
આવતા ભવે નરકગતિ ન મળે તે માટે શ્રેણિક રાજાએ શ્રી મહાવીર સ્વામી પાસેથી ઉપાયો જાણ્યા બાદ ઘણા પ્રયત્નો કર્યા, પણ કશું વળ્યું નહીં. હવે, આગળ આપણે ગણધર ગૌતમ સ્વામીના ભગવાન મહાવીર પ્રત્યેના પ્રશસ્ત રાગ અને પરમ વિનય વિશેની વાતો જાણીએ.

ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા, પટ્ટશિષ્ય હતા. મહાવીર સ્વામી માટે ગૌતમ સ્વામીને અનન્ય ભક્તિ હતી; જબરજસ્ત રાગ હતો, જેને પ્રશસ્ત રાગ કહેવામાં આવે છે. પ્રશસ્ત રાગ એટલે સંસારની કોઈ ચીજ પર ના હોય, પણ એકલા ભગવાન પર જ રાગ હોય. ગૌતમ સ્વામી માટે તો ભગવાન મહાવીર પ્રત્યક્ષ હાજર હતા. એટલે ગૌતમ સ્વામીને ભગવાનના દેહ અને વાણી પર જબરજસ્ત રાગ હતો. પ્રશસ્ત રાગ તો ઘણો ઊંચો કહેવાય. એ પ્રશસ્ત રાગ કો’ક વિરલો જ પામે. આ રાગને સાવ વખોડવા જેવો નથી; એ કેવળજ્ઞાનની અપેક્ષાએ અટકાવે એવો છે પણ તે સંસારી રાગ કરતાં તો ઘણા ઊંચા દરજ્જાનો છે.
સાક્ષાત તીર્થંકર ભગવાન પર પ્રશસ્ત રાગ હોવાથી ભગવાનને મોક્ષે લઈ ગયા વગર છૂટકો જ ના હોય. પ્રશસ્ત રાગનો ફાયદો એ હોય કે સંસારમાં બધે રાગ ફેલાયેલો છે, તે બધેથી ખસીને, એક ભગવાનમાં કેન્દ્રિત થઈ જાય; બીજે ક્યાંય જાય નહીં. ગૌતમ સ્વામીને એવો પ્રશસ્ત રાગ હતો; એ જેવોતેવો રાગ નહોતો. ગૌતમ સ્વામી ગણધર હતા; એમને ભગવાન પાસેથી ચૌદપૂર્વના જ્ઞાનની ધારણા થઈ હતી. ભગવાન મહાવીર પ્રત્યેનો પ્રશસ્ત રાગ એમના કેવળજ્ઞાનને અટકાવતો હતો.
ગૌતમ સ્વામી પાસે એટલી બધી શક્તિ અને જ્ઞાન હતું કે તેઓ જો કો’કને ઉપદેશ આપે તો એને અંદર એ જ્ઞાન પરિણામ પામીને કેવળજ્ઞાન થઈ જતું હતું પણ તેઓ પોતે કેવળજ્ઞાનથી વંચિત હતા.
એક વખત રસ્તામાં વિહાર કરતાં કરતાં ગૌતમ સ્વામીએ એક પછી એક પાંચ જણાને પ્રતિબોધ કર્યો અને એ પાંચેયને કેવળજ્ઞાન થઈ ગયું. કેવળજ્ઞાન થયા પછી તે બધા ભગવાન મહાવીરના સમવસરણની પર્ષદામાં આવ્યા. જેને કેવળજ્ઞાન થાય એને તીર્થંકર ભગવાનના સમવસરણમાં કેવળીની પર્ષદામાં જ બેસવાનું હોય. પાંચેય કેવળીઓ ભગવાનને વંદના કરવા ગૌતમ સ્વામીની જોડે આવ્યા. એમાં પ્રથમ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને વંદના કરી પછી એમણે પાંચેય કેવળજ્ઞાનીઓને કહ્યુ, “ચાલો, તમે પણ ભગવાન મહાવીરને વાંદો.” ગૌતમ સ્વામીને ખબર ન હતી કે એ પાંચેયને કેવળજ્ઞાન થયું હતું. ભગવાને કહ્યું, “હે ગૌતમ, આ તું કેવળીની અશાતના ના કરીશ.” આ સાંભળીને ગૌતમ સ્વામી સમજી ગયા કે ભગવાનને કોણ વાંદે નહીં? જે કેવળી હોય એ! ગૌતમ સ્વામીને અંદર ખૂબ ખેદ અને દુઃખ થયું. એમણે પછી ખમાવી લીધું. એમને અંદર બહુ ડંખ લાગ્યો કે સાવ નવા લોકોને મારા બે શબ્દો સાંભળતાં જ કેવળજ્ઞાન થઈ જાય છે અને મને જ નથી થતું! હું કેવો કમભાગી છું કે મારું કેવળજ્ઞાન અટક્યું છે! ભગવાન મહાવીર વારંવાર ગૌતમ સ્વામીને કહેતા હતા, “સમયમ્ ગોયમ મા પમાયએ.” એટલે કે, “હે ગૌતમ! સમય વહી જઈ રહ્યો છે; તું પ્રમાદ ના કર.”
