ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: ચંડકૌશિક સર્પને બોધ

શ્રી મહાવીર સ્વામીએ એમના છદ્મસ્થ કાળ દરમ્યાન માત્ર ગોવાળ અને યક્ષદેવ પર જ નહીં પણ તિર્યંચ ગતિમાં આવતાં સર્પ જેવા જીવને પણ અત્યંત કરુણાભાવ પૂર્વક બોધ આપીને ઉદ્ધાર કર્યો હતો. ભગવાનનું લક્ષ કેમ કરીને બીજાનું કલ્યાણ થાય એ જ હતું; એમને પોતાના માટે જરાય વિચાર આવ્યો ન હતો. સાચા લોક-કલ્યાણ કરનારા પોતાની જાતને હોડમાં મૂકીને પણ સામાનું કેમ કરીને કલ્યાણ થાય એ જ લક્ષ ધરાવતા હોય છે.

દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર એક પછી એક ગામેગામ વિહાર કરતા ગયા અને ભગવાન જ્યાં જતા ત્યાં બધાનો ઉદ્ધાર જ કરતા જતા હતા. ચંડકૌશિક એ એક ભયંકર નાગ હતો; એનો ફૂંફાડો જો કોઈના શ્વાસમાં આવે તો એ મરી જાય એટલો ભયંકર વિષવાળો હતો. એ નાગ બહુ મોટા, ગાઢ વનમાં રહેતો હતો.

ચંડકૌશિક સર્પનો પૂર્વભવ

ચંડકૌશિક નાગ પોતાના પૂર્વભવમાં બહુ મહાન તપસ્વી હતો. નિયમ કેવો છે કે એક બાજુ તપસ્વીએ જબરજસ્ત તપ કરી કરીને બળ ભેગું કર્યું હોય, જ્યારે બીજી બાજુ જો અજ્ઞાનતા હોય તો એ તપના પાયામાં અહંકાર હોય છે. અહંકારે કરીને તપ કરેલું હોય તો બીજી બાજુ અહંકાર પણ એટલો જ ચગતો ગયો હોય. અહંકાર ચગે એટલો જ ક્રોધ હોય; એટલે એક બાજુ તપ બીજી બાજુ ક્રોધ. એટલે આપણામાં કહેવાય છે ને કે તપસ્વીઓ બધા ક્રોધી હોય. ચંડકૌશિક તપસ્વી બહુ ક્રોધી હતો. કૌશિક કુળમાં જન્મેલો એટલે એનું નામ કૌશિક હતું. એ ખૂબ ક્રોધી હતો એટલે એનું નામ ચંડકૌશિક પાડેલું હતું. તે પોતાના ગુરુની સાથે રહીને ખૂબ તપ કરતો હતો.

એક વખત, જ્યાં તાપસોનો આશ્રમ હતો ત્યાંથી જંગલમાંથી ચંડકૌશિક તપસ્વી બહુ તપ કરીને આવતો હતો. ત્યારે એના પગ નીચે એક નાની દેડકી કચડાઈને મરી ગઈ. એના સહાધ્યાયીએ જોયું અને કહ્યું, ”અરે! આ મરી ગઈ! તું આલોચના અને પ્રતિક્રમણ કરજે અને આ પાપમાંથી છૂટી જજે.” ચંડકૌશિકે તે અંગે ધ્યાન ન આપ્યું. નિયમ એવો હોય છે કે આખા દિવસના થયેલા દોષોનું રાત્રે સૂતાં પહેલાં પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત કરીને ધોઈ નાખવાનું હોય, તો આપણે નિર્મળ થઈ શકીએ; નહીં તો, આ પાપનું પોટલું આપણી જોડે ને જોડે આવ્યા કરે, વધ્યા કરે અને આપણો આવતો ભવ બગડ્યા કરે.

જે અધ્યાત્મ માર્ગમાં આગળ વધતા હોય એણે આ તો નિયમથી કરવું જ જોઈએ. અધ્યાત્મ માર્ગે નીકળેલાને બધાને નિયમ જ હોય છે કે રાત્રે સૂતાં પહેલાં પોતાના ગુરુની પાસે આલોચના કરીને માફી માંગવી. ચંડકૌશિકના સહાધ્યાયીએ ટકોર કરી પણ છતાંય એને કંઈ સૂઝ્યું નહીં. ઉપરથી રાત્રે ચંડકૌશિકે જ્યારે આલોચના ન કરી તો બીજા દિવસે એના સહાધ્યાયીએ કહ્યું, ”આ શું કરે છે? આલોચના કેમ ન કરી તેં?”

