Related Questions

મૃત્યુ પછી શું થાય છે?

મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે, અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો સંજોગ હોય ત્યાં સીધો જ ગર્ભમાં પ્રવેશે છે. તો આપણને પ્રશ્ન થાય કે નવો જન્મ ક્યાં થશે એ કયા આધારે નક્કી થાય છે?

ડાર્વિનની 'થિયરી ઓફ ઇવોલ્યુશન', એટલે કે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જીવ ‘ડેવલપ’ થતો થતો એકેન્દ્રિયમાંથી જાનવરમાં અને પછી મનુષ્યમાં આવે છે. પણ મનુષ્યમાં આવ્યા પછી તેની કઈ ગતિ થાય છે તેનું રહસ્ય ભૌતિક વિજ્ઞાનમાં મળતું નથી. તેનો ખુલાસો આધ્યાત્મિક વિજ્ઞાનમાં મળે છે.

મૃત્યુ વખતે આખા જીવનનું સરવૈયું:

જેમ વર્ષના અંતે ધંધાની આવક જાવકનું સરવૈયું બેલેન્સ શીટમાં આવે છે, તે જ રીતે મનુષ્યએ આખી જિંદગીમાં જે-જે કાર્યો કર્યાં હોય તેના પુણ્ય-પાપના હિસાબનું સરવૈયું મૃત્યુ વખતે આવે છે, અને આવતા જન્મની ગતિ નિર્ધારિત થાય છે. મનુષ્યદેહમાં જન્મ્યા પછી જ બુદ્ધિ અને અહંકાર વિકાસ પામે છે, જેના આધારે મનુષ્ય પુણ્ય કે પાપકર્મ બાંધે છે. જેમ આપણે બેંકના ખાતામાં પૈસા જમા કરીએ એને ક્રેડિટ કહેવાય, તેમ શુભ કર્મ કરીએ તો પુણ્યકર્મ જમા થાય. જેમ બેંકના ખાતામાંથી પૈસા ઉપાડીએ તેને ડેબિટ કહેવાય, તેમ અશુભ કર્મોથી પાપકર્મ બંધાય. જો ક્રેડિટ-ડેબિટ બેઉનો વેપાર બંધ કરી દઈએ તો ગતિઓની ભટકામણમાંથી મુક્તિ થઈ જાય.

ચાર ગતિ:

ચાર ગતિમાં મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નર્કગતિનો સમાવેશ થાય છે. આ ચારે ગતિમાં જવાનો રસ્તો ફક્ત મનુષ્યગતિમાંથી ખુલ્લો થાય છે, કારણ કે મનુષ્ય દેહમાં જ કર્મો બાંધી શકાય છે. બાકી બધી ગતિઓમાં નવું કર્મ બંધાતું નથી, પણ જૂના કર્મો ભોગવાઈને પૂરા થાય છે. જેમ જેમ પુણ્ય વધારે ભેગું થાય તેમ ઊંચી ગતિ એટલે કે દેવગતિમાં જાય. જેમ પાપ ભેગું થાય તેમ નીચેની ગતિમાં એટલે કે તિર્યંચમાં જાય. વધારે પડતું પાપ ભેગું થાય તો નર્કગતિમાં જાય. અને જો પુણ્ય-પાપ બંધાતા અટકી જાય તો મનુષ્ય મોક્ષે જાય.

મનુષ્યગતિ:

