Related Questions

શું માતાજીનું ધૂણવું, મેલીવિદ્યા અને ભૂત-પ્રેત હકીકતમાં હોય છે?

માતાજી ધૂણવા

ભારતના ગામડાઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ પ્રવર્તતી હોય તો તે માતાજી ધૂણવા બાબતની છે. લોકો એવું માને છે કે માતાજી કોઈ વ્યક્તિના, ખાસ કરીને કોઈ બેનના શરીરમાં પ્રવેશે છે, પછી એ લોકો ધૂણે છે. ધૂણતા ધૂણતા એ વ્યક્તિ જે કાંઈ બોલે તે બધું માતાજી જ બોલતાં હોય છે અને તે સાચું ઠરે છે. તેમાંય નવરાત્રિનો સમય આવે કે ઘેર-ઘેર, ગલીએ-ગલીએ માતાજીનું ધૂણવાનું શરૂ થઈ જાય છે. પછી ગામના લોકો “માતાજી આવ્યાં, માતાજી આવ્યાં” એમ કરીને દોટ મૂકીને જાય અને લાંબા થઈને નમસ્કાર કરે. બેનો તો વાળ ખુલ્લા કરીને ભયાનક રીતે ધૂણે અને થોડી થોડીવારે આખો કળશ પાણી પી જાય. ક્યારેક એવું પણ જોવા મળે કે કેટલાક ધૂણવાવાળી વ્યક્તિમાંથી કંકુ ઝરે. આ બધું જોઈને ભોળા લોકો અંજાઈ જાય.

આપણે તપાસ કરીએ તો, જેને લોકો માતાજી કહીને નમસ્કાર કરતા હતા, એ બેન પછી ઘરે જઈને એના પતિ સાથે, સાસુ સાથે, નણંદ સાથે ઝઘડતી હોય. માતાજી જેવા સાત્ત્વિક દેવીઓને જો આવવું હોય તો એ કોઈ સુપાત્ર વ્યક્તિને પસંદ ના કરે? જે ભક્તો રોજ સવારે પહેલા પ્રહરે ઊઠીને કલાકો સુધી માતાજીની દિલથી ભક્તિ અને સાધના કરતા હોય, ત્યાં માતાજી હાજર ન થાય? એમની ઉપર કંકુ ના ખેરવે? આ કકળાટ કરતી વ્યક્તિના દેહમાં માતાજી આવીને એમના ઉપર કંકુ કેમ ખેરવે? એટલે વાસ્તવિકતામાં આ બધું નથી હોતું. મોટે ભાગે કંકુ પણ હાથચાલાકીથી આવતું હોય છે. જો કોઈ બુદ્ધિશાળી તપાસ કરે તો માલૂમ પડે કે વ્યક્તિએ એના કપડામાં કંકુની પોટલીઓ છૂપાવી રાખી હોય!

હકીકતમાં અંબા મા, પદ્માવતી મા, દુર્ગા મા, મહાકાળી મા, એ બધાં બહુ ઊંચી કક્ષાના દેવીઓ છે. બહુ જબરજસ્ત સાત્ત્વિકતા હોય, પારકાંના કલ્યાણ માટે ખૂબ કામો કર્યાં હોય, જબરજસ્ત પુણ્ય ભેગું કર્યું હોય ત્યારે આવી ઊંચી કક્ષાના દેવી તરીકે જન્મ થાય. લાખો-કરોડો લોકો તેમને પૂજે. એવા દેવી આવા સામાન્ય પ્રશ્નો જેમ કે, “માતાજી, મારી ભેંસ ખોવાઈ ગઈ છે તે પાછી આવશે કે નહીં?”, “મારો ધણી બીજી સ્ત્રીના લફરામાં છે, તે સીધો થશે કે નહીં?” એના જવાબ આપવા આ પૃથ્વી ઉપર નથી આવતા. ઊંચી કક્ષાના દેવ-દેવીઓ તો પૂર્ણ વીતરાગ ભગવાનની સેવામાં જ હોય. તેઓ આવા હળહળતા કળિયુગમાં, આ મૃત્યુલોકમાં સ્થૂળ સ્વરૂપે આવે જ નહીં. માતાજીનો રાજીપો તો જેમની એકમેવ તમન્ના મોક્ષમાર્ગમાં આગળ વધવાની હોય તેમના ઉપર વધુ હોય. ત્યાં એમની પૂરેપૂરી કૃપા વરસતી હોય અને તે કૃપા સૂક્ષ્મ સ્વરૂપે હોય. મોક્ષમાર્ગના વિઘ્નો દૂર કરી આપવા તેમની ખૂબ સહાય હોય.