સહાધ્યાયીનો ભાવ તો સારો હતો ચંડકૌશિક માટે પણ એના બદલે ચંડકૌશિકને એના પર જબરજસ્ત ગુસ્સો આવ્યો અને ખૂબ ક્રોધે ભરાયો. ક્રોધમાં ને ક્રોધમાં ચંડકૌશિક એ સહાધ્યાયીને મારવા માટે એની સામે ધસવા ગયો; ત્યાં વચ્ચે થાંભલો આવ્યો અને ચંડકૌશિક થાંભલા સાથે અથડાયો. એને માથામાં વાગ્યું અને એનું માથું ફાટી ગયું; તેનું મૃત્યુ થયું. ખૂબ તપ કર્યા હોવાને કારણે ચંડકૌશિક દેવગતિમાં ગયો.

દેવગતિમાંથી આયુષ્ય પૂરું કરીને ચંડકૌશિકનો પાછા મનુષ્ય તરીકે જન્મ થયો. તે મોટો તાપસ થઈને બધા તાપસોનો કુલપતિ થયો. મોટા આશ્રમમાં એના ઘણા બધા શિષ્યો હતા. એના તપનો પ્રભાવ પુષ્કળ હતો. બહુ મોટા ઘનિષ્ઠ જંગલમાં એનો આશ્રમ હતો. એને જંગલ અને પોતાના આશ્રમની બધી વસ્તુઓ માટે ખૂબ જ લાગણી અને મમતા હતી. જંગલમાં કોઈ અમથું ફૂલ કે ડાળખું તોડે કે પાંદડું ઉપાડે કે સડી ગયેલું ફળ હોય એ કોઈ ઉપાડે તો એનો મિજાજ જબરજસ્ત જતો રહેતો અને સામાને મારી મારીને અધમૂઓ કરી નાખતો; એનો સ્વભાવ એટલો બધો ક્રોધી હતો.

એક વખત ચંડકૌશિક તપ કરવા બહાર ગયો ત્યારે એના ઉદ્યાનમાં બધા રાજકુમારો રમવા આવ્યા અને એમણે ઘણા તોફાનો કર્યા. ઘણા બધા ઝાડની ડાળીઓ, ફૂલો, ફળો અને બધું તોડીફોડીને ત્યાં રમતા હતા. એટલામાં ચંડકૌશિકના શિષ્યે એને ખબર આપ્યા, “ઘણા બધા રાજકુમારોએ આવીને આપણા વનમાં તોડફોડ કરી નાખી છે.” આ સાંભળીને ચંડકૌશિક ભયંકર ક્રોધે ભરાયો. પોતે બધા રાજકુમારોને મારવા માટે મોટી કુહાડી લઈ દોડ્યો. રાજકુમારો બધા ફટાફટ દોડી ગયા. જેવો ચંડકૌશિક એ બધાની પાછળ કુહાડી લઈ દોડવા ગયો, તો દોડતાં દોડતાં એનો પગ એક મોટા ખાડામાં પડ્યો અને સંતુલન ગુમાવી તે ખાડાની અંદર પડી ગયો. તે જ્યારે પડ્યો ત્યારે કુહાડી એના હાથમાંથી ફરી ગઈ અને પોતાના જ માથામાં વાગી; એનું માથું ફાટી ગયું. પોતે પોતાનાથી જ મૃત્યુ પામ્યો. ક્રોધમાં ને ક્રોધમાં એનું મૃત્યુ થયું, એના આધારે એની આવતી ગતિ ખરાબ આવી અને તે ભયંકર નાગ થયો. ક્રોધનું પ્રતિક જ નાગ છે. ક્રોધ બહુ ભયંકર ખરાબ ચીજ છે.

શ્રી મહાવીર સ્વામી દ્વારા ચંડકૌશિક સર્પનો ઉદ્ધાર

ચંડકૌશિક નાગના ક્રોધની ભયંકર જ્વાળાથી આખા વનમાં કોઈ ચકલું પણ અંદર ફરકી નહોતું શકતું. લોકોને એટલો બધો એ નાગના ક્રોધનો ભય હતો. કોઈ માણસ તો નહીં, પણ ચકલું પણ ના જઈ શકે. પશુ-પંખી તો બધા આમતેમ આઘાપાછા જતા રહે, પણ એ જંગલમાં જઈ ના શકે.

