ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: શાલિભદ્ર અને ધન્ના શેઠ

શ્રી મહાવીર સ્વામી પ્રત્યે સુલસા શ્રાવિકાની એવી અનન્ય ભક્તિ હતી કે શ્રી મહાવીર સ્વામીએ સામે ચાલીને અંબડ શ્રાવક પાસે એમની કુશળતા પૂછાવી! આગળ, દશાર્ણ રાજા અને શાલિભદ્ર તથા ધન્ના શેઠનો જીવન પરિચય મેળવીએ.

દશાર્ણ રાજાનો વૈરાગ્ય

એક વખત મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં દશાર્ણ નગરમાં આવ્યા. મહાવીર સ્વામી દશાર્ણ નગરમાં પધાર્યા છે એવા સમાચાર રાજાને મળતાં જ એમને અભિમાન થયું, “હું મારી સમૃદ્ધિ ભગવાનને બતાવીશ. બધા મારી સમૃદ્ધિને જોતાં જ છક્ક થઈ જાય એવી રીતે હું મારો રાજવૈભવ, સૈનિકો, હાથી-ઘોડા, નગરજનો, લાવલશ્કર લઈને જબરજસ્ત આતશબાજી કરીશ અને બધે તોરણો બંધાવીશ, જલધારા કરીશ. બધાને દેખાડી દઈશ! બધા ખુશ થઈ જશે.”

દશાર્ણ રાજાએ પોતાનો માન કષાય જબરજસ્ત તગડો કર્યો હતો. તેઓ પોતાનો જબરજસ્ત વૈભવ લઈને ભગવાન મહાવીરને વંદના કરવા ગયા. બીજી બાજુ, ઇન્દ્ર મહારાજા પણ દશાર્ણ રાજાનો ગર્વ ઉતારવા પોતાના વૈભવ સહિત ભગવાન મહાવીરને વંદના કરવા ગયા. ઇન્દ્ર મહારાજાના વૈભવ સામે ભરતભૂમિના નાનકડા રાજ્યના દશાર્ણ રાજાનો વૈભવ કેટલો ગણાય? એનો કંઈ હિસાબ જ નથી! ઇન્દ્રદેવના મહાસાગર જેવડા વૈભવ સામે દશાર્ણ રાજાનો વૈભવ ખાબોચિયા જેવો ગણાય. ઇન્દ્રદેવનો વૈભવ જોઈને દશાર્ણ રાજા એકદમ છક્ક થઈ ગયા અને એમને તરત જ પશ્ચાત્તાપ થયો, “અરર! હું કેવા ગર્વમાં ડૂબી ગયો હતો. કેવો દેખાડો કરતો હતો! એ પણ ભગવાન મહાવીરની આગળ? ધિક્કાર છે મને!” પછી રાજાને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો અને તેઓ પાછા વળ્યા. એમને થયું, “હવે તો, બધા રાજાઓના રાજા, બધા ઇન્દ્રોના ઇન્દ્રને જીતવા માટે મારી પાસે એક જ રસ્તો છે—સંયમ પરિણામ! સંયમધારી થઉં તો બધાને જીતી શકું એમ છું. બાકી ક્યાંય પણ સ્પર્ધામાંથી જીતાય એવું છે જ નહીં.”

હરીફાઈમાં જ આપણું જીવન ચાલી રહ્યું છે અને પલ્લામાં અંદર જબરજસ્ત કષાય થાય છે; ખૂબ ભોગવટો આવે છે. સાચું જ્ઞાન કહે છે કે આપણને જે કંઈ પણ મળે છે તે આપણા પોતાના કર્મના હિસાબથી મળે છે. આપણા પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે આપણને ફળ મળશે. સહજ પ્રયત્ન કરવો, પણ અંદરથી ખેંચ, ચોંટ, દોડાદોડી, હરીફાઈ, ઈર્ષ્યા, અદેખાઈ, મારા-તારીની શું જરૂર છે? એમાંથી છૂટવાનું છે. તો બધી વસ્તુ હોવા છતાં આનંદ-આનંદ રહ્યા કરશે. નહીં તો વસ્તુ હોવા છતાં આનંદ નથી આવતો, ઉપરથી ભોગવટો રહે છે. વસ્તુ મળે તોય ભોગવટો, ના મળે તોય ભોગવટો! જેને આ સમજણ છે, એને દરેક અવસ્થામાં સમતા છે અને અંદરથી આનંદ ક્યારેય જતો નથી.

દશાર્ણ રાજાએ પોતાના ગર્વથી મુક્ત થઈને નક્કી કર્યું, “ઇન્દ્રદેવના વૈભવની સામે હું જીતી શકું એમ નથી. એમણે મને વૈભવમાં હરાવી દીધો છે. તો હવે મારે પણ આ બધામાંથી નીકળી જવું છે અને કોઈથી પણ ના હારું. બધા દેવોના દેવથી પણ આગળ નીકળી જઉં એવો એક માર્ગ છે, જે મોક્ષનો માર્ગ છે. સંયમ ધારણ કરીને, બધું ત્યાગ કરીને નીકળી પડું. સ્પર્ધામાંથી નીકળીને મોક્ષની પ્રાપ્તિ, શાશ્વત પ્રાપ્તિમાં પડી જઉં.” દશાર્ણ રાજાએ ત્યાંને ત્યાં જ દીક્ષા લીધી. પછી ઇન્દ્રદેવે એમને કહ્યું, “અહો! અહો! ધન્ય છે તમને કે તમે આટલા વૈરાગી છો. તમે તો મારાથી પણ ચડી ગયા.” આટલું કહીને ઇન્દ્રદેવ દશાર્ણ રાજાને નમસ્કાર કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા.

વૈરાગ્ય લીધા બાદ દશાર્ણ રાજા જબરજસ્ત ભક્તિ-આરાધના અને અનશન કરીને દેવલોકમાં ગયા.

શ્રી મહાવીર સ્વામીના સમયમાં થયેલા શાલિભદ્રનો પરિચય મેળવીએ.

