'પોતે કોણ છે?' એના પર જો કોઈને શંકા પડતી નથી ને! એ શંકા જ પડતી નથી ને, પહેલી! ઊલટા, એને જ સજ્જડ કરે છે અને આ બધું ક્રોધ-માન-માયા-લોભ તેને લીધે છે. આ અસત્યની પકડ પકડી છે, તે સત્યરૂપે એનું ભાન થયું છે કે આ સત્ય જ છે. અસત્યની બહુ વખત પકડ પકડવામાં આવે, ત્યાર પછી એ એને માટે સત્ય થઈ જાય. ગાઢરૂપે અસત્ય કરવામાં આવે તો પછી સત્ય થઈ જાય. પછી એને અસત્ય છે એવું ભાન જ ના થાય, સત્ય જ છે એવું રહે.
એટલે અહીં (પોતાની સાચી ઓળખ પર) જો શંકા પડે તો ક્રોધ-માન-માયા-લોભ બધું જતું રહે, પણ આ શંકા પડે નહીં ને! કેવી રીતે પડે?! કોણ પાડી આપે આ? ભવોભવથી નિઃશંક થયેલો એ બાબતમાં પોતાને શંકા પડે એવું કોણ કરી આપે? જે ભવમાં ગયો ત્યાં આગળ જે નામ પડ્યું, ત્યાં એને જ સત્ય માન્યું. શંકા જ પડતી નથી ને! કેટલી બધી મુશ્કેલી છે?! અને તેને લઈને આ ક્રોધ-માન-માયા-લોભ ઊભા રહ્યા છે ને! જો તમારે ક્રોધ-માન-માયા-લોભથી મુક્ત થવું હોય તો તમારે આત્માનુભવ કરવાની જરૂર છે. આખા શાસ્ત્રોનું 'સોલ્યુશન' અહીં આગળ આ એકલું જ જાણવામાં થઈ જાય! પણ તે આત્મજ્ઞાન જાણવું કેવી રીતે? અને આત્મજ્ઞાન જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું. પણ એ જાણે શી રીતે?!
શંકા કરવાની એક જ જગ્યા છે કે હું ખરેખર *'ચંદુભાઈ' (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું) છું? એટલી જ શંકા કર કર કર્યા કરવાની છે, આત્મજ્ઞાન પામવા માટે અને તમે પોતે કોણ છો તે શોધવા માટે.
ચાલો, આપણે પોતાના સાચા સ્વરૂપને કેવી રીતે ઓળખવું,તે અંગેનો પરમ પૂજ્ય દાદાશ્રીનો મુમુક્ષુઓ સાથેનો સત્સંગ નિહાળીએ:
પ્રશ્નકર્તા: 'હું *ચંદુભાઈ છું', (વાચકે પોતાનું નામ સમજવું) એ વાત ઉપર જ શંકા પડે...
દાદાશ્રી: તો તો કામ જ થઈ જાય! એ શંકા તો કોઈને પડતી જ નથી ને! હું પૂછ પૂછ કરું છું તોયે શંકા નથી પડતી. 'હું *ચંદુ જ છું, હું ચંદુ જ છું' (વાચકે પોતાનું નામ સમજવું) કહેશે. એ શંકા પડતી જ નથી, નહીં?!
પછી હું હલાવ, હલાવ કરું ત્યારે વળી શંકા પડે, ને પછી વિચાર કરે કે, 'આ દાદા કહે છે એય ખરું છે, વાતમાં કંઈ તથ્ય છે.' બાકી, એની મેળે, પોતાની મેળે શંકા કોઈનેય ના પડે.
પ્રશ્નકર્તા: એ શંકા પડે તો આગળ જાય?
દાદાશ્રી: ના, એમ નહીં. એ શંકા એને માટે જ શબ્દ છે. 'હું *ચંદુભાઈ છું' (વાચકે પોતાનું નામ સમજવું) એ શંકા 'હેલ્પ' કરે છે. બીજી બધી શંકા તો આપઘાત કરાવડાવે. 'હું ખરેખર ચંદુભાઈ હોઈશ? અને આ બધા કહે છે કે આમનો છોકરો છું, એ ખરેખર હોઈશ?' એ શંકા પડી તો કામનું!!