એક વખત ભગવાન મહાવીરે એમની દેશનામાં કહ્યું, “અષ્ટાપદ પર્વત પર ચોવીસે તીર્થંકરો, જિનેશ્વરોનાં બિંબ મૂકેલા છે. જે કોઈ વ્યક્તિ ત્યાં જઈને દર્શન કરે અને એક રાત્રિ ત્યાં વાસ કરે, તો એ જરૂર એ જ ભવમાં મોક્ષપદને પામે.” આ સાંભળીને ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત જવાનું નક્કી કર્યું અને તેઓ ભગવાનની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત પર જવા નીકળ્યા હતા.
અષ્ટાપદ પર્વત પર ચડવું એ બહુ કઠિન કાર્ય હતું, પણ ગૌતમ સ્વામી પોતે ગણધર હતા એટલે એમનું નિશ્ચયબળ ખૂબ પ્રબળ હતું. અષ્ટાપદ પર્વત ચઢવાના ત્રણ પડાવ આવતા હતા. જ્યારે ગૌતમ સ્વામી પ્રથમ પડાવ ચડ્યા ત્યાં પાંચસો તાપસો તપ કરતા હતા. ગૌતમ સ્વામી પાંચસો તાપસો પાસે બેઠા અને એમને બોધ આપી આગળ વધ્યા. ગૌતમ સ્વામી પોતે સ્થૂળકાય હોવાથી એમને ઉપર ચઢતાં જોઈ તાપસોને થયું, “આ ઉપર ક્યારે પહોંચી રહેશે? અમે તો કેટલા વખતથી પ્રયત્ન કરીએ છીએ છતાં પણ પહોંચાતું નથી.” પણ ગૌતમ સ્વામી તો સડસડાટ પર્વત ચડી ગયા. બીજા પડાવે અન્ય પાંચસો તાપસો તપ કરતા હતા. એમની સાથે ગૌતમ સ્વામીએ સત્સંગ કરીને બોધ આપ્યો. પછી એ તાપસોને પણ જબરજસ્ત પરિણામ આવ્યું અને તેઓ ભગવાન મહાવીરને સમર્પિત થઈ ગયા. પછી આગળ ત્રીજા પડાવે બીજા પાંચસો તાપસો હતા અને એમને પણ ગૌતમ સ્વામીએ બોધ આપ્યો. અંતે, બધા પંદરસો તાપસો ગૌતમ સ્વામીના શિષ્ય થઈ ગયા. આમ કરતાં-કરતાં ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ચડ્યા અને ત્યાં એમણે ચોવીસ તીર્થંકર ભગવંતોના બિંબને ખૂબ ભક્તિભાવથી વંદના કરી. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર એક આખો દિવસ અને આખી રાત્રિ રહ્યા અને ભગવાનનાં બિંબનાં દર્શનથી ખૂબ આનંદિત થઈ ગયા.
બીજા દિવસે સવાર થતાં જ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પરથી નીચે ઊતરવા મંડ્યા અને નીચે ઊતરતાં, જે પંદરસો તાપસો એમની પાસેથી પ્રતિબોધ પામ્યા હતા, તે સહુએ ભગવાન મહાવીરનું શરણું સ્વીકાર્યું અને ગૌતમ સ્વામી પાસેથી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ, એ બધા જ તાપસો ખૂબ આનંદિત થઈને ગૌતમ સ્વામીની સાથે જ વિહાર કરવા લાગ્યા હતા.