શાલિભદ્રનો પૂર્વભવ

એક ગામમાં બહુ ગરીબ, વિધવા, ગોવાળ માતા પોતાના નાના બાળક સાથે રહેતી હતી. માતા બાળકને ખાવા-પીવાનું કશું આપી શકતી નહોતી. એની પાસે ભરણપોષણ કરવા માટે કોઈ સાધન નહોતું. માંડ-માંડ કકડો સૂકો રોટલો માંગી લાવીને એ પોતાના બાળકને ખવડાવતી.

એક વખત, તહેવારના દિવસે આડોશી-પાડોશી બધાના ઘરે સરસ મજાની ખીર બની હતી અને બધા બાળકો ખાઈને આનંદ કરતા હતા. આ બાજુ ગોવાળ માતાના બાળકે ભૂખથી ટળવળીને ખીરની માંગણી કરી. માતા પાસે દૂધના પૈસા નહોતા તો ખીરની તો ક્યાં વાત! માતાને ખૂબ દુઃખ થયું અને તે પોક મૂકીને રડવા લાગી. પાડોશીઓ દ્વારા ગોવાળ માતાના રડવાનું કારણ જણાયું કે એનું બાળક ખીર ખાવાની બહુ જીદે ચડ્યું હતું. ગોવાળ માતાની દશા જોઈ પાડોશીઓએ એને દૂધ આપ્યું. પછી માતાએ દૂધની ખીર બનાવીને બાળકને પીરસી અને કામમાં વ્યસ્ત થઈ ગઈ. હવે, એ બાળક જ્યારે ખીર ખાવાની તૈયારીમાં હતું એટલામાં એના ઘરના બારણે જૈન મુનિ ભિક્ષા માંગવા આવ્યા. બાળક નાનકડું હોવા છતાં પણ એણે ભાવથી પોતાની બધી ખીર મુનિ મહારાજને વહોરાવી દીધી. જે ખીર માટે પોતે જીદ કરીને રડતો હતો, એ ખીર જ્યારે એને ખાવા માટે આવી ત્યારે એણે ખીરનો કોળિયો મોઢામાં નહીં મૂકતાં મુનિ મહારાજને ભક્તિભાવથી બધી જ ખીર વહોરાવી અને જબરજસ્ત પુણ્ય બાંધ્યું. ફરી, બીજી વાર એની માતા આવી અને એની પાસે હતી એ ખીર બાળકને આપી. બાળકે ખીર તો ખાધી પણ અચાનક ભૂખ્યા પેટે વધુ ખીર ખાવાથી એને અપચો થયો અને એ મૃત્યુ પામ્યો. પણ મૃત્યુ પહેલાં ભાવપૂર્વક મુનિ મહારાજને ખીર વહોરાવવાના કારણે એ બાળકને જબરજસ્ત પુણ્ય બંધાયું.

દાન તો બધા આપે છે; ખવડાવે તો બધા છે. લોકો રોજ ખાવાનું બચેલું હોય એ ક્યાંક ને ક્યાંક ગરીબોને કે ભિખારીઓને આપી જ દે છે, પણ કોઈને દેવગતિ નથી બંધાતી! કારણ કે બધા બચેલું જ આપે છે; ખાસ બનાવીને કોઈ નથી આપતું અને અંદર આપણે એનો ગર્વ લઈએ. પણ આને દયા કે કરુણા ના કહેવાય; આ તો નિકાલનો એક પ્રકાર છે! આપણે જાતે દિલથી બનાવીએ અને રાહ જોઈએ કે કોઈ જમી જાય અને પછી આપણે જમીએ તો એને કંઈક સારા અર્થમાં અન્નદાન આપ્યું કહેવાય. આ તો બચેલું આપણે ફેંકી દેતાં હોઈએ એને બદલે કોઈકને ખવડાવી દઈએ! અધ્યાત્મ જ્ઞાનમાં ન્યાયનો ચોક્કસ કાંટો છે. ગમે તેવું દાન આપીએ પણ અંદર ભાવની કિંમત છે. બાળકે એક વાટકી ખીર જ આપી હતી પણ કેવા ભાવથી આપી હતી! સવારથી બપોર સુધી રડતો રડતો ખીર માંગતો હતો અને એને જ્યારે ખીર મળી, ત્યારે મુનિને જોતાંની સાથે જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવથી આપી દીધી. કોઈને પણ કંઈ પણ દાન આપીએ તો સાચા દિલથી અને ખૂબ ઊંચા ભાવથી આપવું. આપણે ત્યાં કોઈ જમવા આવે તો એમને ભાવથી જમાડવા; આપણો ભાવ બગાડવો ના જોઈએ. ભાવ બગાડીએ તો આપણે બધું ખોઈ નાખીએ છીએ.

શાલિભદ્રનો જીવન પરિચય

ગતભવે ભાવપૂર્વક કરેલા દાન અને પુણ્યના પ્રતાપે એ બાળકનો જન્મ આવતા ભવમાં શાલિભદ્ર તરીકે ગોભદ્ર શેઠ અને ભદ્રા માતાને ત્યાં થયો. ગોભદ્ર શેઠ મહાવીર સ્વામીની ખૂબ ભક્તિ કરનારા શ્રાવક હતા અને ભદ્રા શેઠાણી પણ શ્રાવિકા હતાં. ભદ્ર શેઠ ખૂબ પૈસાવાળા હોવાને લીધે પોતાના બાળક શાલિભદ્રને એમણે પોતાની હથેળીમાં ઊછેર્યો અને ખૂબ વિદ્યાઓ ભણાવી. શાલિભદ્ર પણ ખૂબ હોશિયાર હતો અને રૂપરૂપનો અંબાર હતો.

નાની ઉંમરથી જ ખૂબ વિદ્યાઓ ભણીને ખૂબ જ હોશિયાર થયો. યુવાન થતાં શાલિભદ્રના પિતાએ ગામના બધા શેઠની બત્રીસ યોગ્ય કુંવરીઓ સાથે એના વિવાહ કર્યા.

