ભારતમાં લોકો જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ આવે એટલે જ્યોતિષી, ભૂવા અને તાંત્રિકો પાસે જાય. એ લોકો કહે કે તમારી મુશ્કેલીઓનું કારણ પિતૃદોષ છે, તમારા પિતૃઓ તમારાથી નારાજ છે અને તમને નડે છે. પછી પિતૃઓને શાંત કરવા માટે બ્રાહ્મણો પાસે પિંડદાન કરાવવાનો રિવાજ ગોઠવે છે. જેનાથી પિતૃઓની મુક્તિ થાય અને આપણા દુઃખો દૂર થાય. આ સિવાય પિતૃઓની તૃપ્તિ માટે વર્ષે એક વખત શ્રાદ્ધની ક્રિયા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે પિતૃઓ કાગડા બનીને આવે છે અને તેમને ખીર અને પૂરી ખવડાવવાથી તેમની મુક્તિ થાય છે.
આપણા પિતૃઓ એટલે આપણા જ માતા-પિતા, દાદા-દાદી કે વડીલો. ક્યારેય વિચાર્યું છે કે આપણા જ બાપ-દાદાઓ જેમણે આપણને નાનપણથી આટલા લાડ-કોડથી ઉછેર્યાં હોય, પ્રેમ આપ્યો હોય, જેમણે આખી જિંદગી પોતાના બાળકો અને આગળની પેઢીની સલામતી માટે ખર્ચી નાખી હોય, તે લોકો આપણને નડવા કઈ રીતે આવી શકે? એ પણ કાગડા બનીને જ કેમ આવે? મોર, પોપટ કે મેના જેવા પક્ષીઓ કેમ નહીં? જે શહેરોમાં કાગડા જોવા જ નથી મળતા ત્યાં પિતૃઓ કઈ રીતે આવે છે?
નિયમ એવો છે કે આત્મા એક દેહ છોડે કે તરત બીજો દેહ ધારણ કરે છે. તો આપણા પિતૃઓ જે મૃત્યુ પામ્યા તે અત્યારે કોઈ દેહ ધારણ કરી ચૂક્યા હશે. તેઓ મનુષ્ય દેહમાં હોય તો કાગડા બનીને કેવી રીતે આવી શકે? જેમ આપણે વર્ષોના વર્ષો આપણા પિતૃઓને સંભારીને શ્રાદ્ધ કરીએ છીએ, તેમ આપણા ગયા ભવના દીકરા-દીકરીઓ કે પૌત્ર-પૌત્રીઓ પણ આપણા નામે આજે શ્રાદ્ધ કરતા જ હશે. તો શું આપણે આજે મનુષ્યમાંથી કાગડા બનીને એમની અગાશીએ ખીર-પૂરી ખાવા જઈએ છીએ? ના. એટલે એ કઈ રીતે શક્ય જ છે? પોતાનું કર્મ બદલીને કાગડો થઈ શકે, એવી મનુષ્યના હાથમાં સત્તા જ નથી. આમ ને આમ દેખાદેખીથી આવી માન્યતાઓ સમાજમાં ઘૂસી ગઈ છે અને લોકો વિચાર્યા વગર અંધશ્રદ્ધામાં તણાયા કરે છે.
આ બધી માન્યતાઓ ખોટી છે. વાસ્તવિકતામાં આવું કાગવાસ જેવું કશું હોતું જ નથી. કર્મનો સિદ્ધાંત એવો છે કે આપણા કર્મનું ફળ આપણે જ ભોગવવાનું છે. એટલું જ નહીં, પણ આવી બાહ્ય ક્રિયાઓ કરવાથી દોષ નડવાનો બંધ થઈ જાય એ વાતમાં કોઈ તથ્ય નથી.ઊલટું આપણે આ રીતે પિતૃઓને વગોવ્યા, તેમને આપણી તકલીફો માટે જવાબદાર ઠેરવીને દોષિત જોયા, તે બદલ તેમની માફી માંગવી જોઈએ. આપણે આપણા પિતૃઓને સંભારીને પ્રાર્થના કરવી જોઈએ, કે તેઓ જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે. તેમના પ્રત્યે જે રાગ-દ્વેષ થયા હોય તે બધાને તેમની પુણ્યતિથિએ યાદ કરીને માફી માંગી લેવી જોઈએ, જેથી આપણા હિસાબ ચોખ્ખા થાય અને તેઓ જ્યાં હોય ત્યાં તેમને શાંતિના સ્પંદનો પહોંચે. બહુ ત્યારે પિતૃઓના નામે દાન, પુણ્ય કરીને સારા રસ્તે પૈસા વાપરી શકાય. એમ કરવાનો હેતુ એમ છે કે, પાછળની પેઢી વડીલોની બધી મિલકત પચાવી પાડે અને કોઈ ધર્માદા કરે નહીં, એવું ન બને. પણ આપણે પુણ્યના કાર્યો કરીએ તો તેનું ફળ આપણને જ મળશે, આપણા પિતૃઓને પહોંચશે નહીં, એ કર્મનો સિદ્ધાંત છે.
