Related Questions

આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?

ભય

આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે નોર્માલિટીમાં હોય. તેમને તો ભયના સંયોગ ભેગા થાય ત્યારે જ ભય લાગે. જ્યારે મનુષ્યોમાં તો વિપરીત ભય પેસી ગયો છે. વિપરીત ભય એટલે એક જ ભય આવવાનો હોય પણ તેને તે સો જાતના દેખાય અને જે ભય નથી આવવાનો તે દેખાય તેને પણ વિપરીત ભય કહેવાય. એક જણ જમવા આવવાનો હોય અને લાગ્યા કરે કે સો જણ આવવાના છે તે વિપરીત ભય.

ભય ક્યારે પેસે ? દ્વેષપૂર્વકના ત્યાગમાં, તિરસ્કારમાં નિરંતર ભય રહે. પોલીસવાળાનો ભય શાથી લાગે છે ? તે ગમતો નથી તેથી, તેનો તિરસ્કાર છે તેથી. કોર્ટનો ભય શાથી લાગે છે ? શું કોર્ટ કોઈને ખાઈ ગઈ ? ના. એ તો એનો દ્વેષ છે તેથી. ભય એ છૂપો તિરસ્કાર ગણાય છે. સાપની મહીં ભગવાન બિરાજેલા છે, તે દેખાતું નથી માટે જ ભય લાગ્યો ને ? સાપ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી આવે. જો સહજ રીતે સામો મળે અને ભાઈમાં ભય ઊભો ના થાય તો સાપ બાજુમાં થઈને જતો રહે. હિસાબ ના હોય તો કશું જ ના કરે.

આખો સંસરણ માર્ગ-સંસાર માર્ગ ભ્રાંતિવાળો છે, ભો-ભડકાટ જેવો છે. ભો-ભડકાટ એટલે શું ? રાતે સૂતા પહેલાં ભૂતનો ભો પેઠો હોય કે સાપનો ભો પેઠો હોય, તો આખી રાત તેને ભડકાટ-ભો રહ્યા કરે, ઊંઘેય નહીં અને સવારે એટલે કે પ્રકાશમાં તે ભય નાશ પામે ત્યારે તેનો ભડકાટ જાય. તેમ આ સંસારમાં પણ છે.

ભૂતના ભડકાટમાં ફરક એટલો રહે કે તેનો ફક્ત ભડકાટ રહ્યા કરે કે, મારું શું થશે ? ભય ના લાગે, જ્યારે સંસારમાં ભય અને ભડકાટ બન્ને ય રહે. ભય રહે એટલે અજ્ઞાનતાથી તેની સામે રાગ-દ્વેષ કર્યા કરે અને તેનાથી ભડકાટ રહે. ભયવાળા સંયોગોને મારવાના, પ્રતિકાર કરવાના પ્રયત્નમાં રહે.

આત્માની અજ્ઞાનતાથી ભય રહે છે અને સંગીચેતનાથી ભડકાટ રહે છે. ભડકાટ-ફફડાટ એ સંગીચેતનાનો ગુણ છે. સંગીચેતના એટલે આરોપિત ચેતના. વિધિ કરતો હોય કે ધ્યાનમાં હોય ને કંઈક મોટો અવાજ થાય ને જે શરીર ઓટોમેટિક હાલી ઊઠે, તે સંગીચેતના કહેવાય.

જ્યાં તારી સત્તા નથી, ત્યાં તું હાથ નાખે તો શું થાય ? કલેક્ટરની સત્તામાં કારકૂન સહી કરે તો ? આખો દહાડો તેને ભય રહ્યા કરે. કારણ પરસત્તામાં છે તેથી. જગતના મનુષ્યો પણ નિરંતર પરસત્તામાં જ રહે છે. 'હું ચંદુલાલ' એ જ પરસત્તા. પોતાની સત્તા તો જોઈ નથી, જાણી નથી ને પરસત્તામાં જ મુકામ કર્યો. તેથી નિરંતર ભય, ભય ને ભય જ લાગ્યા કરે છે.

બધું જ સહજમાં મળે તેમ છે પણ ભરોસો હોવો જોઈએ. લોકોને એમ થયા કરે કે, આ નહીં મળે તો ? આમ નહીં થાય તો ? બસ, આ જ વિપરીત ભય છે.

બુધ્ધિ શાને માટે છે ? ત્યારે કહે, બધાને ઠંડક આપવા માટે, નહીં કે ભડકાવવા માટે. જે બુધ્ધિ ભય દેખાડે તે વિપરીત બુધ્ધિ. તેને તો ઊગતાં જ દબાવી દેવી જોઈએ.

અલ્યા, તારે ભય જ જો રાખવો હોય તો મરણનો રાખને ! ક્ષણે ક્ષણે આ જગત મરણના ભયવાળું છે, તેનો તને ભય શાથી નથી લાગતો ? તેનો ભય લાગે, તો મોક્ષનો ઉપાય ખોળવાનું જડે. પણ ત્યાં તો જડ જેવા થઈ ગયા છે.

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on
Copy