એટલે લોકોમાં માતાજી આવ્યાં, ધૂણ્યાં અને આમ કહ્યું એવી જે બધી વાતો થાય છે એ બધું ઠોકાઠોક વાતો છે અથવા સાયકોલોજિકલ ઈફેક્ટ છે. વાસ્તવિકતામાં માતાજી નથી આવતા.  જે વ્યક્તિ ધૂણે છે, તે લોકોને છેતરવા અથવા સાયકોલોજીકલ અસરમાં તણાઈને આવું કરે છે. જ્યારે આસપાસના લોકો પણ માતાજીથી પોતાને કંઈક લાભ થશે એવી લાલચના માર્યા આ માન્યતાઓમાં તણાય છે.

કળિયુગના જીવો અવળા કર્મોના ઉદયને સહન કરવાની શક્તિ ખોઈ બેઠા છે. કર્મોની થપાટ આવે તો તેઓ એટલા વિહ્વળ થઈ જાય છે કે સ્થિરતા ગુમાવી દે છે. પછી “માતાજી મારું કંઈક સારું કરશે.” એવી આશામાં આશ્વાસન ખોળતા આવી અવળી અંધશ્રદ્ધામાં ગરકી જાય છે. બીજી બાજુ, કર્મોના ગમે તેવા ઉદય આવે તો પણ “મારે આમાંથી છૂટવું જ છે, આ કર્મને પૂરું કરવું છે” એવી સમજણવાળા મનુષ્યોને તેમાં કિંચિત્‌માત્ર ફેરફાર કરવાનો વિચાર નથી આવતો ને આવી અંધશ્રદ્ધામાં તણાતા નથી.

માતાજીની ભક્તિ કરવી જ હોય તો અંધશ્રદ્ધાથી નહીં, પણ સાચી સમજણથી કરવી જોઈએ. માતાજી આદ્યશક્તિ કહેવાય છે, તેઓ પ્રાકૃતિક શક્તિ છે. તેમની ભક્તિ કરવાથી આપણી પ્રકૃતિ સહજ થાય અને ગમે તેવા કર્મો સામે ઝઝૂમવાની આપણને શક્તિ મળે. આપણે તેમની પાસે સંસારી વસ્તુઓને બદલે, કર્મોમાંથી પાર નીકળવાની શક્તિ અને હિંમત માંગવાની છે. કારણ કે આપણે જે કર્મ બાંધ્યું છે તેનું ફળ ભોગવ્યા વગર છૂટકો જ નથી.

મેલીવિદ્યા

આજકાલ ભણેલા કે અભણ, દરેક પ્રકારના લોકોમાં મેલીવિદ્યાને લઈને અંધશ્રદ્ધા પ્રવર્તતી જોવા મળે છે. તેઓ માને છે કે જે વ્યક્તિને આપણી ઈર્ષ્યા હોય, આપણી સાથે દુશ્મનાવટ હોય, તે આપણા ઉપર આવી મેલીવિદ્યા, બ્લેક મેજિક(કાળો જાદુ), જાદુટોણાં કે વિચ ક્રાફ્ટ કરાવી શકે છે. તેમજ મેલીવિદ્યાથી બીજાને નુકસાન પહોંચાડી શકાય છે જેમ કે, બીમારી થવી, ધંધામાં નુકસાન થવું, લગ્નજીવનમાં ભંગાણ પડવું વગેરે. એટલે લોકો આવા પ્રકારની મુશ્કેલી સર્જાય તો મેલીવિદ્યા છે એમ માનીને, તેના નિવારણ માટે તાંત્રિકો અને ભૂવાઓ પાસે જાય છે અને પૈસાનું પાણી કરે છે. તેમાંય ઘરની વ્યક્તિ ઉપર શંકા પડે કે એ વ્યક્તિ પોતાના ઉપર આવી મેલીવિદ્યા અજમાવે છે, પછી એ વહેમનું ઓસડ નથી મળતું. પાયા વગરની આવી અંધશ્રધ્ધાથી સંબંધો વણસે છે અને એકબીજા પ્રત્યે રાગ-દ્વેષ અને વેરઝેર વધે છે.

