ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: શ્રેણિક રાજાનો ગતિબંધ

શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામીને પ્રસન્ન મુનિ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા અને ત્યારે ભગવાન મહાવીરે સુંદર ભાવવિજ્ઞાન બહાર પાડ્યું. આગળ શ્રેણિક મહારાજાએ મહાવીર સ્વામીને પોતાની નરકગતિ ટાળવાના ઉપાયો પૂછ્યા તે જાણીએ.

પ્રસન્ન મુનિના પ્રસંગ બાદ શ્રેણિક મહારાજાએ આગળ ભગવાનને પૂછ્યું, “હે પ્રભુ! કેવળજ્ઞાનનો વિચ્છેદ ક્યારે થશે? એટલે કે છેલ્લા કેવળજ્ઞાની ક્યારે થશે અને કોણ થશે?” ત્યારે ભગવાન જવાબ આપે એ પહેલાં જ દેવગતિમાંથી એક દેવતા વિમાનમાં આવ્યા અને મહાવીર સ્વામીને બહુ જ ભક્તિભાવથી વંદના કરીને પાછા પોતાના સ્વસ્થાને ચાલ્યા ગયા.

ભગવાને શ્રેણિક મહારાજાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “આ જે દેવ આવ્યા એ છેલ્લા કેવળજ્ઞાની થશે. એમનું નામ જંબુસ્વામી હશે અને તેઓ સુધર્મા સ્વામીના શિષ્ય હશે.” આ સાંભળીને બધાને ખૂબ આનંદ થયો. ત્યારે, દેવોની સભામાં ઇન્દ્રદેવે શ્રેણિક રાજાના ખૂબ વખાણ કરતા કહ્યું, “શ્રેણિક રાજા જેવા કોઈ અત્યારે આ કાળમાં ભગવાન મહાવીરના પરમ ભક્ત નથી.” આ સાંભળીને સભામાં હાજર બીજા એક દેવને થયું, “આ કેવી વાત કરે છે? લાવ, હું એમની પરીક્ષા કરી જોઉં.” એટલે ભગવાન મહાવીરની સભામાં શ્રેણિક રાજા જ્યાં બેઠા હતા ત્યાં એ દેવે આવીને એક પછી એક બધા સાથે વાતો કરી. એક કુષ્ટ માનવીનો વેશ લઈને એ દેવે શ્રેણિક મહારાજાને આશીર્વાદ આપતા કહ્યું, “ઘણું જીવો.” પછી થોડીવારમાં ત્યાં હાજર અભયકુમારને આશીર્વાદ આપતાં કહ્યું, “જીવો કે મરો.” પછી આગળ જતાં ત્યાં રહેલા કસાઈને કહ્યું, ”જીવો પણ નહીં ને મરો પણ નહીં.” અંતે એણે ભગવાન મહાવીરને કહ્યું, “તમે મરો.”

આવા વિરોધાભાસી જવાબો સાંભળીને શ્રેણિક મહારાજા એકદમ ઊંચાનીચા થઈ ગયા. એમને થયું કે આ ભગવાનને મરો કહે છે! આ કેવો માણસ છે? ભગવાન કેમ આ બધું જોઈ રહ્યા છે? આ ખોટો હોવા છતાં ભગવાન કેમ કશું કહેતા નથી? શ્રેણિક રાજા ભગવાનની હાજરીમાં કશું બોલ્યા નહીં, પણ એમને પોતાના સૈનિકોને કહ્યું, “આ જેવો બહાર નીકળે કે બધા એને પકડીને મારી નાખજો.” ભગવાન મહાવીર તો કેવળજ્ઞાની હતા; એમની પાસે મનઃપર્યવ સહિત બધા જ જ્ઞાન હતા. એમને તરત ખબર પડી કે શ્રેણિક રાજા ઊંધું સમજ્યા છે. પછી ભગવાને એમને સાચી સમજણ આપતા કહ્યું, “તું કેમ આવું વિચારે છે?” ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, “આ કેવી રીતે બની શકે? આ જે બોલે છે એ મારા મગજમાં નથી ઊતરતું! તમને મરો એવું કહેવાય? તમે તો તીર્થંકર ભગવાન છો!” પછી ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને સમજાવતા કહ્યું, “મને મરો એટલા માટે કહે છે કે હું મરું તો સીધો મોક્ષે જ જવાનો છું, એટલા માટે મને મરો કહે છે. તને જીવો એટલા માટે કહે છે કે તું જો મરીશ તો પહેલી નરકે જઈશ, માટે તને ‘જીવો’ એમ કહે છે. અભયકુમારને જીવો અથવા તો મરો કહ્યું, કારણ કે એ જીવશે તો એ ભક્તિમાં-આરાધનામાં જ છે અને મરશે તો એ દેવગતિમાં જ જવાનો છે. આ કસાઈને જીવ પણ નહીં ને મર પણ નહીં એવું કહે છે, કારણ કે એ જો જીવશે તો કેટલી હત્યા કરશે ને કેટલું પાપ બાંધશે અને મરશે તો એ સાતમી નરકે જશે. માટે એને બંને માટે ના પાડે છે.” આ જે ગુહ્ય વાત છે, એ સમજાય એવી નથી. ભગવાનને કેવળજ્ઞાનમાં દેખાય એટલે જ એ જવાબ આપી શકે, બીજા કોઈના ગજા નહીં.