ભગવાન મહાવીર ત્યાં થઈને પસાર થતા હતા. બધા ગામલોકોએ કહ્યું કે તમે આ જંગલમાંથી નહીં જાઓ, બીજા આડરસ્તે થઈને જાઓ. નહીં તો ચંડકૌશિક નાગ કોઈને જીવતો નથી રહેવા દેતો. પણ ભગવાને પોતાના જ્ઞાનથી જોયું કે ચંડકૌશિકનો તો ઉદ્ધાર કરવાનો હતો. ભગવાને કોઈનું સાંભળ્યું નહીં; એમનું લક્ષ તો કેમ કરીને બીજાનું કલ્યાણ થાય, એની માટે પોતાની જાત માટે જરાય વિચારતા ન હતા. સાચા લોકકલ્યાણ કરનારા પોતાની જાતને હોડમાં મૂકે, પછી મરવું પડે તોય વાંધો ન આવે પણ સામાનું કેમ કરીને કલ્યાણ થાય એ લક્ષ હોય. એક નાગનું કલ્યાણ કરવા માટે ભગવાને પોતાની જાતને પણ જોઈ નહીં; વિચાર ના કર્યો કે પોતાનું શું થશે!

ભગવાન તો એ રસ્તે થઈને નીકળ્યા. ત્યાં ચંડકૌશિક નાગે જોયું કે ”ઓહોહો, આ કોની હિંમત છે કે મારે અહીં આવ્યો?” એ તો ભગવાનને ઓળખતો નહોતો. એ ભગવાન પાસે ગયો અને ફૂંફાડો મારીને એમને ખૂબ હેરાન કર્યા. બધી બાજુએથી ભગવાનને ભીંસીને બાંધી દીધા પણ ભગવાનને તો કશું અડતું જ નહોતું. ભગવાને જરાક હાથ પહોળા કરે તો નાગ છૂટો થઈ જતો. પછી નાગ બહુ છંછેડાયો. બહુ ગુસ્સામાં ને ગુસ્સામાં ચંડકૌશિકે ભગવાનના શરીર પર સાત જુદી જુદી જગ્યાએ ડંસ દીધા. એ સર્પનો એક જ ડંસ જો કોઈને પડે તો માણસ ત્યાં ને ત્યાં જ તત્ક્ષણ મૃત્યુ પામે. જ્યારે ભગવાનને જરાય અસર થઈ નહીં; તેઓ સમતામાં રહ્યા. પછી એણે પોતાનું બધું વિષ ઓકીને ભગવાનના પગમાં છેલ્લો ડંસ માર્યો પણ ભગવાનને કંઈ જ અસર ન થઈ અને ઉપરથી ભગવાનને અંદરથી રક્તની ધાર નીકળી; એમની રક્તધારા શ્વેત હતી.

chandkaushik-nag

તીર્થંકરોનું રક્ત કાયમ શ્વેત જ હોય. ચંડકૌશિક સર્પના મોઢામાં ભગવાનના રક્તનું જરાક ટીપું ગયું, ભગવાનના પરમાણુ એની અંદર ગયા તો એની અંદરની આખી પરિણતી ફેરફાર થઈ ગઈ. ચંડકૌશિક એકદમ પાછો પડ્યો અને એને થયું,”આ શું થયું! આ તો એવા ને એવા જ ઊભા છે; એમને કંઈ અસર જ નથી. આટલા બધા વિષની પણ એમને અસર જ નથી થતી. આ કોણ છે?” પછી ભગવાને કહ્યું, ”હે ચંડકૌશિક! તું બૂજ, બૂજ, બૂજ! આ તેં શું માંડ્યું છે? આ તું શાના માટે કરે છે? આટલા બધા ક્રોધનું કારણ શું? તને આ ક્રોધ કરીને શું મળવાનું છે? આટલા બધા જાનવરોને તેં મારી નાખ્યાં! કેટલાય મુસાફરોને તેં મારી નાખ્યાં! અજાણ્યા બિચારા ભટકેલા, રસ્તો શોધતા લોકોને રસ્તો બતાડવાને બદલે તેં બધાનો જાન લઈ લીધો! તને શું મળ્યું એમાં? તું આમાંથી કોઈને ખાઈને તારું પેટ તો ભરવાનો નહોતો. તેમ છતાંય તેં કારણ વગર બધાને મારી નાખ્યા. ખાલી તારા અહંકારને પોષવા માટે! આ બધાનું શું ફળ આવશે તને ખબર છે? અત્યારે આ દશામાં તારે ફરવું પડે છે એ તારા પૂર્વભવનો શું હિસાબ છે એ તને ખબર છે?”

