
શ્રી મહાવીર સ્વામીના પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિ સ્વચ્છંદના રસ્તે ચાલ્યા. આગળ, મૃગાવતી મહાસતી, કે જેઓ મહાવીર સ્વામીની જબરજસ્ત જ્ઞાન-ભક્તિ અને આરાધના કરતાં હતાં, એમનો જીવન પરિચય મેળવીએ.
કૌશાંબી નગરીના રાજા શતાનિક અને મૃગાવતી એમના પટરાણી હતાં. એક દિવસ બધા મંત્રીઓ અને લોકોએ રાજાને કહ્યું, “તમારો રાજદરબાર અને વૈભવ પરિપૂર્ણ છે પણ એમાં એક વસ્તુ ખૂટે છે. તમારા રાજ્યમાં ક્યાંય ચિત્રશાળા નથી!” આ સાંભળીને શતાનિક રાજાને થયું કે બરાબર છે. આ કમી પણ મારે પૂરી કરવી જોઈએ. પછી રાજાએ મંત્રીઓને કહ્યું, “આપણા રાજ્યના ઉચ્ચતમ ચિત્રકારોને બોલાવો અને એક ચિત્રસભાનું નિર્માણ કરો. ચિત્રસભાની બધી દિવાલો ઉપર ચિત્રકલા કરીને જબરજસ્ત અજોડ ચિત્રસભા ઊભી કરો.” શતાનિક રાજાના એક આદેશથી ચિત્રસભાનું નિર્માણ શરૂ થઈ ગયું. ચિત્રસભા માટે રાજ્યના ઉત્તમમાં ઉત્તમ ચિત્રકારોને બોલાવવામાં આવ્યા.
બધા ચિત્રકારોમાંથી એક ચિત્રકાર બહુ જ સિદ્ધિવાળો હતો. એ ચિત્રકારે એક યક્ષદેવની ખૂબ આરાધના કરીને એમને રીઝવ્યા હતા. યક્ષદેવે ચિત્રકાર પર પ્રસન્ન થઈને જે જોઈએ એ વરદાન માંગવાનું કહ્યું. ચિત્રકારે યક્ષદેવ પાસેથી માંગ્યું, “કોઈ પણ વ્યક્તિના શરીરનો કોઈ નાનકડો ભાગ જો મારા જોવામાં આવે, તો એના આધારે હું એનું આખું ચિત્ર હૂબહૂ આલેખી શકું એવી મને શક્તિ આપો.” પછી યક્ષદેવે ચિત્રકારને એવી શક્તિ આપી. ચિત્રકારને યક્ષદેવ પાસેથી આ દૈવી વરદાન પ્રાપ્ત થયું હતું.
પછી શતાનિક રાજાએ બધા ચિત્રકારોને પોતાના મહેલમાં બોલાવ્યા અને યોગ્ય માર્ગદર્શન આપીને મહેલના જુદા જુદા ભાગમાં ચિત્રકલા કરવાનો આદેશ આપ્યો. યોગાનુયોગ એવું બન્યું કે વરદાન પામેલા ચિત્રકારના ભાગે મૃગાવતી રાણીના મહેલના અંતઃપુરનો ભાગ અને અંતઃપુરની બહાર જે બેઠક વ્યવસ્થા હતી એ વિભાગનું ચિત્ર દોરવાની જવાબદારી આવી.
ચિત્રકાર સુંદર ચિત્ર કરતો હતો ત્યાં જ એણે પડદા પાછળથી મૃગાવતી રાણીના પગના અંગૂઠાનો જરાક જ ભાગ દેખાયો. આટલા પરથી તેણે મૃગાવતી રાણીનું આખું ચિત્ર દોરવા લાગ્યો, કારણ કે એને યક્ષદેવનું વરદાન હતું. જ્યારે તે મૃગાવતી રાણીની આંખ દોરતો હતો, ત્યારે એની પીંછીમાંથી રંગનું મોટું ટપકું રાણીના સાથળ પર પડી ગયું. ચિત્રકારે એ લૂછી નાંખ્યું અને ફરી આંખ દોરવા ગયો. ત્યાં તો પાછું રાણીના ચિત્ર પર એ જ જગ્યાએ ટપકું પડ્યું.
