જ ફરતો હતો; એમનો કેડો મૂકતો ન હતો.
ભગવાનની પાછળ ફરવામાં એને જબરજસ્ત માર ખાવો પડ્યો હતો. ભગવાન તો મૌન જ હતા અને એમના તરફથી ગોશાળાને કંઈ રક્ષણ પણ નહોતું. ગોશાળાને લોકો મારે તો પણ ભગવાન વીતરાગ રહેતા, કશું બોલતા ન હતા. ગોશાળાને અંદરથી બહુ અકળામણ થતી હતી કે હું આટલી સેવા કરું છું, એમની પાછળ પાછળ ફરું છું તોય ભગવાનને મારી માટે કંઈ જ નથી! એણે કેટલી વાર પોતાના રક્ષણ માટે ભગવાન સામે બળાપો કાઢ્યો હતો તો પણ ભગવાન તો મૌન જ હતા. એની એવી કંઈક સમજણ હતી જેના આધારે ગમે તે થાય છતાં પણ ગોશાળો ભગવાનને છોડતો નહોતો.
ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું, “આનું હવે આગળ શું થશે?” પછી, ખરેખર ભગવાનના કહ્યા પ્રમાણે બન્યું. ગોશાળા પાસે આયુષ્યના સાત દિવસ કાઢવાના હતા. એમાંથી છ દિવસ તો એ ભગવાનનો વિરોધ જ કરતો હતો; એમને અપશબ્દો બોલતો હતો. એને અંદરથી અગન સહન નહોતી થતી એટલે દારૂ પીતો હતો, કાદવમાં પડીને ગટરનું પાણી પીધા કરતો હતો. એની આખી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. આટલું બધું ઊંધું થયું હોવાં છતાં એના ચેલા એવા હતા કે એમને તો ગોશાળો તીર્થંકર છે એવું જ લાગતું હતું અને ગોશાળાનું જરાય નેગેટિવ દેખાતું ન હતું.
આ શિષ્યની કેવી દૃષ્ટિ કહેવાય! જે શિષ્ય પોતાના ગુરુનો દોષ ના જુએ એ ખરેખર લાયક કહેવાય. પછી ગમે એવા ગુરુ હોય તો પણ શિષ્ય તો લાયક થઈને પ્રગતિ કરે જ. આવા ગોશાળાની પાછળ મરનારા શિષ્યો પણ હતા. ગોશાળાનું આટલું ઊંધું ચાલતું હતું,આટલા કષાયો થતા હતા, છતાં એના શિષ્યો ગામના લોકોને કહેતા કે “ગોશાળાના આ બધા ચિહ્નો નિર્વાણ પામવાના છે.” દારૂ પીએ, ગટરના પાણી પીને કાદવમાં પડ્યા રહે અને ગમે તેમ બેફામ બોલે, ક્રોધ કરે એ નિર્વાણના લક્ષણો છે?
છતાં બાળાભોળા લોકોને કશી ખબર ન હતી. એમને એમ જ હતું કે નિર્વાણ થાય ત્યારે આવા જ લક્ષણો ઊભા થતા હશે. ગોશાળાએ તેજોલેશ્યા છોડીને ભગવાનના બે શિષ્યોને ઊભા-ઊભા જ બાળી નાખ્યા, એ કઈ રીતે વીતરાગ કહેવાય? કઈ રીતે મોક્ષે જવાને લાયક કહેવાય? છતાં પણ ગોશાળાના શિષ્યોને પોતાના ગુરુ પર મોહનો જબરજસ્ત પાટો બંધાઈ ગયો હતો અને આથી એમને ગોશાળાનું બધું જ પોઝિટિવ લાગતું હતું. એમને ગોશાળાની આવી સ્થિતિ હતી છતાં પણ એના નેગેટિવ જોતા નહોતા અને ઉપરથી ગોશાળાના નિર્વાણના લક્ષણો છે એમ કરીને ગામમાં એનો પ્રચાર કરતા હતા.
