ચંડકૌશિક સર્પનો ઉદ્ધાર કર્યા બાદ શ્રી મહાવીર સ્વામી એક નગરીમાં ચોમાસું કરવા ગયા અને ત્યાં એમને ગોશાળાનો ભેટો થયો. ભગવાનનું અવલોકન કરીને ગોશાળાને ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ ઉચ્ચકોટિના વ્યક્તિ છે પણ ભગવાનનો ખરો અર્થ એને સમજાયો ન હતો. ગોશાળાએ માત્ર પોતાનું ભરણ-પોષણ થાય એ હેતુથી ભગવાન પાસે દીક્ષા લીધી હતી. ભગવાન આ બધું જાણતા હોવા છતાં સમતામાં વીતરાગ રહ્યા હતા. હવે, આગળ શ્રી મહાવીર સ્વામીના જીવનમાં ગોશાળાનો પ્રવેશ કઈ રીતે થાય છે એ વિશે આપણે વાંચીશું.
ગોશાળાના માતા-પિતા ચિત્રપટ લઈને ગામેગામ ભિક્ષા માંગીને પોતાનું જીવન કાઢતા હતા. ગોશાળાનો જન્મ એક ગૌશાળામાં થયો, એટલે એનું નામ ગોશાળ પાડ્યું. જન્મ બાદ તે મોટો થયો. એ પણ મા-બાપની જોડે જોડે જ્યાં જતો ત્યાં ભિક્ષા માગીને નિર્વાહ કરતો. ગોશાળો નાનપણથી જ બહુ ઝઘડાખોર હતો. પ્રકૃતિવશાત્ એ જ્યાં જાય ત્યાં ઝઘડો કરીને જ આવે. યુવાન થયો ત્યારે એ પોતાના મા-બાપથી છૂટો પડી ગયો. મોટો થઈને એ પણ પોતાના માતા-પિતાની જેમ ચિત્રપટ લઈને બધે ફરતો. એણે પોતાની જાતે ભિક્ષા માંગવાનું સાધન કરી રાખેલું. ગામેગામ ફરતા એ બિચારાને ખાવાનું મળે-ના મળે ને એની પ્રકૃતિવશાત્ એ જ્યાં જાય ત્યાં ઝઘડા કરી નાખતો; તે બહુ હેરાન અને દુઃખી થઈ ગયેલો.
આ બાજુ ભગવાન મહાવીર બધે વિહાર કરીને ચોમાસું કરતા હતા. એક નગરીમાં એમણે ચોમાસું કર્યું. ભગવાન જ્યાં જતા ત્યાં કાં ઉપવાસ કાં માસક્ષમણ કરતા અને પછી પારણું કરવા જતા. કોઈ મહાભાગ્યશાળી હોય કે જેના ભાગ્યમાં ભગવાનનું પારણું આવે. એ લાભ કોને મળે? એ લાભ તો કો’ક વિરલાને જ મળે! દેવો પણ એટલા બધા રાજી થાય એના ધનભાગ્ય ઉપર. ઓહોહો... ધન્ય છે આ શ્રાવકને કે જેને આટલો મોટો લાભ મળ્યો. એમાં બન્યું એવું કે ભગવાન જ્યાં પારણું કરતા ત્યાં પછી દેવો આવીને જબરજસ્ત પાંચ રત્નોની વૃષ્ટિ કરતા, જબરજસ્ત ધનદોલત બધું ખૂબ એને ત્યાં ભરાઈ જતું. ગોશાળાએ આ જોયું. જ્યાં આગળ ભગવાન ચોમાસામાં એક શાળામાં રહ્યા હતા, ત્યાં એ પણ પેસી ગયો હતો અને એ ભગવાનનું નિરીક્ષણ કરતો હતો. પહેલાં તો એને લાગ્યું કે આ બાવા જેવા છે; આમને શું હશે? પણ એ પાછળ પાછળ ગયો અને જોયું કે આમને બધા ઉત્કૃષ્ટ ભોજન આપે છે અને રત્નોની વૃષ્ટિ થઈ એ જોઈ થયું કે આમનામાં ચોક્કસ કંઈ છે ખરું. આ કોઈ જેવાતેવા સામાન્ય વ્યક્તિ લાગતા નથી. આ મારી જેમ ભિક્ષુક નથી. પણ કંઈક ઉચ્ચકોટિના છે. ખરી ઓળખાણ તો એને પણ ખબર ન હતી. એને થયું, ”જો હું એમનો શિષ્ય બની જઉં તો મારે ખાવાપીવાની તકલીફ તો મટી જાય! આમને ખાવાનું તો મળે છે, ઉપરથી ઓહોહો! કેટલા ધનઢગલા મળે છે! આમને ખવડાવવા માટે તો લોકો આગળ આગળ થયા કરશે.” એમ કરીને ગોશાળો મહાવીર ભગવાનનો શિષ્ય થયેલો.
દીક્ષા લીધા પાછળ એનો હેતુ જોવો જોઈએ. વૈરાગ લઈને આ ત્રણ પ્રકારે દીક્ષા લેવાય છે: દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત.
૧) દુઃખગર્ભિત એટલે દુઃખનો માર્યો. એના જીવનમાં એટલા બધા દુઃખ હોય કે એને થાય કે આ જીવવા જેવું છે જ નહીં અને આપઘાત કરવાનો પણ એનો જીવ ના ચાલે. વ્યક્તિ સંસારમાં બધા પ્રકારના દુઃખ જ દુઃખ ભોગવતો હોય. એને પછી વિચાર આવે કે આ બધા કરતા દીક્ષા લઈ લઈએ.
૨) મોહગર્ભિત એટલે એને એટલો મોહ હોય કે ઓહોહો! આ દીક્ષા લીધા પછી આ સાધુપણામાં મોટા રાજા-મહારાજાઓ, મંત્રીઓ અને મોટા શ્રેષ્ઠીઓ આપણને ખમાસણાં દેશે; સાષ્ટાંગ નમસ્કાર કરશે. ઓહોહો! આપણો તો ભાવ કેટલો બધો વધશે; એવો મોહ મહીં ઉત્પન્ન થાય અને પછી દીક્ષા લે એને મોહગર્ભિત કહેવાય છે.