ત્રણ વખત રાણીના ચિત્ર પર એ જ સાથળની જગ્યા ઉપર ટપકું પડ્યું અને ત્રણે વખત એણે લૂછ્યું. પછી ચિત્રકારને એકદમ વિચાર આવ્યો, “હું ત્રણ વાર લૂછું છું તો પણ પાછું એ જ જગ્યા પર ટપકું કેમ પડતું હશે?” એટલામાં એને અંદર ઝબકારો થયો, “કદાચ મૃગાવતી રાણીના સાથળ પર એવું કંઈક લાંછન કે મસો હશે જેના આધારે રહી રહીને આ ટપકું અહીં જ પડે છે.” પછી ચિત્રકારે એ ટપકું જેમ હતું તેમ એ ચિત્રમાં રહેવા દઈને મૃગાવતી રાણીનું ચિત્ર દોર્યું.
બધા ચિત્રકારો દ્વારા ચિત્રકળાનું કામ પૂરું થતાં શતાનિક રાજા આખી ચિત્રસભા જોવા નીકળ્યા. બધામાં એમને મૃગાવતી રાણીનું ચિત્ર ખૂબ જ સુંદર અને સારામાં સારું લાગ્યું. રાણીનું આબેહૂબ ચિત્ર દોરેલું જોતાં જ રાજા એકદમ ખુશ થયા પણ અચાનક એમની નજર રાણીના ચિત્રમાં સાથળ પર રહેલાં ટપકાં ઉપર પડી અને એમને એકદમ વિચાર આવ્યો, “વસ્ત્રથી ઢાંકેલા ભાગમાં આ ચિત્રકારને કેવી રીતે ખબર પડી કે રાણીને ત્યાં આગળ લાંછન છે?” કારણ કે વાસ્તવમાં મૃગાવતી રાણીના સાથળ પર એવું લાંછન હતું.
રાજાને ચિત્રકાર અને રાણી વચ્ચે ગરબડ હોવાની શંકા ગઈ; એમને થયું કે આ ભાગ ચિત્રકાર કઈ રીતે જોઈ શકે. રાજા ચિત્રકાર પર અત્યંત ક્રોધે ભરાયા અને પેલા ચિત્રકારને જેલમાં પૂરીને ખૂબ માર મરાવ્યો. પછી, થોડા શાંત થયા પછી અન્ય ચિત્રકારોએ રાજાને કહ્યું, “આ ચિત્રકારને તો યક્ષદેવની કૃપાથી વરદાન પ્રાપ્ત થયેલું છે. એ વિદ્યાના આધારે કોઈ પણ વ્યક્તિના દેહનો જરાક અમથો પણ ભાગ જુએ તો એના પરથી એ વ્યક્તિનું આબેહૂબ ચિત્ર દોરી શકે છે.”
આ બધી શક્તિઓ અત્યારે આ કાળમાં નથી પણ એ કાળ, એટલે કે, ચોથા આરામાં હતી. આ કાળમાં યાંત્રિક શક્તિઓ છે જ્યારે ચોથા આરામાં માંત્રિક વિદ્યાઓ હતી. ચોથા આરાનો અંત સમય એટલે કે ભગવાન મહાવીરના સમય સુધી બોંતેર લાખ વિદ્યાઓ હતી. ભગવાન મહાવીરે બધી જ વિદ્યાઓનો વિચ્છેદ કર્યો હતો, કારણ કે તેમને ખબર હતી કે પાંચમો આરો બહુ ભયંકર આવવાનો છે અને લોકો આ વિદ્યાઓનો દુરુપયોગ કરીને ભયંકર કુકર્મ બાંધશે.
બોંતેર લાખ વિદ્યાઓમાંની એક વિદ્યા એ ચિત્રકારને પ્રાપ્ત થઈ હતી. બધા ચિત્રકારોએ ભેગા થઈને રાજાને ઘણું સમજાવ્યું. પણ રાજાએ ખરેખર આ વાત સાચી છે કે નહીં એની ખાતરી કરવા એ ચિત્રકારની પરીક્ષા લેવાનું વિચાર્યું. એ ચિત્રકાર સામે રાજાએ એકદમ કૂબડી, કઢંગી દાસીને પડદા પાછળ બેસાડી દીધી અને એ દાસીના આંગળીનું જરાક અમથું ટેરવું એને બતાડવામાં આવ્યું. બસ, આટલા પરથી ચિત્રકારે દાસીનું હૂબહૂ ચિત્ર દોર્યું. આ જોઈને શતાનિક રાજાને તે ચિત્રકારની વિદ્યા વિશે ખાતરી થઈ પણ છતાં તેઓ ચિત્રકાર પર ખૂબ જ ક્રોધિત હતા. ભલે એને એની વિદ્યાથી રાણીના સાથળ પર લાંછન છે એવું એને જણાયું, પણ એને ચિત્રમાં દોરીને રાણીનો એટલો ભાગ ઉઘાડો રાખવાની જરૂર ન હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં રાજાએ ફરી ચિત્રકાર આવું કોઈ કાર્ય કરે નહીં, ફરી આવા ચિત્રો દોરે નહીં એ કારણથી તેના જમણા હાથનો અંગૂઠો કાપીને રાજ્યની બહાર કાઢી મૂક્યો.
