Related Questions

અરિહંત કોને કહી શકાય?

અરિહંત ભગવાન કોને કહેવાય?

  • જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી અને કેવળજ્ઞાની હોય તેને અરિહંત ભગવાન કહેવાય.
  • જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત ભગવાન કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતા સુધીના અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય!
  • જે હાજર હોય તેને. ગેરહાજર હોય તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવા જોઈએ.

arihant

ઓળખાણ, અરિહંત ભગવાનની 

  • અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ સ્થિતિ છે, પણ બંધન તરીકે આટલું રહ્યું છે. જેમ બે માણસને સાંઈઠ વર્ષની સજા કરી હતી, તે એક માણસને જાન્યુઆરીની પહેલી તારીખે કરી હતી. એ બીજા માણસને જાન્યુઆરીની ત્રીજી તારીખે કરી. પહેલાને સાંઈઠ વર્ષ પૂરા થઈ ગયા. પેલો છૂટો થઈ ગયો. બીજો બે દહાડા પછી છૂટો થવાનો છે. પણ એ છૂટો જ કહેવાય ને? એવી એમની સ્થિતિ છે!
  • અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવા પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા તીર્થંકરના શરીરમાં ગોઠવાઈ ગયેલા. ત્યારે એ શરીર કેવું! એ વાણી કેવી! એ રૂપ કેવું! એ બધી વાત જ કેવી! એમની તો વાત જ જુદી ને?! એટલે એમની જોટે તો મૂકતા જ નહીં, કોઈનેય! તીર્થંકરની જોટે કોઈને મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય.
  • અરિહંત તો નિરંતર અરિહંત જ રહે અને અરિહંત જ દેશના આપે.
  • ‘અરિહંત કોણ છે!’ એને જાણો તો દર્દ ઓછા થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે.
  • સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત ભગવાન કહેવાય. અરિહંત! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલા મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને.
  • અરિહંત તો સીમંધર સ્વામી છે અગર તો બીજા ઓગણીસ તીર્થંકરો હોય એ અરિહંત છે, જે વર્તમાન તીર્થંકર હોય એ અરિહંત કહેવાય.

અત્યારે અરિહંત ભગવાન ક્યાં હયાત છે?

સીમંધર સ્વામી એ આ જ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરીએ છીએ. હજુ એ હાજર છે. અરિહંત તરીકે છે, તો જ આપણને ફળ મળે. એટલે આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું, એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે.

ચાલો, આપણે અરિહંત ભગવાન વિશેની વધુ માહિતી મેળવીએ, નીચે દર્શાવેલા પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા સંવાદ દ્વારા...

પ્રશ્નકર્તા: અરિહંત દેહધારી હોય?

દાદાશ્રી: હા, દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય.

આ ‘નમો અરિહંતાણં’ ક્યાં પહોંચે છે આપણે બોલીએ છીએ તે? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ ‘નમો અરિહંતાણં’ બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠાં છે, એ તો ‘નમો સિદ્ધાણં’ થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા!

×
Share on