વિશ્વભરમાં અને તેમાંય ભારતમાં લોકો આર્થિક, કૌટુંબિક કે શારીરિક સમસ્યાઓના નિરાકરણ માટે, તેમાંય ખાસ કરીને લગ્ન, કારકિર્દી, સંતાન, કોર્ટ કેસ જેવી બાબતોમાં જ્યોતિષશાસ્ત્રનો આધાર લેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રીઓ કુંડળીમાં ગ્રહદશા જોઈને કેટલાક ઉપાયો બતાવતા હોય છે જેમ કે, મંત્ર, જાપ, પાઠ કરાવવા; ગ્રહોને અનુરૂપ મણિ કે કિંમતી પથ્થરોની વીંટી પહેરવી; વિશેષ યંત્રો વસાવવા; અશુભ ગ્રહયોગ જેવા કે કાલસર્પ, મંગળ, શનિ, રાહુની અસર નાબૂદ કરવા વિધિઓ કરાવવી વગેરે.
જ્યોતિષશાસ્ત્ર તો સાચું છે. પણ જ્યોતિષ જોનારાઓ જ્યારે વેપારી થઈ બેસે છે અને પૈસા કમાવાના લોભથી વિદ્યાનો ઉપયોગ કરે છે, પછી તે ચોક્કસ રહેતું નથી. ઊંડો અભ્યાસ કર્યા વિના ઠેરઠેર દુકાનોમાં આ વિદ્યા વેચાય છે, જે લોકોની અંધશ્રદ્ધા વધારવાનું કારણ બને છે. જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની સ્થિતિના આધારે રચાયેલું છે. ખાસ કરીને જ્યોતિષી એમ ઠરાવે કે “તમને આ ગ્રહો નડે છે” એટલે લોકો વીંટીઓ, યંત્રો અને વિધિઓ પાછળ પૈસાનું પાણી કરી નાખે છે. એની પાછળ પૈસા ખર્ચીને લોકો આર્થિક અને માનસિક રીતે પાયમાલ થઈ જાય છે.
ખરેખર સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો એ બધા જ્યોતિષ્ક દેવ-દેવીઓ છે. બિંબ ગ્રહનું અને અંદર જીવ દેવ-દેવીઓનો છે. તેઓ આપણને નડવા કેમ આવે? જેઓ પૂજનીય છે, જેમને આપણે નમસ્કાર કરીએ તેઓ આપણને દુઃખી શા માટે કરે? ગ્રહો તો વીતરાગ છે, એમને કોઈ સાથે વેર કે દુશ્મની નથી કે નડવા આવે. તાર્કિક રીતે વિચારીએ તો જો ગ્રહો કોઈને નડતરરૂપ હોય તો તેમને આખી દુનિયાના મનુષ્યોને નડવા બદલ કર્મ ના બંધાય?
કેટલાક જ્યોતિષી આપણા ગ્રહદોષ માટે અન્ય બ્રાહ્મણ કે જાપક પાસે લાખ-લાખ જાપ કરાવે છે. હવે પૈસા લઈને કોઈ ત્રીજી વ્યક્તિ આપણા માટે જાપ કરે તે જાપ આપણને કઈ રીતે ફળે? આ તો, કોઈ જમે ને આપણું પેટ ભરાય એના જેવું થયું. જાપ કરનાર વ્યક્તિ નિષ્ઠાથી એક લાખ જાપ કરે છે કે ગોટાળો કરે છે, એ કોને ખબર? જ્યાં દસ મિનિટ પણ સ્થિરતાથી બેસવું અઘરું છે ત્યારે એક લાખ જાપ કરવા કંઈ સહેલા છે? એટલે આ બધામાં પડવાની કોઈ જરૂર નથી.
ગમે તેટલા જન્માક્ષર મેળવીને લગ્ન લેવાય, તોય લગ્ન પછી કકળાટ થાય છે, તો પછી જન્માક્ષર મેળવવાનો અર્થ શું? કુંડળીમાં જેમના બત્રીસ ગુણાંક મળતા આવતા હોય તેવા પતિ-પત્ની દિવસમાં બત્રીસ વાર ઝઘડતાં હોય એવું પણ જોવામાં આવે છે. ઘણા લોકો જન્માક્ષર મેળવ્યા વગર લગ્ન કરી લે છે, તોય લગ્નજીવન નભે છે. ટૂંકમાં, લગ્નના મુહૂર્ત કાઢીને પરણેલા બધા કાયમ સુખી જ છે એવું જોવામાં નથી આવતું. આ ખાલી માન્યતા જ છે. હિન્દુસ્તાન સિવાય કોઈ દેશોમાં કુંડળી સરખાવીને લગ્ન લેવાની માન્યતા જોવામાં નથી આવતી.