ચિત્રકારે ફરીથી યક્ષદેવની ખૂબ ભક્તિ-આરાધના કરી. યક્ષદેવ પ્રસન્ન થયા અને એમણે ફરીથી ચિત્રકારને કહ્યું, “તારે શું વરદાન જોઈએ છે?” પછી ચિત્રકારે યક્ષદેવને શતાનિક રાજા દ્વારા એની સાથે જે બન્યું હતું એ વિશે બધી વાત કરી. એ બધું સાંભળ્યા બાદ યક્ષદેવે કહ્યું, “જા, હું તને એવા વરદાન આપું છું કે હવે તું ડાબા હાથે પણ કોઈપણ વ્યક્તિનું હૂબહૂ ચિત્ર દોરી શકીશ. એટલે તારી વિદ્યા નહીં જતી રહે; તને કામ લાગશે.” આ વિદ્યાથી ચિત્રકાર બહુ ખુશ થઈ ગયો.
પણ એના મનમાં શતાનિક રાજા માટે જબરજસ્ત વેર ઊભું થયું અને વેરનો બદલો લેવાનું એણે નક્કી કર્યું. એણે થયું કે શતાનિક રાજાએ એને ખોટો દંડ દીધો અને કારણ વગર એનો અંગૂઠો કાપી લીધો એટલે એણે રાજાને ફસાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ એણે મૃગાવતી રાણીનું સુંદર ચિત્ર દોરીને એ શતાનિક રાજાના ઉપરી ચંડપ્રદ્યોત રાજા પાસે ગયો. શતાનિક રાજા, ચંડપ્રદ્યોત રાજાના ખંડણી રાજા હતા. જાણે કોઈ સુંદર દેવાંગના કે અપ્સરા હોય, એવી દુનિયામાં ના હોય એટલી સુંદર મૃગાવતી રાણીનું ચિત્ર જોતાં જ ચંડપ્રદ્યોત રાજા લોભાયા.
એમને મૃગાવતીને પોતાની પટરાણી બનાવવાનું મન થયું. ચિત્રકારે પણ મૃગાવતી રાણીની સુંદરતામાં વધારો કરતા ચંડપ્રદ્યોત રાજાને કહ્યું, “હજુ તો તમે માત્ર ચિત્ર જુઓ છો પણ ખરેખર તો રાણી ખૂબ રૂપાળાં છે.” ચંડપ્રદ્યોત રાજા એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે એમણે નક્કી કર્યું, “ગમે તે રીતે મૃગાવતી રાણીને તો હું મારી પાસે લઈ આવીશ જ.”
ત્યારબાદ ચંડપ્રદ્યોત રાજાએ પોતાના દૂતને શતાનિક રાજાને મોકલીને સંદેશો આપ્યો, “તું મૃગાવતી રાણી મને સોંપી દે. હું એની સાથે લગ્ન કરીશ, કારણ કે તું મારો ખંડણી રાજા છે. તારી બધી મિલકત પર મારો હક્ક છે. તો તારી રાણી પર પણ મારો હક્ક છે. માટે તું મને આપી દે.” આ સાંભળીને શતાનિક રાજા ખૂબ ગુસ્સે થયા. એમણે ક્રોધે ભરાઈને ચોખ્ખી ના પાડી દીધી. પછી ચંડપ્રદ્યોત રાજા મોટું લશ્કર લઈને લડવા આવ્યા.