ગોશાળાના આયુષ્યના છ દિવસો ચાલ્યા ગયા. છઠ્ઠે દિવસે ગોશાળાએ પોતાના શિષ્યોને કહી રાખ્યું હતું, “કાલે હું મરી જવાનો છું અને મારા મર્યા પછી તમે મને જબરજસ્ત સુગંધિત પાણીથી નવડાવજો, મને પવિત્ર કરજો, ખૂબ ચંદનનો લેપ કરજો અને ચંદનના લાકડાથી બાળજો. હજાર જણા મારી પાલખીને ઊંચકે અને પછી મારા દેહને પાલખીમાં બેસાડીને આખા ગામમાં ફેરવીને જબરજસ્ત મહોત્સવ કરજો. મારી પાલખીને લઈ જતી વખતે મોટા નારા લગાડજો કે ચોવીસમા તીર્થંકર ઉદાય મુનિ અત્યારે નિર્વાણ પામીને મોક્ષે ગયા, મોક્ષે ગયા, મોક્ષે ગયા!”
પોતાની પ્રસિદ્ધિ માટે ગોશાળાએ આ રીતે પોતાનું મમત્વ બતાડ્યું અને એના ભક્તોને કંઈ ખબર ન પડી. પછી સાતમા દિવસે ગોશાળાને અંદરથી જબરજસ્ત સહન ન થાય એવો અગ્નિદાહ થયો. નિયમ એવો છે કે શરીરમાં મૃત્યુની જબરજસ્ત વેદના આવે ત્યારે માણસનો બધો મોહ ખસી જાય છે, લાચારી થઈ જાય છે. હવે ક્યાંય મારે જીવવાનું સ્થાન નથી, ક્યાંય મને મારા મોહને પણ મૂકવાનું સ્થાન નથી, કારણ કે જ્યાં મોહ મૂકેલા એ બધા સ્થાનો હવે ખસી ગયા. સંસારમાં ક્યાંય એને જીવવા જેવું રહેલું જ નથી. મૃત્યુ નજીક આવ્યો છું. આ દેહ પણ છોડવાનો છે. જે દેહ માટે જબરજસ્ત મમતા અને ચોંટ હોય પણ જ્યારે ખબર પડે કે હવે આ દેહ છોડીને જવાનું છે એટલે એ મોહ પણ ઉખડવા માંડે છે. ત્યારે એને થોડી વાસ્તવિકતા નજરમાં આવે છે. મૃત્યુની વેદના ભયંકર હોય છે એનું વર્ણન પણ થઈ શકે એમ નથી. એ તો જેને અનુભવ થયો હોય તે જ જાણે. મૃત્યુની એટલી બધી વેદના હોય કે એ વેદનામાં માણસ બેભાન થઈ જાય છે, કોમામાં જતો રહે છે.
આવું જ ગોશાળા સાથે પણ થયું. એનું મૃત્યુ નજીક આવતાં જ અંદર જબરજસ્ત તેજોલેશ્યાની વેદના તો હતી જ, ઉપરથી વધારાની, મૃત્યુની વેદના આવી. એને દાહ શરૂ થવાથી એનું મોહનું આવરણ ખસ્યું અને એને પશ્ચાત્તાપ થયો. ભગવાને ગોશાળાને કહ્યું હતું કે તું સાતમે દિવસે મૃત્યુ પામીશ. એ ભગવાનની વાત પર એને ખાતરી થઈ કે હવે મૃત્યુ આવી જ ગયું. ત્યારે એનો બધો મોહ ખસ્યો. એને અંદરથી જબરજસ્ત પશ્ચાત્તાપ થયો કે, “મેં શું કર્યું? સાચા તીર્થંકરને, સાચા સર્વજ્ઞને મેં આટલો ભયંકર ગુનો કર્યો! એમના માટે હું ગમે તેમ અપશબ્દો બોલ્યો. એટલું જ નહીં પણ હું એમના સામાવાળિયો થયો. ભગવાન પાસેથી જ મેં બધી દીક્ષા ને શિક્ષા લીધી. પછી એમના જ જ્ઞાનનો મેં દુરુપયોગ કર્યો અને એમની સામો થયો. દુનિયામાં લોકોને એમ કહેતો ફર્યો કે હું સાચો તીર્થંકર છું અને આ તો ઢોંગી છે. એટલું જ નહીં પણ એમના બે શિષ્યોને મેં ઊભા બાળી નાખ્યા, કેટલું ભયંકર પાપ કર્યું! છેલ્લે મેં ભગવાન ઉપર તેજોલેશ્યા ફેંકી! મેં કેટલા બધા ખરાબ કર્મો અને પાપો કર્યા. હવે, તો નર્કે જ જવું પડે એવો મારો બંધ બંધાયો છે.”