શાલિભદ્ર પોતાની બત્રીસ પત્નીઓ સાથે મહેલના સાતમા માળે આખો દિવસ આનંદ અને ભોગ-વિલાસમાં વિતાવતો. માતા-પિતા એને બધી સગવડો પૂરી પાડતાં હતાં. તે સાતમા માળેથી છઠ્ઠા માળે ઊતરતો નહોતો. પછી, મહાવીર સ્વામીની ખૂબ જ ભક્તિ જાગવાથી શાલિભદ્રના પિતાએ દીક્ષા લીધી અને ખૂબ વ્રત-તપ, અનશન કરીને તેઓ દેવગતિમાં ગયા. ગોભદ્ર શેઠને પોતાના પુત્ર માટે ખૂબ જ મમતા અને વાત્સલ્ય હોવાથી દેવગતિમાંથી તેઓ સુખ-સગવડ માટે દરરોજ તેંત્રીસ રત્નોની પેટીઓ અને ખૂબ કિંમતી વસ્ત્રો મોકલતા. શાલિભદ્રનાં માતા ભદ્રા ખૂબ જ હોશિયાર હતાં. એમણે બધો જ કારભાર પોતે સંભાળી લીધો હતો; શાલિભદ્રના માથે કશું નહોતું રાખ્યું. એમને એમ હતું કે મારા દીકરાને જેટલો આનંદ, ભોગ-વિલાસ ભોગવવો હોય એટલો ભોગવે. એ આટલો સુખી જીવ છે; એ ભલે સુખ ભોગવે. હું એનું બધું સંભાળી લઈશ. શાલિભદ્રની વાત અપવાદરૂપ હતી કારણ કે એ વૈભવ લઈને જ આવ્યો હતો.

શ્રેણિક મહારાજાની રાજધાની રાજગૃહી નગરીમાં પરદેશથી એક બહુ મોટો વેપારી હીરા અને રત્નજડિત કુલ સોળ શાલ વેચવા આવ્યો હતો. પોતાની શાલો વેચવા એ આખા ગામમાં ફર્યો પણ એને કોઈ ઘરાક ના મળ્યું. અંતે, તે શ્રેણિક રાજાના મહેલમાં આવ્યો. વેપારીએ શ્રેણિક રાજાને પોતાની રત્નજડિત શાલો બતાડી. રાજાને તે જોઈ અને એમને અદ્‌ભુત લાગી; જીવનમાં ક્યારેય જોઈ ના હોય એવી સુંદર શાલો હતી. શ્રેણિક રાજાએ એની કિંમત પૂછી, તો શાલો એટલી બધી મોંઘી હતી કે શ્રેણિક રાજા એ ચૂકવી શકે એટલું બધું એમની પાસે દ્રવ્ય નહોતું. એટલે એમણે શાલો ખરીદવાની ના પાડી. આથી વેપારી નિરાશ થઈ ગયો અને એણે ગામમાં બીજા બધા વેપારીઓને કહ્યું, “હું શ્રેણિક રાજાનું મોટું નામ સાંભળીને અહીં આવ્યો હતો. મને એમ હતું કે મારી બધી શાલો અહીંયા ખપી જશે. પણ મારી શાલ તો રાજા પણ ખરીદી શકે એમ નથી. તો પછી ગામમાં બીજું કોણ ખરીદશે? હવે મારે બધો માલ માથે મૂકીને, બોજો ઊંચકીને પાછો જ લઈ જવો પડશે.” ગામના લોકોએ વેપારીને કહ્યું, “તું નિરાશ ના થા. તું શાલિભદ્રની હવેલીમાં જા. તારી બધી શાલો એ લઈ લેશે. એ તો રાજા કરતાં પણ બહુ જ શ્રીમંત છે.” પેલો વેપારી વિચારમાં પડ્યો, “રાજા કરતાં પણ નગરશેઠ કેવી રીતે શ્રીમંત હોય?” પણ છતાં નગરજનોના કહેવાથી વેપારીને થયું, “ચાલો! આપણે કંઈક પ્રયત્ન કરી જોઈએ. જેટલી શાલો વેચાઈ એટલી સાચી.” એ હવેલીમાં શાલિભદ્ર સાતમા માળે રહેતો હોવાથી એ ત્યાંથી નીચે આવતો જ ન હતો. પણ એની ભદ્રા માતાએ સોળેસોળ શાલો એ વેપારીને મોંમાંગ્યા પૈસા આપીને લઈ લીધી.

બીજી બાજુ, શ્રેણિક મહારાજાનાં પત્ની ચેલણા રાણીને પણ એ રત્નજડિત શાલ જોઈતી હતી. ચેલણા રાણીએ રાજા પાસે ખૂબ જીદ કરીને એ શાલ માટે માંગણી કરી. રાજાએ રાણીને ખૂબ સમજાવ્યા પણ છતાં રાણી માન્યા નહીં. જેમના પ્રત્યે આપણને રાગ હોય અને જો એમની લાગણી દુભાય અથવા એ રિસાય તો સામે આપણને પણ દુઃખ થાય છે. એવી જ રીતે, શ્રેણિક રાજા આખરે તો એક પતિ હતા. પતિ-પત્નીના પ્રેમના તાંતણાને લીધે શ્રેણિક રાજા લાચાર હતા. એમને રાણી પ્રત્યે જબરજસ્ત રાગ હતો. રાજાએ શાલવાળા વેપારીની તપાસ કરાવી અને એને દરબારમાં બોલાવ્યો. વેપારીએ કહ્યું, “મારી પાસે તો હવે એક પણ શાલ રહી નથી. એ બધી વેચાઈ ગઈ!” શ્રેણિક રાજાએ કહ્યું, “શું વાત કરે છે! તે ક્યાં વેચી?” ત્યારે વેપારીએ કહ્યું, “આપની નગરીમાં. એક જ જણાએ બધી શાલો લઈ લીધી.” રાજા એકદમ ચમક્યા કે મારા રાજ્યમાં મારા કરતાં પણ વધારે વૈભવશાળી કોણ હોઈ શકે? હું એક પણ શાલ ખરીદી ન શક્યો તો આ એક ઝાટકે સોળેસોળ રત્નજડિત શાલો કોણે લીધી? રાજાએ પૂછ્યું, “તેં શાલો કોને વેચી?” વેપારીએ કહ્યું, “તમારા રાજ્યમાં શાલિભદ્ર નામનો એક શ્રેષ્ઠી રહે છે. હું એને ત્યાં ગયો હતો અને એની માતા ભદ્રાએ મારી બધી શાલો ખરીદી લીધી. જો તમારે એ શાલો જોઈતી હોય તો ભદ્રા માતા પાસેથી લઈ લો.”