ચંડપ્રદ્યોત રાજાના મોટા લશ્કર સામે શતાનિક રાજા તો સાવ નાના રાજા હતા. શતાનિક રાજા ગભરાઈને આઘાત પામ્યા કે, “હવે મારું શું થશે? મારી રાણીને લઈ જશે!” એમ આઘાતમાં ને આઘાતમાં એમનું હૃદય બંધ પડી ગયું અને તેઓ મૃત્યુ પામ્યા. શતાનિક રાજાનું આખું રાજ્ય ચંડપ્રદ્યોત રાજાના હાથમાં આવી ગયું. રાજાના મૃત્યુ પામવાથી હવે એમની પ્રજા અને રાજ્ય પાસે ચંડપ્રદ્યોત રાજા પાસે શરણાગતિ પામ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો.
મૃગાવતી રાણી બહુ બુદ્ધિશાળી હતાં. આવી પરિસ્થિતિમાં એમને ખ્યાલ આવી ગયો કે ચંડપ્રદ્યોત રાજા હવે મને લઈ જ જશે. તેઓ એક સતી હતાં અને પતિવ્રતા હતાં. એમને પોતાને એક બાળક પણ હતું. પણ રાજકુમાર વયમાં નાના હોવાથી મૃગાવતી રાણીને એમના બાળ રાજકુમારની પણ ચિંતા થઈ. ગમે તેમ કરીને મૃગાવતી રાણીએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી ચિંતાનો ઉપાય શોધી કાઢ્યો અને કપટ વાપરીને કળા કરી.
મૃગાવતી રાણીએ અત્યંત મીઠાં વચનોથી પોતાના દૂત દ્વારા ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું, “અમે તો તમારા શરણમાં છીએ. પણ મારું બાળક હજુ બહુ નાનું છે. એને કોણ સાચવશે? આજુબાજુના બધા રાજાઓ પણ એના પર આક્રમણ કરીને આ રાજ્યની ધૂળધાણી કરી નાખશે. માટે, મારું બાળક થોડું મોટું થાય ત્યાં સુધી તમે રાહ જુઓ અને હું તો તમારી જ છું.” આ રીતે મૃગાવતી રાણીએ કળાપૂર્વક કામ કર્યું.
ચંડપ્રદ્યોત રાજા તો પહેલેથી જ મૃગાવતી રાણી પર મોહિત થયેલા હતા. એટલે પછી રાજા તો મૃગાવતી રાણીની વાત માની ગયા. પછી ફરી મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજા પાસે એવી વિનંતી કરી કે, “અમારા રાજ્યના રક્ષણ માટે તમે અમારા રાજનગરની બધી બાજુએથી પથ્થરનો પાકો કોટ ચણાવી આપો. આથી મારું અને મારા બાળકનું રક્ષણ રહેશે.” ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીની આ બધી જ માંગણીઓનો સ્વીકાર કર્યો.
વિષયાંધ વ્યક્તિને કશું સૂઝે જ નહીં. વિષયાંધ થયેલા ચંડપ્રદ્યોત રાજા કંઈપણ વિચાર્યા વગર મૃગાવતી રાણી જેમ કહે એમ બધું જ કરતા ગયા. રાજા દ્વારા આખો કોટ બંધાવી આપ્યા બાદ મૃગાવતી રાણીએ ફરી એમને કહ્યું, “હવે, મારી પાસે ખાવા-પીવાનું કશું નથી. એટલે મને ધનધાન્ય મોકલી આપો.” પછી રાજાએ રત્નો-દાગીના અને ધનધાન્ય વગેરે બધું જ મૃગાવતી રાણીને મોકલી આપ્યું.
આમાં આશ્ચર્યની વાત તો એ છે કે હજુ ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીને માત્ર ચિત્રમાં જ જોયા હતા. તેઓ ક્યારેય મૃગાવતી રાણીને વ્યક્તિગત રીતે મળ્યા ન હતા. માત્ર રાણીનું ચિત્ર જોઈને મોહિત થતાં જ તેઓ રાણીની એકે-એક માંગણી પૂરી કરતા ગયા. વિષયથી અંધ થયેલો માણસ શું ના કરે? વિષયાંધ માણસ તો ભગવાનને પણ ભૂલી જાય! ભગવાન પણ એના હૃદયમાં ના આવે અને ભગવાનની કહેલી એક વાત પણ એને ના સમજાય.