શ્રેણિક રાજાને નરકગતિનો બંધ

મૃત્યુ બાદ પોતે નરકે જશે, એ વાત સાંભળીને શ્રેણિક રાજાને અંદર જબરજસ્ત ચિંતા થઈ, ઉત્પાત થઈ ગયો અને મહીં વજ્રઘાત જેવું થયું કે આવું કેવું? એમણે ભગવાનને નમસ્કાર કરીને વિનંતી કરી, “ભગવાન! હું તમારી આટલી ભક્તિ કરું છું, આપનો પરમ ભગત છું, છતાં પણ મને નરક? એનું શું કારણ?”ત્યારે ભગવાને કહ્યું, “તેં પૂર્વે નરકનું આયુષ્ય બાંધ્યું છે.”

પછી ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને નરકનો આયુષ્ય બંધ કઈ રીતે પડ્યો એ વિશે સમજાવ્યું. જ્યારે શ્રેણિક રાજાને નરકનો બંધ પડ્યો ત્યારે તેઓ મહાવીર સ્વામીને નહોતા મળ્યા, એમના ભક્ત નહોતા થયા. તેઓ જબરજસ્ત રાજાશાહીમાં લડાઈ અને શિકાર કરતા હતા. એક વખત, શ્રેણિક રાજા શિકાર કરવા ગયા ત્યારે તેમણે એક હરણીને પોતાના બાણથી વીંધી નાંખી અને એ હરણી ખૂબ તરફડી તરફડીને મૃત્યુ પામી. એ હરણીના ગર્ભમાં બાળક હતું, જ્યારે એ હરણી મૃત્યુ પામી ત્યારે એનું બાળક બહાર નીકળી ગયું અને એ પણ તરફડતું-તરફડતું મૃત્યુ પામ્યું. એક જ બાણથી બેના મોત થયા. આ બાજુ, શ્રેણિક રાજાને અંદર ખૂબ જ ગર્વરસ થયો; એમનો અહંકાર ચગ્યો, “જો, હું કેવો બાણાવળી છું! એક તીરથી મેં બેને માર્યા.” એ જ સમયે એમને નરકનો બંધ પડ્યો. જો એ સમયે તેમણે પશ્ચાત્તાપ કર્યો હોત તો કદાચ તેઓ દેવગતિમાં જાત પણ એમને આનાથી ઊંધું ગર્વ થયો. એટલે એનું ફળ એમને નરકગતિનો બંધ પડ્યો. આયુષ્ય બંધ પડ્યા પછી કશું થાય નહીં, કારણ કે શ્રેણિક રાજાએ પછી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યાં ન હતા.