પછી શ્રેણિક રાજાએ પોતાના દૂત દ્વારા ભદ્રા માતાને સંદેશો મોકલાવીને એમના પુત્ર શાલિભદ્રને પોતાના મહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું. શાલિભદ્રના આવવાની તો ક્યાં વાત રહી! ભદ્રા માતાએ દૂત જોડે કહેવડાવ્યું, “મારો પુત્ર તો અમારી હવેલીથી નીચે ઊતરતો નથી, પણ હું પોતે આવું છું.” ભદ્રા માતા શ્રેણિક રાજા પાસે ગયાં અને એમણે કહ્યું, “હુકમ કરો! તમારે મારું શું કામ છે? મારો દીકરો તો ક્યારેય પણ હવેલીમાં નીચે ઊતરતો જ નથી.” પછી રાજાએ ભદ્રા માતાને પૂછ્યું, “આપે લીધેલી શાલોનું શું થયું? શું તમે બધી સોળેસોળ શાલો લઈ લીધી?” ત્યારે માતાએ જવાબ આપ્યો, “હા, મેં મારી બત્રીસ વહુઓ માટે સોળ શાલો ખરીદી છે. મારા પુત્ર શાલિભદ્રને બત્રીસ પત્નીઓ છે અને એ બધાંને પગલૂછણિયાં જોઈતાં હતાં. માટે મેં આ સોળ શાલના ટુકડા કરીને બધાને પગલૂછણિયાં તરીકે આપ્યા છે.”

આ સાંભળી શ્રેણિક રાજા વિચાર કરતા થઈ ગયા કે આમને ત્યાં કેવો વૈભવ હશે કે આટલી કિંમતી અને રત્નજડિત શાલોનાં એમણે પગલૂછણિયાં કર્યાં! પછી રાજાને આશ્ચર્ય પામતાં જોઈ ભદ્રા માતાએ કહ્યું, “હા, અમારા માટે આ સામાન્ય વાત છે. મારા પતિ અવસાન બાદ દેવગતિમાં છે અને તેઓ દેવગતિમાંથી રોજેરોજ ઢગલેબંધ રત્નો મોકલ્યા જ કરે છે.”

આ પ્રસંગ બાદ, ભદ્રા માતાએ શ્રેણિક રાજાને પોતાની હવેલીએ પધારવા આમંત્રણ આપ્યું. શ્રેણિક રાજા પોતે સમકિતી અને મહાવીર સ્વામીના પરમ ભક્ત હોવાથી ભદ્રા માતાના આમંત્રણથી તેઓ ખૂબ આનંદ પામ્યા કે પોતાના રાજ્યમાં ભદ્રા માતા અને શાલિભદ્ર જેવા ધનાઢ્ય પણ શ્રેષ્ઠીઓ છે કે જેમનો વૈભવ રાજા કરતાં પણ વિશેષ છે. નહીં તો, સામાન્ય રીતે કોઈ પણ રાજાને ઈર્ષ્યા થાય કે પોતાના જ રાજ્યમાં પોતાની પ્રજા પાસે વિશેષ વૈભવ હોય. શ્રેણિક રાજાએ જરાય ઈર્ષ્યા વગર ખુશીથી ભદ્રા માતાનું આમંત્રણ સ્વીકાર્યું.

ભદ્રા માતાએ પોતાની હવેલીએ શ્રેણિક રાજાના આગમનની તૈયારીઓ શરૂ કરી હતી. એમણે રાજમહેલથી લઈને પોતાની હવેલીના દ્વાર સુધી દેવોને પણ શરમાવે એવા વૈભવથી બધું શણગાર્યું. શ્રેણિક રાજાનો રથ જેમ જેમ આગળ વધતો એમ એમ પુષ્પવૃષ્ટિઓ અને રત્નવૃષ્ટિઓ થતી હતી. રત્નોની વૃષ્ટિ જોતાં જ રાજા ચકિત થયા, “ઓહોહો! કેટલો બધો વૈભવ છે! મારો રાજ્યાભિષેક થયો તોય મારા માટે આટલું બધું નહોતું થયું!” તેઓ આનંદિત થઈને ભદ્રા માતાની હવેલીમાં પ્રવેશ્યા. ભદ્રા માતાએ પોતાની હવેલીએ શ્રેણિક રાજાને એમના મહેલના રાજસિંહાસન કરતાં પણ જબરજસ્ત હીરા, માણેક અને રત્નોથી જડિત સોનાના સિંહાસન પર બેસાડ્યા. એ સિંહાસન ફક્ત યજમાન માટે હતું. હજુ તો રાજાએ સાતમા માળ પર રહેતા શાલિભદ્રનો વૈભવ જોયો ન હતો.