એને જબરજસ્ત અંદરથી પશ્ચાત્તાપ થયો; એનું હૃદય દ્રવી ગયું. પશ્ચાત્તાપ કરતાં કરતાં એણે નક્કી કર્યું કે મારે આમાંથી છૂટવું જ છે. મરતાં મરતાં પણ એને આવી ભાવના થઈ; કેટલી મોટી વસ્તુ છે! આખી જિંદગીમાં પોતાના ગમે તેટલા દોષો થયા હોય પણ મરતાં પહેલાં એક કલાક પણ સાચા હૃદયથી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરે તો અંદરની આખી પરિણતિ બદલાઈ શકે એમ છે. કરેલા બધાં જ પાપો ધોવાઈ શકે છે, પણ એ પશ્ચાત્તાપ સાચા હૃદયપૂર્વક હોવો જોઈએ. કારણ કે, મૃત્યુ પહેલા સંસારના બધા મોહ ખસી ગયા હોય છે, ત્યારે આત્મશક્તિ જબરજસ્ત હોય છે; એ શક્તિ ખૂબ કામ કરી શકે એમ છે. મૃત્યુ સમયે જો પશ્ચાત્તાપથી અંદરની પરિણતિ બદલાઈ જાય તો ઊર્ધ્વગતિ થાય છે. ખૂન કરી નાખ્યું હોય છતાં પણ પશ્ચાત્તાપ કરે તો દેવગતિમાં જાય છે.
આવું જ ગોશાળાને પણ થયું. ગોશાળો પોતાના કુકર્મ સામે પશ્ચાત્તાપથી પાછો વળ્યો. એણે પોતાના બધા શિષ્યો પાસે આલોચના કરી. આલોચના એ જબરજસ્ત વસ્તુ છે. કારણ કે મૃત્યુ પહેલાં આલોચના થાય તો આખા દોષો ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ જાય છે. એણે પોતાના શિષ્યોને મોઢે જ કહી દીધું, “હું ખરેખર તીર્થંકર નથી; હું કેવળી નથી. કેવળી તો ભગવાન મહાવીર જ છે; એ જ ખરા તીર્થંકર છે. તમે બધા એમની પાસે જજો. મેં તો મોટો અપરાધ કર્યો છે, એકેએકનો ગુનો કર્યો છે. હું ખરેખર પાપી અને ભયંકર ગુનેગાર છું.” ગોશાળાએ હૃદયથી જાહેરમાં બધા સામે હાથ જોડી, ખમાવીને દિલથી પશ્ચાત્તાપના આંસુ સારતાં સારતાં આલોચના કરી. એણે પોતાના શિષ્યને ત્યાં સુધી કહ્યું, “મેં તમને ખોટા રસ્તે ચડાવ્યા અને મોક્ષમાર્ગથી વિમુખ કર્યા. હું પણ પોતે અન્ય માર્ગમાં જતો રહેલો અને તમને બધાને પણ મેં અન્ય માર્ગે વાળેલા. મોક્ષમાર્ગથી વિરુદ્ધ દિશામાં, સંસારમાં ભટકવાના, ચતુર્ગતિમાં જ ભટકવાના રસ્તે તમને મેં ઘાલ્યા. આ મારો ભયંકર ગુનો છે; મેં બહુ પાપ કર્યું છે. માટે હું તમારા બધાની માફી માંગું છું, ખમાવું છું. મને માફ કરજો અને મારી એક છેલ્લી વિનંતી સાંભળો. ગુરુ તરીકે તો તમે આખી જિંદગી મારો પડતો બોલ ઝીલ્યો છે પણ હવે હું તમને જે કહીશ એ એક જ મારો છેલ્લો બોલ ઝીલજો. તમે બધા મારા મૃત્યુ પછી ભગવાન મહાવીરના શરણમાં જજો. ભગવાન મહાવીરને જ તીર્થંકર તરીકે સ્વીકારજો અને કરેલા દોષોની ભગવાનની પાસે આલોચના કરી અને માફી માંગજો. મારા તરફથી પણ ભગવાનની માફી માંગજો કે ગોશાળાએ આપની પાસે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરીને પ્રાયશ્ચિત્ત કરીને માફી માંગી છે માટે એને ક્ષમા કરજો.”