મેલીવિદ્યા એ એક પ્રકારની વિદ્યા છે ખરી, પણ તે બધાને અસર ન કરી શકે. જે નબળા મનના હોય અને “મને કંઈક થઈ જશે” એવા ભયમાં રહેતા હોય તેમને મેલીવિદ્યા અસર કરે. પણ જે મજબૂત મનના છે તેમને કશું અડી ન શકે. લાખોમાં એકાદ બે કિસ્સા જ સાચા હોય છે, બાકી ઘણું કરીને સાયકોલોજીકલ અસરો જ હોય છે. જે લોકો જેઓ નબળા મનના હોય અને સામસામે વેરવી હિસાબવાળા હોય તે લોકો જ આવી અસર પામે છે. તેઓ માન્યા કરે છે કે “આ મને કંઈક કરશે તો?”, “મને કંઈક થઈ જશે તો?” તો પછી અસર થઈ જ જાય. એ માન્યતા જ પોતાને દુઃખી દુઃખી કરી નાખે અને અંતે પાગલ કરી મૂકે. આપણે જો તેમાં ન અટવાઈએ તો આપણને કોઈ હેરાન ન કરી શકે. મજબૂત મન રાખીએ કે “જે દોરા-ધાગા કરવા હોય એ કરે ને લીંબુ-મરચાં બાંધવા હોય એ બાંધે, પણ મને કશું થવાનું જ નથી.” તો સામાની મેલીવિદ્યા સામાને જ વાગશે. આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, તેમની ભક્તિ કરીએ, સંતો કે જ્ઞાની પુરુષ પાસે સાચી સમજણ મેળવીએ, તો મેલીવિદ્યા આપણને કશું જ ન કરી શકે.

આપણા પગ દુઃખતા હોય અને ઘરની વ્યક્તિ ઉપર શંકા કરીએ કે આમણે કંઈક કર્યું એટલે દુઃખે છે. પછી લીંબુ ઉતાર ઉતાર કરીએ, કે તાંત્રિકો પાસે જઈને દાણા નખાવીએ એમાં અડધી જિંદગી પૂરી થઈ જાય. પગનો દુઃખાવો તો જાય નહીં. વાસ્તવિકતામાં ખટાશ ખાવાથી પગ દુઃખતા હોય અને સંજોગોવશાત્ એ ખાવાનું બંધ થાય તો દુઃખાવો ઓછો થાય. પણ લીંબુ બાંધવાને કારણે કે દાણા નાખવાથી દુઃખાવો ઓછો થયો એવી અંધશ્રદ્ધા પેસી જાય અને તાંત્રિકો પાસે લોકોના ટોળાં વધી જાય. વ્યક્તિ સાથે વેરઝેર વધે એ જુદું. પછી એ બદલો વાળવા આપણે ઊંધા રસ્તા અપનાવીએ. આ બધાનો કોઈ અંત નથી આવતો. એના કરતા ડોક્ટર પાસે જઈએ, મનોચિકિત્સકની સલાહ લઈએ તો બીમારી અને અંધશ્રદ્ધા બંનેમાંથી મુક્ત થઈ શકાય.

કેટલાક લોકો ધમકી પણ આપે છે કે, “હું તમને જાદુટોણાંથી જોઈ લઈશ.” પછી સામી વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફ આવે તો તેને અંધશ્રદ્ધા પેસી જાય છે કે એણે મારા ઉપર જાદુટોણાં કર્યાં હશે. નિયમ એવો છે કે આપણા હિસાબ વગર કોઈ આપણું કશું બગાડી ન શકે. હિસાબ વગર મચ્છર પણ ન કરડી શકે તો જાદુટોણાં તો ક્યાંથી અડે? આ સાચી સમજણ હાજર રહે તો ડર ના રહે. જે વ્યક્તિ એવી ધમકી આપતી હોય કે “હું તારા ઉપર મેલીવિદ્યા કરીશ” એ ખરેખર કશું કરી શકે જ નહીં. આપણે એનાથી જેટલું વધારે ગભરાઈએ એટલું એ વધારે બોલે અને આપણે ડરીએ નહીં તો સામો એની મેળે એ ચૂપ થઈ જાય.