શ્રેણિક રાજાએ ભદ્રા માતાને શાલિભદ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, “આપનો પુત્ર, શાલિભદ્ર ક્યાં છે?” માતા ભદ્રાને થયું, “આ શાલિભદ્રને હું સાતમા માળેથી નીચે કઈ રીતે લાવું? એ તો પરણ્યો તે દિવસથી ઉપર જ છે; નીચે ઊતર્યો જ નથી.” શાલિભદ્રનો આખો દિવસ પોતાની બત્રીસ પત્નીઓ સાથે ભોગવિલાસમાં જ વીતતો હતો. માટે ભદ્રા માતા મુશ્કેલીમાં મુકાયાં કે પોતે શાલિભદ્રને નીચે કેવી રીતે બોલાવે! શ્રેણિક રાજા સામેથી પોતાની હવેલીએ પધાર્યા હોવાથી એક પ્રજા તરીકે પોતે ગમે એટલા પૈસાવાળા હોવા છતાં પણ રાજાના આશ્રિત હોવાથી એમનો વિનય ના તોડાય. ભદ્રા માતા પોતાની હવેલીના સાતમા માળે શાલિભદ્ર પાસે ગયા અને એમણે શાલિભદ્રને કહ્યું, “બેટા, તું નીચે ઊતર. નીચે આપણા સ્વામી શ્રેણિક રાજા આવ્યા છે. તેઓ તને મળવા માંગે છે.” ત્યારે શાલિભદ્રને સ્વામી કે રાજા કોને કહેવાય એની કશી જ ખબર ન હતી અને અણસમજણથી એણે પોતાની માતાને કહ્યું, “માતા, તમારે જે પૈસા કે દ્રવ્ય આપવું હોય એ આપી દો, પણ મને ખલેલ ના પહોંચાડશો. મારે નથી આવવું.” પછી માતાએ સમજાવ્યું, “આ કોઈ સાધન કે દ્રવ્ય નથી કે અપાય. આ તો શ્રેણિક મહારાજા છે અને તેઓ આપણા આખા રાજ્યના સ્વામી છે, બધાના ઉપરી છે; તેઓ જ આપણું આખું રાજ્ય અને દેશ ચલાવે છે. આપણો દેશ એમને આધીન છે અને આપણે એમની પ્રજા છીએ. એમની સામે ચાલીને જવું પડે; આપણે એમના આશ્રિત છીએ.”

ત્યાં જ શાલિભદ્રને એકદમ વજ્રઘાત થયો, “અરે, મારે માથે ઉપરી? મારો પણ કોઈ સ્વામી હોઈ શકે?” એને પોતાના ઐશ્વર્ય પર જબરજસ્ત ધિક્કાર થયો, “મારી પાસે આટલો વૈભવ છે તોય હજી મારો કોઈ ઉપરી છે કે જેને મારે નમન કરવું પડે! મારે ઉપરથી ઊતરીને એને પગે લાગવા જવું પડે!” શાલિભદ્રને અંદર તરત જ વૈરાગ્ય આવ્યો અને એણે મનોમન નક્કી કર્યું, “ના, આવું જીવન તો હોવું જ ના જોઈએ. આના કરતાં મારા પિતાએ જેવી દીક્ષા લીધી હતી એવી હું પણ લઈ લઈશ.” શાલિભદ્રનો સંસાર પ્રત્યેનો બધો મોહ ઊડી ગયો અને તે શ્રેણિક રાજાને વંદન કરવા પોતાની હવેલીના સાતમા માળેથી નીચે ઊતર્યો. શાલિભદ્રએ વંદન કર્યા. રાજાને શાલિભદ્રને જોતાં જ એની પર ખૂબ પ્રેમ ઊભરાયો અને પોતાની પાસે પ્રેમપૂર્વક બોલાવીને વહાલ કર્યું. આ જોઈને ભદ્રા માતાને થયું કે શાલિભદ્ર બહુ સહન નહીં કરી શકે માટે એમણે રાજાને કહ્યું, “હવે એને જવા દો. આને કોઈ પુરુષની ગંધ પસંદ નથી.” પણ શ્રેણિક રાજા પોતે સમકિતી હોવાથી આવું સાંભળીને એમને કંઈ અસર ના થઈ. શાલિભદ્રએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. એના જીવનમાં આટલું બધું સુખ અને વૈભવ હોવા છતાં પોતાને રાજા તરીકે કોઈ ઉપરી ના જોઈએ, આવા એક જ પ્રસંગે એને જબરજસ્ત વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો.

ભદ્રા માતાએ પોતાને ઘરે પધારેલા શ્રેણિક રાજાને ભોજન ગ્રહણ કરવા માટે વિનંતી કરી. ભદ્રા માતાનો પ્રેમ અને આગ્રહને જોતાં શ્રેણિક રાજાએ હા પાડી.

ભદ્રા માતાએ શ્રેણિક રાજાને ભોજન જમાડતા પહેલાં ભવ્ય સ્નાનાગારમાં રાજા માટે સ્નાનની વ્યવસ્થા કરી હતી. ત્યારે સ્નાનાગારમાં શ્રેણિક રાજાની એક કિંમતી વીંટી નીચે પડી ગઈ. વીંટીને શોધવાના બહુ પ્રયત્નો કરવા છતાં રાજાને એ ના મળી. પછી ભદ્રા માતાએ આવીને શ્રેણિક રાજાને કહ્યું, “તમે ચિંતા ના કરો. હું તમારી વીંટી શોધી અપાવું છું.” માતાએ પોતાની દાસીઓ દ્વારા સ્નાનગૃહનું પાણી ઉલેચાવ્યું અને આખું પાણી ખાલી થતાં નીચે તળિયામાંથી ઢગલાબંધ રત્નો, વીંટીઓ, હાર, માણેક અને પન્ના જેવા જબરજસ્ત રત્નો અને દાગીનાઓ પડેલા દેખાયા. એમના રત્નો સામે શ્રેણિક રાજાની વીંટી ફિક્કી દેખાતી હતી. જંગલમાં મોટા હાથી, વાઘ, વરુ જેવા દાગીનાઓ સામે શ્રેણિક રાજાની વીંટી નાનકડા દેડકા જેવી ફિક્કી લાગતી હતી!