જ્યારે ભગવાને ચંડકૌશિકને આ રીતે બોધ આપ્યો, ત્યાં જ એને જાતિસ્મરણ જ્ઞાન થયું! એને પોતાના પાછલા ભવોનું બધું દેખાયું કે, ”ઓહોહો, મેં આવી રીતે ક્રોધ કરેલો અને હું ખાડામાં પડીને મરી ગયો હતો અને એ ક્રોધનું ફળ મને આ ભવમાં આવ્યું છે.” તરત જ એને અંદર જબરજસ્ત પસ્તાવો થયો અને ભગવાનના ચરણોમાં પડ્યો. ભગવાનનો બોધ એને અંદર સોંસરવો ઊતરી ગયો; એ એકદમ શાંત થઈ ગયો. ભગવાને કહ્યું, ”આપણને આ જે દેહ મળ્યો છે, એ આત્મા સાધીને મોક્ષે જવા માટે મળ્યો છે. નહીં કે ક્રોધ કરીને, લોકોને હેરાન કરીને, રંજાડીને, પોતાના અહંકારને પોષીને ભવ બગાડવા માટે. અનંત અવતાર તો બગડ્યા; પાછા કેટલા અવતાર તું બગાડીશ?”

ભગવાને જે ચંડકૌશિક માટે કહ્યું છે તે દુનિયાના તમામ લોકો માટે લાગુ પડે છે. ક્રોધ-માન-માયા-લોભ આપણને અનંત અવતાર રખડાવનારા છે. ભગવાનની આ વાત સાંભળીને ચંડકૌશિકનું હૃદયપરિવર્તન થયું. એ તરત જ શાંત થઈ ગયો અને પાછો વળ્યો. ભગવાન પછી ચંડકૌશિકનો ઉદ્ધાર કરીને નીકળી ગયા.

પછી ચંડકૌશિક નાગે નક્કી કર્યું કે હવે મારે કોઈને પણ કિંચિત્‌માત્ર પણ દુઃખ નથી દેવું અને પોતે ખાધા-પીધા વગર પોતાના કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરતો હતો. પોતે પછી મડદાંની જેમ એક જગ્યાએ ગૂંચળું વળીને પડ્યો રહેતો. પછી બધા લોકો પણ આશ્ચર્ય પામ્યા કે ભગવાન સાજાસમા રહ્યા; એમને કશું થયું નહીં. બધા ઝાડ પર ચડીને આ બધું જોતા હતા અને પછી નીચે ઊતરીને વારાફરતી ચંડકૌશિકને લાકડી મારી મારીને ચકાસવા લાગ્યા કે આને શું થયું? આ જીવે છે કે મરી ગયો છે? ત્યારે ચંડકૌશિક સર્પ જાણીજોઈને મડદાંની જેમ પડી રહ્યો હતો. તે સમતામાં રહીને બધા જે દુઃખ આપે તેને ભોગવી લેતો હતો કે હવે મારો ક્યાંય હિસાબ બાકી ન રહે.

બધાએ મારીને એના કરોડરજ્જુના હાડકાં તોડી નાખ્યાં; એ મરેલા જેવો થઈ ગયો. છતાંય એનું મોઢું એણે અંદર રાફડામાં રાખી મૂક્યું હતું, એનું મોઢું જોઈને કોઈને ભય ના લાગે એટલે. અંદર એને કેટલી બધી સમતા અને પોતે કરેલા પાપોનું કેટલું પ્રાયશ્ચિત થતું હશે! બધાને લાગ્યું કે એ મરી ગયો એટલે પછી ત્યાંથી જે બહેનો ઘી લઈને જતી હતી, એ ઘી લઈને બધાએ પૂજ્યભાવથી ચંડકૌશિક પર ઘી ચોપડ્યું અને બધા ત્યાંથી જતા રહ્યા. જંગલની મોટી લાલ કીડીઓ ઘીની સુગંધથી ત્યાં આવી અને એના પર ચડી બેસીને એને ફોલી ખાધો; ચાળણીની જેમ એનું શરીર કરી નાખ્યું. કીડીઓ એટલા બધા ચટકા મારતી હતી તોય ચંડકૌશિકે આ બધું સમતામાં રહીને પૂરું કર્યું. કીડીઓ દબાઈને મરી ન જાય એટલે એ જરાય પાસું પણ ફેરવતો ન હતો.

