આજકાલ લોકોને ભણવાથી લઈને, નોકરી મેળવવા માટે, નોકરી સાચવવા માટે કે ધંધો વધારવા માટે એમ કારકિર્દીના દરેક તબક્કે સ્ટ્રેસ અને ચિંતા હોય છે. ઘણી જગ્યાએ નોકરીમાં દસ માણસોથી કામ થતું હોય અને તે ત્રણ માણસોથી પૂરું કરાવે, એટલે રોજેરોજના કામના ટાર્ગેટ પૂરા કરવામાં લોકોને સ્ટ્રેસ ઊભો થાય છે. એમાંય આ સ્પર્ધાત્મક યુગમાં ગમે ત્યારે નોકરી જતી રહે તેની અનિશ્ચિતતા લોકોને ડરાવે છે. આ બધા સામે કઈ સમજણથી શાંતિ રહે તેની કેટલીક પ્રેક્ટિકલ ચાવીઓ અહીં આપી છે.

ભણવાની બાબતમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા અચૂક ટેન્શન અને સ્ટ્રેસ ઊભા થાય છે કે “પરીક્ષામાં શું થશે? નહીં આવડે તો?” તે વખતે રિઝલ્ટ વિશે વિચારવું નહીં પણ એકાગ્રતાથી ભણવા ઉપર ધ્યાન રાખવું. આપણે સારી રીતે ભણીશું તો પરિણામ સારું જ આવવાનું છે. પરીક્ષા પૂરી થઈ જાય પછી રિઝલ્ટ વિશે વિચારવાનું. એના પહેલા તો સારા માર્ક્સ લાવવા છે, વધુમાં વધુ ટકા લાવવા છે એવી તૈયારી સાથે ફક્ત ભણવા ઉપર ધ્યાન આપવું. ચિંતા કરવાથી તો બેઉ બગડે છે. એક તરફ ભણવાનું બગડે છે અને સાથે સાથે પરિણામ પણ બગડે છે.

નોકરી ન મળે ત્યાં સુધી યુવાનોને એ બાબતની ચિંતા રહે છે. ભવિષ્યમાં મારું શું થશે? દુનિયામાં આટલી બધી સ્પર્ધા છે, તો આ કોમ્પિટિટીવ દુનિયામાં હું કઈ રીતે પહોંચી વળીશ? પૈસા કઈ રીતે કમાઈશ? ઘરની જવાબદારી મારી ઉપર આવવાની છે, તો સારી નોકરી મળશે કે નહીં? એવું અનેક પ્રકારનું ટેન્શન યુવાનોને સતાવે છે. તે વખતે ચિંતામાં ને ચિંતામાં તેઓ વર્તમાન પણ બગાડી નાખે છે. એના બદલે “પડશે તેવા દેવાશે”, એમ કરીને આ બાબતમાં નેગેટિવ વિચારોને બંધ કરી દેવા. અત્યારે આપણે જે ભણતર કે કામ કરતા હોઈએ તેનામાં પૂરેપૂરી મહેનત કરવી.
ભણ્યા પછી નોકરી મળશે કે નહીં? પૈસા મળશે કે નહીં? એવી ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. એના બદલે હમણાં ભણવાનું પૂરું કરવું. પછી આગળ સંજોગ એની મેળે મળશે. ઊલટું આપણે પૈસાના વિચાર જેટલા બંધ કરીશું, તેટલા પૈસા આપોઆપ વધારે આવશે. ભવિષ્યની ચિંતા અત્યારે કરવાથી સંજોગોમાં કોઈ ફેરફાર થવાનો નથી. ઊલટું ચિંતા કરવાથી સમય અને શક્તિ વેડફાય છે. તેના બદલે પરીક્ષાની તૈયારીઓ કરવામાં એકાગ્રતા રાખીએ, સરસ ભણી લઈએ, પછી નોકરી માટે પ્રયત્નો કરીશું એમ નક્કી કરીને આગળ વધવું. કુદરતનો નિયમ છે કે પર્વત ચડવાનો હોય તો તે વખતે પગમાં તાકાત આવી જ જાય. તેમ નોકરી મેળવવાના સમયે બધું પહોંચી વળીશું. અત્યારે મારામાં આવડત નથી એમ કરીને નાસીપાસ થવા જેવું નથી.
નોકરી મળે પછી પણ લોકો સતત ટેન્શનમાં ફરતા દેખાય છે. આખો દિવસ નોકરીના કામોની, બોસને સારું લગાડવાની અને પ્રમોશન મેળવવાની ચિંતામાં ઘર, તબિયત બધું ભૂલી જાય છે. તે વખતે વર્ક-લાઈફ બેલેન્સ કેળવવું. એટલે કે, નોકરીમાં ગમે તેવું ટેન્શન હોય છતાં આપણે ઘર માટે અને પોતાની તબિયત માટે સમય ફાળવવો.