મૃગાવતી રાણી માટે ચંડપ્રદ્યોત રાજાને જબરજસ્ત આકર્ષણ હતું. એમને રાણી પર બરોબર વિશ્વાસ પણ બેસી ગયો હતો. ચંડપ્રદ્યોત રાજા દ્વારા મૃગાવતી રાણીના રાજ્યમાં મજબૂત કોટ બંધાતાં જ રાણી અને રાજકુમાર બંને પોતાના કોટના દરવાજા બંધ કરીને અંદર સુરક્ષિત રહ્યા. મૃગાવતી રાણીએ પોતાના બધાં જ સુભટો અને સૈનિકોને કોટની દિવાલ ઉપર બેસીને રાજ્યનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો. રાણીના રાજ્યમાં થતી ગતિવિધિઓ જોઈને ચંડપ્રદ્યોત રાજા સમજી ગયા કે કંઈક ગરબડ થઈ ગઈ છે.
રાજા જબરજસ્ત ગુસ્સે ભરાયા અને તેઓ પણ મૃગાવતી રાણીના કોટની બહાર પોતાનું મોટું સૈન્ય લઈને બેસી રહ્યા. રાજાને અંદર મનોમન રાણી પ્રત્યે બદલાની તીવ્ર ભાવના જાગી અને એમણે નક્કી કર્યું કે આમના લશ્કરને પોતે હંફાવશે તો ખરા. વિષયમાંથી કેટલી બધી દ્વેષ અને વેર ભાવનાઓ ઊભાં થયા જ કરતી હોય છે. જે રાજા મૃગાવતી રાણી પર મોહિત હતા એ જ રાજાને હવે એમની માટે જબરજસ્ત બદલો લેવાની ભાવના થઈ. જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં બદલાની ભાવના ના હોય; ત્યાં આગળ તો બલિદાન આપવાની વાત હોય. જેની માટે આપણને ખરો પ્રેમ હોય ત્યાં એનો એકેય દોષ કે નેગેટિવ ના દેખાય. ચંડપ્રદ્યોત રાજાને મૃગાવતી રાણી પ્રત્યે પ્રેમ ન હતો પણ આસક્તિ હતી.
ઘણો વખત એવું ચાલ્યું. પછી મૃગાવતી રાણીને અંદર થયું, “આ બધું શું થઈ રહ્યું છે? આને કેવી રીતે જીવન કહેવાય? આવી રીતે ક્યાં સુધી હું મારા બાળક સાથે પુરાઈને ભયમાં રહું? હું મારા બાળકને કઈ રીતે સંસ્કાર આપીશ? હું ભયમાં ને ભયમાં રાત-દિવસ રહું છું. મારા બાળકને પણ આના કેવા પડઘા પડતા હશે!” મૃગાવતી રાણી બહુ ગભરાતાં હતાં. એમ કરતાં કરતાં એમને વૈરાગ આવ્યો અને અંદર થયું, “ભગવાન મહાવીર, ક્યાં છો તમે? મારી પ્રાર્થના સુણો અને મને ઉગારો. મારે તો તમારી પાસે દીક્ષા લેવી છે.”
ભગવાન તો અંતર્યામી હતા, કેવળજ્ઞાની હતા; એમને મૃગાવતી રાણીના પડઘા પહોંચ્યા, સ્પંદનો પહોંચ્યાં. ભગવાને એમની પુકાર સાંભળી લીધી. મૃગાવતી રાણીનો ઉદ્ધાર કરવા કુદરત ભગવાનને મૃગાવતી રાણીના નગરની બહાર ખેંચી લાવી. ભગવાન દેશના આપવા માટે બિરાજ્યા અને ત્યાં દેવોએ સમવસરણ રચ્યું.
ભગવાન મહાવીર પોતાના રાજ્યમાં પધાર્યા છે એવું સાંભળતાં જ મૃગાવતી રાણીનું રોમેરોમ થનગની ઊઠ્યું. તેમને ખૂબ આનંદ-આનંદ થઈ ગયો અને એમનો બધો જ ભય જતો રહ્યો. તેમણે પોતાના બધા જ નગરજનો, સૈનિકો ને બધું લાવલશ્કર લઈને બારણા ખોલી દીધાં અને ખૂબ હિંમતભેર ભગવાનનાં દર્શન માટે ગયાં. ત્યાં એમને ચંડપ્રદ્યોત રાજાની જરાય બીક ન લાગી. રાજા માટે એમને કોઈ ભાવ ન રહ્યો; એમના મનમાં ભગવાન ભગવાન જ થઈ ગયું હતું.
