ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: શ્રેણિક રાજા અને અભયકુમાર

શ્રી મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ એમના અગિયારે ગણધરો, સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક તથા શ્રાવિકાઓ સહિત ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને ભગવાને સમોવસરણમાં ભવ્ય દેશના આપી. ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ભક્તિ ધરાવતા શ્રેણિક મહારાજા, રાણી નંદા, એમના પુત્ર અભયકુમાર અને રાણી ચેલણાનો પરિચય મેળવીએ.

શ્રેણિક રાજા - પૂર્વભવ

શ્રેણિક રાજાના પૂર્વભવની આ વાત છે. એમના પૂર્વભવમાં એક નગરીમાં તેઓ સુમંગલ નામના એક રાજકુમાર હતા. એમનો એક મંત્રીપુત્ર હતો. એ બંને જણા મિત્રો હતા પણ મંત્રીપુત્રનો દેખાવ બેડોળ અને વિચિત્ર હતો. મંત્રીપુત્રને જોતાં જ બધાને હસવું આવે એવો એનો દેખાવ હતો. એની ઊંટ જેવી ડોક, હાથીના સૂપડા જેવા પગ અને વાળ તો ઘાસની જેમ જાણે ઊભા જ રહેતા હતા. રાજકુમારને એ મંત્રીપુત્ર સાથે ખૂબ જ મૈત્રી હોવા છતાં જ્યારે તેઓ મંત્રીપુત્રને જોતા તો એ હસ્યા વગર રહેતા જ ન હતા. આ બાબતે મંત્રીપુત્રને અંદર બહુ જ દુઃખ રહેતું.

હંમેશા આપણે જ્યારે કોઈના પણ શરીરના અંગ-ઉપાંગ કે દેખાવ માટે મશ્કરી કરીએ તો એનું પરિણામ બહુ ખરાબ આવે છે. કારણ કે દરેકને પોતાના દેહ પ્રત્યે ખૂબ દેહાધ્યાસ હોય છે કે, “આ દેહ તે ‘હું’ જ છું.” એવું પોતાને લાગે છે. એટલે જો દેહને માટે કંઈ પણ બોલવામાં આવે તો એને લાગે કે બધું મને જ કહે છે. પછી વ્યક્તિને પણ એ બાબતનો બહુ ભોગવટો આવે છે. એટલે આપણે ક્યારેય પણ કોઈ બેડોળ હોય, કોઈ જાડો કે ગમે તેવો હોય તો પણ કોઈની મશ્કરી ના કરાય. કારણ કે એનાથી એ વ્યક્તિને દુઃખ થાય છે. નાનપણમાં હંમેશા સુમંગલ રાજકુમાર પેલા મંત્રીપુત્રની આવી રીતે મશ્કરી કરતા. એ બંને યુવાન થયા પછી પણ આવી મશ્કરી ચાલતી જ રહી અને તે મંત્રીપુત્ર અત્યંત દુઃખી થતો.

પછી એક વખત તો એ મંત્રીપુત્રને જબરજસ્ત વૈરાગ આવ્યો અને એને થયું, “આ જીવન જીવવા જેવું જ નથી. આવો કેવો દેહ લઈને હું આવ્યો!” એ પૂર્વભવનું કર્મ જ હતું, નામકર્મ! સારું પુણ્ય લઈને આવ્યો હોય તો સરસ, રૂપાળો દેહ મળે અને જો પાપનો ઉદય હોય તો પછી વિચિત્ર, કદરૂપો દેહ મળે. બિચારો મંત્રીપુત્ર આવું પૂર્વકર્મ લઈને આવ્યો હશે. એને ભોગવવાનું બહુ આવ્યું હતું. છેવટે, મંત્રીપુત્રને જબરજસ્ત વૈરાગ આવ્યો અને એણે પોતે નક્કી કર્યું કે, “હવે આ ટોળામાં મારે જીવવું જ નથી.” એ પોતે તાપસ થઈને જંગલમાં ગયો અને ત્યાં તેણે ખૂબ તપશ્ચર્યા કરી.