રત્નોના ઢગલા જોઈ શ્રેણિક રાજા એકદમ ચમક્યા, “આમની પાસે શું વૈભવ છે! આ શું છે? આ બધું અંદર ક્યાંથી આવ્યું?” પછી દાસીએ કહ્યું, “આ તો અમારા શાલિભદ્ર શેઠની બત્રીસ શેઠાણીઓ જ્યારે એમના દાગીનાઓ જરાક જૂના થાય તો અહીં નાંખી દે છે.” શ્રેણિક રાજાને હવેલીનો વૈભવ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. પછી એક દાસીએ કહ્યું, “અહીં તો એવો નિયમ છે કે એક જ વખત વસ્ત્રો અને ઘરેણાં પહેરે અને પછી એ બધાનો નિકાલ કરવામાં આવે છે.” શાલિભદ્રના પિતા દેવગતિમાંથી એને ઢગલેબંધ રોજની તેંત્રીસ પેટીઓ ભરીને કિંમતી રત્નો, દાગીના અને વસ્ત્રો મોકલતા હતા.

ધન્ના શેઠ અને શાલિભદ્રનો વૈરાગ્ય અને દીક્ષા

પોતાના માથે કોઈ સ્વામી ના જોઈએ એ પ્રસંગ પરથી શાલિભદ્રએ દીક્ષા લેવાનું નક્કી કર્યું અને એ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવેલા એક મોટા આચાર્ય કે જે બધાને ઉપદેશ આપતા હતા એમની પાસે ગયા. ત્યાં ઉપદેશ સાંભળીને એમને દીક્ષા લેવાનું ખૂબ મન થયું. ત્યાં પણ ભદ્રા માતાએ એમને અટકાવતાં કહ્યું, “તું ધીમે ધીમે બધો ત્યાગ કર. તારી બત્રીસમાંથી એક-એક શેઠાણીનો રોજ ત્યાગ કરતો જા અને પછી કંઈક વિચારજે.” અંતે શાલિભદ્ર, ભદ્રા માતાની આ વાતને માન્યા.

શાલિભદ્રને એક બહેન પણ હતી અને એના લગ્ન ધન્ના નામના એક ખૂબ શ્રીમંત અને બુદ્ધિશાળી શેઠ સાથે થયા હતા. ધન્ના શેઠ અત્યંત બુદ્ધિશાળી હતા અને એમને આઠ પત્નીઓ હતી. શાલિભદ્રની બહેન એ ધન્ના શેઠની આઠ પત્નીઓમાં સૌથી ખાસ હતી.

એક વખત, પોતાના પતિ ધન્ના શેઠને માલિશ કરતાં એની આંખમાંથી આંસુ પતિની પીઠ પર પડ્યાં. જેવું ધન્ના શેઠનું આ બાબતે ધ્યાન ગયું એવું તરત જ એમણે પોતાની પત્નીને પૂછ્યું, “તું કેમ રડે છે? તને શું દુઃખ છે?” ત્યારે શેઠાણીએ કહ્યું, “શું કરું મને મારા ભાઈની બહુ ચિંતા થાય છે. એ આટલો વૈભવ છોડીને દીક્ષા લેવા માંગે છે અને હવે એ રોજ એક-એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યો છે. એટલે મને બહુ ચિંતા થાય છે કે મારો આટલો સુકોમળ ભાઈ, જેણે કોઈ પણ પ્રકારનું કષ્ટ જોયું જ નથી, ધરતી ઉપર પગ મૂક્યો જ નથી, એ ઉઘાડા પગે આટલા કષ્ટવાળો દીક્ષા પર્યાય કેવી રીતે પસાર કરી શકશે એનું મને દુઃખ છે.” આ સાંભળીને ધન્ના શેઠે કહ્યું, “તું આવું શું વિચારે છે? આ તો કાયર જેવી વાત છે. દીક્ષા લેવાવાળા તો શૂરવીર હોય. એકધડાકે દીક્ષા લઈ લે; આવું એક-એક છોડે તો ક્યારે પાર આવે?” આ સાંભળતાં જ ધન્ના શેઠની પત્નીએ કહ્યું, “આ બોલવું તો બહુ સહેલું છે. તમે કરી જુઓ ને!. તમે એક ઝાટકે બધું છોડીને દીક્ષા લઈ જુઓ ને!” આ સાંભળીને ધન્ના શેઠ એકદમ સડાક થઈને ઊભા થઈ ગયા અને કહ્યું, “હમણાં ને હમણાં હું દીક્ષા લઈ લઉં છું.” એમની પત્ની ગભરાઈ ગઈ અને કહ્યું, “ના, મેં તો તમને મશ્કરીમાં કહ્યું હતું.” ત્યારે શેઠે કહ્યું, “ના, ના. તેં તો મારા પર બહુ ઉપકાર કર્યો છે. આ વાતથી મને જાગૃત કર્યો એટલે હું દીક્ષા લેવા જ જઉં છું.”

પછી ધન્ના શેઠે શાલિભદ્રની હવેલી પાસે આવીને કહ્યું, “શાલિભદ્ર! હવેલીમાં ઉપર બેસીને શું કરો છો? નીચે ઊતરો. આ તમારા દીક્ષા લેવાના લક્ષણ છે? મોક્ષે જવાના લક્ષણ છે? જો દીક્ષા લેવી હોય તો એક જ ઝાટકે લઈ લો ને. એક-એક કરીને ત્યાગ કરવાથી ક્યારે પાર આવશે? જો તમે સંસારના એકાદ મોહમાં ભરાઈ ગયા તો, ત્યાગ અને દીક્ષા, બંને જતાં રહેશે. એના કરતાં, એક ઝાટકે નીકળો. હું એક જ ઝાટકે આઠેય પત્નીઓનો ત્યાગ કરીને આવ્યો છું. એક પત્નીનો ત્યાગ હોય કે બત્રીસ પત્નીનો—બધું સરખું જ છે.” આ સાંભળીને શાલિભદ્રને પણ જબરજસ્ત વૈરાગ્ય આવ્યો. સડસડાટ પોતાની હવેલીના દાદરા ઊતરી પડ્યો અને બંને, સાળા અને બનેવી, નીકળી પડ્યા. તેમણે નગરીના ઉદ્યાનમાં જ આચાર્ય મહારાજ આવ્યા હતા એમની પાસેથી ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. દીક્ષા આને કહેવાય. એકસાથે સંસારનો વૈભવ ત્યાગીને દીક્ષા લેવી એ શૂરવીરતા કહેવાય.