જ્યોતિષીઓ પોતે જ પોતાના કર્મના ભીડામાં ફસાયેલા હોય છે. તેમના જ જીવનમાં તકલીફો હોય એવું જોવા મળે છે. જો તે આપણને સારું કરી આપે તો પોતાનું જીવન કેમ નથી સુધારી શકતા? જેમ ડોક્ટર પાસે જઈએ અને રોગ ના હોય તો ડોક્ટર આપણને પાછા મોકલે કે તમને કાંઈ રોગ નથી. પણ કોઈ જ્યોતિષી પાસે આપણે ગયા હોઈએ તો એ ક્યારેય કહે છે, “તમારા ગ્રહોમાં કોઈ દોષ નથી, જાઓ નિરાંતે જીવો!” એટલે ના સમજીએ કે આ ધંધાકીય થઈ ગયું છે? જે જ્યોતિષી પોતે જ પોતાના જીવનમાં અશાંતિ અનુભવે છે, એમને જ પત્ની સાથે રોજ ઝઘડા થતા હોય અને આપણું નસીબ ખોલી આપે એ કઈ રીતે બને? આપણે આવી તપાસ કરીએ તો હકીકત જાણવા મળે. જ્યોતિષીઓ પાસે દોડીને જવાથી, વીંટીઓ પહેરવાથી ખરેખર જીવનમાં શાંતિ નથી મળતી.
વિદેશના લોકો ઘણુંખરું જ્યોતિષમાં નથી માનતા, તો પણ સુખેથી જીવન જીવે છે. તેમની નોકરી જતી રહે તો પણ દુઃખી નથી થતા, ચિંતા નથી કરતા અને થોડા દિવસોમાં એમને બીજી નોકરી મળી પણ જાય છે. જ્યોતિષશાસ્ત્ર નથી જાણતા એ લોકો પણ સુખેથી જીવે છે! જ્યારે ભારતના ગામડાઓમાં તો આવી અંધશ્રદ્ધા બહુ વ્યાપક રીતે ફેલાયેલી છે. અહીં જેટલા પ્રકારની વિદ્યાઓ હોય, એટલા પ્રકારના વિદ્વાનો ઊભા થઈ જાય અને અભણ ભોળા મનુષ્યો એમાં ગૂંચવાઈને ઊલટા વધારે દુઃખી થાય છે.
ખરેખર જ્યોતિષશાસ્ત્ર એમ દર્શાવે છે કે તમે આ ભવમાં કેવા કર્મફળ ભોગવશો. આ જન્મના કર્મફળ આપણે ગયા ભવમાં શું કર્મ બાંધ્યું છે તેના આધારે નક્કી થાય છે. ગયા અવતારમાં જે-જે કારણો સેવ્યાં હતા, તેના પરિણામરૂપે આ અવતારમાં ફળ મળે છે. ફળ બદલી શકાય નહીં. જેમ કે, આપણે પરીક્ષા આપી હોય તો પેપર લખ્યા પછી થોડા દિવસમાં પરિણામ આવે. પરિણામ ઉપરથી આપણને ખ્યાલ આવી જ જવાનો છે કે કેટલા માર્ક્સ આવ્યા, આપણે પાસ થયા કે નાપાસ થયા તે. હવે પેપર આપતાં પહેલાં આપણે પૂછવા જઈએ કે મારા કેટલા માર્ક્સ આવશે એનો કોઈ અર્થ ખરો? જ્યોતિષનો આધાર લેવો એ કેવું ફળ ભોગવવાનું આવશે એ પૂછવા જવું. ખરેખર આપણે જેવી મહેનત કરી છે, જેવી પરીક્ષા આપી છે તેવું પરિણામ આવશે તે નિશ્ચિત જ છે. તેમ જીવનમાં પણ આપણા કર્મો પ્રમાણે ફળ મળવાનું જ છે, જેમાં કોઈ ફેરફાર નથી થવાનો. તો પછી એને જાણીને શું ફાયદો? એના કરતા નવી પરીક્ષા સુધારીએ, આજે એવાં કર્મો કરીએ કે એનું ફળ સારું મળે.