આ બાજુ સુમંગલ રાજકુમાર ગાદી પર આવ્યા અને એમણે સરસ રીતે પોતાનું રાજ્ય ચલાવ્યું. ત્યારબાદ ઘણા વર્ષો પછી મંત્રીપુત્ર તાપસ, ખૂબ લબ્ધિઓ અને સિદ્ધિઓ મેળવીને એ પાછો એ જ ગામમાં આવ્યો. એના ગામમાં આવતાં જ સૈનિકો અને રાજાએ એને ઓળખી લીધો. પોતાના જૂના મંત્રીપુત્રને જોઈને રાજાને ખૂબ આનંદ થયો અને તેમણે મંત્રીપુત્રનું ખૂબ પ્રેમથી સ્વાગત કરીને, પૂજા અને નમસ્કાર કર્યાં.

પછી રાજાએ મંત્રીપુત્ર તાપસને વિનંતી કરી, “તમારે જ્યારે ઉપવાસનું પારણું હોય તો મને તમે લાભ આપજો. હું જરૂરથી તમને પારણું કરાવીશ.” મંત્રીપુત્ર તાપસે એક એક મહિનાના ઉપવાસ કરતો હતો. પછી એ ચાલ્યો ગયો. જતાં જતાં એ તારીખ આપતો ગયો કે આ તારીખે મારા પારણાં છે; હું પાછો આવીશ. જ્યારે મહિના પછી પારણાં માટે તાપસ પાછો આવ્યો ત્યારે એ રાજાને પારણું કરાવવાનું ખ્યાલમાં જ નહોતું; એ ભૂલી ગયા હતા. તે તાપસ આવીને જતો રહ્યો. કોઈએ એનો આદરસત્કાર કર્યો ન હતો. એ સમતામાં હતો અને એક મહિના પછી ફરી પાછો પારણાં માટે આવ્યો.

થોડા સમય બાદ પછી રાજાએ ફરી તાપસને જઈને વિનંતી કરીને કહ્યું, “અરે, હું તો ભૂલી ગયો. તમે ફરી પાછા મને લાભ આપજો.” ફરી આવતા મહિનાની તારીખ તાપસે આપી. પછી મહિના બાદ જ્યારે ફરીથી એ પારણાંનો દિવસ આવ્યો ત્યારે રાજાને ખૂબ માંદગી આવી હતી અને માંદગીને કારણે તેઓ પોતાના અંતઃપુરમાંથી બહાર આવ્યા જ ન હતા. આ બાજુ બધા સૈનિકોએ રાજા માંદા છે એમ કહીને પેલા મંત્રીપુત્ર તાપસને બારોબાર રવાના કર્યો. તે તાપસની કંઈ આગતાસ્વાગતા થઈ ન હોવાને કારણે તે પાછો જતો રહ્યો.

પછી ત્રીજી વાર એવું જ બન્યું. સુમંગલ રાજાએ પાછા જઈને માફી માંગી. ત્રીજી વાર રાજાને લાભ આપવા મંત્રીપુત્ર તાપસ પણ ત્રીજી વાર પારણાં માટે તૈયાર થયો. તાપસ જ્યારે ત્રીજી વખત પારણું કરવા રાજમહેલમાં આવ્યો ત્યારે રાજાને સખત માંદગી હતી. એટલે પછી રાજાના બધા મંત્રીઓને થયું, “આ તાપસ કંઈક અપશુકનિયાળ છે. એ જ્યારે જ્યારે આવે છે, ત્યારે ત્યારે આપણા રાજા માંદા પડી જાય છે. માટે આને બહાર કાઢો; આને આવવા જ ના દેશો. એનું અપમાન કરીને કાઢી મૂકો એટલે એ ફરી આવે જ નહીં.” એટલે બધાએ તાપસને ખૂબ અપમાન કરીને કાઢી મૂક્યો.

આ બાજુ મંત્રીપુત્ર તાપસને અંદર જબરજસ્ત માન ઘવાયું. એને અપમાનનો જબરજસ્ત ઘા લાગ્યો અને એણે નક્કી કર્યું, “હું ખૂબ તપશ્ચર્યા કરું અને આ તપશ્ચર્યાનું મને જે કંઈ પણ ફળ મળે, એના પરિણામે હું આવતા ભવે આ રાજાનો જબરજસ્ત વેરવી બનું; એના મોતનું હું નિમિત્ત બનું.” એવું એણે નિયાણું બાંધ્યું. તપશ્ચર્યા કરીને તાપસ દેવગતિમાં ગયો.