આખી જિંદગી જેણે સજ્જનતા રાખી હોય, માનવધર્મનું પાલન કર્યું હોય તેને બીજા ભવે મનુષ્યગતિ મળે. માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું બીજાને આપવું, અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. કોઈની ઉપર ક્રોધ કરતી વખતે એવો વિચાર આવે કે ‘કોઈ મારા ઉપર ક્રોધ કરે એ મને નથી ગમતું, તો હું આની પર ક્રોધ કરું તો એને કેટલું દુઃખ થતું હશે!’ તો એ માનવતાની હદની અંદર આવ્યા કહેવાય. કોઈ સ્ત્રી ઉપર દૃષ્ટિ બગાડતા પહેલાં એવો વિચાર આવે કે, ‘મારી વાઈફ કે બહેન ઉપર કોઈ દૃષ્ટિ માંડે એ મારાથી સહન નથી થતું, તો કોઈની વાઈફ કે દીકરી તરફ મારાથી દૃષ્ટિ કેમ બગાડાય?’ એવી જાગૃતિ રહે એને માનવધર્મ કહેવાય. કોઈની અણહક્કની લક્ષ્મી પડાવી લેતા પહેલાં એવો વિચાર આવે કે, ‘એના બદલે મારા પૈસા હોય તો?’ તો એ માનવધર્મ પાળ્યો કહેવાય. જો મનુષ્ય આખી જિંદગી આમ માનવધર્મ પાળે તો પાછો મનુષ્યમાં આવે.

મનુષ્ય થવું હોય તો મા-બાપની અને વડીલોની દિલથી સેવા કરવી જોઈએ, ગુરુ હોય તો ગુરુની સેવા કરવી જોઈએ અને લોકો પ્રત્યે પરોપકાર દાખવવો જોઈએ. વ્યવહાર ચોખ્ખો રાખવો જોઈએ, એટલે કે કર્મના હિસાબમાં કોઈ સાથે લેણું-દેણું બાકી ના રહે એવી રીતે વ્યવહાર સાચવવો જોઈએ. કોઈની સાથે વ્યવહાર કરતાં પહેલાં વિચાર આવવો જોઈએ કે ‘એની જગ્યાએ હું હોઉં તો?’ બીજાને સહેજ પણ દુઃખ થઈ જાય, તો એના ઉપર પોતે તરત પસ્તાવો કરે તો પણ તે પાછો મનુષ્યમાં આવશે. આવી જાગૃતિ સાથે જીવનના બધા કાર્યો કરવામાં આવે તો ફરી મનુષ્યપણું આવે. નહીં તો, મનુષ્યદેહ મળવો મુશ્કેલ છે.

તિર્યંચગતિ:

પોતાના ફાયદા માટે જે અણહક્કનું પડાવી લે કે અણહક્કનું ભોગવે તેને આવતા ભવે તિર્યંચગતિ આવે છે. અણહક્કનું એટલે બીજાના પૈસા પડાવી લેવા અથવા પરસ્ત્રી કે પરપુરુષ સાથે અણહક્કનો સંબંધ બાંધવો. આ ઉપરાંત, ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરવી, સ્વાર્થ માટે જૂઠું બોલવું અને કપટ કરવું, બુદ્ધિપૂર્વક જાણીજોઈને બીજાને છેતરવા એ બધાનું ફળ તિર્યંચગતિ આવે. બીજાનું પડાવી લેવાનો વિચાર માત્ર પાશવતા કહેવાય છે. સતત અણહક્કનું ભોગવવાનો વિચાર આવે તેને માણસ કહેવાય જ નહીં.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ લોકોને માટે કર. તારે માટે વાપરીશ તો રાયણાનો (રાયણના ઝાડનો) અવતાર આવશે. પછી પાંચસો વર્ષ ભોગવ્યા જ કર. પછી તારું ફળ લોક ખાશે, લાકડાં બાળશે. પછી લોકો માટે તું કેદીરૂપે વપરાઈશ. માટે ભગવાન કહે છે કે તારાં મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ બીજાને માટે કર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.”

દેવગતિ:

જે મનુષ્ય પોતાના હક્કનું સુખ બીજાને આપી દે, તે આવતે ભવે દેવગતિમાં જાય. આખી જિંદગી પ્રાપ્ત મન-વચન અને કાયાની બધી શક્તિઓ પારકા માટે ખર્ચી નાખે તે દેવગતિમાં જાય! સામો અપકાર કરે તેના પર પણ ઉપકાર કરે એવા સુપરહ્યુમન સ્વભાવના મનુષ્યો પછી દેવગતિમાં જાય. દેવગતિમાં પૂર્વે કરેલા પુણ્યકર્મના ફળરૂપે ભૌતિક સુખો ભોગવવા મળે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પોતાનું સુખ જે ભોગવવાનું છે, પોતાને માટે નિર્માણ થયેલું છે, તે પોતાને જરૂર છે છતાં બીજાને આપી દે એ છે તે સુપરહ્યુમન એટલે દેવગતિમાં જાય.”