આપણે કોઈ વૈજ્ઞાનિકની જેમ ચોવીસ કલાક કામમાં ઘૂસી જઈએ, કે પહેલાના ઋષિમુનિઓની જેમ શાસ્ત્રો બનાવવા માટે મહિનાઓ સુધી દુનિયા ભૂલી જઈએ તેવા કામો તો નથી કરતા. આમ જોઈએ તો આપણી પાસે રોજેરોજ સમાચાર સાંભળવાની કે વાંચવાની, ક્રિકેટ કે સ્પોર્ટ્સના ખબર મેળવવાની, ખાવા-પીવા, નહાવા-ધોવા અને ઊંઘવાની ફુરસત હોય જ છે. તો સાથે સાથે તબિયત માટે થોડું ધ્યાન આપીએ. કસરત, યોગ વગેરે માટે સમય ફાળવીએ. તેમજ ઘરમાં પતિ કે પત્ની, બાળકો, વડીલો સાથે પૂરતો સમય વિતાવીએ. ઘરમાં આવીએ તો કામનું ટેન્શન બહાર મૂકીને આવવું તો ઘરની વ્યક્તિઓને પણ સંતોષ રહેશે અને આપણી તબિયત પણ સુધરશે.

ઘણા લોકો એ ચિંતામાં હોય છે કે ત્રણ મહિનાથી મારી નોકરી છૂટી ગઈ છે, આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત નથી તો મારે શું કરવું?, “ઘરનું ભાડું કે લોન કઈ રીતે ભરાશે?”, “બાળકોની સ્કૂલની ફી કઈ રીતે ભરાશે?”, “પત્નીની તબિયત સારી નથી રહેતી”, “પોતાને ડાયાબિટીસ ને હાર્ટ પ્રોબ્લેમ આવ્યો”, “બધાના ખર્ચા કઈ રીતે નીકળશે?” એમ ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘ ના આવે અને જીવ બળ બળ કર્યા કરે. આવા સમયે આપણે જેટલી ઓળખાણ હોય ત્યાં ત્યાં નોકરી માટે અરજી મૂકીએ, વાતચીત કરીએ, એવા બધા ઉપાયો કરીએ પણ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાથી ઊલટો ગૂંચવાડો વધશે. આપણે સહજ પ્રયત્નો ચાલુ રાખીશું તો ખરાબ કાળ પૂરો થશે અને સારો કાળ આવશે.
આપણને યોગ્ય નોકરી ન મળે ત્યાં સુધી જે પણ કામ મળે એ લઈને શરૂ કરી દેવું. જેમ આપણે ભૂખ્યા હોઈએ તો લાડવો જ મળે તેની રાહ નથી જોતા, સાદું રોટલી શાક મળે તે ખાઈને પણ પેટ ભરી લઈએ છીએ. તેવી રીતે આવા સમયમાં આપણી લાયકાત કરતા ઓછું કામ મળે તો પણ લઈને આર્થિક મુશ્કેલી ઓછી થાય તેમ કામ ચલાવવું અને વધુ સારી જગ્યાએ નોકરી માટે તપાસ ચાલુ રાખવી. ચિંતા કરવાથી નોકરી મળી નહીં જાય. આપણે સતત પ્રયત્નો કર્યા જ કરવા. છેવટે જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમનું નામ લઈએ, તેમને સોંપી દઈએ, જેથી નેગેટિવ વિચારો બંધ થાય અને સવળા સંજોગ બેસે.
ઘણી વખત આર્થિક મુશ્કેલી ન હોય પણ નોકરી છૂટી જાય તો, “બધા મારા માટે શું વિચારશે?”, “મારું ખરાબ દેખાશે કે નોકરી પર રાખ્યા નહીં.” એમ અપમાનના ભયથી ચિંતા માથે લઈ લઈએ છીએ. કેટલાક લોકો દેખાદેખીને કારણે ચિંતામાં પડે કે, “મારા મિત્રો મારા કરતા વધારે કમાય છે ને મને નોકરી નહીં મળે તો શું થશે?” તે વખતે સમજવું કે દરેકને પોતપોતાના કર્મો પ્રમાણે સંજોગ ભેગા થાય છે. તેમાં અસરોમાં આવીને ચિંતા કરવા જેવું નથી. એક નોકરી ગઈ તો બીજી મળશે, એમાં ચિંતા શું કરવાની?
આપણે વિપરીત સંજોગોમાં દુઃખી થઈએ, ડરી જઈએ, “મારું શું થશે?” એ ચિંતામાં પડીએ તેના કરતા હિંમત દાખવીએ અને ઉપાય કરીએ. અત્યાર સુધી બનેલા વિપરીત સંજોગોમાં કંઈ નથી થયું, તો આગળ પણ કંઈ નહીં થાય એમ પોઝિટિવ રહીએ. જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પાસે શક્તિ માંગીએ કે આ પરિસ્થિતિમાં સોલ્યુશન લાવવાની શક્તિ આપો, તો કંઈક સૂઝ પડીને રસ્તો નીકળી આવશે.