જ્યારે ભગવાનના દર્શનની આવી તાલાવેલી લાગે ત્યારે ખરા દર્શન થયાં કહેવાય. નહીં તો આપણે ભય, કષાયો બધું સાથે લઈને દર્શન કરવા જતા જોઈએ છીએ. મૃગાવતી રાણીની ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિ જબરજસ્ત હતી. ભક્તિ પછી મૃગાવતી રાણીને આગળ ભગવાન પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ. એમના જીવનમાં ભક્તિ અને જ્ઞાનનો સુંદર સમન્વય થયો. ભક્તિ અને જ્ઞાન એકાંતે નહીં પણ બંને સાથે હતાં.
મૃગાવતી રાણી ભગવાન પાસે સમોવસરણમાં ગયાં અને ખૂબ ભક્તિથી ભગવાનને નમસ્કાર કર્યા. આ બાજુ ચંડપ્રદ્યોત રાજા પણ ભગવાન મહાવીરના અનુયાયી હતા. એમને પણ ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિ હતી. ભગવાનના આગમનના સમાચારથી તેઓ પણ ભગવાન પાસે પહોંચ્યા. સમોવસરણમાં આવીને ભગવાનની હાજરીમાં બંને ચંડપ્રદ્યોત રાજા પોતાનું બધું જ વેર, બદલો ભૂલી ગયા. એટલું જ નહીં પણ મૃગાવતી રાણી માટે એમને જે વિષયાંધપણું ઊભું થયું હતું એ પણ શમી ગયું.
મૃગાવતી રાણીએ ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ, મને દીક્ષા આપો.” પછી મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજાને પણ નમસ્કાર કરીને કહ્યું, “મને તમે આ વેરમાંથી છોડો. આ દીકરો મેં તમને સોંપ્યો છે; તમારો જ છે અને મારે તો દીક્ષા લેવી છે. મારે હવે મારા જીવનનો ઉદ્ધાર કરવો છે.” ભગવાન મહાવીરની હાજરીમાં મૃગાવતી રાણીના આવા ભાવ જોતાં જ ચંડપ્રદ્યોત રાજાનું દિલ પીગળી ગયું. રાજાના પણ ભગવાનની હાજરીમાં બધા જ કષાયો, વેરઝેર છૂટી ગયા અને ખૂબ પ્રેમથી એમણે વિનંતીનો સ્વીકાર કર્યો.
મૃગાવતી રાણીના રાજકુમાર પુત્રને તેમણે કૌશાંબી નગરીનો નાનો રાજા બનાવ્યો. એમણે રાજ્યમાં એવી બધી વ્યવસ્થા કરી કે કોઈ એને જરાય પણ આંચ ના આવવા દે. ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીના પુત્રને પોતાના પુત્રની જેમ અપનાવ્યો અને પછી મૃગાવતી રાણીએ દીક્ષા લીધી.
ભગવાન મહાવીરે મૃગાવતી રાણીને મહાસતી ચંદનબાળાને સોંપ્યા. મૃગાવતીજી ચંદનબાળા મહાસતીના અંગત થઈને રહેતાં હતાં. મૃગાવતીજીએ ભગવાનની દેશના સાંભળીને તપ, ભક્તિ અને આરાધના કરીને ખૂબ પ્રગતિ કરતાં હતાં.
એક વખત એવું બન્યું કે ભગવાન મહાવીરની દેશના ચાલતી હતી ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકસાથે, એક જ સમયે પોતાના બિંબ સાથે, પોતાના મૂળ વિમાન સાથે ભગવાન મહાવીરના સમોવસરણમાં દેશના સાંભળવા પધાર્યા. આ અધ્યાત્મ જગતનું એક મોટું આશ્ચર્ય ગણાય છે અને ઇતિહાસ પણ કહે છે કે આ ૨૫૦૦ વર્ષ પહેલાંની જ વાત છે. પશ્ચિમી જગતમાં પણ એવું કહેવાય છે કે એ કાળમાં, એ સમયે, એક-બે કલાક માટે ઘોર અંધારું થઈ ગયું હતું. ચંદ્ર પણ ન દેખાય અને સૂર્ય પણ ન દેખાય. આમ તો ક્યારેય સૂર્ય અને ચંદ્ર સાથે જ આવે એવું બને નહીં પણ મહાવીર ભગવાનના વખતમાં આવું આશ્ચર્ય બન્યું હતું.