તેથી જ તો કહેવાય છે કે, “મોક્ષનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.”

દીક્ષા લીધા બાદ, શાલિભદ્ર અને ધન્ના શેઠે જબરજસ્ત તપ અને આરાધના કર્યાં. આથી તેઓ કૃશકાય થઈ ગયા હતા. બંને ભગવાન મહાવીર સાથે વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં આવ્યા જ્યાં શાલિભદ્રની ભદ્રા માતા પણ રહેતી હતી. શાલિભદ્ર અને ધન્ના શેઠ ખૂબ ઉપવાસ અને માસક્ષમણ કરીને પારણાં કરતા હતા. એક વખત રાજગૃહી નગરીમાં તેમના પારણાનો વખત આવ્યો. પારણાં કરવા અને ગામમાં વહોરાવવા જવા માટે તેઓ ભગવાન મહાવીરની આજ્ઞા લેવા ગયા. ત્યારે ભગવાને એમને કહ્યું, “જાઓ! પણ ક્યાં જશો?” એમણે કહ્યું, “ભગવાન આપ જ્યાં કહો ત્યાં.” પછી ભગવાને કહ્યું, “શાલિભદ્ર, તું તારી માતા પાસેથી જ વહોરાવીને પારણું કર.” પછી શાલિભદ્ર ભગવાનની આજ્ઞા પ્રમાણે રાજગૃહી નગરીમાં એમની માતા પાસે ગયા. બંને શરીરે કૃશકાય થયા હોવાથી ભદ્રા માતા એ બંનેને ઓળખી ના શક્યાં અને દાસીએ કે કોઈએ એમને વહોરાવ્યું નહીં; એમના તરફ કોઈએ ધ્યાન જ ના આપ્યું. એટલે બંને પાછા ફર્યા અને રસ્તામાં એક ગરીબ ગોવાળણે એમને દહીં વહોરાવ્યું. દહીં વહોરાવતાં વહોરાવતાં ગોવાળણ માતાને વાત્સલ્ય ઝરણાની ધારા વહી.

આ જોઈ શાલિભદ્રને એકદમ આશ્ચર્ય થયું અને હકીકત જાણવા ભગવાન મહાવીરને જઈને પૂછ્યું, “ભગવાન આપની આજ્ઞા પ્રમાણે હું ભદ્રા માતા પાસે ગયો હતો પણ ખબર નહીં શું થયું કે હું મારી માતા પાસેથી કંઈપણ વહોરાવી ના શક્યો; એમણે મને ઓળખ્યો જ નહીં. એટલે મને ખૂબ ખેદ થાય છે.” પછી ભગવાને કહ્યું, “ના, તને તારી માતાએ જ વહોરાવ્યું છે.” આ સાંભળી શાલિભદ્રએ આશ્ચર્ય પામી પૂછ્યું “શું વાત કરો છો! દહીં વહોરાવ્યું એ મારી માતા? એ તો ગોવાળણ હતી.” ત્યારે ભગવાને કહ્યું, “એ તારી ગયા ભવની માતા હતી. જે માતાએ તને ખીર બનાવીને આપી હતી અને એ ખીર તેં મોટા મુનિને ભિક્ષામાં વહોરાવી દીધી હતી. તેં જે ભાવથી ખીર વહોરાવી એના આધારે તને આ ભવે જબરજસ્ત પુણ્ય ભેગું થયું. આ ભવમાં, તને તારી ગયા ભવની ગોવાળણ માતાએ દહીં વહોરાવ્યું છે.” ભગવાનની વાત સાંભળીને શાલિભદ્રને ખૂબ આનંદ થયો. આગળ વધુ પ્રગતિ કરવા માટે ધન્ના શેઠ અને શાલિભદ્ર બંનેએ અનશન વ્રત લીધું અને વૈભવગિરિ પર્વત પર જબરજસ્ત ભક્તિ, આરાધના, તપશ્ચર્યા અને અંતરતપ કરીને એમણે પોતાના કર્મો ખપાવ્યા.

બીજી બાજુ, શાલિભદ્રના અનશન વ્રત લીધાના સમાચાર ભદ્રા માતા અને શ્રેણિક રાજાને મળતાં જ માતાને થયું કે હવે, હું મારા પુત્ર અને જમાઈને ક્યારેય જોઈ નહીં શકું. એટલે તેઓ મહાવીર સ્વામી પાસે ગયા અને ત્યારે ભગવાને ભદ્રા માતાને કહ્યું, “તમારા ઘરેથી પારણું કર્યા વગર જે ચાલી ગયો એ તમારો પુત્ર હતો.” આ સાંભળીને ભદ્રા માતાએ ખૂબ વિલાપ કર્યો કે અરેરે હું મારા પુત્રને ઓળખી ના શકી. ભદ્રા માતાને પુત્રને મળવાની વધારે તાલાવેલી લાગી.

પુત્રને મળવાની તાલાવેલીમાં ભદ્રા માતા અને શ્રેણિક રાજા પણ પોતાનું મોટું લશ્કર અને પરિવાર લઈને વૈભવગિરિ પર્વત પર ગયાં. પર્વત પર ધન્ના શેઠ અને શાલિભદ્ર જબરજસ્ત ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા અને અનશન લઈ પોતાના કર્મો ખપાવીને મુક્તિના રાહે આગળ વધતા હતા. માતા પોતાના પુત્રને અને જમાઈને જોઈને ખૂબ વ્યથિત થયાં અને વિશેષ તો પોતાના પુત્રને કૃશકાય હાલતમાં જોઈને તેઓ ખૂબ દુઃખી થયા અને મોહવશ રડી રડીને વલોપાત કર્યો.