આયુષ્ય બંધનું આખું વિજ્ઞાન છે. દરેકના જીવનનું આયુષ્ય બે-તૃતીયાંશ એટલે બે-તૃતીયાંશ પૂરું થાય અને એક-તૃતીયાંશ બાકી રહે ત્યારે એ સમયે આયુષ્યનો બંધ પડે છે. પછી પાછું રહેલું જે એક-તૃતીયાંશ આયુષ્ય રહેલું તેનું પાછું બે-તૃતીયાંશ અને એક-તૃતીયાંશ માં વિભાજિત થઈને બે-તૃતીયાંશ પસાર થાય છે. જ્યારે પાછું  એક-તૃતીયાંશ રહે છે ત્યારે એ સાંધામાં બીજો બંધ પડે છે; આગલો બંધ ભૂસાઈ જાય છે અને આ બીજો બંધ પડે છે. પછી બાકી રહેલું જે આયુષ્ય છે એમ બે-તૃતીયાંશ અને એક-તૃતીયાંશ વિભાજિત થતાં થતાં નવા બંધ પડતા જાય છે અને પાછલા બંધ છૂટતા જાય છે. શ્રેણિક રાજાને પાકો ગતિબંધ પડી ગયો હતો એ કોઈ રીતે જાય એવો ન હતો. આ રીતે શ્રેણિક રાજાને આયુષ્ય બંધ પડી ગયો હોવાથી આવતા ભવ માટે એમને નરકગતિનું આયુષ્ય બંધાયું અને ક્યારેય પણ ફેરફાર ના થાય એવો બંધ પડી ગયો હતો.

ભગવાન મહાવીરે, શ્રેણિક રાજાને પોતાના કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું, “આ તારાથી નહીં થાય. તારે નરકગતિ થશે. તું ભલે અમારી ભક્તિ કરે છે, પણ આ બંધ પહેલેથી પડી જ ગયો છે. છતાં પણ તું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને આવતી ચોવીસીનો પહેલો તીર્થંકર પદ્મનાભ તરીકે થઈશ. પણ આ નરકનું જે નિકાચિત કર્મ બંધાઈ ગયું છે, એ તારે ભોગવ્યે છૂટકો છે, એમાંથી તું છટકી નહીં શકે.” ફરી શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું, “તમે ભગવાન છો, હાજરાહાજૂર છો. હું તમારી સામે પ્રત્યક્ષ છું. તમે મને કોઈ રસ્તો તો બતાડો કે જેથી કરીને હું નરકગતિ ટાળી શકું. મને કંઈક ઉપાય બતાડો પ્રભુ!” ત્યારે ભગવાને કહ્યું, “તું ગમે તે કરીશ, પણ આ નરકગતિ ટળવાની નથી જ. આ પાકા પાયે નિકાચિત કર્મ છોડશે નહીં.”

મહાવીર સ્વામીના સમજાવ્યા છતાં શ્રેણિક રાજા ન માન્યા. ખૂબ વિહ્વળ થઈને, તરફડિયા મારતા અને કાલાવાલા કરતા એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, કંઈક રસ્તો બતાડો.“ ત્યારે ભગવાને કહ્યું, “હું રસ્તો બતાડીશ ખરો, પણ તારાથી એ થઈ નહીં શકે.” તો પણ શ્રેણિક રાજાએ કહ્યું, “ના, હું ગમે તે રીતે કરીને બતાડીશ પણ નરકમાંથી છૂટી જઈશ.” પછી ભગવાને એમને નરકગતિ ટાળવા માટેના બે-ત્રણ ઉપાયો બતાવ્યા.

ભગવાને કહ્યું, “એક દિવસ તમારી દાસી કપિલાના હાથે સાધુઓને દાન કરાવ, તો તારી નરકગતિ ટળશે.” ભગવાનના કહ્યા પ્રમાણે શ્રેણિક રાજાએ કપિલા દાસીને દાન આપવાની આજ્ઞા કરી તો સામે દાસીએ રાજાને ના પાડી અને કહ્યું, “હું તો દાન આપી જ ના શકું. મારો હાથ એટલો બધો ઝીણો છે કે હું કોઈને કશું આપી જ ના શકું.” પછી રાજાએ બળજબરીથી એ દાસીને દાન આપવા બેસાડી. દાન આપતી વખતે દાસીએ પોતાના હાથેથી ચાટલું બાંધીને દાન તો આપ્યું પણ સીધું પોતાના હાથેથી એણે દાન ન આપ્યું. પછી શ્રેણિક રાજાએ ભગવાન પાસે જઈને કહ્યું, “ભગવાન, કપિલા દાસીએ દાન આપ્યું.” ત્યારે ભગવાને ઉત્તર આપ્યો, “ના ચાલે. એ તો ચાટલાથી આપે છે, એટલે એણે દાન આપ્યું કહેવાય જ નહીં.”