તે સમયે ભગવાનની દેશનામાં, સૂર્ય અને ચંદ્ર બંનેની હાજરીને કારણે દિવસ હતો કે રાત એ ખબર ના પડી. ખરેખર, ત્યારે રાત્રિનો સમય હતો પણ સૂર્યદેવની હાજરીમાં ખબર ના પડી. રાત્રિનો સમય હોવાથી ચંદનબાળા મહાસતીની સાથે બધાં સાધ્વીઓ પોતાને ઉતારે ચાલ્યાં ગયાં હતાં. પણ મૃગાવતી મહાસતી ભગવાનની દેશના સાંભળવામાં ખૂબ જ તલ્લીન થઈ ગયાં હતાં અને એમને ખ્યાલ ન રહ્યો કે રાત પડી ગઈ છે.
એટલે સૂર્યદેવ અને ચંદ્રદેવની વિદાય બાદ સમવસરણની સભામાં એકદમ અંધારું થઈ ગયું હતું અને એ જોઈને મૃગાવતી એકદમ ગભરાઈ ગયાં કે, “અરે, આ શું થઈ ગયું? મારા નિયમનો અને આચારનો ભંગ થઈ જશે!” એમને અંદર ખૂબ ભય લાગ્યો અને ઉતાવળાં ઉતાવળાં તેઓ પોતાના ગોરાણી ચંદનબાળા મહાસતી પાસે પહોંચી ગયાં. ત્યાં જતાં જ ચંદનબાળા મહાસતીએ એમને પૂછ્યું, “કેમ તમને મોડું થયું?” પછી મૃગાવતીએ પોતાનું મોડા આવવાનું કારણ કહ્યું. ત્યારે ચંદનબાળાએ એમને જરા ઠપકો આપ્યો, “તમારે ધ્યાન રાખવું જોઈએ ને! આપણા આચારમાં આવું આવતું નથી.” આ સાંભળીને મૃગાવતીને અંદર ખૂબ પશ્ચાત્તાપ થયો કે, “અરર! મેં કેટલી બધી ભૂલ કરી! આવું તો ચાલે? આ ખોટું થઈ ગયું.” એમણે પોતાની જાતને તિરસ્કાર કરીને ખૂબ ધિક્કારી. છેવટે, એમણે પોતાની ભૂલનો હૃદયથી ખૂબ પશ્ચાત્તાપ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યાં. એમને આખી રાત આવું ચાલતું હતું. એમ કરતાં કરતાં અંતે એમનાં બધાં આવરણો ખૂલી ગયાં અને એમને કેવળજ્ઞાન થઈ ગયું.
મૃગાવતી કરતાં ચંદનબાળા પદમાં ઊંચાં હતાં; છતાં પણ મૃગાવતીને પહેલું કેવળજ્ઞાન થઈ ગયું. કેવળજ્ઞાનમાં કોઈ નિયમ નથી હોતો; ક્યારે કોઈને ક્ષયોપશમ થાય, ક્ષપકશ્રેણી ચડી જાય અને એને કેવળજ્ઞાન થઈ જાય! મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે એ અંગે ચંદનબાળાને ખબર જ ન હતી.
એ જ રાત્રે, ચંદનબાળા મહાસતી સૂતાં હતાં અને ત્યારે મૃગાવતી મહાસતી પોતાના કેવળજ્ઞાનના આનંદમાં ખૂબ જાગૃત હતાં. ત્યારે એવું બન્યું કે એક મોટો વિષવાળો સાપ ચંદનબાળા મહાસતીની એકદમ બાજુમાં પાસે જ પડ્યો હતો. એ મૃગાવતીને એમના કેવળજ્ઞાનમાં દેખાયું એટલે તેમણે ધીમે રહીને ચંદનબાળાનો હાથ પથારીમાંથી ખસેડીને બાજુએ મૂક્યો. ત્યારે ચંદનબાળા મહાસતી એકદમ ઝબકીને જાગી ગયાં અને એમણે કહ્યું, “કેમ તમે મને આવું કર્યું? મારા હાથને કેમ અડાડ્યો? મને કેમ ખસેડી?” ત્યારે મૃગાવતીએ કહ્યું, “અહીંયાંથી સાપ જતો હતો એટલા માટે.”