એટલી બધી યત્નાપૂર્વક એણે પોતાના કર્મોને ખપાવ્યા. આમ કરતા કરતા પોતે ધર્મધ્યાનમાં રહીને ભગવાનનું નિદિધ્યાસન કરતા અને ભગવાનના આપેલા બોધને વાગોળતા વાગોળતા પોતાનું આયુષ્યકર્મ પૂરું કર્યું. અઠવાડિયા બાદ એનો દેહ છૂટી ગયો પણ એની અંતિમ સમયની પરિણતી આખી બદલાઈ જવાથી દેહ છૂટ્યા પછી એ દેવગતિમાં ગયો. પોતાનું પાપ ધોઈને એણે જબરજસ્ત આઠ જ દિવસમાં પુણ્ય બાંધ્યું. આ રીતે સમતામાં, પાપોના કરેલા પ્રાયશ્ચિત-પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણમાં કેટલું બધું બળ છે કે જે નર્કગતિ બાંધતો હતો, એ અઠવાડિયામાં જ પોતાના દોષોનું પ્રાયશ્ચિત કરી દેવગતિમાં ગયો.

આપણે પણ આપણા જીવનમાં જે કંઈ દોષો કે પાપ થયા હોય, લોકોને દુઃખ દીધા હોય એ બધાના બેસીને દિલથી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરીને ધોઈ શકીએ છીએ અને આપણી આખી ગતિ બદલી શકીએ છીએ. એટલું બધું પ્રાયશ્ચિત-પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણમાં જોર છે. આ ચંડકૌશિકની વાર્તા પરથી આપણને બોધ લેવાની ખબર પડવી જોઈએ. આ બોધ લેવાની આપણે જબરજસ્ત જાગૃતિ લઈએ કે આ ક્રોધનું પરિણામ શું છે અને ક્રોધમાંથી આપણે બહાર નીકળીએ. પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ વારંવાર કરવાથી ક્રોધમાંથી નીકળી જવાય છે.

શ્રી મહાવીર સ્વામી પર નાગકુમાર દેવનો ઉપસર્ગ

દીક્ષા લીધા પછી વિહાર કરતા કરતા એક વખત મહાવીર ભગવાન ગંગા નદીના કિનારે આવ્યા. ભગવાનને નદીની પેલે પાર જવું હતું. ત્યાં આગળ જવા માટે ભગવાનને હોડીનો આશરો લેવો જ પડ્યો હતો. ભગવાન એક નાવિકની પાસે ગયા અને બધા લોકો સાથે એ હોડીમાં બેઠા. એ વખતે, એક નાગકુમાર દેવ આકાશમાર્ગે જઈ રહ્યા હતા ત્યારે એમણે ભગવાનને જોયા. ભગવાન મહાવીર અને નાગદેવનો પૂર્વભવનો વેરનો હિસાબ હતો. ભગવાન, પૂર્વે જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા, ત્યારે એમણે જે કેસરી સિંહને મારી નાખ્યા હતા; તે વખતનું વેર એ દેવને ભગવાનને જોતાં જ ભભૂકી ઊઠ્યું.