અંતે જ્યારે રાજાને પાછળથી આની જાણ થઈ ત્યારે એમને પણ વૈરાગ આવ્યો. રાજા પોતે પણ તાપસ થયા અને ખૂબ તપશ્ચર્યા કરીને તેઓ પણ દેવગતિમાં ગયા. રાજાને તો આ બધા વિશે કંઈ ખબર જ ન હતી; એ તો પોતાના રાજમહેલમાં બીમારીમાં તરફડતો હતો અને મંત્રીઓએ અપમાન કરીને તાપસને કાઢી મૂક્યો હતો. સુમંગલ રાજા અને મંત્રીપુત્ર તાપસ વચ્ચે આ બધું અજાણતાં થઈ ગયું છતાં પણ વેર તો બંધાયું. પાપ તો ઊભું થઈ જ ગયું. અજાણતા થયું પણ સામાને તો દુઃખ થયું જ ને! એ કંઈ છોડે! સામો કંઈ છોડતો હશે?

લોકો કહે છે કે અજાણતા કરેલા પાપનું કંઈ ફળ ના આવે; જાણીને કરીએ તો જ આવે. એવું નથી! કર્મનો કાયદો એવું શીખવાડતો નથી. જાણતા કે અજાણતા કરેલું હોય એનું ફળ તો આવે જ છે. જેણે જાણીને પાપ કે પુણ્ય કર્યું હોય એને જાણીને ભોગવવાનું હોય અને અજાણતા જેનાથી પાપ કે પુણ્ય થયું હોય એને અજાણતા ભોગવવાનું હોય, પણ કર્મ તો ભોગવવાનું જ હોય છે; કોઈ એમાંથી છટકી તો ના જ શકે. એ નિયમ છે, સિદ્ધાંત ક્યાંય ફેરફાર ના થાય. પણ હા, ભોગવટામાં ફેરફાર થઈ શકે. કર્મોનો ન્યાય ચોક્કસ છે.

આ કુદરતના ધર્મનો કાંટો છે; એમાં ક્યાંય ફેરફાર થાય નહીં. સુમંગલ રાજાના નિમિત્તે પેલા તાપસને અજાણ્યામાં અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યો, તો એનું ફળ તો એને આવ્યું જ. તાપસે વેર બાંધ્યું જેનું ભયંકર ફળ આવ્યું. કોઈને જાણ્યે કે અજાણ્યે દુઃખ ના હો એવી ભાવના કરવી. અને કોઈને અજાણતા દુઃખ થઈ ગયું હોય અને એવી ખબર પડે તો તરત બોલવું કે, “મારાથી જાણ્યે-અજાણ્યે કોઈથી દુઃખ પડ્યું હોય તેની માફી માંગું છું, પશ્ચાત્તાપ કરું છું.”

સુમંગલ રાજા અને મંત્રીપુત્ર બંને તાપસ થઈને દેવગતિમાં ગયા અને ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મનુષ્યમાં જન્મ લીધો.

શ્રેણિક મહારાજા - જન્મથી રાજ્યવહીવટ

સુમંગલ રાજાએ દેવગતિનું આયુષ્ય પૂરું કરીને મગધ દેશના પ્રસેનજિત રાજાના પુત્ર શ્રેણિક તરીકે જન્મ લીધો. શ્રેણિક મહારાજા જબરજસ્ત સ્વરૂપવાન અને બુદ્ધિમાન હતા. તેઓ જેમ મોટા થતા ગયા તેમ તેમ બધી વિદ્યાઓ ઝડપથી શીખી લીધી.

પોતાના રાજ્યના મુખ્ય સૂત્રધારની યોગ્ય પસંદગીના હેતુથી પ્રસેનજિત રાજાએ બધા રાજકુમારોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. પ્રસેનજિત રાજાએ બધા રાજકુમારોને જમવા માટે બેસાડ્યા અને પછી ત્યાં જ બહુ બધા કૂતરાંઓ છોડ્યા. કૂતરાંઓ બધાની થાળીઓમાંથી ખાવાનું લઈ લેવા ભસતાં ભસતાં, તરાપ મારતાં આવ્યા. જેવા કૂતરાંઓ પેસ્યા એવા જ બધા રાજકુમારો એમની થાળીઓ એમની એમ મૂકીને ડરીને ભાગી ગયા.