ધંધામાં નફો અને ખોટ બંને હોય જ. ત્યારે આપણે નફાની અપેક્ષા રાખવાને બદલે ખોટની તૈયારી રાખીએ તો ચિંતા ટાળી શકાય. ધારો કે, ધંધામાં પાંચ લાખની કમાણી થાય તેવું હોય, ત્યાં નક્કી કરીએ કે લાખ રૂપિયા મળે તો બહુ છે. નહીં તોય છેવટે ખર્ચ બાદ કરીએ, ઈન્કમટેક્સ બાદ કરીએ તેના પછી સરભર થઈ રહે તોય બહુ થઈ ગયું. પછી એમાં જો પાંચ ને બદલે ત્રણ લાખ મળશે તોય મન આનંદમાં રહેશે. કારણ કે, ધાર્યાં કરતાં ઘણાં વધારે મળ્યા. બીજી બાજુ આપણને અઢી લાખ મળે એવું હોય, પણ ત્યાં ખર્ચ ઉમેરીને ચાર લાખનો પ્રોફિટ ફોરકાસ્ટ (આગાહી) કરીએ. પણ પછી સંજોગો બદલાય, વ્યક્તિઓ બદલાય, આપણી ધારણા કરતા વધારે ખર્ચ થઈ જાય ને છેવટે ‘નો-પ્રોફિટ, નો-લોસ’ની પરિસ્થિતિ આવીને ઊભી રહે, તો પોતે ચાર લાખની ખોટ ગઈ એમ ચિંતા કરે. કારણ કે પહેલેથી નફાની તૈયારી રાખી હતી. એટલે જીવન જીવવાની રીત બદલી નાખવી. આખી દુનિયા નફો ખોળતી હોય ત્યારે આપણે ખોટની તૈયારી રાખવી. નફો ખોળનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ ખોળનારને કોઈ દિવસ ચિંતા નહીં આવે તેની ગેરન્ટી! છતાં ભારે ખોટ આવે ત્યારે ટેન્શન થાય તો ધીરજ પકડવી. એક ટ્રેન છૂટી છે બીજી આવશે, એમ કરીને રાહ જોવી. ધંધામાં મંદી હોય ત્યાં સુધી આપણે સમયનો સદુપયોગ કરવો. એટલે કે ધર્મના કાર્યોમાં, અધ્યાત્મની સમજણ ભેગી કરવામાં અને સત્સંગમાં તેજી કરી નાખવી.
A. જીવનમાં મનુષ્યને ઘણા પ્રકારની ચિંતા હોય છે. જેમ કે, નોકરીનું ઠેકાણું નહીં પડે તો શું થશે? ઘરમાં... Read More
Q. લોકો ચિંતા શા માટે કરે છે? તેની પાછળનું મનોવિજ્ઞાન
A. આ કળિયુગમાં દુષમકાળની વિપરીત અસરને કારણે તેમજ સાચી સમજણના અભાવે લોકો સતત ચિંતા કે ટેન્શનથી દુઃખી... Read More
Q. સ્ટ્રેસ મેનેજમેન્ટ : તે શા માટે જરૂરી છે?
A. ઘણા લોકો એમ માને છે કે ચિંતા કરવી એ તો માણસનો સ્વભાવ છે, એટલે ચિંતા એક કે બીજા સ્વરૂપે થતી જ હોય.... Read More
Q. ચિંતાથી મુક્ત જીવન કઈ રીતે જીવાય?
A. કળિયુગ એટલે કળ વળે નહીં એવો યુગ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલુ જ હોય તેવા આ કાળમાં ચિંતા... Read More
Q. નાણાકીય સમસ્યાઓ અને પૈસાની ચિંતા કઈ રીતે ટળે?
A. આજકાલ લોકોને સતત ચિંતા રહે છે કે, “નોકરી જતી રહેશે તો?”, “નોકરીમાં પ્રમોશન નહીં મળે તો?”, “ઘરખર્ચ... Read More
Q. "લોકો મારા વિશે શું વિચારશે?" – આ ચિંતા અને ડરથી કઈ રીતે છૂટવું?
A. “લોકો મારા વિશે શું વિચારશે?” એ આજકાલ બહુ સામાન્ય વસ્તુ છે. મોટેભાગે જોવા જઈએ તો લોકોને પડી જ નથી... Read More
Q. "હું બધું જ ખોઈ બેસીશ" – એ ડર પાછળનું કારણ અને તેમાંથી નીકળવાના ઉપાય શું છે?
A. આપણે જેને પોતાનું સર્વસ્વ માન્યું હોય તેમાં નુકસાન થાય એટલે બધું ગુમાવી બેસવાનો ભય ઊભો થાય. ધારો... Read More
Q. આપણા કાબૂ બહારની પરિસ્થિતિમાં ચિંતામુક્ત કેવી રીતે રહેવું?
A. ચિંતા એ એક પરિણામ છે, પરસત્તાને પોતાના હાથમાં લીધી તેનું. પરસત્તા એટલે જે વસ્તુ આપણા કાબૂની બહાર... Read More
subscribe your email for our latest news and events