નાગદેવે વેર વસુલ કરવા માટે ભગવાન પર જબરજસ્ત ઉપસર્ગો શરૂ કર્યા. આખી નદીમાં તોફાન મચાવ્યું; ભગવાન જે નાવમાં બેઠા હતા એને હાલમડોલ કરી દીધી; નદીને ઊંચકીને નીચે પછાડી. તે નાવમાં બેઠેલા બધાના જીવ અધ્ધર થઈ ગયા અને લાગ્યું કે હવે આપણે મરી જઈશું, પણ જે નાવડીમાં ભગવાન મહાવીર ખુદ બેઠેલા હોય એ નાવડી કઈ રીતે ડૂબે? એ તો પાર લગાવે જ!

mahavir bhagwan upsarg

ભગવાન મહાવીરનું નામ લેતાં, એમના દર્શન કરતાં જ લોકોની અનંતકાળથી ભટકતી જીવનનૈયામાંથી મોક્ષનો કિનારો મળી જાય તો પછી ભગવાન માટે આ ગંગા નદી પાર કરવાની શું વિસાત! નાવમાં ભગવાનની સાથે બેઠેલા લોકોને તારવા માટે ભગવાનનું તો કેટલું મોટું યશનામકર્મ હતું! અને ભગવાન ચરમશરીરી હતા. એ સમયે બીજા બધા ઊંચા-નીચા થયા પણ ભગવાન તો પોતે જબરજસ્ત સ્થિરતામાં હતા. એમનું તો એક પરમાણુ પણ હલતું ન હતું; એમના મુખની રેખા પણ જરાય ફેરફાર નહોતી થતી.

આ ભયંકર તોફાન ચાલ્યું એટલામાં બીજા બે નાગકુમાર દેવો આકાશમાંથી જતા હતા. એમણે જોયું કે પેલો નાગકુમાર દેવ તો ભગવાનને બહુ પજવતો હતો. વીરપ્રભુને આટલો બધો ઉપસર્ગ કરે છે; આટલું બધું કષ્ટ આપે છે! પછી બે નાગકુમાર દેવો આવ્યા. એમણે આખી હોડીને ઊંચકીને કિનારા પર મૂકી દીધી. પેલા જે વેરવી નાગકુમાર દેવ હતા (પૂર્વભવ સિંહ), એની જોડે જબરજસ્ત યુદ્ધ ચાલ્યું.

વેરવી નાગકુમાર દેવ ક્ષીણ થઈ ગયા હતા, જ્યારે એની સામે બીજા બે નાગકુમાર દેવ યુવાન અને શક્તિશાળી હતા. તેથી તે બંનેએ મળીને પેલા વેરવી દેવને હરાવી દીધા. પછી ઇન્દ્રદેવે આવીને પુષ્પવૃષ્ટિ કરી. નાગકુમાર દેવો સહિત બધા ભગવાનને પગે લાગ્યા. નાવડીમાં બેઠેલા લોકોને પણ ભગવાનની ઓળખાણ થઈ કે ઓહોહો! આ તો વીર ભગવાન છે! તેમણે પણ ભગવાનના દર્શન કરીને પોતાનો ઉદ્ધાર કર્યો.

પ્રત્યક્ષ ભગવાનનું મહત્ત્વ

મહાવીર ભગવાન જ્યારે આગળ ગયા ત્યારે નદીમાંથી પસાર થતા રેતીમાંથી જતા જતા એમના રેતીવાળા પગલાં બધે પડતાં જતાં હતાં. ભગવાન પોતાનું કર્મ ખપાવવા આગળ વિહાર કરવા માંડ્યા હતા. ત્યાં એમના પગલાં જોઈને એક સામુદ્રિક લક્ષણનો જાણનારો બહુ જ સમર્થ જાણકાર હતો. એણે ભગવાનના પગલાં જોઈને ઓળખી કાઢ્યું અને એને તરત થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિના પગલાં નથી. એ કોઈ ચક્રવર્તીના પગલાં હોય એવાં ચિહ્નો એને લાગ્યા.

એટલે એને થયું, ”આ પગલાંનું પગેરું કાઢીને એમને મળું અને એમને દિલથી ભાવથી પગે લાગું, તો પછી મને પણ કોઈ દ્રવ્યની પ્રાપ્તિ થશે.” એવા સંસારી ભાવ સાથે એ પગેરું કાઢતો કાઢતો, બહુ જંગલમાં ભટકતો ભટકતો ગયો. છેવટે એણે જોયું કે ભગવાન એક જગ્યાએ ધ્યાનમાં બેઠા હતા; એમને દિગંબર અવસ્થામાં ધ્યાનમાં બેઠેલા જોઈને સામુદ્રિક લક્ષણ જાણનારને અંદર બહુ જ નિરાશા થઈ કે “આ ભિક્ષુક! એ મને શું આપવાના છે?” એને અંદર નિરાશા થઈને અંદર ઉદ્વેગ પણ થયો અને એ પાછા જવાની તૈયારી કરતો હતો.