ગોશાળાએ દિલથી પશ્ચાત્તાપ કર્યો અને એણે ત્યાં સુધી કહ્યું, “મેં તમને પહેલાં જે કહ્યું હતું કે હજાર માણસો પોતાના ખભા ઉપર મારી પાલખી લઈને આખા ગામમાં ફેરવે અને સર્વજ્ઞ ઉદાયમુનિ, સર્વજ્ઞ તીર્થંકર આજે મોક્ષે ગયા એવો મહોત્સવ કરીને ઢંઢેરો પીટવાની મેં જે વાત કરી હતી એ મેં ભયંકર કુકર્મ કર્યું કહેવાય. હવે, એના પ્રાયશ્ચિત્તરૂપે હું તમને કહું છું કે મારા મૃત્યુ પછી મારા બે પગે દોરડું બાંધજો અને ગાડાની પાછળ બાંધીને મારા મડદાંને મરેલા કૂતરાની જેમ ખેંચીને લઈ જજો. મરેલા ઢોરને બાંધીને ગાડામાં ખેંચી જાય એવી રીતે મને બાંધીને લઈ જજો. તમે બધા જ શિષ્યો મારા મોઢા ઉપર થૂંકજો અને ગાળો આપજો. મારા મડદાંને ખૂબ મારજો. નગરમાં બધા લોકોને કહેજો કે આ ગોશાળો ભયંકર પાપી છે, ભગવાનનો વિરોધી છે. આ તો મંખલિપુત્ર ગોશાળો જ છે; મહાવીર સ્વામી જ ખરા તીર્થંકર છે અને એ જ સાચા તરણતારણહાર છે. માટે અત્યાર સુધી જે કોઈ મને તીર્થંકર કે સર્વજ્ઞ માનતા હો એ બધા પશ્ચાત્તાપ કરીને છૂટી જજો અને ભગવાનના શરણે જજો. આવા ઢંઢેરા પીટાવજો અને પછી મારા મડદાંને ગીધડા ખાય એવા જંગલમાં નાખી દેજો.” ગોશાળાએ જાહેરમાં, આખા ગામમાં ભયંકર પશ્ચાત્તાપ કર્યો. એણે બહુ મોટું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યું કહેવાય. ઇતિહાસમાં કોઈ ના કરે એવા જબરજસ્ત પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત ગોશાળાએ પોતાના અંતિમ દિવસોમાં કર્યા હતા.
ખરેખર, ભગવાને આલોચના એ સુંદર વસ્તુ આપી છે જેના આધારે મનુષ્ય પોતાના પાપોને ધોઈ શકે છે, મુક્ત થઈ શકે છે; આવતા ભવના કર્મોમાંથી છૂટી શકે છે. જો આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ન હોત તો માણસ ક્યારેય પણ મોક્ષે જઈ ના શકત. કારણ કે કર્મ તો બંધાઈ ગયા પછી શું? એમાંથી છૂટવાનો કયો રસ્તો? કર્મો ભોગવે જ છૂટકો! એનો તો અંત જ ના આવે. કર્મો તો બંધાયા જ કરે. ભગવાને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનનો બહુ સુંદર રસ્તો બતાડ્યો છે.
શારીરિક તકલીફને લીધે ગોશાળો ઊભો થઈને ભગવાન પાસે પ્રત્યક્ષમાં આલોચના કરવા ન જઈ શક્યો પણ એથી વિશેષ એણે આખા નગરની વચ્ચે જબરજસ્ત આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યા અને અંતે તે મૃત્યુ પામ્યો. પછી ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, “પ્રભુ, આ ગોશાળો મરી તો ગયો પણ હવે એની ગતિ શું થશે?” એટલે ભગવાને કહ્યું, “એ દેવગતિમાં જશે.” ગૌતમ સ્વામી તો એકદમ ચકિત થઈ ગયા, “શું વાત કરો છો? આ ગોશાળાએ તો બે શિષ્યોને મારી નાખ્યા અને તમારા પર તેજોલેશ્યા નાખી. એ દેવગતિમાં કઈ રીતે જઈ શકે?” તો ભગવાને કહ્યું, “એણે મરતી વખતે કેટલો જબરજસ્ત પશ્ચાત્તાપ કર્યો હતો. એ પશ્ચાત્તાપ અને આલોચના આખા ગામ વચ્ચે કર્યા હતા.” પછી ભગવાને વધુ વર્ણન કરીને ગૌતમ સ્વામીને સમજાવ્યું કે, “આ બધાનું પરિણામ એ આવશે કે ગોશાળો દેવગતિમાં જશે. બધા પાપોથી મુક્ત થઈને ખૂબ અવતારો ભટકીને દેવગતિમાંથી પછી નર્કે અને છેવટે મોક્ષે જ જશે.”