3) ત્રીજું જ્ઞાનગર્ભિત. પોતાને આત્મજ્ઞાન જોઈએ છે; એ સિવાય બીજું કંઈ જોઈતું નથી. આત્મા સિવાય કોઈ ચીજની જેને ખેવના નથી. એના માટે જ પોતે પોતાનું આ જીવન ગુજારે છે અને એના માટે જ બધા પ્રયત્નો કરતો હોય છે. એટલું જ નહીં એને ક્યાંયથી આ મળતું નથી, પછી એને થાય છે કે કદાચ હું બધા જ પરિગ્રહો છોડી દઉં, સર્વસંગ પરિત્યાગ કરું અને મને ક્યાંક કોઈ એવા જ્ઞાની મળી જાય કે જેથી મને આત્મ સાક્ષાત્કાર થાય અને મારો ઉદ્ધાર થાય. એવી એક આત્મા જાણવાની, મોક્ષે જવાની જ ખેવના! એની માટે જે દીક્ષા લે એ ખરો દીક્ષાર્થી કહેવાય; ખરો મુમુક્ષુ એ કહેવાય; ખરો જ્ઞાનગર્ભિત વૈરાગી કહેવાય. અને એ ખરેખર પામે જ.
દુઃખગર્ભિત અને મોહગર્ભિતવાળા જ્યાં જાય ત્યાં સંસાર જ માંડીને ઊભા રહે. અહીંયાં કષાય ને બધું એમનું એમ જ પડ્યું હોય; મોક્ષની વાત બધી વિસારે પડી ગઈ હોય અને સંસારના મોહમાં, આમાં ને આમાં જ હોય. ગૃહસ્થીનો સંસાર અને ત્યાગીનો સંસાર, બેઉ સંસાર જ છે. અને જ્યાં જ્ઞાન છે, ત્યાં પછી ગૃહસ્થીમાં હોય કે ત્યાગીમાં હોય, એ અસંસારીપણામાં રહી શકે એમ છે.
એટલે દીક્ષા લેતા પહેલાં જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થવો જોઈએ. સંસારમાં ક્યાંય રુચિ ન હોય, બધે ઉદાસીનતા જ હોય; ક્યાંય એને ચેન ન પડે. ત્યાર બાદ, જ્યારે દીક્ષા લે પછી એના વૈરાગમાંથી એની દૃષ્ટિ વીતરાગતા તરફ જાય.
વૈરાગ અને વીતરાગતામાં બહુ અંતર છે. વૈરાગીમાં હજુ અહંકાર છે. વૈરાગ લે, ત્યાગ લે પણ અંદર અહંકાર હોય છે કે ”આ મારે છોડવું છે.” એટલું જ નહીં પણ એને બધું જ યાદ હોય કે ”મેં આટલું આટલું છોડ્યું છે.” ખરા વૈરાગીને તો બધું વિસારે પડી ગયું હોય. ભૂતકાળમાં શું હતું એ એને યાદેય ના હોય. કોઈ હલાવીને કહે ત્યારે યાદ આવે. બાકી, એની વાણીમાં તો ન હોય પણ એના અંદર મનમાં પણ ના રહે, વર્તનમાં પણ ના હોય.
ગોશાળાને આ બધી કશી જ ખબર ન હતી. ન હતો એનામાં વૈરાગ કે ન હતી વીતરાગતા. ખાલી એને તો પોતાનું ભરણપોષણ કરવું હતું. આ હેતુથી દીક્ષા લીધેલાની શું પ્રગતિ થાય? આવા હેતુ ના હોવા જોઈએ. ઊંચામાં ઊંચું જ્ઞાન, મોક્ષ માટેનો જ હેતુ હોવો જોઈએ. પછી નામ, કીર્તિ, બધા પૂછે, આપણને આવકારે, નમસ્કાર કરે એવું ના હોવું જોઈએ.
ગોશાળાને મન થયું એટલે એ ભગવાનને ચોંટી પડ્યો. એણે ભગવાનને કહ્યું, “મને તમારો શિષ્ય બનાવો.” પણ ભગવાન મૌન રહ્યા; કશું બોલ્યા નહીં. આમ પણ સિદ્ધાર્થ વ્યંતર દેવ ભગવાનના શરીરમાં આવીને વાત કરે તેટલા પૂરતું જ ભગવાનની વાણી નીકળતી. બાકી ભગવાને તો મૌન જ સ્વીકાર્યું હતું. એ તો પોતાના કર્મો ખપાવવામાં જ હતા. જ્યારે ભગવાન મૌન રહ્યા, ત્યારે ગોશાળાએ પોતાનું ધાર્યું કર્યું. ગોશાળાએ કહી દીધું, ”હે ગુરુ મહારાજ! તમારે મને સ્વીકારવો હોય તો સ્વીકારો અને ના સ્વીકારવો હોય તો ના સ્વીકારો, પણ મેં તો તમને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા જ છે.” તોય ભગવાન તો મૌન! ભગવાનના મૌનને ગોશાળાએ હકારમાં લઈ લીધું. ભગવાનના હકાર-નકારની એને પડેલી જ નહોતી. એ તો પોતાના જ સ્વાર્થમાં હતો. એ ભગવાનની પાછળ પાછળ ફર્યા જ કરતો હતો, છોડતો નહોતો. ગોશાળાની લાખ વાતો નેગેટિવ આવે છે, પણ એક વાત એની પોઝિટિવ હતી કે ભગવાન મહાવીરનો એને કેડો ના છોડ્યો, છેક સુધી ના છોડ્યો. કાં તો શિષ્ય થઈને ના છોડ્યો, કાં તો વિરોધી થઈને ના છોડ્યો.
