Related Questions

પ્રેમ અને આસકિત વચ્ચે શું તફાવત છે?

પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને !

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય... મહીં બેઠા છેને, તે અનાસક્ત છે અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે કે, ‘હું નિષ્કામ થયો છું.’ પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણાં લોક કહે છેને, કે ‘હું નિષ્કામ ભક્તિ કરું છું.’ મેં કહ્યું, ‘કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી, ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ ?’

આસક્તિ તો એટલે સુધી ચોંટે, તે સારા પ્યાલા-રકાબી હોયને તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો, તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો આ લાકડાં ઉપર કેટલી આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી. વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ !

×
Share on