આ બાજુ શ્રેણિકકુમાર બહુ બુદ્ધિશાળી હતા એટલે ધીમે રહીને તેઓ ભાગી ગયેલા રાજકુમારોની થાળીમાંનો ખોરાક કૂતરાંઓને નાખતા ગયા અને પછી પોતે પણ નિરાંતે પોતાની થાળીનો આહાર આરોગ્યો. આ રીતે શ્રેણિક કુમારે બધાં જ કૂતરાંઓને વ્યસ્ત રાખ્યા. આ પ્રસંગ પરથી એમના પિતા પ્રસેનજિત રાજા ખૂબ ખુશ થયા અને તેમને શ્રેણિકકુમાર ખરેખર બુદ્ધિશાળી લાગ્યા.

હવે બીજી પરીક્ષામાં પ્રસેનજિત રાજાએ કરંડિયામાં લાડુઓ ભરીને મૂકાવ્યા અને સાથે બંધ ઘડામાં પાણી ભરીને મૂકાવ્યું. રાજાએ બધા રાજકુમારોને કહ્યું, “આ બંધ કરંડિયામાં જે લાડુઓ છે તે તમે તોડ્યા વગર ખાઓ અને માટલાને તોડ્યા વગર એનું પાણી પીઓ.” આ સાંભળીને કોઈ રાજકુમારને કશું સૂઝ્યું નહીં, એટલે બધા નિરાશ થઈને બેસી ગયા. જ્યારે શ્રેણિકકુમાર તો ખૂબ બુદ્ધિશાળી હતા. તેમણે કરંડિયામાં જે જાળી હતી એમાં સળી નાખી નાખીને અને જોરથી હલાવીને બધા જ લાડુઓ તોડી નાખ્યા; એના ભૂકા કરી દીધા. ભૂકા થઈ ગયા પછી એમાં સળી જેવું નાંખી ખંખેરીને લાડુ કાઢીને ખાઈ ગયા. બીજા બધા રાજકુમારોએ આ જોયા કર્યું અને પ્રસેનજિત રાજા પણ શ્રેણિકકુમારની બુદ્ધિ જોઈને ખૂબ ખુશ થયા. પછી શ્રેણિકકુમારે માટીના બંધ ઘડા નીચે એક થાળી મૂકીને એમાં ઝમેલું પાણી ભેગું કરીને પીધું. આ બધું જોઈને એમના પિતા પ્રસેનજિત રાજાને ખાતરી થઈ કે એમનો આ પુત્ર સૌથી હોશિયાર છે અને એમનો ઉત્તરાધિકારી થવાને લાયક છે. રાજાને શ્રેણિકકુમાર માટે ખૂબ જ આશા હતી.

બીજી બાજુ એવું થયું કે જેમ જેમ રાજકુમારો યુવાન થયા એમ પ્રસેનજિત રાજાએ એમના રાજ્યની વહેંચણી બધા કુમારોમાં કરી અને શ્રેણિકકુમારને બધાના અધિપતિ બનાવવાનું નક્કી કર્યું. પ્રસેનજિત રાજાએ શ્રેણિકકુમાર સિવાયના પુત્રોને નાના રાજ્યો આપ્યા અને પોતે રાજગાદી પર રહીને શ્રેણિકકુમારને પોતાની પાસે રાખ્યા. એમનો આશય એ હતો કે પોતાની ગાદી પર શ્રેણિકકુમારને બેસાડવા. પણ આ બાબત પ્રસેનજિત રાજાએ જાહેર કરી ન હતી. એટલે શ્રેણિકકુમારને અંદરથી જબરજસ્ત અપમાન જેવું લાગ્યું. ખૂબ ઘા વાગ્યો અને થયું, “મારાથી પણ આ બધા રાજકુમારો ઓછા બુદ્ધિમાન છે, છતાંય આમને આટલું બધું માન મળ્યું, રાજગાદીઓ મળી અને મને કંઈ નહીં!” એમને એટલું બધું અપમાન લાગ્યું કે પછી એ અપમાનથી ઘવાઈને ચુપચાપ રાજાને કે કોઈને પણ કહ્યા વગર ગુપ્ત રીતે પોતે ક્યારેય પાછા નહીં આવે એમ નક્કી કરીને પોતાના રાજ્યમાંથી નીકળીને બીજા દેશ તરફ ગયા.