એક દિવસ ગોશાળાએ ભગવાનને કહ્યું, ”ભગવાન, આજે આપણે ભિક્ષા લેવા જઈએ.” ભગવાન તો મૌન હતા, પણ એમની મહીં સિદ્ધાર્થ દેવ બોલ્યા, “આજે તો મને ઉપવાસ છે.” ગોશાળાને થયું કે હવે મારે એકલાએ જવું પડશે. જો ભગવાન જોડે આવ્યા હોત તો કેવું સરસ ખાવાનું મળત! પછી ગોશાળાથી ન રહેવાયું અને ભગવાનને પૂછ્યું, ”આજે મને ભિક્ષામાં શું મળશે?” મહીંથી સિદ્ધાર્થ વ્યંતર દેવે કહ્યું, ”તને ખાટા કોદરા મળશે, સડેલું ખાવાનું મળશે અને ખોટો સિક્કો મળશે.” ગોશાળાને થયું કે આજે તો આમનું કહેલું ખોટું પાડું જ. ભગવાનના શબ્દો ખોટા પાડવા આખો દહાડો એણે સારું ખાવાનું શોધવા બધે ભટક ભટક કર્યું. એને સારું તો શું કોઈ ખરાબ પણ આપવા તૈયાર નહોતું, બધેથી એને જાકારો મળ્યો. પછી છેક રાત્રિ પડતાં એને એક જગ્યાએથી મળ્યું અને એ પણ આવું જ મળ્યું - ખાટા કોદરા, ઊતરી ગયેલું ખાવાનું અને ઉપરથી એક ખોટો સિક્કો મળ્યો. ગોશાળાને અતિશય ભૂખ લાગી હોવાથી તે બધું જ ખાઈ ગયો; એને કશું જ ન સૂઝ્યું. પછી એને થયું, ”આ ગુરુ મહારાજે કહ્યું હતું તો બરાબર મને એવું જ મળ્યું. સિક્કો પણ ખોટો જ મળ્યો.” આના પરથી એણે અંદર ગાંઠ વાળી આ જ નિયતિવાદ. જે બનવાનું છે એ બનવાનું જ છે. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. આવી નિયતિવાદની એણે પાકાપાયે ગાંઠ વાળી. એકાંતે એણે આ સમજણ અંદર ફીટ કરી દીધી.
પછી ભગવાન મહાવીર તો ચોમાસું કરતા કરતા માસક્ષમણ અને પારણું કરતા જતા હતા. જેવું ચાતુર્માસ પૂરું થતું કે તરત જ ભગવાન વિહાર કરીને બીજે જતા રહેતા. જ્યારે ગોશાળો પાછો આવ્યો ત્યારે, ભગવાનને ન જોતાં, એમને શોધવા લાગ્યો. છેવટે ગોશાળાએ બીજા ગામમાં જઈને ભગવાનને શોધી કાઢ્યા અને ભગવાનની જોડે ને જોડે જ રહેવા માંડ્યો. ભગવાન તો જબરજસ્ત વીતરાગ હતા. પછી છેવટે ગોશાળાથી રહેવાયું નહીં; એણે ભગવાનને કહ્યું, ”ભગવાન, મને ક્યાં સુધી આવી રીતે તમે વિલખો મૂકીને જતા રહો છો? મારું કંઈક તો ધ્યાન રાખો. હું તમારો શિષ્ય છું; તમારી સેવામાં છું; છતાંય તમને મારી જરાય પડી નથી. મને તમે તમારા શિષ્ય તરીકે તો સ્વીકારો.” ભગવાન તો મૌન હતા; કશું જ બોલ્યા નહીં. પછી ગોશાળાને વિચાર આવ્યો કે કપડાં પહેરવાને બદલે ભગવાનની જેમ હું પણ દિગંબર થઈને, નિર્ગ્રંથ થઈને ફરું તો કદાચ મને સ્વીકારશે. એટલે એણે પોતાનો વેશ બદલી કાઢ્યો અને કહ્યું, “હવે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો.” પછી ભગવાન પહેલી વાર કરુણાથી બોલ્યા, ”હા, તને સ્વીકારીએ છીએ.” આ ભગવાન બોલ્યા હતા, એ દેવ નહીં; બહુ ઊંચી વાત છે. ત્યારથી એ ભગવાન પર ખુશ રહેવા લાગ્યો, આનંદમાં રહેવા લાગ્યો. ભગવાનની સેવા પણ ખૂબ કરતો.
ભગવાને ગોશાળાને પોતાની સાથે રાખ્યો અને ગોશાળો પણ ભગવાનની પાછળ પાછળ બધે જ જતો હતો પણ ગોશાળાની પ્રકૃતિ એકદમ વિકૃત હતી. ભગવાનની સામે એકદમ વિરુદ્ધ. ભગવાન એકદમ સૌમ્ય, બિલકુલ બોલે નહીં, મૌન અને કોઈ પણ જાતની અપેક્ષા વિના નિરપેક્ષભાવે, વીતરાગભાવે બધે જ પોતે સંકોચાઈ સંકોચાઈને રહેતા. ક્યાંય કોઈને તકલીફ ના પડે એમ ચોમાસું કરતા. જ્યાં આગળ પોતે ધ્યાનમાં ઊભા રહે, જ્યાં શરણું લે, ત્યાં એકદમ સંકોચાઈ સંકોચાઈને રહેતા અને એક અક્ષરેય બોલતા નહોતા. જ્યારે ગોશાળો તો જ્યાં રહે ત્યાં દાદાગીરી કરતો. એટલું જ નહીં પાછો ઝઘડો કરી આવે એવો તોફાની હતો. એને તામસી પ્રકૃતિ કહેવાય. ગોશાળો જક્કી પણ એટલો જ હતો. જક્કી એટલો કે જે પકડેલું તે છોડે જ નહીં.