શ્રેણિક રાજાએ મહાવીર સ્વામી પાસે બીજો ઉપાય માંગ્યો, તો ભગવાને કહ્યું, “જો આ કસાઈ એક જ દહાડો જાનવરોની કતલ કરવાનું બંધ રાખે, તો તારી નરકગતિ ટળે.” પછી રાજાએ કસાઈને કહ્યું, “તું એક દહાડો જાનવરની કતલ કરવાનું બંધ રાખ.”આ સાંભળી પેલા કસાઈએ કહ્યું, “આ તો નહીં બને. મારે તો પ્રકૃતિમાં આ વણાયું જ છે. મને માર્યા વગર ચેન જ નહીં પડે.” રાજાએ એક ઉપાય કરીને સૈનિકો દ્વારા બળજબરીથી કસાઈના પગે દોરડું બાંધીને એને કૂવામાં ચોવીસ કલાક સુધી ઊંધો લટકાવ્યો અને આસપાસ સૈનિકો ગોઠવી દીધા. ચોવીસ કલાક બાદ એ કસાઈને કૂવામાંથી બહાર કાઢીને ભગવાન પાસે લઈ જવામાં આવ્યો. શ્રેણિક રાજા બોલ્યા, “ભગવાન, આ કામ થઈ ગયું એટલે મારી નરકગતિ ટળી ગઈ ને?” ભગવાને કહ્યું, “ના, એવું નથી. તેં ભલે આ કસાઈને બાંધીને ઊંધો લટકાવ્યો પણ કૂવાની ભીંતો પર આ કસાઈ પાણીથી પાડા ચીતરતો હતો અને પોતે ભાવથી જ પાડાને ખડગ લઈને મારતો હતો. ચોવીસે કલાક એણે આ જ ધંધો કર્યો છે. ચીતરી-ચીતરીને પાડા માર્યા છે; એણે ભાવથી માર્યા છે. એટલે આ ઉપાય પણ સફળ થયો ન કહેવાય. એ લેખે નહીં લાગે.” ભગવાનની પાસેથી આપણને જાણવા મળે છે કે ભાવવિજ્ઞાન કેવું કામ કરે છે.

પુણિયા શ્રાવકની સામાયિક

શ્રેણિક રાજા નિરાશ થઈ ગયા અને એમણે ભગવાનને કહ્યું, “ભગવાન, મને હજુ કંઈક ઉપાય બતાડો.” પછી ભગવાને કહ્યું, “તારા રાજ્યમાં પુણિયો શ્રાવક કરીને એક શ્રાવક છે; એ દરરોજ સામાયિક કરે છે. એમાંની એક સામાયિકનું પુણ્ય તું લઈ આવ તો તારી નરકગતિ ટળી જશે.” આ સાંભળી રાજા એકદમ ખુશ થઈને ઉત્સાહમાં આવી ગયા અને એમણે ભગવાનને કહ્યું, “હા, ભગવાન, હું હમણાં લઈ આવું. એ મારા જ રાજ્યનો છે, તો વાર જ કેટલી!” આ પ્રમાણે પછી શ્રેણિક રાજા પુણિયા શ્રાવક પાસે ગયા. પોતાના નામ પ્રમાણે પુણિયો શ્રાવક પૂણી વણવાનું કામ કરતો હતો. રૂની પૂણીઓ વણી વણીને વેચતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પુણિયો શ્રાવક ખૂબ ગરીબ હતો પણ ભગવાન મહાવીરનો અનન્ય ભક્ત હતો. એ ખૂબ જબરજસ્ત સામાયિક-પ્રતિક્રમણ કરતો હતો અને ભગવાને આપેલા શ્રાવકના બધા જ વ્રતો પાળતો હતો.