આપણા વડીલો જે મૃત્યુ પામ્યા છે તેમની પાછળ સરવણી અને શ્રાદ્ધ કરવાની આપણા ઋષિમુનિઓની ગોઠવણી પાછળ આયુર્વેદ અને વિજ્ઞાનનો એક ચોક્કસ હેતુ હતો. આજે એ હેતુ વિસરાઈ ગયો છે. શ્રાદ્ધની ઉજવણી આજે ફક્ત એક ક્રિયા રહી છે અને તે પણ અંધશ્રદ્ધાથી થાય છે. વર્ષો પહેલાં ભારતના ગામડાઓમાં જ્યારે મેલેરિયા જેવી બીમારીઓની દવા નહોતી શોધાઈ ત્યારે શ્રાદ્ધ ઉજવવાની શરૂઆત થઈ હતી. દર વર્ષે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીનો સમય શ્રાદ્ધપક્ષ કહેવાય છે. એ સમયે ભાદરવા મહિનામાં ગામડાઓમાં એકે એક ઘરની બહાર કોઈ બીમાર વ્યક્તિ ખાટલો ઢાળીને સૂતેલી જોવા મળે. કારણ કે ભાદરવા મહિનામાં શરદ ઋતુના વાતાવરણને કારણે પિત્તનો પ્રકોપ વધે. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધે. તેમાંય અને પિત્ત પ્રકૃતિવાળાને મચ્છરો બહુ કરડે. મેલેરિયા એ પિત્તનો તાવ કહેવાય છે. એક વ્યક્તિને કરડીને મચ્છર બીજાને કરડે એટલે મેલેરિયાનો તાવ ફેલાય. તે સમયે મેલેરિયાનો ઇલાજ નહોતો શોધાયો. તાવ વધુ પડતો આવે અને કોઈ દવા ન મળે એટલે માણસો મૃત્યુ પામે. રોગચાળો વધતાં ટપોટપ લોકો મૃત્યુ પામવા માંડ્યા. એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જો આ પરિસ્થિતિને રોકવામાં નહીં આવે તો ભારતની વસ્તી અડધી થઈ જશે!