એક નગરમાં ભગવાન મહાવીરનું ચોમાસું ચાલતું હતું. એક દિવસ ગોશાળાએ ભગવાનને કહ્યું, “ચાલો આપણે ભિક્ષા લેવા જઈએ.” ત્યારે સિદ્ધાર્થ વ્યંતર દેવ બોલ્યા, “આજે મને ઉપવાસ છે.” પછી ગોશાળો એકલો મોઢું બગાડીને ગયો. એને કંઈ ખાધા વગર ચાલે એવું હતું નહીં અને એ ભૂખ્યો રહી શકે એમ ન હતો. એટલે પછી એ ભિક્ષા લેવા નીકળ્યો. ત્યાં આગળ એણે રસ્તામાં એક જગ્યાએ સફેદ વસ્ત્રધારી ભગવાન પાર્શ્વનાથના શિષ્યોનું એક મોટું ટોળું જોયું. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાન વચ્ચે માત્ર અઢીસો વર્ષનો જ ગાળો હતો. જ્યારે બીજા બધા તીર્થંકરો વચ્ચે ઘણો હજારો-લાખો વર્ષનો ગાળો હતો. પાર્શ્વનાથ ભગવાનના બધા સાધુઓને સફેદ વસ્ત્રો પહેરીને મોજમજામાં અને ખુશખુશાલ જોઈને ગોશાળાને એકદમ તિરસ્કાર થયો. ગોશાળાએ એમને પૂછ્યું, ”તમે કોણ છો?” તો એ લોકોએ જવાબ આપ્યો, ”અમે તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો છીએ.” આ સાંભળીને તરત જ ગોશાળાને તિરસ્કાર થયો અને કહ્યું કે, “તીર્થંકર ભગવાનના શિષ્યો તો કેવા હોય! હું તીર્થંકર મહાવીરનો શિષ્ય છું! હું કેવો નિર્ગ્રંથ છું! દિગંબર છું. તમે તો વસ્ત્રધારી છો અને બધા જલસા કરો છો. આવું તો કંઈ હોતું હશે!” એમ કરીને એ લોકોને જેમતેમ બોલવા માંડ્યો. ગોશાળાનો અહંકાર તરત જ ઊકળી ગયો. ગોશાળો બોલવા લાગ્યો, “તમે તો પાખંડીઓ છો. પેટ ભરવા માટે નવી જાતનું સાધુપણું લીધું છે. આવા તો કંઈ સાધુ હોતા હશે!” ગોશાળો તો એકલો હતો જ્યારે સામે સાધુઓનું તો મોટું ટોળું હતું. તે બધાએ ભેગા થઈને એને માર્યો. સાધુ-આચાર્યો વિશે એ ભૂંડું બોલ્યો એ કોઈને આ ગમ્યું નહીં અને એને હડધૂત કરીને કાઢી મૂક્યો.
ખરેખર, આપણે કોઈ પણ ધર્મના સાધુ-આચાર્યો વિશે અપશબ્દો બોલાય નહીં. જેને જે વેશ ફાવે અને જેને જે રીતે આગળ પ્રગતિ કરવાની સૂઝે એ રીતે એ કરે. છેવટે તો ભગવાનનું અને તીર્થંકરોનું જ નામ લઈને આગળ વધી રહ્યા છે ને! સહુ સહુની જગ્યાએ સાચા છે; એ દૃષ્ટિ રાખવાની જરૂર છે. પણ સાધુ-આચાર્યોનું ક્યાંય આડુંઅવળું ના બોલાય. આ ગોશાળાને એવું કશું ભાન જ નહોતું.
પછી પોતે ભિક્ષા લેવા ગયો તે રાત્રિએ બન્યું એવું કે પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો એક શાળાની અંદર સૂતા હતા અને એમના આચાર્ય, જે મોટી ઉંમરના અને અશક્ત હતા, એ શાળાની બહાર કાઉસગ્ગ મુદ્રામાં ધ્યાનમાં હતા. તે રાત્રિએ એ ગામનો એક કુંભાર, જે બહુ દારૂડિયો હતો અને હંમેશા દારૂના નશામાં જ ચકચૂર રહ્યા કરતો હતો, તે ત્યાંથી પસાર થતો હતો. આચાર્યને કાઉસગ્ગ મુદ્રામાં ધ્યાનમાં જોઈને દારૂડિયાને એમની પર બહુ ચીડ ચડી અને એણે ગળું દાબીને આચાર્યને ત્યાં જ મારી નાખ્યા. આવી પરિસ્થિતિમાં આચાર્ય મહારાજ ખૂબ સમતામાં રહ્યા, એમને અવધિજ્ઞાન થયું અને તેઓ દેવગતિ પામ્યા. એટલામાં ગોશાળો ત્યાંથી જતો હતો, એણે જોયું, “અરર.. આચાર્યને મારી નાખ્યા! પેલો કુંભાર દારૂ પીને ત્યાં પડ્યો છે.” આ બધું જોઈને તે ગુસ્સે ભરાયો. એણે અંદર જઈને બધા સાધુઓને ખૂબ અપશબ્દો કહ્યા, “તમારા ગુરુ મહારાજનું શું થયું, જરા જુઓ! પેલા કુંભારે મારી નાખ્યા! શું આવી તમારી ગુરુભક્તિ છે?” પછી બધા સાધુઓએ પશ્ચાત્તાપ કર્યો.
ગોશાળો અને ભગવાન મહાવીર ત્યાંથી વિહાર કરીને બીજે ગામ ગયા. એ ગામમાં ચોરી થઈ હતી અને લોકો ચોરને શોધતા હતા. શોધતા શોધતા એ લોકોની નજર ગોશાળા અને ભગવાન મહાવીર પર પડી. ગામજનોને લાગ્યું કે આ જ બે ચોર હશે. એ લોકોને બીજો વિચાર આવ્યો જ નહીં કે જેને કોઈ પણ જાતનો પરિગ્રહ નથી, સંપૂર્ણ નિર્ગ્રંથ અવસ્થામાં છે એને ચોરી કરવાની ક્યાં વાત! પણ છતાંય બુદ્ધિ બહેર મારી ગઈ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ!
ગામજનોને આ વિચારેય નથી આવતો અને એમણે ભયંકર કર્મ કર્યું. ગામના લોકોએ ભગવાનને અને ગોશાળાને દોરડાથી બાંધી દીધા અને મોટા કૂવામાં ઊંધા લટકાવ્યા. કોસ ઉપર ખેંચે ને પાછા નીચે ઉતારે, ખેંચે ને નીચે ઉતારે. આવી ક્લાકોના કલાકો સુધી ગામજનોએ ભગવાન અને ગોશાળાને શિક્ષા આપી. ભગવાન મહાવીર તો એમાંય વીતરાગ હતા. ગોશાળો ઊંચોનીચો થતો હતો પણ ભગવાનને કંઈ અસર થતી ન હતી.
