ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: હાલિક ખેડૂતનું વેર

ગોશાળાએ જ્યારે શ્રી મહાવીર સ્વામી પર તેજોલેશ્યા ફેંકી ત્યારે ભગવાન સંપૂર્ણ વીતરાગ હતા. તેજોલેશ્યા મહાવીર સ્વામીની પ્રદક્ષિણા કરીને પાછી ઊંધી વળી અને ગોશાળા ઉપર જ આવીને પડી. તેજોલેશ્યાએ પ્રભુની પ્રદક્ષિણા કરી એનાથી પ્રભુના શરીરમાં ખૂબ ગરમી થઈ ગઈ, જે રેવતી શ્રાવિકાના બિજોરાપાકથી સંપૂર્ણ રીતે શમી ગઈ. આગળ, ખેડૂતના મહાવીર સ્વામી સાથેના વેરનો પ્રસંગ વાંચીએ.

શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં પહેલાં એવું બન્યું હતું કે તેઓ જ્યારે નદી પાર કરતા હતા ત્યારે એક નાગદેવે આવીને એમના ઉપર ખૂબ ઉપસર્ગ કર્યો હતો. તેઓ આખી નાવને હલાવીને એમને ડૂબાડવા જતા હતા, પણ ત્યારે અન્ય એક નાગદેવે આવીને ભગવાનનું રક્ષણ કર્યું હતું. આ જ્યારે બન્યું ત્યારે ભગવાનને કેવળજ્ઞાન નહોતું થયું. નાગદેવને જે મહાવીર સ્વામી સાથે વેર હતું એ લંબાયું. નાગદેવના બીજા અવતારોમાંથી એક અવતારમાં ભગવાન જોડે હિસાબ હતો, એના આધારે, નાગદેવના જીવનો ખેડૂત તરીકે એક ગામમાં જન્મ થયો. ખેડૂત ખૂબ ખેતી કરતો હોવાથી એનાથી ઘણી હિંસા થતી હતી.

એ ખેડૂતનો ભેટો ગૌતમ સ્વામી સાથે થયો અને ગૌતમ સ્વામીએ એને બોધ આપ્યો, “તું આ ખોટું કરે છે. ખેતીમાં કેટલી બધી હિંસા થાય, કેટલા બધા જીવો મરી જાય. પૃથ્વીકાય જીવોની કેટલી બધી હિંસા થાય. તું આવું કેમ કરે છે? તું બહુ મહાન છે માટે તું કંઈક સારું કામ કર.” ગૌતમ સ્વામીની વાતો સાંભળીને ખેડૂતને એમના પર અત્યંત રાગ થયો અને સંસાર પ્રત્યે જબરજસ્ત વૈરાગ આવ્યો. ગૌતમ સ્વામીએ એને ઉપદેશ આપ્યો, “અત્યારે કરેલી હિંસાનું ફળ આવતા ભવમાં ભોગવવાનું આવશે. અત્યારે જે છે એના કરતાં તને ખૂબ ભારે ભોગવટો આવશે. એ તારાથી સહન નહીં થાય. એટલે આ બધું છોડીને તું ધર્મ તરફ વળ.” ખરેખર ગૌતમ સ્વામીથી જબરજસ્ત પ્રભાવિત થઈને ખેડૂતને વૈરાગ આવ્યો અને એણે દીક્ષા અંગીકાર કરી. ગૌતમ સ્વામીએ એને કહ્યું, “તું મારા ગુરુ પાસે ચાલ. તું એમને વાંદજે.” આ સાંભળીને ખેડૂતને વિચાર આવ્યો, “ઓહો! આ આટલા મહાન છે, તો એમના ગુરુ કેવા મહાન હશે!”

પછી ગૌતમ સ્વામીએ ખેડૂત પાસે વર્ણન કર્યું, “મારા ગુરુ આ ચોવીસીના છેલ્લા પૂર્ણ ભગવાન અને કેવળજ્ઞાની તીર્થંકર છે. લાખો કરોડો લોકો એમના દર્શનથી જ મોક્ષ પામે છે.” આ બધું સાંભળીને ખેડૂતને બહુ સુંદર બોધ પ્રગટ થયો અને તે મહાવીર સ્વામી પાસે ગયો. જે જીવ નાગદેવતાના ભવમાં ભગવાન પર ઉપસર્ગ કરીને એમને મારી નાખવા જતો હતો એ જ જીવ આ ભવમાં ખેડૂત થઈને આવ્યો. એ આધારે, ભગવાનને જોતાં જ એને જબરજસ્ત દ્વેષ થયો, વેર ઊભું થયું. ખેડૂતે કહ્યું, “આ કોઈ ભગવાન છે જ નહીં. હું આમને માનું જ નહીં. તમે જ મારા માટે મહાન છો.” ખેડૂત ગૌતમ સ્વામીને (માનરૂપી) પાઘડી પહેરાવવા ગયો પણ ગૌતમ સ્વામીએ પાઘડી પહેરી જ નહીં. એ તો આરામથી પાઘડી લઈને ભગવાનના માથે જ મૂકી દેતા હતા.