ગૌતમ સ્વામી બધાને ભગવાન મહાવીરની પાસે લઈ ગયા. ગૌતમ સ્વામીએ બધાને પોતાની લબ્ધિથી પારણાં કરાવ્યા. કોઈ તાપસે છઠનું તો કોઈએ અઠમનું પારણું કર્યું હતું. જેવા ગૌતમ સ્વામી પંદરસો તાપસો સાથે ભગવાનના સમવસરણમાં પ્રવેશ્યા, ત્યાં અઠમનું પારણું કરનારા તાપસોને ભગવાનનું સમવસરણ દૂરથી જોતાં જ આનંદ આનંદ થયો અને ભગવાનને સમવસરણમાં બેઠેલા જોઈને અહો અહો થતાં, ત્યાં જ કેવળજ્ઞાન થઈ ગયું. પછી, છઠના પારણાં કરનારા બીજા પાંચસો તાપસોને ભગવાનનું સમવસરણ નજીકથી જોતાં જ અંદર જબરજસ્ત આનંદ થયો અને એમને પણ કેવળજ્ઞાન થઈ ગયું. બાકીના અન્ય પાંચસો તાપસોને ભગવાનનું મુખારવિંદ જોતાં જ કેવળજ્ઞાન થઈ ગયું. બધા જ તાપસોને ભગવાનનાં સમવસરણમાં પેસતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ સમવસરણને પણ ધન્ય છે, એ ભગવાનને પણ ધન્ય છે અને ભગવાનના દર્શન ભાવથી કરનારા એ તાપસોને પણ ધન્ય છે! આપણને પણ એવી ભક્તિ જાગે; આપણને પણ એવું જ્ઞાન પ્રાપ્ત થાય.
પંદરસો તાપસો કેવળજ્ઞાન પામ્યા બાદ ભગવાન મહાવીરના સમવસરણમાં બેસવા કેવળીની પર્ષદા તરફ જવા ગયા ત્યારે ગૌતમ સ્વામીને ખબર ન હતી કે એ પંદરસો તાપસોને કેવળજ્ઞાન થયું હતું. એટલે એમણે બધા તાપસોને કહ્યું, “તમે ત્યાં ક્યાં બેઠા? ભગવાનને વંદના કરો અને પછી અહીંયા મારી સાથે બેસો.” આ સાંભળીને ભગવાને ગૌતમ સ્વામીને ધીમે રહીને કહ્યું, “ગૌતમ, આ કેવળીઓની અશાતના થઈ રહી છે તારાથી.” એટલે ગૌતમ સ્વામીને તરત જ ખ્યાલ આવ્યો, “અરે, આ તાપસો તો કેવળજ્ઞાન પામી ગયા.” એમણે બધા તાપસોની માફી માંગી અને હૃદયથી પશ્ચાત્તાપ કરીને ભગવાનને કહ્યું, “ભગવાન મારું કેવું દુર્ભાગ્ય કે આ બધાને કેવળજ્ઞાન થઈ જાય છે અને મને કેમ નથી થતું? મને કેવળજ્ઞાન ક્યારે થશે?” ભગવાન મહાવીરે કહ્યું, “તારા મારા પરના પ્રશસ્ત રાગને લીધે કેવળજ્ઞાન અટક્યું છે. માટે, તું પ્રમાદ ના કર, ના કર, ના કર.” પણ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પરનો રાગ ગયો નહીં અને એમને કેવળજ્ઞાન થતું પણ ન હતું. છતાં, ગૌતમ સ્વામીનો ભગવાન પ્રત્યેના પ્રશસ્ત રાગ અને વિનયને વખાણવા જેવા છે. ભગવાને ફક્ત એટલું જ કહ્યું, “ગૌતમ, તું અશાતના કરે છે કેવળીઓની.” તો પોતે ગુરુપદે હોવા છતાં પણ કેવળીઓનો માફી માંગી અને ખમાવ્યા.
હંમેશા નિયમ એવો હોય કે શિષ્યને પોતાના આરાધ્ય દેવ, ગુરુ કે જ્ઞાની પ્રત્યે અંદરથી વિનય ચોક્કસ હોવો જોઈએ. પરમ વિનય એટલે આપણને આપણા જ્ઞાની, ગુરુ કે ભગવાન પ્રત્યે એકતા જ લાગે અને અભેદતા કે જુદાઈ ના હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે વિનય એ ધર્મનું મૂળ છે અને વિનયથી ધર્મની શરૂઆત થાય છે. પરમ વિનય એટલે આપણને જે પ્રત્યક્ષ મળે એમની જોડે આપણને એકતા અને અભેદતા હોય; એમના વિશે એક પણ નેગેટિવ વિચાર આપણને ના આવે.
વીતરાગ માર્ગમાં વિનયને ખૂબ મહત્વ આપ્યું છે. શરૂઆત વિનયથી થાય છે અને પરમ વિનયથી પૂર્ણાહુતિ થાય છે. જેના માટે પરમ વિનય હોય એના પ્રત્યે આપણું સર્વસ્વ સમર્પણ હોય. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે અતૂટ પરમ વિનય હતો જે આપણે શીખવા જેવું છે. આગળ, સુલસા શ્રાવિકાની મહાવીર સ્વામી પ્રત્યેની અનન્ય ભક્તિ વિશે પરિચય મેળવીએ
subscribe your email for our latest news and events