દરેક માને પોતાના છોકરાં પ્રત્યે ખૂબ જ મોહ હોય છે. ભદ્રા માતા ખૂબ ડહાપણવાળા અને સમજુ હોવા છતાં પણ એમને પોતાના પુત્ર પ્રત્યે મોહ સતાવતો હતો. સામે શાલિભદ્રને પોતાની માતા પ્રત્યેનો મોહ તદ્દન ખલાસ થઈ ગયો હતો. એનો પોતાની પત્નીઓ પ્રત્યેનો બધો રાગ પણ ખલાસ થઈ ગયો હતો. પણ, સ્ત્રીઓનો રાગ જલ્દી જાય એવો નથી. સ્ત્રીઓને રાગ અને માયા ખૂબ જ વળગેલી હોય છે. એ મોહથી છૂટવા માટે એણે જબરજસ્ત પુરુષાર્થ કરવાની જરૂર છે. માને પોતાના છોકરાં માટે જે મોહ હોય છે એ મોહ એને દીક્ષા લીધા પછી પણ કેવો અટકાવે છે! ઘણી વાર પોતાના દીકરા કે દીકરીઓ વૈરાગ્યના માર્ગે આગળ જતાં હોય તો માતાથી એ સહન નથી થતું અને એ તેમને અટકાવે છે. જ્યારે ઘણી માતાઓ ખુશી ખુશી પોતાના બાળકને મોક્ષના માર્ગે આગળ જવા માટે રસ્તો કરી આપે છે! આ માર્ગે જનારાને મોહ અટકાવતો હોય છે, અંતરાય પાડતો હોય છે. એ અંતરાય પોતાને જ નુકસાન કરે છે. પોતાના છોકરાને જો મોક્ષમાર્ગે જવા માટે, ત્યાગ-વૈરાગ્યના દીક્ષાના માર્ગે જવા માટે, બ્રહ્મચર્ય પાળવાના માર્ગમાં જો અટકાવે, તો એને પોતાની ઉપર જ આંતરો પડે છે. એને આ માર્ગમાં જવા માટે ક્યારેય પણ અંતરાય તૂટેલા નથી હોતા. એટલે આ માર્ગે જવું હોય પણ એને આગળ વધવા માટે કોઈ સંજોગો મળે નહીં. અંતે પરિણામ તો પોતાની પર જ ખરાબ આવે છે. બ્રહ્મચર્ય બહુ ઊંચી વસ્તુ છે અને કોઈ પણ એ માર્ગે જતું હોય તો આપણે એને અનુમોદના આપવી જોઈએ; એને અંતરાય તો ના જ પાડવા જોઈએ, કારણ કે એના અંતરાય આપણને જ પડે છે. જો બાળકો મોહ છોડીને સારા માર્ગે જતાં હોય, તો આપણે એમને જવા દેવા જોઈએ. પોતાનો દીકરો વૈરાગ્યના, મહાવીર સ્વામીના માર્ગે જતો હોય તો એને કેમ સ્વીકારવામાં વાંધો આવે? આપણે મોહને બાજુ પર રાખવો જોઈએ. જો તે આ માર્ગે જવા તૈયાર થતો હોય, તો એ તીર્થંકર ભગવાનનો થઈ ગયો; આપણો ના રહ્યો.

મનુષ્યનું જીવન મોક્ષ માટે જ છે. એટલે એવું કંઈક અંદર નક્કી કરવું કે મારે તો મોક્ષે જ જવું છે. આ ભલે સંસાર છે પણ મારે એને વહેલી તકે પૂરો કરી નાખવો છે અને મારા એક એક ઋણાનુબંધની, એક એક હિસાબની પતાવટ કરીને મોક્ષે જ જવું છે, એવો નિશ્ચય દૃઢ થાય ત્યારે આપોઆપ બધા રસ્તા નીકળતા જ હોય છે.

ભદ્રા માતાનો પોતાના પુત્ર માટે આટલો બધો મોહ ઉત્પન્ન થયેલો જોઈને શ્રેણિક રાજાએ એમને સમજાવ્યા, “તમારા કેવા ધનભાગ્ય છે કે તમારી કૂખે આવો દીકરો જન્મ્યો છે અને મોક્ષમાર્ગે જબરજસ્ત આગળ વધી રહ્યો છે. એ મહાવીર સ્વામીની જબરજસ્ત કૃપા લઈ રહ્યો છે. આપ આ ખોટો મોહ કરી રહ્યા છો. તમે આનંદ પામો.” પછી શ્રેણિક રાજા અને ભદ્રા માતા પાછા વળ્યા. ધન્ના શેઠ અને શાલિભદ્ર પોતાના કર્મો ખપાવીને મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. પોતે બાંધેલા પુણ્યના આધારે એમને દેવગતિ પ્રાપ્ત થઈ અને ત્યાં તેઓ મોક્ષગતિ તરફ આગળ વધવાના છે. શ્રેણિક રાજાને શાલિભદ્ર પ્રત્યે ખૂબ રાગ હતો અને તેઓ શાલિભદ્રને પોતાના પુત્રની જેમ ગણીને છેક સુધી એની સાથે રહ્યા.

આપણે ચોપડા પૂજનમાં લખતા હોઈએ છીએ કે શાલિભદ્રની રિદ્ધિ-સિદ્ધિ હોજો, ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો અને અભયકુમારની બુદ્ધિ હોજો. આ બધું ભૌતિક માંગતા હોઈએ છીએ પણ કોઈ એમ નથી માંગતું કે મને શાલિભદ્ર જેવો વૈરાગ્ય હોજો! આપણને સંસારનું ને સંસારનું જ કેમ માંગવાનું સૂઝે છે?

આપણે ગૌતમ સ્વામી જેવી લબ્ધિ માંગીએ છીએ પણ એમને મહાવીર સ્વામી પર જેવો પ્રશસ્ત રાગ હતો એવો પ્રશસ્ત રાગ આપણે માંગવો જોઈએ. મહાવીર સ્વામીનું શરણું એમને હતું. તેઓ રાત-દિવસ મહાવીર સ્વામીના જ વિચારોમાં રહેતા હતા. મહાવીર સ્વામી માટેનો પરમ વિનય જે ગૌતમ સ્વામીને હતો એવો પરમ વિનય મને પણ હો, એવું માંગવું જોઈએ.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on