એટલે શંકા રાખવા જેવી કઈ છે? આત્મા સંબંધી શંકા રાખવાની છે કે 'આત્મા આ હશે કે તે હશે!' ખરો આત્મા જ્યાં સુધી જણાય નહીં, ત્યાં સુધી આખા જગતને શંકા હોય જ.
'ચંદુભાઈ તે હું નિશ્ચયથી છું, ખરેખર જ આ ચંદુભાઈ હું જ છું' એવું માને છે તેથી આરોપ બધા ઘડાયા. પણ હવે એની પર શંકા પડી ગઈ ને? વહેમ પેસી ગયો ને? ખરો વહેમ પેસી ગયો! એ વહેમ તો કામ કાઢી નાખે. એવો વહેમ તો કોઈને પેસતો જ નથી ને! આપણે વહેમ પાડીએ તોય ના પડે ને!
એ શંકા પડે જ શી રીતે? અરે, સરકાર હઉ 'એલાવ' કરે! સરકાર 'એલાવ' નથી કરતા? 'ચંદુલાલ હાજર હૈ?' કહેતાની સાથે ચંદુલાલ જાય તો સરકાર 'એલાવ' કરી દે! પણ પોતાને શંકા પડે નહીં કોઈ દહાડોય, કે હું ચંદુલાલ નથી ને હું આ બીજી રીતે ક્યાં ઝાલી પડ્યો છું, એવું.
પોતાની જાત પર શંકા પડે એવું બહાર છે નહીં ને? દસ્તાવેજમાંય લખે કે વકીલસાહેબે સહી કરી, કે તરત 'એક્સેપ્ટ'! આટલા બધા લોક કબૂલ કરે છે, પછી એને શંકા જ શી રીતે પડે?!
*ચંદુલાલ (વાચકે પોતાનું નામ સમજવું) = જ્યારે દાદાશ્રી ‘ચંદુલાલ’ વાપરે અથવા જે વ્યક્તિનું નામ લઈને દાદાશ્રી સંબોધે, ત્યારે વાચકે એક્ઝેક્ટ સમજણ માટે પોતાનું નામ વાપરવું.
અક્રમ વિજ્ઞાનની અજાયબ બલિહારી છે કે એક કલાકના અદ્ભુત જ્ઞાન પ્રયોગથી (જ્ઞાનવિધિ) (એક કલાકનો આત્માનુભવ માટેની આધ્યાત્મિક વિધિ) પોતે આત્માસંબંધી કાયમનો નિઃશંક બની જાય છે.
પુસ્તક વાંચી આત્માસંબંધી શંકા ના જાય. ત્યાં તો પ્રત્યક્ષ જ્ઞાની જ જોઈએ. જેમ કે, શાસ્ત્રોમાંથી જેમ વધુ ને વધુ જાણતો જાય છે, તેમ જેટલું વધારે જાણ્યું તેટલી વધારે શંકા. એકવાર ‘હું કંઈ જ જાણતો નથી’ એ સ્ટેજમાં પહોંચતા જ, એ ખરા જ્ઞાનને જાણવા માટે તૈયાર થઈ જાય છે. જેનાથી કષાય (ક્રોધ-માન-માયા-લોભ) જાય તે જાણેલું સાચું! જ્યાં શંકા ત્યાં સંતાપ. નિરંતર નિઃશંકતા એ આત્મા જાણ્યાની નિશાની છે.
આત્માસંબંધી નિઃશંક થાય, તેને નિરંતર મોક્ષ જ છે ને!
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબર ને? શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી,... Read More
A. અનંતકાળથી, પોતે દેહરૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહને જે કંઈ પણ થાય છે,... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ છું.’ આપણે એમ પણ કહીએ છીએ કે, ‘મારું નામ ચંદુલાલ છે.’ તો આડકતરી રીતે,... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. આત્મજ્ઞાન એટલે જ્યારે તમને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ મળે છે. ત્યારે તમને અનુભવ થશે કે તમે... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્ત્વ શું છે? તે કેવી રીતે હિતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યું હશે કે મોક્ષપ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા અને આત્મમુક્તિના પંથ પર પ્રગતિ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્ત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે? ના... Read More
subscribe your email for our latest news and events