મહાવીર સ્વામી પર તેજોલેશ્યાની થોડી અસર આવી હતી. તેજોલેશ્યા ભગવાન પર ન આવી પણ એમની ફરતે એક પ્રદક્ષિણા કરી ગઈ, એની અસર તો ભગવાન પર થઈ. ભગવાનના શરીરમાં બહુ ગરમી થઈ ગઈ હતી. એમનું શરીર બહુ જ કૃશ થવા માંડ્યું હતું. મહાવીર સ્વામી કેવળજ્ઞાની હોવાથી પોતે આના ઉપાય માટે કોઈ ઉપચાર કે દવા કશું કરતા નહોતા. એનાથી ભગવાન દિવસે દિવસે સુકાવા માંડ્યા. બીજી બાજુ, ભગવાનનું સ્વાસ્થ્ય જોઈ એમના ભક્તોને અંદર ખૂબ જ દુઃખ થતું હતું. કેટલાક ભક્તોમાં અંદર ચર્ચા થતી, “ગોશાળાએ કહ્યું છે કે છ મહિના પછી ભગવાનનું મૃત્યુ થશે. તો શું આ એ જ લક્ષણ તો નથી?” એમાં સિંહ નામના એક મુનિ મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. લોકોની આવી વાતો એમનાથી સહન ના થઈ અને તેઓ ખૂબ દુઃખી થઈને પોક મૂકીને રડતા હતા. ત્યારે ભગવાને સિંહ મુનિને સમજાવ્યા, “આવું કંઈ થવાનું નથી. તું જરાય ચિંતા કરીશ નહીં. હજુ તો મારું આયુષ્ય ઘણું બધું છે. હું કંઈ જલ્દી જવાનો નથી.”

ભગવાનના સમજાવ્યા બાદ, સિંહ મુનિ શાંત તો થઈ ગયા પણ એમણે ભગવાનને કહ્યું, “પ્રભુ, આપ કંઈક દવા તો કરો! આવું ક્યાં સુધી તમે સહન કરશો?” પછી ભગવાને કહ્યું, “ના, મારે દવાની કંઈ જરૂર નથી.” પછી પાછું મુનિએ કહ્યું, “ના, એવું નહીં ચાલે! અમારા માટે તો કરો.” પછી ભગવાને એમને હા પાડી અને કહ્યું, “રેવતી નામની બહુ જબરજસ્ત શ્રાવિકા છે અને એમને અમારા માટે ખૂબ જ ભક્તિભાવ છે. એની પાસેથી તમે અમારી માટે વહોરી લાવો. એ જે કાઢો બનાવે છે એ નહીં પણ બિજોરાનો કાઢો તમે અમારી માટે વહોરી લાવજો.” પછી ભગવાનના કહ્યા મુજબ, સિંહ મુનિ રેવતી શ્રાવિકા પાસેથી કાઢો લઈ આવ્યા. એ કાઢો લેવાથી ભગવાનનો બધો દાહ શમી ગયો અને તેઓ રોગમુક્ત થઈ ગયા; ભગવાનનું સ્વાસ્થ્ય પાછું જેમ હતું એમ સારું થતું ગયું. બધા દેવોએ આનંદિત થઈને રેવતી શ્રાવિકાના ઘરમાં સોના અને રત્નોની વૃષ્ટિ કરી.
ખરેખર, તો આ મોટું આશ્ચર્ય ગણાય છે કે ભગવાનને કોઈ દિવસ આવા ઉપસર્ગો આવે નહીં અને આવા દર્દ પણ થાય નહીં. કેવળજ્ઞાન પછી તીર્થંકર ભગવાન સાથે આવું બને નહીં છતાં પણ મહાવીર સ્વામીને આવું આવ્યું એ મોટું આશ્ચર્ય કહેવાય.આગળ, આપણે ભગવાન મહાવીર અને હાલિક ખેડૂત સાથેનો પ્રસંગ વાંચીએ.
subscribe your email for our latest news and events
