Related Questions

લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?

લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો ખૂબ પૈસા કમાઈ લઈએ. મોટા-મોટા આલીશાન મકાન બંધાવીએ, ગાડી-મોટર ખરીદીએ, બેંક બેલેન્સ વધારીએ પણ છેવટે આમાંથી કશું જોડે લઈ જવાતું નથી. એક દિવસ બધું મૂકીને જતા રહેવાનું છે. તો પછી લક્ષ્મી પાછળ આંધળી દોટ શાને?

પશુઓને ક્યારેય જીવનનિર્વાહ માટે ચિંતા કરતાં, કે ગામ છોડીને શહેરમાં જતાં જોયા છે? કુદરતી રીતે એમનું બધું ચાલ્યા જ કરે છે. પણ મનુષ્યો પૈસા કમાવા ઠેઠ દરિયાપાર જાય છે. તે ખરેખર જીવનનિર્વાહ માટે કે લોભ માટે? 

લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી ‘અનલિમિટેડ’ છે! દરેકને બેંકમાં નાણાં જમા થાય એટલે ‘હાશ’ થાય અને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ ‘હાશ’ કરવા જેવું નથી. કારણ કે, બધું જ ‘ટેમ્પરરી’ છે! એમાંય નાણાં આજે છે ને કાલે નથી. માટે એનો બોજો રાખવા જેવો નથી.

નિયમથી જેમ સૂર્યોદય સાથે સૂર્યાસ્ત થયા જ કરે, તેમ જીવનમાં પૈસા વધ-ઘટ થયા જ કરે. બંગલા, ગાડીઓ, સુખ સગવડો વધે, અને પછી વિખરાય. જ્યારે એ વિખરાય ત્યારે જીવનમાં શાંતિ રાખવી એ મોટામાં મોટો પુરુષાર્થ છે!  સગો ભાઈ પૈસા પડાવી લે અને ઉપરથી અપશબ્દો કહે ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે. કોઈ નોકર ઑફિસમાંથી મોટી કિંમતનો માલ ચોરી જાય, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. સાચી સમજણ નહીં હોવાથી, આવા સમયે લોકો કષાયો કરીને અવતાર બગાડી નાખે છે!

આજની સલામતી માટે આપણે બધી જ વિચારણા કરીએ, પણ આગલા ભવની સલામતી માટે વિચાર્યું? પૈસા કમાવા માટે ધંધો-રોજગાર કરવા એ જીવનમાં મુખ્ય વસ્તુ નથી, એ તો બાય પ્રોડક્ટ છે!  મુખ્ય હેતુ મનુષ્યજીવનને સાર્થક કરવાનો છે.

ક્લેશરહિત વ્યવહાર

આર્થિક સંજોગો કપરા આવે ત્યારે સમજવું કે જેમ દિવસ પછી રાત આવે છે, તેમ આ સંજોગો પણ ફરશે. આજે નોકરી નથી તો કાલે નવી મળી આવશે. આજે ધંધામાં ખોટ ગઈ તો કાલે નફો થશે. એક વર્ષ વરસાદ ન પડ્યો તો ખેડૂતો નાસીપાસ થઈ જાય કે આર્થિક પરિસ્થિતિ ખલાસ થઈ ગઈ. પણ પછી બીજા વર્ષે વરસાદ પડે ને સ્થિતિ સુધરી જાય. એટલે, આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે હાયવોય કર્યા વગર ધીરજ રાખવી. ખર્ચ ઓછો કરી નાખવો અને ગમે તે રસ્તે મહેનત કરવી, પ્રયત્નો વધારે કરવા પણ ચિંતા ન કરવી.

કેટલીક વખત આર્થિક મુશ્કેલી હોતી જ નથી, પણ લોભને કારણે મનુષ્ય ચિંતા કરે છે. રહેવા, ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના પૈસા છે કે નહીં, એટલું જોઈ લેવાનું. એથી આગળ નહીં વિચારવાનું.