શ્રેણિક મહારાજા, ભગવાન મહાવીરના કહ્યા પ્રમાણે, પુણિયા શ્રાવક પાસે ગયા અને કહ્યું, “તું મને એક સામાયિકનું પુણ્ય આપ.” આ સાંભળીને પુણિયા શ્રાવકને તો અહો અહો થયું કે રાજા મારા ઘરે કેવી રીતે! ગરીબની ઝૂંપડીએ ક્યાંથી? આ જે માંગે એ હું આપવા તૈયાર છું. શ્રેણિક રાજાએ કહ્યું, “મારે બીજું કશું જ જોઈતું નથી. માત્ર તારી એક જ સામાયિકનું પુણ્ય જોઈએ છે.” આ સાંભળીને પુણિયા શ્રાવકે કહ્યું, “ખુશીથી લઈ જાઓ.” હવે શ્રેણિક રાજા પોતે ક્ષત્રિય હોવાથી એમણે કહ્યું, “એમ ને એમ તો હું ના લઉં. પણ તું એના બદલામાં કંઈક લે.” કારણ કે રાજા તો મફતનું કંઈ લે નહીં ને. પછી પુણિયા શ્રાવકે કહ્યું, “હું શું લઉં? મને આ સામાયિકની કિંમત ખબર નથી. તો પછી શું કહું! એક કામ કરો, ભગવાન પાસે જ તમે પૂછી આવો. ભગવાન મહાવીર જે કહે એ મને મંજૂર છે.”

એટલે પાછા શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીર પાસે જઈને કહ્યું, “ભગવાન, તમે બોલો એટલી કિંમત હું હમણાં જ પુણિયા શ્રાવકને ચૂકવી દઉં અને મારી નરકગતિ ટળી જાય.” રાજાની આ વાત સાંભળી ભગવાને કહ્યું કે, “એ પુણિયા શ્રાવકની એક સામાયિકની કિંમત એટલી છે કે તારું આખું રાજપાટ ખાલી દલાલીમાં જ જાય. તો મૂળ મૂડી તો ક્યાં રહી! તું કેવી રીતે ચૂકવી શકીશ?” ભગવાન મહાવીરની વાત સાંભળીને શ્રેણિક મહારાજા એકદમ હતાશ થઈ ગયા અને એમને ખૂબ જ અફસોસ થયો. અંતે તેઓ સમજી ગયા કે હવે કોઈ રીતે મારી નરકગતિ ટળવાની નથી.

પુણિયા શ્રાવકની સામાયિકની વાત કેટલી મહાન છે! એની કિંમત કેટલી બધી છે! પુણિયો શ્રાવક સામાયિક કેવી કરતો હશે એ આપણને ખબર પડે એમ છે? શું અત્યારે આપણે પુણિયા શ્રાવક જેવી સામાયિક કરીએ છીએ? ભગવાને બતાડેલી સામાયિક કરીએ છીએ?  આપણે તપાસ કરીએ કે શું ભગવાન મહાવીરે બતાવેલી સામાયિક આપણે કરીએ છીએ એવી હોઈ શકે?

આપણે સામાયિકમાં શું કરીએ છીએ? આપણે સામાયિકમાં જે વિધિ બોલવાની હોય એ બોલીને બેસી જઈએ છીએ. અડતાલીસ મિનિટ બાંધીને આપણામાંથી કોઈ માળા ગણે છે, કોઈ નવકારવાળી ગણે છે, કોઈ ચોપડી વાંચે છે, તો કોઈ વ્યાખ્યાન સાંભળે છે, તો કોઈ ઊભા થઈને વાતો કરે છે અને ગપ્પા પણ મારે છે. આવી સામાયિક કરતા હોઈએ છીએ. શું ભગવાનની સામાયિક આવી હોતી હશે? શું માળા આપણે જુદા સમયે ના ગણી શકીએ? શું ભગવાને કહ્યું હતું કે સામાયિકમાં માળા ગણજો અથવા ચોપડી વાંચજો? આવી સામાયિક કઈ રીતે હોઈ શકે?