નર્કગતિ:

જે મનુષ્ય બીજાનું અનર્થ નુકસાન કરે, જેમાં પોતાને કોઈ ફાયદો થતો ના હોય પણ સામાને બહુ જ નુકસાન થતું હોય, તે નર્કગતિમાં જાય. અનર્થ નુકસાન એટલે, કોઈપણ કારણ વગર લોકોના ઘર વગેરે બાળી મૂકવા, તોફાન કરવા, નિરર્થક જીવોને મારી નાખવા, કૂવા કે તળાવમાં ઝેર નાખવું એ બધા કર્મો કરનાર નર્કગતિના અધિકારી થાય છે! અધમ કૃત્યો જેમકે, મનુષ્યને મારીને મનુષ્યનું માંસ ખાવું એ બધાનું ફળ નર્કગતિ આવે છે.

જે મનુષ્ય બીજા ઉપર અત્યાચાર અને દુરાચાર કરે, સામાને દુઃખ આપીને, સામા ઉપર ક્રોધ કરીને પોતે ખુશ થાય તેણે અધોગતિમાં જવું પડે.

આ ચારે ગતિઓ એક પ્રકારની કેદ છે, જેમાં પોતે કરેલા કર્મોનું ફળ ભોગવવાનું હોય છે. મનુષ્યો સાદી કેદમાં છે. દેવગતિ એ એક નજરકેદ છે, જેમાં ભૌતિક સુખો ખૂબ છે પણ છૂટવાનો રસ્તો નથી. જાનવરો સખત મજૂરીની કેદમાં છે, જેમાં સતત ભૂખ અને ભયનું દુઃખ પડે છે. જયારે નર્કના જીવો જનમટીપની કેદમાં છે, જેમાં અત્યંત દુઃખો ભોગવવા પડે છે.

અંતિમ સમયે ગતિનો ફોટો:

મૃત્યુ સમયનો છેલ્લો કલાક, છેલ્લું ગુંઠાણું હોય ત્યારે આખી જિંદગીના સરવૈયાનો ફોટો પડી જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આખી જિંદગી જે તમે કર્યું ને, એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે, અને સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ જાય છે.”

મરણપથારીમાં “હું મરી જઈશ, હજુ તો દીકરી પરણાવવાની બાકી છે, એનું શું થશે?” એવી ચિંતા અને ઉપાધિ થયા કરે તો જાણવું કે અધોગતિ થવાની. અને સતત ભગવાનના ધ્યાનમાં દેહ છૂટે તો જાણવું કે ઊર્ધ્વગતિ થઈ. આખી જિંદગી જેવા કાર્યો કર્યાં હશે તેના આધારે જ અંતિમ સમયનું ધ્યાન રહે છે, અને તે મુજબ ગતિ નક્કી થાય છે.

આ ઉપરાંત, બે તૃતીયાંશ આયુષ્ય પૂરું થાય પછી મનુષ્યને પોતાના આવતા ભવની ગતિના ફોટા પડે છે. ધારો કે મનુષ્યનું આયુષ્ય પંચોતેર વર્ષનું હોય, તો એક તૃતીયાંશ આયુષ્ય બાકી રહે ત્યારે, એટલે કે પચાસ વર્ષે પહેલો ફોટો પડે છે. આયુષ્ય સાઈઠ વર્ષનું હોય તો ચાલીસ વર્ષે અને એક્યાસી વર્ષનું આયુષ્ય હોય તો ચોપ્પન વર્ષે પહેલો ફોટો પડી જાય. આખા જીવનમાં જે સારાં-નરસાં કર્મો કર્યાં તેના હિસાબે આ ગતિનો ફોટો પડી જાય છે.

×
Share on