ગૌતમ સ્વામીની બહુ સરસ વાત છે કે ક્યારેય પણ એમને ભગવાન સિવાય કોઈ વસ્તુ દેખાતી જ ન હતી. એમને આખો વખત ભગવાન જ દેખાતા હતા. કેટલાય એમની પાસેથી બોધ પામતા હતા અને એમના બોધથી કેવળજ્ઞાન પણ પામી જતા હતા. છતાં પણ ગૌતમ સ્વામી તો બધાને ભગવાન પાસે જ મોકલતા હતા અને ભગવાનને જ સમર્પણ કરાવતા હતા. આ કેટલી મોટી મહાનતા છે! નહીં તો આજકાલ જરાક પોતાનામાં શક્તિ આવે એટલે ગુરુથી પોતાનો જુદો ચોકો માંડી લે. જેમ ગોશાળાએ કર્યું હતું એવું થઈ જાય અને પોતાને જલસા કરવા જોઈતા જ હોય.

ગૌતમ સ્વામીના સમજાવ્યા છતાં પણ પેલા ખેડૂતના મનમાં બેસતું જ ન હતું કે મહાવીર સ્વામી તીર્થંકર છે. ગૌતમ સ્વામીએ પણ એને ભગવાનને જ ભજવાનું કહ્યું પણ ખેડૂતને સ્વીકાર થયો નહીં. છેવટે ખેડૂત ત્યાં જ પોતાની દીક્ષા મૂકીને છૂટો થઈ ગયો.

ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, “કેમ આવું થયું? મારા માટે આને સરસ હતું; એને મારો બોધ ઊગ્યો અને અહીં આવીને તમને દેખતાં જ કેમ એને અભાવ થયો? બાકી આપનું તો કેટલું સુંદર છે! આપ તીર્થંકર છો, દેવાધિદેવ છો! તમને જોતાં જ લોકોના વેર શમી જાય છે. વાઘ અને બકરી વેર ભૂલી જાય છે અને બધાને અહો અહો થઈ જાય છે, તો આને કેમ આવું થયું? એનું કારણ શું પ્રભુ?” પછી ભગવાન મહાવીરે જવાબ આપ્યો કે પાછલા ૨૭ ભવમાંના એક ભવમાં અમે ત્રિપૃષ્ટ વાસુદેવ હતા. ત્યારે આ જ નાગદેવનો અવતાર સિંહ તરીકે હતો અને એ લોકોને ખૂબ હેરાન કરતો હતો. એટલે એના પ્રતિવાસુદેવે ખેતરોના રક્ષણ માટે ત્રિપૃષ્ટ વાસુદેવ ખંડણી રાજા  હોવાથી એમને મોકલ્યા હતા. ખૂબ શક્તિશાળી હોવાથી ત્રિપૃષ્ટ વાસુદેવે સિંહના તરત જ મોઢેથી ફાડીને બે ટુકડા કરી દીધા અને એ સિંહ મૃત્યુ પામ્યો.

પણ સિંહના મૃત્યુ પહેલાં, જે ત્રિપૃષ્ટ વાસુદેવના સારથી હતા, એ ગૌતમ સ્વામીનો જીવ હતો. સારથીએ સિંહને બોધ આપ્યો, “તારું તો કલ્યાણ થઈ ગયું! તારું મોત કોના હાથે થયું છે? આ તો ત્રિપૃષ્ટ વાસુદેવ છે અને નક્કી તારો ઉદ્ધાર થશે જ.” સારથીએ સિંહને શાંત કર્યો અને એને સારથીના શબ્દો સાંભળીને ઠંડક વળી. એટલે સિંહને ગૌતમ સ્વામી માટે રાગ થઈ ગયો અને ત્રિપૃષ્ટ વાસુદેવ માટે જબરજસ્ત દ્વેષ થયો, વેર બંધાયું.

ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી, ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં સારથી તરીકે, સાથે ને સાથે જ હતા. એમનું ઋણાનુબંધ એટલું લાંબું ચાલ્યું કે ઠેઠ ભગવાન જ્યારે તીર્થંકર થયા ત્યારે ગૌતમ સ્વામી તરીકે એમના પ્રથમ ગણધર, પટ્ટશિષ્ય થઈને રહ્યા. પછી ભગવાને કહ્યું, “પૂર્વભવનો એ જ જીવ નાગદેવ અને સિંહના ભવમાંથી આ ભવે ખેડૂત થઈને આવ્યો અને તારા પ્રત્યે એને રાગ એ ભવથી ચાલ્યો આવ્યો છે અને મારા માટે એને જબરજસ્ત દ્વેષ છે, કારણ કે મેં એને ફાડીને મારી નાખ્યો હતો.”

ભગવાન મહાવીરની વાત સમજીને ગૌતમ સ્વામીએ પ્રભુની ખૂબ જ વંદના કરી અને ખેડૂતનું આગળ શું થશે એ વિચારીને પ્રતિક્રમણ કર્યા. આગળ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં લીન હોવા છતાં, આંતરિક પરિણતિથી નરકે પહોંચી રહ્યા હતા અને બીજી ક્ષણે પશ્ચાત્તાપથી કેવળજ્ઞાન પામ્યા એ વિશે વાંચીએ.

Related Topic

×
Share on