ખરેખર, ભગવાનની સામાયિક તો પુણિયો શ્રાવક કરતો હતો. નિરંતર આત્મભાવમાં રહીને પોતાના એકેએક પુદ્‌ગલ પરમાણુને જુદા જુએ અને જાણે અને પોતે એમાંથી જુદો જ રહે; એમાં તન્મયાકાર ના થાય. અડતાલીસ મિનિટ સુધી એકધારી આત્મદશામાં રહી અને પોતાના જ પુદ્‌ગલ પર્યાયોને જોયા કરે, એને ખરી સામાયિક કહી છે. પુણિયો શ્રાવક આવી સામાયિક કરતો હતો. અડતાલીસ મિનિટ નિરંતર પોતાના જ અંદરના પર્યાયોને જોવાના છે, પોતાના દોષો, વિચારો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે આપણાથી જુદા છે, અનાત્મ વિભાગ છે, એમાં શું શું આવે છે તે જોયા કરવાનું.

સાચા દિલથી અને ભગવાનની રીતની સામાયિક કરીએ તો ખરેખર ભગવાનની સામાયિકથી પુણિયા શ્રાવક જેવી સામાયિક આપણે આજે પણ કરી શકીએ એમ છીએ. સામાયિક પોતાની આત્મદશામાં આવવા માટે છે નહીં કે પ્રભાવના મેળવવા કે નામના-કીર્તિ મેળવવા માટે. આ આપણને કઈ રીતે શોભે?  મહાવીર સ્વામીના આપણે અનુયાયી હોઈએ તો આપણે ભગવાનની વાતને આટલી નીચી લઈ ગયા! આ કઈ રીતના શોભે? થાય તો કરવું, ના થાય તો ન કરવું. પણ ભગવાનની સામાયિકને ના લજવાય! આ કેટલી મોટી લાજ આવે એવી વાત છે. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે.

ભગવાન મહાવીરની સામાયિક કેવી હોય? આપણે કરતા હોઈએ એ તો હોઈ શકે એવું લાગતું જ નથી. કારણ કે આમાં અંદર કંઈ ફેરફાર થતો નથી. આપણે જે પણ કરીએ એના પછી આપણને અંદર કંઈ ફાયદો ના થાય, આપણી દૃષ્ટિ ખૂલે નહીં, આત્મભાવમાં અવાય નહીં, તો આપણું કરેલું કેટલું લેખે લાગ્યું કહેવાય? આપણે વિચારીને પોતાની જાતને પૂછવું જોઈએ કે ત્યાંને ત્યાં જ રહેવાનું છે? આગળ વધવાનું નથી? ભલે આપણે દીક્ષા લઈને નીકળી ના પડ્યા હોઈએ, પણ શ્રાવકો જે કરતા હતા, ત્યાં સુધી તો પામી શકીએ કે નહીં?

ભગવાનની બતાડેલી વસ્તુ પુણિયા શ્રાવક ને બીજા બધા પામી શક્યા, તો આપણે કેમ ના પામી શકીએ? કાળને કે કર્મને, કોઈને આપણે દોષ દેવાની જરૂર નથી; નહીં તો આપણો પુરુષાર્થ ટાઢો પડી જશે. આપણે પુરુષાર્થમાં આવવાની જરૂર છે. જે હોય તે, પણ મારે મારા દોષ જોવા છે. ચાલ, અડતાલીસ મિનિટ બેસીને જોઉં. પાંચ મિનિટ, દસ મિનિટ જેટલા દેખાય એટલી તો હું શરૂઆત કરું. ના હોય તો કોઈને પૂછું, કોઈનું માર્ગદર્શન લઉં કે ખરેખર સામાયિક કઈ રીતે કરાય. મારે એમાં એ સામાયિકમાં જોવું છે.

વીતરાગોનું વિજ્ઞાન એવું સરસ છે કે એક જ સામાયિકથી આત્મા ખુલ્લો પ્રગટ થઈ જાય એવું છે. જ્ઞાનીઓએ આ જ જ્ઞાન બોધ્યું છે; આ કાળના જ્ઞાનીઓએ પણ આપણને આ વાત આપી છે. આપણે ચૂકી જઈએ છીએ એ આપણી ભૂલ છે. આપણે જાગતા કેમ નથી? આપણને કેમ ખબર નથી પડતી? આપણે કેમ વિચારતા નથી કે હું જે કંઈ કરું છું એનું પરિણામ કેટલું આવે છે? આટલા અનંત અવતાર રખડીને આ મનુષ્યભવ મળ્યો છે તો એને આવી રીતે મારે ખોઈ નાખવાની જરૂર છે? એની કિંમત મારે વસૂલ કરવી છે.