એટલામાં જ ત્યાંથી ભગવાન પાર્શ્વનાથના વખતના સાધ્વીજીઓનું વૃંદ પસાર થતું હતું. એમને એ ગામમાંથી વાત સાંભળવા મળી કે ગામજનોએ કોઈ બે દિગંબર ભિક્ષુકોને ચોર સમજીને પકડ્યા છે અને સજા આપી છે. એવામાં જ એક સાધ્વીજીને થયું, “શું આ ભગવાન મહાવીર તો નહીં હોય?” એ લોકોએ જે વર્ણન આપ્યું હતું એ તીર્થંકર ભગવાનની દશાનું હતું. એમ કરીને સાધ્વીજી દોડ્યા અને ત્યાં જઈને ભગવાનને જોયા અને ગામજનોને કહ્યું, “અરે, આ તમે શું કરી રહ્યા છો? કોને તમે દંડ દો છો? આ તો ચોવીસમા તીર્થંકર ભગવાન છે. તમે આ કેટલું ભયંકર પાપ કર્યું છે! આવું ના કરાય.” પછી બધા ગામજનોએ ભગવાનના ચરણમાં પડીને માફી માંગી. ભગવાન તો કરુણાના સાગર! એમને ક્યાં કોઈનો દોષ દેખાય તે કોઈને માફ કરવાની વાત આવે! એમને તો બધા નિર્દોષ જ દેખાતા હતા. પોતાના કર્મોના જ હિસાબ પૂરા થઈ રહ્યા હતા, એવું એમને દેખાતું હતું. ભગવાનને તો સહજ ક્ષમા હોય; ક્ષમા આપવી ન પડે.
બધા ગામજનોએ ભગવાનને છોડી દીધા અને ભગવાન આગળ પોતાની રીતે વિહાર કરતા ગયા. કારણ કે ક્ષમા આપનારો હંમેશા વીર કહેવાય છે. ભગવાન તો વીર નહીં પરંતુ મહાવીર હતા. આ તો એમને સહજ હોય. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્.’
ભગવાન મહાવીર ખૂબ જ કષ્ટ સહેવા માટે બધા જાતજાતના ઉપાયો કરીને, કષ્ટ સહીને પોતાના કર્મો ખપાવવાના રસ્તા ખોળતા જ હતા. એમાં પણ અનાર્યદેશમાં ભગવાનને ખૂબ જ કષ્ટો મળતા હતા. લોકો પણ ખૂબ દુઃખ આપતા હતા. ખાવા-પીવાનું ના આપે, ગાળો આપે, ગમે એમ બોલે, માર મારે - ત્યાં સુધી ભગવાનને કષ્ટો મળતા. છતાંય ભગવાન તો સમતામાં રહીને બાકીના કર્મો ખપાવવાની પેરવીમાં હતા.
આ બાજુ ગોશાળો પણ એમની પાછળ પાછળ બધે ફર્યા જ કરતો હતો. એને અનાર્યદેશમાં જરાય ફાવતું ન હતું. અંદરથી કંટાળ્યા જ કરતો હતો, “આ વળી અહીંયા શું કામ આવ્યા!” પણ ભગવાન તો કશું બોલતા ન હતા; ચૂપચાપ પોતાના કર્મના ઉદયાધીન બધે વિહાર કર્યા જ કરતા હતા.
એક વખત, ભગવાન મહાવીર અને ગોશાળો બંને એક ગામમાંથી બીજા ગામમાં વિહાર કરતા જતા હતા. આમ તો ગોશાળો ભગવાન દ્વારા સમજાવેલ નિયતિવાદ થોડો થોડો પકડતો જતો હતો; જ્યાં કોઈ પ્રસંગ બને તો નિયતિવાદ લેતો જ જતો અને અંદર નક્કી કરતો જતો હતો, “જે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.” એના જીવનમાં ભગવાન મહાવીર સાથેના એવા બે-ત્રણ પ્રસંગો બન્યા હતા એટલે એ પાકું કરતો જતો હતો. એમાં એક પ્રસંગ એવો બન્યો કે એનાથી એને નિયતિવાદની વાત જબરજસ્ત પાકી થઈ ગઈ.
ભગવાન મહાવીર અને ગોશાળો એક ખેતરમાંથી પસાર થતા હતા. ત્યાં આગળ રસ્તામાં ઝાડ નીચે એક તલનો નાનકડો છોડ એકલોઅટૂલો ઊગેલો હતો. પછી ગોશાળાએ નિયતિવાદ પર ભગવાન મહાવીરની પરીક્ષા કરવા માટે પ્રશ્ન કર્યો, “આ તલનો છોડ છે એમાં કેટલા દાણા થશે? એમાંથી કેટલા જીવ નીકળશે? આ તલનો છોડ ફળશે કે નહીં ફળે?” ત્યારે ભગવાને મૌન તોડીને કહ્યું, “આમાં સાત તલના દાણા નીકળશે.” બસ આટલું બોલીને ભગવાન તો આગળ ચાલ્યા ગયા. આ બાજુ ગોશાળાને એમ થયુ કે, “ભગવાન આવું કહે છે પણ લાવ એમની વાતને હું ખોટી પાડું! એમની પરીક્ષા કરું.” ભગવાન તો આગળ નીકળી ગયા પણ ગોશાળાએ ધીમે રહીને પેલો છોડવો ઉપાડીને દૂર ફગાવી દીધો અને ચૂપચાપ ચાલ્યો ગયો.