આપણે કર્મ કર્યું હશે, તો ફળ આપણને જ આવશે. પછી એ ફળ કોઈપણ નિમિત્તે આવી શકે, એમાં નિમિત્તનો વાંક નથી. ભગવાન મહાવીરને કાનમાં બરુ ઠોકાયા, શ્રીકૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું, તો પણ તેઓ પોતાના જ કર્મનો હિસાબ છે એમ સમજીને સમતામાં રહ્યા. જેથી કર્મથી મુક્ત થયા અને મોક્ષે પણ ગયા. આવી સમજણ હાજર રાખીએ કે, “મારા કર્મોના હિસાબ મારે જ ભોગવવાના છે. આ હિસાબ મારે પૂરા કરવા છે અને કોઈ માટે રાગ-દ્વેષ કરીને નવા હિસાબ બાંધવા નથી.” તો પછી કર્મ સમતાપૂર્વક પૂરું થાય. પહાડ જેવું ભારે કર્મ પથ્થર જેવું હળવું થઈ જાય. તેમ છતાં કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ-દ્વેષ, અભાવ, તિરસ્કાર થયા હોય તેમની મનોમન માફી માંગી લેવી જેથી કર્મના હિસાબમાંથી છૂટી શકાય.

ભૂત, પ્રેત અને ભૂવા

બીજી અંધશ્રદ્ધા જે વ્યાપક રીતે ફેલાયેલી હોય છે તે છે ભૂત, પ્રેતના વળગાડની. જેને દૂર કરવા લોકો તાંત્રિકો અને ભૂવાઓનો સહારો લે છે. વાસ્તવિકતામાં ભૂત એ વ્યંતર દેવો છે. એ મનુષ્યોને કારણ વગર હેરાન નથી કરતા, ઊલટું મદદ કરે છે. પ્રેત, પિશાચ એ બધા અવગતિયા જીવ છે. અવગતિયો જીવ એટલે જેને મૃત્યુ પછી તરત બીજો દેહ ના મળે અને અમુક વર્ષો સુધી દેહ વગર રહેવું પડે.  મૃત્યુ વખતે આત્મા એક દેહ છોડે કે તરત જ ગર્ભમાં વીર્ય અને રજના ભેગા થવાના સમયે બીજો દેહ ધારણ કરે છે. પણ ઘણી વખત મૃત્યુ વખતે કોઈ વાસના રહી ગઈ હોય તો એ સમય ચૂકાઈ જાય અને દેહ વગર ભટકવું પડે છે. તેમાંય દસ-બાર વર્ષથી વધારે ભટકવાનું નથી હોતું. અવગતિયા જીવનો સ્થૂળ દેહ ન હોય, સૂક્ષ્મ દેહ હોય. એટલે ખાઈ-પી ન શકે. ભૂખ લાગે ત્યારે જેમની સાથે હિસાબ બંધાયા હોય એ વ્યક્તિના શરીરમાં પ્રવેશીને ખોરાક ખાય. ઘણી વાર પચાસ-પચાસ લાડવા અને પૂરી બધું ખાઈને સત્ત્વ ચૂસી લે. લોકો તેને વળગાડ કહે છે. પણ આવું લાખોમાં એકાદ વખત જ બને. આપણો રાગ-દ્વેષનો હિસાબ હોય તો જ પ્રેતયોનિના જીવો આપણને સુખ કે દુઃખ આપી શકે. સાચો રસ્તો એ છે કે, કોઈ પણ જીવ સાથે રાગ-દ્વેષ થયા હોય એ દરેકના પસ્તાવા લઈ લઈએ, તેના બદલ દિલથી માફી માંગી લઈ લઈએ, જેથી વેરમાંથી છૂટી શકાય. 

મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને પ્રેતનો વળગાડ થયો એમ માને છે ત્યાં ખરેખર માનસિક બીમારી હોય છે, સાયકોલોજીકલ અસર જ થઈ હોય છે. વ્યક્તિને મનોચિકિત્સક પાસે લઈ જવાને બદલે લોકો ભૂવા પાસે લઈ જાય છે. ત્યાં વ્યક્તિને માર મારે, ડામ દેવડાવે, ખૂબ યાતનાઓ આપે. પણ તેનાથી કોઈ ફેરફાર થતો નથી, ઊલટું વ્યક્તિની હાલત વધારે ખરાબ થાય છે. આવા ઘણા માનસિક દર્દીઓ મનોચિકિત્સક પાસે જઈને સાજા પણ થઈ જાય છે. એટલે સમજાય કે આ બધી માન્યતાઓ જ છે.

×
Share on