શ્રેણિકકુમાર એક નગરમાં વણિકની દુકાનમાં ગયા. ત્યાં એમણે પોતાના પ્રભાવ અને બુદ્ધિથી વણિકનો વેપાર ખૂબ વધારી દીધો. વણિકે શ્રેણિકકુમારને પોતાના ઘરે રાખ્યા. થોડા વખત પછી વણિકે જોયું કે શ્રેણિકકુમાર બહુ હોશિયાર હતા અને વેપાર ખૂબ વધી રહ્યો હતો. વણિક પોતાની પુત્રી નંદાના વિવાહ માટે યોગ્ય વરની શોધમાં જ હતા. તેમને લાગ્યું કે એમની પુત્રી માટે આનાથી યોગ્ય વર બીજો કોઈ નહીં હોય. શ્રેણિકકુમારે વણિકને કહ્યું, “આપ મને ઓળખતા નથી! મારી નાત-જાત વિશે આપને ખ્યાલ નથી! આપ ક્યા આધારે આપની પુત્રીને મારા સાથે પરણાવવા તૈયાર થયા છો?” ત્યારે વણિકે ઉત્તર આપ્યો, “જે કંઈ પણ હોય, તમારી હોશિયારી અને તમને જોતાં લાગે છે કે તમે કોઈ ઊંચા ખાનદાનના હશો!” પછી શ્રેણિક કુમારે હા કહી અને નંદા સાથે એમના લગ્ન થયા. પછી નંદા ગર્ભવતી થઈ.

એ જ સમયમાં શ્રેણિકકુમારના પિતા પ્રસેનજિત રાજા બહુ જ માંદા પડ્યા. તેઓ એટલા બધા માંદા પડ્યા કે એમને એમ લાગ્યું કે હું બચી નહીં શકું. એમને શ્રેણિકકુમારની ખૂબ યાદ આવતી હતી અને વિરહ લાગતો હતો. એમણે પોતાના બધા દૂતોને શ્રેણિકકુમારને શોધવા મોકલ્યા. પછી અંતે પ્રસેનજિત રાજાના દૂતોએ શ્રેણિકકુમારને શોધી કાઢ્યા અને રાજાનો સંદેશો આપતા કહ્યું, “તમારા પિતા તમને બહુ જ યાદ કરે છે. તમારે હવે રાજ્યમાં પાછા આવવું જ પડશે.” આ સાંભળી શ્રેણિકકુમારને પણ પોતાના પિતા માટે લાગણી થઈ. દૂત દ્વારા બધી હકીકતો સાંભળ્યા પછી શ્રેણિકકુમારને પોતે જે ગેરસમજણ ઊભી થઈ એ વિશે ખ્યાલ આવ્યો.

પોતાના પિતા પ્રસેનજિત રાજાને મળવા જતાં પહેલાં શ્રેણિકકુમારે એમની પત્ની નંદાને સમાધાન આપીને જલ્દી પાછા આવવાનું કહ્યું. એમણે નંદાને એક નાનકડી ચિઠ્ઠીમાં લખીને આપ્યું, “હું રાજગૃહી નગરીનો ગોપાળ છું.” ગોપાળનો અર્થ રાજા પણ થાય અને ગોવાળ પણ થાય. નંદાએ ચિઠ્ઠી લઈને મૂકી રાખી. શ્રેણિકકુમારને પાછા આવતા જોઈ એમના પિતા પ્રસેનજિત રાજાએ ખૂબ ખુશીથી એમને પોતાની રાજગાદી આપી અને બધાના ઉપરી બનાવ્યા. અંતે, પ્રસેનજિત રાજાએ ધર્મધ્યાનમાં સમય વિતાવ્યો અને શ્રાવકધર્મ અંગીકાર કરીને ખૂબ ભક્તિ કરતાં કરતાં પોતાનો દેહ છોડ્યો. આના પરથી એવું સમજાય છે કે ગેરસમજણમાં જો આપણને સામાની વાતનો આશય પકડાય નહીં તો બહુ મોટું નુકસાન થઈ જાય છે.