ભગવાનની વાત સીધી, સરળ અને સાચી હતી. પણ આ ગોશાળો એવો હતો કે તે ઊંઘી જ વાત પકડતો હતો. ભગવાનની જે વાત હતી કે કયા આધારે પરિણામ આવે છે, કર્મ બંધાય છે, જે બધી તત્ત્વજ્ઞાનની વાત હતી એ વાતને ગોશાળાએ ઊંઘી નિયતિવાદરૂપે લઈ લીધેલી. ગોશાળો નિયતિવાદને જે રીતે સમજતો હતો એ સમજણ ભગવાન મહાવીરની ન હતી. ભગવાનની સમજણથી આ વાત સાવ ઊંધી હતી. પછી ઘણી બધી જગ્યાએથી વિહાર કરીને ભગવાન જ્યારે પાછા વળતા હતા, ત્યારે ગોશાળાએ કળા કરીને ભગવાનને પાછા એ જ રસ્તેથી ઝાડ નીચે જ્યાં તલનો છોડવો હતો ત્યાંથી પાછા લાવ્યો. ગોશાળો તે જગ્યાએ બધા એંધાણ મૂકીને, પોતાને પાકો ખ્યાલ રહે એ માટે એ બધું ચોક્કસ કરીને ગયો હતો.
ભગવાન મહાવીરને અવધિજ્ઞાનમાં બધું જ દેખાતું હતું પણ તેઓ વીતરાગ હતા; એમને કશી ડખોડખલ ન હતી. ત્યાં પછી ગોશાળાએ ભગવાનને એ ઝાડ નીચે ઊભા રાખીને કહ્યું, “તમે તો કહેતા હતાને આ તલના છોડવામાંથી સાત દાણા નીકળશે. પણ અહીં તો તલનો છોડવો જ નથી પછી દાણાની ક્યાં વાત! જુઓ આપની વાત ખોટી પડીને!” ભગવાને સ્મિત આપ્યું અને પછી જવાબ આપ્યો, “તું કહે છે એવું નથી. આ છોડમાં તલના સાત દાણા છે જ. જો પેલી બાજુ તેં ઉખાડીને ફેંકી દીધો હતોને, ત્યાં એ બાજુ આડો તલનો છોડવો ઊગ્યો છે અને એને એક ડૂંડું બેઠું છે. એ ડૂંડામાં સાત તલના દાણા છે, તું ગણી જા.” એટલે એ તો દોડતો દોડતો ગયો અને જોયું. એણે ડૂંડું ખોલ્યું તો ખરેખર એમાં સાત જ દાણા હતા. એકદમ એ તો હત થઈ ગયો, પછી કહ્યું, “આ કેવી રીતના બન્યું?“ ભગવાનને તો આ બધું જ્ઞાનમાં દેખાતું હતું. એટલે એમણે તો ચોખ્ખું કહ્યું, “મને ખબર છે તેં આ ઉખાડીને ફેંકી દીધો મારી પરીક્ષા કરવા. પણ બન્યું એવું કે ત્યાં પછી વરસાદ પડ્યો અને આજુબાજુની જમીન કાદવવાળી થઈ ગઈ અને એટલી જ વારમાં એક ગાય ત્યાંથી પસાર થઈ અને એ ગાયનો પગ આ તલના છોડવાના મૂળિયા પર પડ્યો એટલે તે માટીમાં ખૂંપી ગયો. અને પેલો આડો તો આડો તલનો છોડ વધ્યો અને એમાં આ ડૂંડું આવ્યું.” એટલે પછી ગોશાળો તો સમજી ગયો કે આ તો જે બનવાનું છે એ બનવાનું જ છે; કોઈ દહાડો ફરવાનું નથી. આ વાત એકદમ પાકેપાયે એણે મગજમાં ફીટ કરી અને એણે જબરજસ્ત રીતે નિયતિવાદ ગ્રહણ કરી લીધો. દૃઢતાથી એણે નિયતિવાદ પકડી લીધો. આ પ્રસંગમાં એણે સિક્કો મારી દીધો કે આ જ છે હકીકત; એનું મગજ પછી જુદી રીતે ચાલવા મંડ્યું. ભગવાને આપેલા પાંચ સમવાય કારણોમાંથી નિયતિ ફક્ત એક કારણ છે, એને એકાંતે ગ્રહણ કરવા જેવું નથી.
એક વખત ગોશાળાને એક તાપસ ભેગો થયેલો. જ્યારે એ તાપસ માતાના ગર્ભમાં હતો અને માતાનો પ્રસવકાળ નજીક હતો, ત્યારે એના ગામમાં લૂંટારાઓની મોટી ધાડ પડી હતી અને બધા લૂંટીને લઈ ગયા. એમાં તાપસની માતાને પણ ઉપાડીને લઈ ગયા. માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો. લૂંટારાઓ તાપસની માતાને દોડાવતા હતા પણ બાળકને તાજો જન્મ આપતાં માતા અશક્ત થઈ ગઈ હતી; એનાથી દોડાતું ન હતું.
પછી પોતાના બાળપુત્રને ઊંચકવાને અશક્ત અને ભયની મારી પોતાના પુત્રને મૂકીને દોડી. તેણે પોતાના બાળકને ઝાડ નીચે મૂકી દીધું. બાજુના ગામમાં એક શેઠ ત્યાંથી પસાર થતા હતા. તેઓ નિ:સંતાન હોવાથી એ બાળકને લઈ ગયા. પોતાનું બાળક છે એમ જાહેર કરીને એ બાળકનો ઉછેર કરવા લાગ્યા અને આ બાજુ એ બાળકની માતાને લૂંટારાઓએ લઈ જઈને એક ગામમાં વેચી દીધી. એને વેશ્યાવાડે રહેવું પડ્યું.