ઘણી વાર આપણને થાય કે “મેં બુદ્ધિથી સારો નિર્ણય લીધો.” પણ બુદ્ધિ પાપ-પુણ્યને આધીન કામ કરે છે. પુણ્યનો ઉદય હોય તો વ્યક્તિએ લીધેલા બધા નિર્ણયો સાચા પડે અને પાપનો ઉદય હોય તો તે જ વ્યક્તિના નિર્ણયો ખોટા પડે. એટલે, આપણા જ પાપકર્મ અને પુણ્યકર્મના આધારે આપણને ફળ મળે છે. પાપ બાંધ્યું હશે તો પાપનું ફળ આવશે, જે દુઃખ ભોગવવું પડશે. પુણ્ય બાંધ્યું હશે તો એનું ફળ આવશે અને આપણે પુણ્ય ભોગવવું પડશે.
આપણે જાણીએ જ છીએ કે, ભગવાન શ્રીરામના સમયમાં ખૂબ વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ અને ઋષિમુનિઓએ ભવિષ્ય ભાખ્યું હતું કે, “આવતીકાલે સવારે શુભ મૂહુર્તે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે અને તેઓ અયોધ્યાની રાજગાદીએ બેસશે.” પણ બીજા દિવસે કૈકેયીએ કંઈનું કંઈ કરી નાખ્યું! રામચંદ્રજીને રાજગાદી તો દૂર, જંગલમાં રહેવા માટે ઝૂંપડું પણ ન મળ્યું, ઊલટો ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. સત્યુગના પ્રખર વિદ્વાન જ્યોતિષીઓનું ભાખેલું ભવિષ્ય પણ ખોટું પડ્યું હતું તો કળિયુગમાં કોનો ભરોસો કરાય?
ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રખર વાસુદેવને કેટલાય ગ્રહો વશ થયેલા હોય. તેઓ સાક્ષાત્ ગ્રહોને નીચે ઊતારી લાવવા સક્ષમ હતા અને એમ કરીને મહાભારતનું વિનાશકારી યુદ્ધ પણ અટકાવી શક્યા હોત. પણ તેમાં ભગવાન કોઈ ફેરફાર ન કરી શક્યા. શ્રીકૃષ્ણ ભગવાનને જ પગમાં જ તીર વાગવાથી મૃત્યુ થયું. જો કર્મની સામે સમર્થ ભગવાન પણ કશું ન કરી શકે તો પામર જીવોનું શું ગજું? આટલું ચોક્કસ કર્મનું વિજ્ઞાન હોય, પછી જાતજાતના કિંમતી પથ્થરોની વીંટી પહેરવાથી, જાપ કરાવવાથી, વિધિઓ કરવાથી કર્મમાં ફેરફાર કઈ રીતે થઈ શકે, એ પ્રશ્ન વિચારવા જેવો છે.
જ્યારે મહાવીર ભગવાનનું મૃત્યુ નજીક હતું ત્યારે દુનિયા ઉપર દુઃખો ના પડે એ હેતુથી દેવોએ ભગવાનને વિનંતી કરી કે, “પ્રભુ, આયુષ્ય બે ઘડી માટે વધારો, જેથી ભસ્મક ગ્રહની અસર ટાળી શકાય.” કારણ કે મહાવીર ભગવાનના નિર્વાણ પછી અઢી હજાર વર્ષ સુધી આ ભસ્મક ગ્રહની વિપરીત અસર રહેવાની આગાહી હતી. ત્યારે ભગવાને કહ્યું કે, એક રાઈ જેટલું પણ આયુષ્ય વધ-ઘટ ના થઈ શકે. ભસ્મક ગ્રહ તો જે નિશ્ચિત ભવિષ્ય છે તેનો સંકેત માત્ર છે. ગ્રહ અવળી અસર કરનાર નથી, પણ પાંચમા આરાના વિપરીત કાળની મનુષ્યો ઉપર અવળી અસર થશે, જેને રોકી નહીં શકાય.