શ્રેણિક રાજા અને અભયકુમાર

આ બાજુ નંદાના કૂખે એક પુત્રનો જન્મ થયો; જેનું નામ અભય રાખવામાં આવ્યું. તેઓ અભયકુમાર તરીકે ઓળખાયા. અભયકુમાર ખૂબ જ બુદ્ધિશાળી હતા. એમના નાનાએ એમને ઘણીબધી વિદ્યાઓ શીખવી હતી. અભયકુમાર એટલા બધા બુદ્ધિશાળી હતા કે જે વિદ્યાઓ શીખતાં પંદર વર્ષ લાગે, એ બધી જ વિદ્યાઓ તેઓ માત્ર છ મહિનામાં જ શીખી લેતા હતા. આમ જોવા જઈએ તો તેઓ શ્રેણિક રાજાના પુત્ર હતા.

એક વખત જ્યારે તેઓ પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે એમના મિત્રએ એમને ટોણો માર્યો, “તું આટલો હોશિયાર છે પણ શું તને તમારા પિતાનું નામ ખબર છે? તમારા પિતા તો છે જ નહીં.” આ સાંભળીને અભયકુમારને જબરજસ્ત આઘાત લાગ્યો અને થયું ”શું વાત છે? ખરેખર હું પિતા વિનાનો છું? આ બધા શું કહેવા માંગે છે?” અભયકુમારને અંદરથી બહુ જ તાપ તાપ થઈ ગયો. ઘરે જઈને અભયકુમારે એમની માતાને સાચી હકીકત અંગે પૂછા કરી.

પછી નંદા માતાએ ખૂબ આમતેમ જવાબ આપીને બોલવાનું ટાળ્યું પણ અંતે બહુ પૂછા કરતાં એમણે કહ્યું, “તારા પિતા તો જતા રહ્યા છે પણ આ ચિઠ્ઠી મને આપીને ગયા છે. આનો શું અર્થ થાય એ મને ખબર નથી.” પણ અભયકુમાર તો બહુ બુદ્ધિમાન હતા. એમણે માતા દ્વારા આપેલી ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું, “હું રાજગૃહી નગરીનો ગોપાળ છું.” ગોપાળનો અર્થ એમને બરાબર સમજાઈ ગયો કે એમના પિતા ચોક્કસ રાજા જ હશે. પછી અભયકુમાર પોતાની માતાને લઈને રાજગૃહી તરફ જલ્દીથી રવાના થયા. ત્યાં એમણે માતાને ગામની બહાર ઉદ્યાનમાં રાખ્યાં અને પોતે શ્રેણિક રાજા પાસે ગયા.

એ સમયે રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને ૫૦૦ મંત્રીઓની નિમણૂક કરવાની હતી, જ્યારે એમની પાસે ૪૯૯ મંત્રીઓ થયા હતા. એક ખૂટતા મંત્રીની શોધ ચાલતી હતી. પણ કોઈ યોગ્ય મંત્રી જડતા નહોતા. મંત્રી બનવા માટે ઘણી બધી પરીક્ષામાંથી પસાર થવું પડે એમ હતું. એ પસાર થઈને એમાં ઉત્તીર્ણ થાય તો એ વ્યક્તિને મંત્રી તરીકે સ્વીકારવામાં આવે. જે સમયે મંત્રીઓની પરીક્ષા લેવાની વાતચીત ચાલુ હતી એ જ સમયે અભયકુમાર ત્યાં ગયા અને એ પરીક્ષામાં એમણે ભાગ લીધો. એ પરીક્ષા એવી હતી કે એક મોટા પાણી વિનાના ખાલી કૂવામાં એક હીરાની વીંટી નાખવામાં આવી હતી. જે કોઈ એ હીરાની વીંટી કૂવાની અંદર ઊતર્યા વગર બહાર રહીને જ કાઢી આપે તો એ બુદ્ધિશાળી કહેવાશે.