શેઠ પાસે બાળકનો ઉછેર થતાં તે બાળક યુવાન થઈને ખૂબ પૈસા કમાયો. પછી એક વખત તે મિત્રો સાથે ફરતો ફરતો એની માતા જ્યાં વેશ્યા થયેલી હતી એ ગામમાં ગયો. બધા મિત્રોએ એ ગામના વેશ્યાવાડે જવાનું નક્કી કર્યું. તે યુવાન એટલો બધો વિષયાંધ થયેલો હતો કે બધું ભાન ભૂલી બેઠો હતો. ઊંધું ઘાલીને ચાલ્યા કરતો હતો. ત્યાં એનો પગ મળમાં પડી ગયો પણ એને ભાન ન હતું અને એ ચાલતો રહ્યો. રસ્તામાં એક ગાય અને વાછરડું ઊભાં હતાં. યુવાનને અંધારામાં ખબર ના પડી. તે વાછરડાંના પગને થાંભલો સમજીને પોતાનો પગ ઘસીને પગ સાફ કરવા ગયો. એટલામાં જ ત્યાં આગળ એ ક્ષેત્રમાં એક દેવ રહેતા હતા એમણે આ બધું જોયું અને એ દેવને એ યુવાનનો ઉદ્ધાર કરવાનું મન થયું. યુવાનને ઉપદેશ આપવા માટે દેવે પોતાની વિદ્યા વાપરીને એમણે ગાય અને વાછરડાં જોડે વાર્તાલાપ કરાવ્યો. વાછરડાંએ એની માતાને કહ્યું, “આ ભાઈ કેટલો આંધળા જેવો થઈ ગયો છે! મા, આને તો કંઈ સમજણ જ નથી. જોને, મારા પગે ઘસે છે!” ગાયે કહ્યું, “આ તો ઓછો આંધળો કહેવાય, હજુ તો એટલો ભયંકર આંધળો છે કે એની સગી માતા પાસે એ પોતે વિષય ભોગવવા જાય છે!” આ સાંભળીને યુવાન એકદમ ચમક્યો કે આ લોકો શું વાત કરે છે મારી! એ યુવાન હકીકત શું છે એ તપાસ કરવા ગયો. યુવાનની માતાને ખ્યાલ ન હતો કે સામે મારો પુત્ર છે. પણ એ યુવાનનો બધો મોહ ઉતરી ગયો. બધું પાકું કરવા એ એકદમ કડક શબ્દોમાં એની માતાને કહ્યું, “તું બીજું બધું બંધ કર અને મને સાચી વાત કર કે તું ખરેખર કોણ છે અને અહીં કેવી રીતે આવી? હું તને જે પૈસા મળે છે એના કરતા દસગણા આપીશ પણ તું મને સાચું કહે.”
યુવાનની વાતથી ગભરાઈને માતાએ બધી સાચી વાત કહી દીધી. પેલા યુવકને પણ એની વાતમાં કંઈક તથ્ય લાગ્યું. પણ હજુ વધારે પાકું કરવા માટે એ ત્યાંથી એને પૈસા આપીને ઘરે ગયો. ઘરે જઈને એના માતા-પિતા પર ખૂબ જ દબાણથી અને ક્રોધ કરીને કહ્યું, “સાચી હકીકત કહો મને કે હું કોણ છું? મારી ખરી માતા કોણ છે?” અંતે શેઠ-શેઠાણીએ બધી હકીકત કહી દીધી, “અમે તને આવી રીતે ઉછેર્યો છે અને તારી ખરી માતા વિશે અમને કશી પણ ખબર નથી. તું અમને ઝાડ નીચે પડેલો મળ્યો હતો; ત્યાંથી અમે તને લઈ ગયા.” અંતે તે યુવકને બધો તાળો મળી ગયો. તે પાછો વેશ્યાવાડે જઈને એની માતાને ગામમાં લઈ આવ્યો; એને સરસ ઘર આપીને શાંતિથી ભક્તિમય જીવન ગાળવા કહ્યું. પછી માતાએ પણ ખૂબ ભક્તિભાવથી શ્રાવિકા થઈને પોતાનું પાછલું જીવન પોતે કરેલા પાપોને ધોવામાં કાઢ્યું અને તેઓ સરસ ઊર્ધ્વગતિ પામ્યા.
યુવકને ખૂબ જ વૈરાગ આવ્યો કે, “આ કેવી કર્મની ગતિ છે! આ કેવો સંસાર છે! આમાંથી મારે બહાર નીકળવું છે. આ જ સંસાર? મારી માને મેં આવી દૃષ્ટિથી જોઈ. હું કેવો હતભાગી છું કે મારા ભાગે આ આવ્યું!” એને ખૂબ અંદર વૈરાગ આવ્યો અને વૈરાગનો માર્યો એ પોતાની સગી માતા અને પાલક માતા-પિતા બધાને છોડીને જંગલમાં જતો રહ્યો અને તાપસ બન્યો. ખૂબ તપશ્ચર્યા કરીને એને જબરજસ્ત લબ્ધિઓ અને તેજોલેશ્યા પ્રાપ્ત થઈ.
એ તાપસ તપ કરતો હતો ત્યારે ત્યાંથી ભગવાન મહાવીર અને ગોશાળો પસાર થતા હતા. ભગવાન તો સહજ અવસ્થામાં એક બાજુ ધ્યાનમાં ઊભા હતા અને આ બાજુ ગોશાળો એના અટકચાળા છોડતો જ ન હતો. ગોશાળો તાપસને જોઈને ત્યાં જ અટકચાળા કરવા માંડ્યો અને જેમ તેમ બોલવા માંડ્યો. તાપસના માથાની જટાઓ બહુ મોટી હતી અને તડકાને કારણે એના માથામાંથી બહુ બધી જૂ નીચે પડી જતી હતી. તાપસ તે જૂઓ વીણી-વીણીને પછી માથામાં મૂકતો હતો. ગોશાળો આ બધું જ જોયા કરતો હતો. પછી ગોશાળો તાપસને જેમતેમ બોલવા લાગ્યો, “અરે, તું કોણ છે? તું સ્ત્રી છે કે પુરુષ છે? આ તારું માથું કેવું છે? તારું માથું એટલે જૂઓનો પલંગ તો નથી ને! આટલી બધી જૂઓને તું સુવાડી રાખે છે!” જ્યારે તાપસ તો પોતાના તપમાં જ હતો. ગમે એવી મશ્કરી કરે તોય પેલો ચૂપચાપ પોતાના તપમાં જ હતો અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠો હતો. તો પણ ગોશાળાએ ત્રણ-ચાર વાર એની મશ્કરી કરી. અંતે પછી તાપસ ખૂબ ક્રોધે ભરાયો. એટલો બધો ક્રોધે ભરાયો કે ક્રોધમાં ને ક્રોધમાં એણે ગોશાળા પર તેજોલેશ્યા ફેંકી. તેજોલેશ્યા ફેંકતાની સાથે જ ગોશાળાને આખા શરીરમાં બધે લ્હાય લ્હાય, આગ આગ વ્યાપી ગઈ. એનાથી સહન ન થયું એટલે દોડતો દોડતો ભગવાન બાજુમાં જ હતા. એ “બચાઓ, બચાઓ!” કરીને ભગવાનના ચરણોમાં પડી ગયો. એનાથી સહન ન થયું; મરવાની જ તૈયારી થઈ ગઈ હતી.
