
ગૌતમ સ્વામીનો શ્રી મહાવીર સ્વામી પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગ હતો. તેમણે અષ્ટાપદ યાત્રા કરી અને તેઓ જેમને પણ બોધ આપતા એમને કેવળજ્ઞાન થઈ જતું. અહીં, સુલસા શ્રાવિકાની અનન્ય ભક્તિ વિશે વાંચીએ.
એક વખત એવું બન્યું કે મહાવીર સ્વામી જે નગરીમાં હતા ત્યાં અંબડ નામના શ્રાવક રહેતા હતા અને તેઓ મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. અંબડ શ્રાવક મહાવીર સ્વામી પાસે થઈને રાજગૃહી નગરીમાં જતા હતા અને એ જ રાજગૃહી નગરીમાં સુલસા નામના મહાવીર સ્વામીના પરમ ભક્તાણી રહેતાં હતાં. સુલસા શ્રાવિકાને મહાવીર સ્વામી પ્રત્યે જબરજસ્ત ભક્તિ હતી. જ્યારે અંબડ શ્રાવક મહાવીર સ્વામી પાસે રાજગૃહી નગરીમાં જવાની આજ્ઞા લેવા આવ્યા ત્યારે મહાવીર સ્વામીને સામે ચાલીને સુલસા શ્રાવિકા યાદ આવ્યાં. સુલસા શ્રાવિકા પણ સતી હતાં; તેઓ સોળ સતીમાંનાં એક સતી કહેવાય છે. સુલસા સતીને યાદ કરીને મહાવીર સ્વામીએ અંબડ શ્રાવકને કહ્યું, “તું જાય છે ત્યાં આગળ શ્રેણિક રાજાના દરબારમાં ઘોડાની રથશાળામાં એક રથિક છે અને એમની પત્નીનું નામ સુલસા છે. એમની ખબર પૂછજે; કુશળતા પૂછજે.”
પછી અંબડ શ્રાવક મહાવીર સ્વામીનો સંદેશો લઈને રાજગૃહી નગરીમાં ગયા. ત્યારે એમને વિચાર આવ્યો, “આ શું હશે? આ સુલસા શ્રાવિકાની વાત શું છે? ભગવાન તો વીતરાગ છે. એમને કઈ રીતે કોઈ પણ વ્યક્તિ યાદ આવે ને એની કુશળતા પૂછવાનું મન થાય? એ તો કેવળજ્ઞાનમાં જ હોય અને એમને સંસાર સાથે કંઈ લેવાદેવા ના હોય! તો સુલસા શ્રાવિકાનું એવું તે શું હશે કે ભગવાન એમને યાદ કરે છે? આજ સુધી કોઈ દિવસ ભગવાને કોઈને યાદ કર્યા નથી. પોતાના આત્મા સિવાય, કેવળજ્ઞાન સિવાય ભગવાન બીજા કોઈ પર્યાયમાં ના જાય. તો આ સુલસા શ્રાવિકાને શા માટે યાદ કર્યા? એમનામાં કંઈક જબરજસ્ત હશે ખરું.”
આ પ્રમાણે અંબડ શ્રાવકે સુલસા શ્રાવિકાની પરીક્ષા લેવાનું વિચાર્યું. એમણે તાપસનો વેશ ધરીને સુલસા શ્રાવિકા પાસે સુપાત્ર દાન ભિક્ષા માંગવા ગયા. અંબડ શ્રાવક ભિક્ષા માંગવા આવ્યા ત્યારે સુલસા શ્રાવિકાએ પોતાની દાસી પાસે ભિક્ષા અપાવડાવી. પછી થોડી થોડીવારે અંબડ શ્રાવક બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને દેવ-દેવીઓ એવા જાતજાતનાં રૂપ ધરીને સુલસા શ્રાવિકા પાસે ભિક્ષા માંગવા આવ્યા. પણ, સુલસા શ્રાવિકાને કંઈ આકર્ષણ થતું જ ન હતું. તેઓ જાતે બહાર નહોતાં આવતાં પણ દાસી પાસે જ ભિક્ષા મોકલાવતાં હતાં.
અંબડ શ્રાવક પાસે ઘણી વિદ્યાઓ હતી, જેના આધારે એમણે ગામના પાદરે સમવસરણની સુંદર કાલ્પનિક રચના કરી અને એમાં માયાવી રીતે ભગવાન મહાવીરને બેસાડ્યા. ભગવાન મહાવીર પધાર્યાની ખબર પડતાં જ ગામના લોકો ભગવાનના દર્શન કરવા દોડ્યા. આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું. પછી અંબડ શ્રાવકે સુલસા શ્રાવિકા પાસે આવીને કહ્યું, “ભગવાન મહાવીર પધાર્યા છે. સમવસરણ રચાયું છે. ચાલો, તમે કેમ બેસી રહ્યાં છો?” ત્યારે સુલસા મહાસતીએ બહાર આવીને કહ્યું, “ભગવાન મહાવીર જો પધાર્યા હોય તો મારું રોમેરોમ ઊછળવા માંડે, થનગની ઊઠે. મારું એક પરમાણુ પણ શાંત ના બેસી રહે; મારું રોમેરોમ નાચી ઊઠે. પણ આ તો મારું એક પણ પરમાણુ હલતું જ નથી. માટે હું ચોક્કસ કહું છું કે આ ભગવાન મહાવીર નથી; આ કોઈ માયાવીએ માયા રચેલી છે. મારા ભગવાન આવે અને મારું રૂંવાડું પણ રોમાંચિત ના થાય, એ કેવી રીતે બની શકે? માટે આ માયાવી છે.” એમ કરીને પોતે બહાર નીકળ્યા નહીં.