પછી એ બાજુ જોઈને ચંદનબાળાજીએ કહ્યું, “તમને સાપ ક્યાંથી દેખાયો અંધારામાં? સાપ કેવી રીતે દેખાય?” આ એમણે ફરી મૃગાવતીજીને ખખડાવી. પછી મૃગાવતીએ કહ્યું, “મને કેવળજ્ઞાન થયું છે અને કેવળજ્ઞાનના આધારે આ સાપ દેખાય છે.” પછી ચંદનબાળાએ જરાક બારણું ખોલીને જોયું તો એમને ચંદ્રના અજવાળામાં સાપ બહાર જતો દેખાયો.
એટલે ચંદનબાળા મહાસતીને અંદર ખૂબ પસ્તાવો થયો કે, “અરે! મેં મૃગાવતીને ખોટા ખખડાવ્યા. આ તો મેં કેવળીની અશાતના કરી. એમની વાત પર મેં શંકા કરી અને ખૂબ મોટી અશાતના કરી.” એમ કરીને આખી રાત સુધી ચંદનબાળાને ખેદ રહ્યો. એમને ચેન જ પડતું ન હતું. એમણે અંદર ખૂબ દિલથી મૃગાવતી મહાસતીના પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણ કર્યાં. મહાસતી ચંદનબાળા પણ કેવળજ્ઞાનને પામ્યાં.
આપણાથી કોઈના પ્રત્યે દોષ, આશાતના, તિરસ્કાર કે અભાવ થઈ જાય તો એની માટે પ્રતિક્રમણ એ મોટામાં મોટું હથિયાર છે. પ્રતિક્રમણ ભગવાન મહાવીરે આપ્યું છે. મૃગાવતી અને ચંદનબાળા જેવી મહાસતીઓ પોતાના જીવનમાં એક જ રાતમાં આ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત કરીને પોતાના દોષથી મુક્ત થઈને કેવળજ્ઞાન પામ્યાં.
આપણે કેવળજ્ઞાન તો આ કાળમાં પામી શકીએ એમ નથી પણ આત્મજ્ઞાન સુધી તો જઈ શકીએ એમ છીએ. માટે આપણે જેના જેના દોષો જોયા હોય, જેની જેની સાથે અભાવ-તિરસ્કાર કર્યા હોય તેના માટે આપણે ખૂબ જ જાગૃતિપૂર્વક એક-એક દોષને યાદ કરીને, એની અંદર બેઠેલા પરમાત્માને દિલથી નમસ્કાર કરીને પશ્ચાત્તાપ કરીને માફી માંગી લઈએ અને ફરી આવું નહીં કરીએ એવું નક્કી કરીએ. તો આપણે દોષમાંથી છૂટીએ અને આત્મજ્ઞાન તરફ આપણી પ્રગતિ થાય છે.
આ બંને મહાસતીઓ સ્ત્રીદેહે હતાં અને બંને કેવળજ્ઞાન પામ્યાં. કેવળજ્ઞાન પામ્યાં એટલે સાહજિક રીતે બંને એ જ ભવે મોક્ષે ગયાં. મૃગાવતી અને ચંદનબાળા ભગવાન મહાવીરના વખતમાં થઈ ગયેલી સોળ સતીઓમાંથી હતાં. ભગવાન મહાવીરના વખતમાં અમુક સ્ત્રીઓ કેવળજ્ઞાનને પામી હતી અને અમુકે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. તેમ છતાં અમુક શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીનો મોક્ષ નથી, પણ ઇતિહાસમાં તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીદેહે મોક્ષે ગયાં અને મૃગાવતી અને ચંદનબાળા મહાસતી પણ મોક્ષે ગયાં. એટલે સ્ત્રીને પણ મોક્ષ જવાનો અધિકાર છે એમ આપણે પોઝિટિવ લઈને ચાલીએ. આપણે પણ ખરેખર જો છૂટવું હોય તો જ્ઞાન અને વર્તમાન તીર્થંકરની આરાધનાથી છૂટી શકાય એમ છે.
રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.
રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.
અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.
તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.
હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.
તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.
એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.
આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.
બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.
એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.
આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.
જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!
તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.
ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.
એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!
હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.
તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.
જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events