પછી કોઈ વ્યક્તિ આ કસોટી પૂરું કરી શક્યું નહીં પણ અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા. એમણે કૂવામાં એ વીંટી ઉપર જ છાણનો પોદળો નાખ્યો; એટલે વીંટી એમાં બરાબર ભરાઈ ગઈ. પછી એના પર બળતા ઘાસના પૂડા અને લાકડાં નાખ્યાં એટલે પાણીનો ભાગ શોષાઈ ગયો અને વીંટી અંદર પકડાઈ ગઈ. ત્યાર બાદ એમણે કૂવામાં અંદર ફટાફટ પાણી ભરાવ્યું અને સુકાયેલું છાણ હલકું હોવાથી કૂવામાં ઉપર આવી ગયું. પછી ધીમે રહીને અભયકુમારે એ પકડીને એમાં રહેલી વીંટી ચોખ્ખી કરીને આપી દીધી.

શ્રેણિક રાજા આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા કે અભયકુમાર તો બહુ બુદ્ધિશાળી છે. પછી એમણે અભયકુમારને પાસે બોલાવીને બધી પૂછપરછ કરી. ત્યારે અભયકુમારે પોતાના ગામનું નામ આપ્યું. તો શ્રેણિક રાજાને એકદમ યાદ આવ્યું કે પોતે એ ગામમાં રહ્યા હતા. એમણે અભયકુમારને એક પછી એક બધાની પૂછપરછ કરી. રાજાએ વણિક શેઠ અને એમની પુત્રી નંદા વિશે પૂછ્યું. અભયકુમાર એક પછી એક બધી ઓળખાણ સમાચાર આપતા ગયા. શ્રેણિક રાજા બહુ ખુશ થયા.

પછી છેલ્લે શ્રેણિક રાજાએ પૂછ્યું, “નંદા સગર્ભાવસ્થામાં હતી તો એમના કૂખે કોણ જન્મ્યું? તને કંઈ ખબર છે આ વિશે?” ત્યારે અભયકુમારે ઉત્તર આપ્યો, “હા, એમની કૂખે પુત્ર જન્મ્યો છે.” પછી શ્રેણિક રાજાએ પૂછ્યું, “એમ, તેં જોયો છે એ પુત્ર?” ત્યારે અભયકુમારે હસતા હસતા જવાબ આપ્યો, “એ હું જ પોતે છું; અભયકુમાર છે મારું નામ.” પછી શ્રેણિક રાજા ખૂબ ખુશ થઈને અભયકુમારને ભેટી પડ્યા અને કહ્યું, “જલ્દી જલ્દી, બતાવ તારી માતા ક્યાં છે?” અભયકુમાર શ્રેણિક રાજાને ગામની બહાર લઈ ગયા અને માતા-પિતા બંનેનો મેળાપ કરાવ્યો. અંતે શ્રેણિક રાજાએ અભયકુમાર અને નંદા રાણીને રાજમહેલમાં લાવ્યા અને નંદા રાણીને પોતાની પટરાણી બનાવ્યા. આવી રીતે શ્રેણિક રાજાએ અભયકુમારને મહામંત્રી બનાવીને રાજ્યનો મોટાભાગનો રાજકારભાર સોંપ્યો. આગળ જતાં, એમણે અભયકુમારને અડધું રાજ્ય આપીને એમના ખૂબ સારી કન્યા સાથે લગ્ન કરાવ્યા.

અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા અને એમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ બધું પોઝિટિવ કરવામાં જ કર્યો હતો; એ જરાય નેગેટિવિટીમાં નહોતા પડ્યા.

શ્રેણિક રાજા અને ચેલણા રાણી

સુજેષ્ટા અને ચેલણા નામની બે રાજકુંવરીઓ હતી. એમાં સુજેષ્ટા કુંવરી ખૂબ જ રૂપવાન હતી. એક વખત સુજેષ્ટાએ સાધ્વીજીનું અપમાન કરીને એમને હરાવ્યાં હતાં. આથી સાધ્વીજીને સુજેષ્ટા કુંવરી માટે ઈર્ષ્યા ઊભી થઈ. જો પોતે આત્મજ્ઞાનમાં ન આવે અને પોતાના કષાયોમાંથી છૂટવાનો પુરુષાર્થ ન માંડે તો આ બધા જ દોષો ઘેરી વળે છે. સાધ્વીજીને જબરજસ્ત ઈર્ષ્યા થઈ અને એમણે નક્કી કર્યું, “આ કુંવરીને એવી જગ્યાએ પરણાવું કે જ્યાં એનું ખૂબ અપમાન થાય અને એવા ખૂબ રાણીઓવાળો રાજા શોધી કાઢું.” આ હેતુથી એ સાધ્વીજી શ્રેણિક રાજા પાસે આવ્યાં અને શ્રેણિક રાજાને એ કુંવરીનું ચિત્ર દોરીને બતાવ્યું. ત્યાં રાજા પણ ચિત્ર જોઈને મૂર્છિત થઈ ગયા અને એમને થયું, “આવી સુંદર રાણી! મારા અંતઃપુરમાં તો આવી એકેય રાણી નથી.”