ત્યાં ઇન્દ્રદેવને અવધિજ્ઞાનથી ખબર પડી, “આ બિચારો, કેટલા જંગલો ખેડતો ખેડતો ભગવાનના દર્શન માટે આવ્યો છે! ભલે એને ભૌતિક ઈચ્છા હોય પણ ભગવાનના દર્શન કરવા આવ્યો માટે એને લાભ મળવો જ જોઈએ.” ભગવાનને તો કશી લેવાદેવા નહોતી; એ તો વીતરાગ પોતાના આત્મધ્યાનમાં જ હતા. પણ ઇન્દ્રદેવને અંદરથી ખૂબ જ એવું થયું કે ભગવાનના દર્શન એળે ન જવા જોઈએ.

પછી ઇન્દ્રદેવ પોતે આવ્યા અને પેલાને ધનનાં ઢગલાં આપ્યા. પેલો તો ખૂબ ખુશ થઈ થઈને ભગવાનની ઓળખાણ કરીને પગે લાગીને પાછો જતો રહેતો હતો. ખરેખર આ તો ભગવાન છે એવું તો એને ખબર જ ન હતી; એ તો ભિક્ષુક સમજીને જતો રહેતો હતો પણ ઇન્દ્રદેવે આવીને એને ઓળખાણ આપી કે આ તો તીર્થંકર ભગવાન છે! એટલે પેલો ખૂબ ખુશ થઈને બધું ધન લઈને નીકળી ગયો.

આવી રીતે માત્ર ભગવાનના દર્શન સમજ્યા વગર, ઓળખ્યા વગર કરવાથી એને કેટલું બધું ફળ મળ્યું! કોના દર્શન છે? તીર્થંકર ભગવાનના! વીતરાગ પુરુષના! જેને આ જગતની કોઈ ચીજ જોઈતી નથી. એક પરમાણુ પણ એમને ખેંચી ના શકે, આકર્ષી ના શકે. એવા વિરક્ત અને વીતરાગ થયેલા ભગવાનના જે દર્શન કરે એની તો વાત જ ઔર છે. સ્વાભાવિક છે કે એ તો મહા ભાગ્યશાળી કહેવાય કે એ કાળમાં જેને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયેલા હોય.

ભલે ૨૪ તીર્થંકરો મોક્ષે ચાલ્યા ગયા, પણ બીજા વિદ્યમાન તીર્થંકર ભગવાન આ બ્રહ્માંડમાં છે જ. વીસ વિહરમાન તીર્થંકરો અત્યારે આ બ્રહ્માંડમાં છે. આપણા ભરતક્ષેત્રમાં નથી, પણ મહાવિદેહ ક્ષેત્રમાં છે. જૈન ભૂગોળને આધારે, પાંચ ભરતક્ષેત્ર, પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર એમ કરીને કુલ ૧૫ ભૂમિઓ એવી છે, જેમાં તીર્થંકરો, જ્ઞાનીઓ અને આપણા જેવા મનુષ્યો બધું જ હોય છે.

અત્યારે ઐરાવત અને ભરતભૂમિમાં વર્તમાન તીર્થંકર કોઈ નથી. પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વીસ તીર્થંકરો વિહરમાન છે. એમાંના શ્રી સીમંધર સ્વામી ભગવાન આપણાથી ખૂબ નજીક છે; આપણા ઋણાનુબંધી છે. એમના દર્શન કરવાથી આપણને ઔર ફળ મળે, મોક્ષનું ફળ મળે છે. મોક્ષનો તાર ચાલુ થઈ જાય એવા વીતરાગ ભગવાનના જ્યાં પણ દર્શન કરવા મળે તો આપણે જરૂર ત્યાં પહોંચી જવું. એનાથી જબરજસ્ત આપણને ફળ મળે છે. આપણું ચિત્ત એકદમ શુદ્ધ થઈ જાય.

હવે, આગળ આપણે શ્રી મહાવીર ભગવાનને ગોશાળાનો ભેટો કેવી રીતે થયો એ સંબધી વિવિધ પ્રસંગો અને એ સંજોગોમાં ભગવાને કેવી રીતે સમતામાં રહ્યા એ વિશે વાંચીશું.

×
Share on