કેટલીય લખ ચોર્યાસીમાં ફરી-ફરીને આપણે આવ્યા અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા આવ્યા ત્યારે વીતરાગોની વાત, મોક્ષે જવાની વાત, કંઈક મારા કાનને સાંભળવા મળી અને એવો ભાવ જાગ્યો કે મારે પણ આ વીતરાગના માર્ગે જવું છે. તો પછી જવા માટે આપણે પુરુષાર્થ કંઈ નહીં કરવાનો? ભગવાનની વાત પામવી હોય તો કેમ પુરુષાર્થ ના થાય? ભગવાનની જબરજસ્ત વાત છે ને કેમ આપણા હૃદય સુધી ના પહોંચે? કેમ આપણા આવરણો દૂર ના કરે? એની માટે તો આ ભવ છે, નહીં કે સંસારમાં ભૌતિક ચીજો કે સંબંધોમાં અટવાવા માટે! આ તો બાય-પ્રોડક્શન છે, મનુષ્યભવનું મેઈન-પ્રોડક્શન આત્મા પ્રાપ્ત કરીને ભગવાનના, વીતરાગોના માર્ગે મોક્ષે જવા જેવું છે.

ભગવાનની વાતને હૃદયમાં ઉતારવાની છે કે, કેમ નહીં? જો આજે મારે સામાયિક ના થાય તો આજે ખાવાનું બંધ કરી દઈશ. કરી જુઓ! ભગવાનની પાછળ પડો. ભગવાન, તમારી વાત મને કેમ સમજાતી નથી? મારી પર કંઈક એવી કૃપા કરો કે મને કોઈ જ્ઞાની મળી જાય અને આ બધો મારો ઉઘાડ કરી આપે. તો કેમ ના થાય? આપણે તો ઢીલાઢસ થઈને ફરીએ છીએ! પુરુષાર્થમાં જાગીને મંડી પડવાનું છે. આવી સરસ ભગવાનની વાત છે અને આપણે જબરજસ્ત સમજણવાળા છીએ. કેટલી બધી રીતે આપણે ડેવલપ થયેલા છીએ. આ વાતો જાણવા બેઠા છીએ, કેટલા હાઈલી ડેવલપ્ડ છીએ. પોતાની જાતને પૂછો કે બધી વાતમાં એક્સપર્ટ થઈ શકીએ એમ છીએ, તો આમાં કેમ નહીં?

ક્યાં વીતરાગોની વાત છે અને આપણે એમની વાતને કેવી સમજ્યા છીએ અને વ્યવહારમાં કેવી લઈ ગયા છીએ! ભગવાનની બધી વાત આપણી પાસે છે. આપણને બધી ખબર છે કે પુણિયા શ્રાવકની સામાયિક બહુ ઊંચી, પણ એક વાર તો પૂછો કે એવી સામાયિક મારે કેવી રીતે પ્રાપ્ત કરવી! ઊંચી સામાયિક મને પ્રાપ્ત કેવી રીતે થાય; મારે એની જરૂર છે. બધાને ખબર છે ક્રોધ ના કરવો, લોભ ના કરવો, માન ના કરવું, ચોરી ના કરવી, જૂઠ ના બોલવું - આ બધો જવાબ છે; જવાબ તો બધાને ખબર છે. એનાથી શું થયું? પણ રીત અને રકમ બતાડનારો હોય, તો મારું કામ થાય. મારે એની જરૂર છે. મારે ક્રોધ નથી કરવો પણ ક્રોધ ના થાય એવું મને કંઈક જ્ઞાન મળે તો એની મેળે જ ના થાય. વીતરાગોનો તો આ માર્ગ છે. એ આપણને ક્યારેય ક્રોધ ના કરો એવું ના કહે; માત્ર જ્ઞાન જ આપે કે આપોઆપ આપણો ક્રોધ ચાલ્યો જાય. એવા જ્ઞાનીઓને, એવા તીર્થંકરોને આપણે કોટિ કોટિ નમસ્કાર કરીએ અને એ સ્વરૂપને પામીએ.

મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીના પ્રશસ્ત રાગ અને અષ્ટાપદ યાત્રાની વાતો અહીં જાણીએ.

Related Topic

×
Share on