આ બધી વાત અભયકુમારને ખબર પડી અને એમણે શ્રેણિક રાજાને બધી યોજના ઘડી આપી. અભયકુમારે યુક્તિથી સુજેષ્ટા કુંવરીનું અપહરણ કરવાની યોજના ઘડી અને એ રાજકુંવરીના મહેલમાં સુરંગ ખોદીને ત્યાં પોતાના પિતા શ્રેણિક રાજા અને સૈનિકોને લઈને આવી પહોંચ્યા. આ બાજુ નાની બહેન ચેલણા પોતાની મોટી બહેન સુજેષ્ટા વગર રહી શકે એમ ન હતી. એટલે ચેલણાએ સુજેષ્ટાને કહ્યું, “મને પણ તું લઈ જા.” સુજેષ્ટા કુંવરીએ કહ્યું, “સારું! હું લઈ જઉં છું.” બહુ ઉતાવળમાં ચોરીછુપીથી સુજેષ્ટા કુંવરીનું હરણ કરવાનું હતું. એટલામાં અચાનક સુજેષ્ટા કુંવરીએ કહ્યું, “ઊભા રહો! હું મારો રત્નનો ડાબલો લઈને આવું.” એમ કરીને તે રત્નો લેવા મહેલમાં ગયાં.

આ બાજુ બધા સિપાહીઓ આવ્યા અને ગભરાઈને સમયના અભાવને કારણે ચેલણા કુંવરીનું હરણ કરી ગયા. સિપાહીઓને ખ્યાલ ન હતો કે તેમણે સુજેષ્ટા કુંવરીનું અપહરણ કર્યું હતું કે પછી ચેલણા કુંવરીનું! અપહરણ કર્યા બાદ રસ્તામાં એમને હકીકત ખબર પડી કે સુજેષ્ટા કુંવરી નહીં પણ ચેલણા કુંવરીનું અપહરણ થયું છે. ચેલણા કુંવરી પણ ખૂબ રૂપાળા હતાં અને શ્રેણિક રાજા સાથે એમના લગ્ન થયાં. બીજી બાજુ, સુજેષ્ટા કુંવરીને અંદર બહુ જ ભયંકર દ્વેષ-ઈર્ષ્યા થઈ, “મને છોડીને મારી બહેનને લઈ ગયા.” કારણ કે સુજેષ્ટા કુંવરીને શ્રેણિક રાજા પ્રત્યે અત્યંત રાગ હતો અને રાજા સાથે પરણવું હતું. પણ હવે એમની પાસે કશો ઉપાય જ ન હતો. બધાએ ચેલણા રાણીને શોધવા ખૂબ પ્રયત્નો કર્યા પણ કોઈ પકડી શક્યું નહીં.

અંતે, સુજેષ્ટા કુંવરી ઈર્ષ્યાથી ખૂબ સળગી ગયા અને એમને સંસાર પ્રત્યે વૈરાગ આવ્યો. અંતે તેમણે ચંદના આર્યા પાસે દીક્ષા લીધી અને પોતે સાધ્વી બન્યાં. ઈર્ષ્યા માણસને ભયંકર ભોગવટો આપે છે. સુજેષ્ટા કુંવરીને સવળું સૂઝ્યું અને ઈર્ષ્યામાંથી બહાર નીકળવા એમણે દીક્ષા લીધી એ સારું થયું, નહીં તો ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં વેર બંધાય અને કેટલાય અવતારો બગડી જાય! આગળ, શ્રેણિક રાજા અને કુણિકનું વેર તથા ચેલણા રાણીની અનન્ય ભક્તિ વિશે વાંચીએ.

 

Related Topic

×
Share on