ત્યાં ભગવાને જોયું કે અરેરે.. આને શું કરી રહ્યો છે! પછી ભગવાનને ખૂબ કરુણા થઈ અને ગોશાળા પર શીતલેશ્યા ફેંકી જેનાથી એની બધી અગ્નિ એક જ સેકન્ડમાં શમી ગઈ અને એકદમ ઠંડક થઈ ગઈ. ગોશાળાને થયું, “ઓહોહો! આ તો કંઈક જબરજસ્ત છે! ભગવાન તો જબરજસ્ત લઈને બેઠા છે.” બીજી બાજુ તાપસને થયું, “ઓહોહો! આ મારા કરતા પણ જબરજસ્ત શક્તિશાળી છે. આ તો કંઈ ઔર જ જાતના છે! આટલી બધી વિદ્યા આમની પાસે છે.” તાપસે ભગવાનના ચરણમાં ઝૂકીને પૂજા કરી. હજી મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું ન હતું તેથી ભગવાને ગોશાળાને બચાવ્યો. કેવળજ્ઞાન થયા પછી ભગવાન આવું કશું કરે નહીં. તેઓ પોતાના જ કર્મો ખપાવ્યા કરે. કોઈને બચાવે પણ નહીં અને કોઈને મારી પણ ના નાખે.
તાપસથી છૂટા પડીને ગોશાળોએ અંદર નક્કી કર્યું કે, “મારે તો તેજોલેશ્યા સિદ્ધ કરવી જ છે.” ભગવાને પછી ગોશાળાને તેજોલેશ્યા શીખવાડી અને એને એ પ્રાપ્ત થઈ ગઈ. પછી ગોશાળાએ એનો જુદો ચોકો માંડવાની તૈયારી કરી દીધી.
એટલામાં ગોશાળાને ભગવાન પાર્શ્વનાથના છ શિષ્યોનો ભેગા થયા કે જેઓ પોતાની દીક્ષા ત્યાગીને પાછા સંસારમાં આવી ગયા હતા. પણ એમની પાસે જબરજસ્ત નિમિત્તનું જ્ઞાન હતું; તેઓ નિમિત્તિયા હતા. એમની પાસે દાર્શનિક જ્ઞાન હતું. એટલે ગોશાળાએ ભગવાનને છોડી દીધા અને આ લોકોની પાસે રહીને બધી દાર્શનિક કળાઓ શીખી લીધી. ગોશાળાની પાસે તેજોલેશ્યા અને નિમિત્તિયાઓનું જ્ઞાન આવી ગયું એટલે પછી એણે તો ભગવાન મહાવીરને છોડી દીધા અને પોતે પોતાની રીતે એકલો વિહાર કરવા લાગ્યો અને પોતાનો જુદો ચોકો માંડીને નવો પંથ શરૂ કરી દીધો. ગોશાળો પોતાને એક મહાન જ્ઞાની માનવા લાગ્યો.
ગોશાળાથી છૂટા પડ્યા બાદ ભગવાન મહાવીર એકલા વિહાર કરવા મંડ્યા હતા; એમને કોઈ ફરક પડતો ન હતો. ગોશાળો જોડે હોય કે ન હોય, ભગવાન તો પોતાના દેહથી વિરક્ત હતા; તો પછી બીજાની તો ક્યાં વાત જ રહી! ભગવાન વિહાર કરતા કરતા જઈ રહ્યા હતા અને વચ્ચે એક નદી આવતી હતી. ભગવાને નાવમાં બેસીને નદી પાર કરી. ભગવાને આ બીજી વાર નદી પર કરી; પહેલી વાર તેમને ગંગા નદી પર કરી હતી. જ્ઞાનીઓ કોઈ આગ્રહ કે દુરાગ્રહ પકડીને બેસી નથી રહેતા પણ સમય, સંજોગ આધીન, યોગ્યતા પ્રમાણે કરે, જડતા પ્રમાણે ન હોય. નાવમાં બેસીને નદી પાર કરીને ઊતર્યા પછી, નાવિકે બધા પાસેથી પૈસા માંગવા મંડ્યા પણ ભગવાન પાસેથી તો કશું જ ન મળે. તેઓ તો અકિંચન, તેમની પાસેથી કશું ન મળે. બધાએ ભેગા મળીને ભગવાનને મારવાનું શરૂ કરવા મંડ્યું. એટલામાં એક દેવે ભગવાનની પરિસ્થિતિ અંગે તપાસ કરતા જોયું તો જાણ્યું કે ઓહો આ ભગવાન પર ઉપસર્ગ આવ્યો. દેવે ભગવાન પાસે આવીને નાવિકને અને બધાને સમજણ પાડી કે આ કોણ છે એ ઓળખાણ આપી. પછી બધા ગભરાઈ ગયા અને ભગવાનને પગે લાગીને છૂટા પડ્યા.
ભગવાનને આર્યદેશમાં થોડીક તકલીફ હતી પણ એમને સંતોષ નહોતો. એમને બધા સારી રીતે જ રાખતા હતા. આર્યદેશમાં કર્મો જલ્દી પતે એવા ન હોવાથી એમણે વધારે કર્મો ખપાવવા, પોતાના કર્મો માટે અનુકુળ ક્ષેત્રમાં, અનાર્યદેશમાં જવાનું નક્કી કર્યું. ભગવાનને અનાર્યદેશમાં મનુષ્ય તથા દેવો દ્વારા ઉપસર્ગો આવ્યા અને ભગવાન એ બધાને પાર કરીને કેવી રીતે સમતામાં રહ્યા, એ વિશે વાંચીએ.
subscribe your email for our latest news and events