આથી ખરેખર અંબડ શ્રાવકને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ ઝૂકી ગયા કે ઓહોહો! આ મહાવીર ભગવાનનાં કેવાં ભક્તાણી છે! આવી ભક્તિ તો કોઈની ના હોઈ શકે! અંબડ શ્રાવકે આનંદિત થઈને પોતાનું સાચું સ્વરૂપ બહાર પાડ્યું અને સુલસા શ્રાવિકાને મહાવીર ભગવાને મોકલેલો સંદેશો આપ્યો. ભગવાનનો સંદેશો સાંભળીને સુલસા સતીને બહુ જ આનંદ થયો અને એમણે પણ અંબડ શ્રાવક દ્વારા મહાવીર ભગવાનને સમાચાર આપ્યા, “ભગવાનને મારા કોટિ કોટિ વંદન પહોંચાડજો અને વહેલા વહેલા રાજગૃહી નગરીમાં પધારજો.” સુલસા શ્રાવિકાની આ રીતની જબરજસ્ત ભક્તિ હતી.

ભક્તિના ચાર પ્રકાર છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
૧) આપણે જેમ ભગવાનનું નામ બોલીએ એ નામસ્મરણ કહેવાય; એ સ્થૂળ ભક્તિ કહેવાય.
૨) ભગવાનની મૂર્તિ કે ફોટો મૂકીએ એ સ્થાપના ભક્તિ કહેવાય. ભગવાનની મૂર્તિ કે ફોટો મૂકીને ભગવાનનું નામ રટણ કરીએ તો એ સૂક્ષ્મ ભક્તિ કહેવાય છે.
૩) આપણને ભગવાન પ્રત્યક્ષ મળે, રૂબરૂ મળે અને આપણે ભક્તિ કરીએ તો એ દ્રવ્ય ભક્તિ એટલે કે સૂક્ષ્મતર ભક્તિ કહેવાય છે.
૪) સૂક્ષ્મતમ ભક્તિ એટલે ભાવભક્તિ. આપણે ભગવાનની પ્રત્યક્ષ આજ્ઞા પાળીએ એ ભાવભક્તિ છે. એ ઊંચામાં ઊંચી ભક્તિ છે જે મોક્ષે જ લઈ જાય, છોડે નહીં.
ભાવવિજ્ઞાનમાં ભાવભક્તિ આવે છે; ત્યાં બહાર કોઈ પણ ભૌતિક વસ્તુની જરૂર નથી. ભાવભક્તિ એ નિશ્ચય છે અને બાકી નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ વ્યવહાર છે. અનંત અવતારથી આપણે વ્યવહાર તો કરતા જ આવ્યા છીએ. નામસ્મરણ કે મૂર્તિ કે ફોટાની ભક્તિ કે પ્રત્યક્ષ પણ મહાવીર આપણને ઘણી વખત મળ્યા હશે, તીર્થંકરો ઘણી વખત આપણને મળ્યા હશે, આપણે એમને નમસ્કાર પણ કર્યા હશે પણ આપણે એમની આજ્ઞા નથી પાળી. જો આજ્ઞા પાળી હોત તો આપણો અવશ્ય મોક્ષ થાત. એટલે પ્રત્યક્ષ મળ્યા છતાં પણ જો પ્રભુની આજ્ઞામાં ના રહીએ તો બધું ભૌતિકમાં જ જતું રહે છે; એને મોક્ષ નથી મળતો. એટલે પ્રભુને, જ્ઞાનીઓને અને તીર્થંકરોને પ્રત્યક્ષ મળ્યા પછી એમની આજ્ઞા જ આપણા માટે સર્વસ્વ છે. એટલે જ દરેક શાસ્ત્રે કહ્યું છે કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન તો સમજવું કે મોક્ષ આપણાથી દૂર થઈ ગયો છે. આજ્ઞામાં જ સર્વસ્વ સમાયું છે. માટે આપણે પ્રત્યક્ષ જ્ઞાનીને ખોળીએ અને એમને સમર્પણ થઈને એમની આજ્ઞામાં રહીએ તો મોક્ષ આપણી પાસે જ છે.
આગળ વાંચીએ કે કેવી રીતે શાલિભદ્ર અતિભવ્ય એવા સંસારનાં ભૌતિક સુખોથી વૈરાગ્ય પામીને મહાવીર સ્વામીને સમર્પિત થયા અને મોક્ષમાર્ગ તરફ ઊર્ધ્વગતિ પામ્યા.
subscribe your email for our latest news and events