મનુષ્યો જીવનમાં આવેલાં કર્મોનો હિંમતભેર સામનો નથી કરી શકતા એટલે દુઃખોમાં આશ્વાસન મેળવવા જ્યોતિષનો સહારો લે છે. પણ ભવિષ્યમાં શું બનશે તે જાણવાથી ખરેખર દુઃખ દૂર નથી થતા. લાખ ક્રિયાઓ કરવા છતાં આવી પડેલા કર્મોમાં ફેરફાર નથી થતો. માટે, આવી ખોટી માન્યતાઓના ગૂંચવાડામાં પડવાને બદલે, આપણા કર્મોને હિસાબે જે કંઈ આવે છે, તેનો હિંમતભેર સામનો કરીએ.
જીવનમાં જો શાંતિ જોઈતી હોય તો શાંતિનો સાચો માર્ગ શોધીએ. જે ભગવાન કે ઇષ્ટદેવમાં માનતા હોઈએ તેમને પ્રાર્થના કરીએ કે, “હે ભગવાન! આવી પડેલા કર્મમાંથી છૂટવાની, તેમાંથી પાર નીકળવાની મને શક્તિ આપો.” મંદિરે જઈને પ્રભુને પ્રાર્થના કરીએ અથવા ધર્મના શાસ્ત્રો વાંચીએ તો કંઈક શાંતિ મળી શકે. કોઈ સાત્ત્વિક સંત કે જ્ઞાની પુરુષને શોધીએ, તો કર્મમાંથી નીકળવાની સાચી સમજણ મળી શકે. આમ કરવાથી કર્મમાં ફેરફાર નહીં થાય, કર્મ તો તેનું તે જ રહેશે, પણ એને પાર કરવાની શક્તિ અને હિંમત મળશે. એટલે શૂળીનો ઘા સોયે સરી જશે.
કોઈપણ પરિણામ આવે તો એની પાછળ કારણો હોય છે. પરીક્ષા આપતી વખતે ગડબડ કરી હોય તો નાપાસ થઈએ. એટલે કેવા કર્મના ફળરૂપે આપણને આવા સંજોગો આવી પડ્યા, એમ વિચારીને નવાં કારણો સુધારવા જોઈએ. સાચી સમજણ સેટ કરવાથી ગમે તેવા સંજોગોમાં અંદર રાગ-દ્વેષ અને ચિંતા નહીં થાય. વાસ્તવિકતામાં બહારના કોઈ ગ્રહો આપણને નથી નડતા. પણ આપણી અંદરના જ ગ્રહો જેમ કે, આગ્રહ, વિગ્રહ, દુરાગ્રહ, સત્યાગ્રહ, અભિગ્રહ, પરિગ્રહ, પૂર્વગ્રહ, મિથ્યાગ્રહ, હઠાગ્રહ આપણને નડે છે. માટે એ દોષોમાંથી મુક્ત થવાના પ્રયત્નોમાં રહેવું જોઈએ.
ઘણી વાર આપણા કુટુંબમાં બધા જ્યોતિષમાં માનતા હોય, પણ આપણને શ્રદ્ધા ન હોય તો ત્યાં એમને માનવા દેવું. તેમાં આપણને શંકા-કુશંકા ઊભી ન થાય, એમની માન્યતા આપણને હલાવી ન નાખે તેનું ધ્યાન રાખવું. જો આપણને કોઈ લેવાદેવા નથી, અસર નથી થતી તો કશું નહીં થાય.
Q. શું શુકન-અપશુકન ખરેખર થાય છે?
A. શુકન-અપશુકન એટલે કોઈપણ કાર્યનું ફળ શુભ મળશે કે અશુભ તેનો પૂર્વસંકેત. દુનિયાભરમાં શુકન અને અપશુકનને... Read More
Q. શું માતાજીનું ધૂણવું, મેલીવિદ્યા અને ભૂત-પ્રેત હકીકતમાં હોય છે?
A. ભારતના ગામડાઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા જો કોઈ પ્રવર્તતી હોય તો તે માતાજી ધૂણવા બાબતની છે. લોકો એવું... Read More
A. ભારતમાં લોકો જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ આવે એટલે જ્યોતિષી, ભૂવા અને તાંત્રિકો પાસે જાય. એ લોકો કહે... Read More
A. ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ હાથમાંથી કંકુ કે રાખોડી કાઢે, ખાલી હાથ ઘડિયાળ લઈ આવે, આંખથી વસ્તુ... Read More
subscribe your email for our latest news and events