તે સમયે પિત્તના તાવને શમાવવા માટે ઋષિમુનિઓ અને સંતોએ એવી શોધખોળ કરી કે આ ગાળામાં રોજ દૂધપાક અથવા ખીર ખાવી. દૂધપાકમાં દૂધ અને ખાંડ હોય જેનાથી પિત્તનું શમન થાય અને મેલેરિયાનો રોગચાળો વધતો અટકાવી શકાય. પણ આવું કરવામાં એક મુશ્કેલી એ હતી કે એ સમયે પરિવારો મોટા હતા. ઘરમાં આટલા બધા લોકો માટે રોજેરોજ દૂધપાક બનાવવો હોય તેવી દરેકની આર્થિક પરિસ્થિતિ ન હોય. એટલે લોકો દૂધપાક બનાવીને ખાય નહીં અને બીમારી વધ્યા જ કરે. તેનો ઉકેલ લાવવા પછી ધર્મના નામે આ ક્રિયા સમાજમાં ઘુસી ગઈ. પોતાના ઘરે રોજ દૂધપાક ન બનાવે, તો શ્રાદ્ધના નામે લોકો દૂધપાક બનાવીને લોકોને જમાડે એવો રિવાજ ગોઠવાયો. એટલે લોકો ભાદરવાની પૂનમથી સોળ દિવસ સુધીના ગાળામાં શ્રાદ્ધ ઊજવતા થયા, જેમાં પોતાના જે સ્વજનો ગુજરી ગયા હોય તેમના નામે દૂધપાક બનાવી જમાડતા થયા. એક દિવસ એક વ્યક્તિના ઘરે દૂધપાક બને અને બધા જમે. બીજા દિવસે બીજાને ત્યાં દૂધપાક બને અને બધાને જમાડે. એમ વારાફરતી એક પછી એક ઘરે દૂધપાક બને અને એ બહાને લોકો રોજ દૂધપાક ખાય. જો કોઈ આડાઈ કરે કે “હું દૂધપાક નહીં બનવું”, તો લોકો દબાણ કરે કે “બાપદાદાના નામે શ્રાદ્ધ પણ નથી સરાવતા?” એટલે સામાજિક દબાણને લઈનેય છેવટે એ બધાને જમાડે. આ રીત લોકોને માફક આવી એટલે ચાલુ રાખ્યું. દૂધપાક ખાવાથી લોકોનું પિત્ત શમે, એટલે મેલેરિયા થવાની સંભાવના ઘટે અને મૃત્યુ થતું અટકે. એટલે લોકો કહેતા કે સોળ શ્રાદ્ધ પછી જો જીવતો રહ્યો, તો ‘નવરાત્રિ’માં આવ્યો, એટલે કે નવી રાત જોઈ! આ રીતે નવરાત્રિનો તહેવાર ઊજવાતો. આમ શ્રાદ્ધ કરવા પાછળ પૂર્વજોને સાંકળવાનો હેતુ કંઈક જુદો જ હતો. વાસ્તવિકતામાં ખીર ખવડાવવાની ક્રિયાનું ફળ ખરેખર કોઈ પૂર્વજોને પહોંચતું નથી.
કુદરતનો નિયમ એવો છે કે, નજીકની વ્યક્તિઓ સાથેના વ્યક્તિના બધા ઋણાનુબંધ પૂરા થાય પછી જ તે વ્યક્તિના દેહમાંથી આત્મા છૂટો પડે. એટલે ફરી પાછા કોઈ ભેગા નથી થતા. માટે, શ્રાદ્ધ જેવી ધાર્મિક ક્રિયાઓ જો અંધશ્રદ્ધાથી નહીં પણ સમજીને કરવામાં આવે, તો તેનો હેતુ સર થાય એમ છે. આજે જ્યારે અંધશ્રદ્ધાને પોષણ આપતી આવી માન્યતાઓને આધારે સમાજમાં વ્યાપાર શરૂ થઈ ગયો છે, ત્યારે કોઈપણ આત્માની મુક્તિ આવા રસ્તે કઈ રીતે શક્ય છે તેની પાછળ વિચારણા કરવી જરૂરી બને છે.
Q. જ્યોતિષમાં માનવું જોઈએ કે નહીં?
A. વિશ્વભરમાં અને તેમાંય ભારતમાં લોકો આર્થિક, કૌટુંબિક કે શારીરિક સમસ્યાઓના નિરાકરણ માટે, તેમાંય ખાસ... Read More
Q. શું શુકન-અપશુકન ખરેખર થાય છે?
A. શુકન-અપશુકન એટલે કોઈપણ કાર્યનું ફળ શુભ મળશે કે અશુભ તેનો પૂર્વસંકેત. દુનિયાભરમાં શુકન અને અપશુકનને... Read More
Q. શું માતાજીનું ધૂણવું, મેલીવિદ્યા અને ભૂત-પ્રેત હકીકતમાં હોય છે?
A. ભારતના ગામડાઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ પ્રવર્તતી હોય તો તે માતાજી ધૂણવા બાબતની છે. લોકો એવું... Read More
A. ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ હાથમાંથી કંકુ કે રાખોડી કાઢે, ખાલી હાથ ઘડિયાળ લઈ આવે, આંખથી વસ્તુ... Read More
subscribe your email for our latest news and events