મનુષ્યના જન્મ વખતે જેટલી જાહોજલાલી હોય, તે પ્રમાણેનું આખી જિંદગીનું ધોરણ હોવું જોઈએ. બીજું બધું એક્સેસ છે, જે ઝેર છે.  આજકાલ લોકો પાડોશીનું જોઈને ચિંતા કરે છે. પાડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. ત્યારે વિચારવું કે જીવન-જરૂરિયાત માટે કેટલું જોઈએ? એકવાર નક્કી કરી લેવું કે, આટલી આટલી મારી જરૂરિયાત છે. જેમ કે, ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. પછી તેટલું આપણને મળી રહેશે.

દેખાદેખીથી જ દુઃખ ઊભા થાય છે. પાડોશીએ બેંકમાં દસ લાખ મૂક્યા હોય તો આપણને અંદર ખૂંચ્યા કરે, પછી પોતે પણ પૈસા કમાવાની પેરવીમાં પડે. આમ લોકો જાતે જ દુઃખને આમંત્રણ આપે છે.

મોટાભાગના લોકોને પૈસા બચાવવા છે, કેમ? આવનારી પેઢી માટે કંઈક મૂકી જવાય. પછી જરૂરિયાતના ખર્ચ માટે પૈસા વાપરતા તેમનો જીવ બળે છે. એના બદલે આવનારી પેઢી માટે એક નિયત રકમ રાખી દેવી, પછી ભવિષ્યની ચિંતામાં આજે દુઃખી ન થવું. 

પૈસા પૂરણ થાય અને ગલન થાય, ભેગા થાય અને વિખરાય તેમાં ગંભીરતા રાખવી, શાંતિ પકડવી. પણ લોકો દોડધામ કરીને, ક્લેશ કરીને અવતારો બગડી નાખે છે. ઉપરથી બેંક બેલેન્સમાં કોઈ ફેરફાર નથી થતો.  લોકો લાખ નક્કી કરે કે આ વખતે બેંકમાં આટલા રૂપિયા જમા કરાવ્યા છે, ઉઠાવવા નથી. પણ જ્યારે-ત્યારે ઉઠાવવાનો વારો આવે જ છે. નહીં તોય છેવટે બધું મૂકીને જવાનો વારો આવે છે. એટલે આ બધું કુદરતી રીતે ચાલ્યા જ કરે છે તેમાં ચિંતા ન કરવી. છતાં, લોકો રાત્રે પલંગમાં વિકલ્પ કર્યા કરે કે આ એક મિલ બંધાઈ ગઈ, હવે બીજી ફેક્ટરી બનાવીએ. ઘરના લોકો કહે કે શાંતિથી સૂઈ જાઓ તોય ઓઢીને યોજના ઘડ્યા કરે. એના કરતા નિરાંતે સૂઈ ન જઈએ?

અગિયાર લાખ કમાયા હોય તેમાંથી પચાસ હજારની પાછળથી ખોટ જાય તો લોકો જીવ બાળ્યા કરે. અરે! ત્યારે અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખવા ને સાડા દસ લાખનો નફો જમે કરવો. એમ કરીએ તો શાંતિ રહે ને! 

લક્ષ્મીજી તો જેમ હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. પણ જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. જેમનું આખો દિવસ ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત હોય, તેમના ઘરનાં છોકરાઓ-છોકરીઓ કોલેજને બદલે ક્યાંક આડા રસ્તે જાય. એક તરફ પોતે કમાયા કરે, પણ બીજી તરફ ઘર ભેલાઈ રહ્યું હોય એવા પૈસા શું કામના?

સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો ધર્મમાં વળી ગઈ હોય, તો વાંધો નથી. નહીં તો એ ઉપાધિ થઈ પડે. કોને આપવી? હવે ક્યાં મૂકવી? એની પીડા વધી જાય!  એના કરતાં ઓછું કમાઈએ તે સારું.

આર્થિક પ્રતિકૂળતા આવે ત્યારે સરપ્લસ સમયમાં ધર્મ અને ભક્તિમાં મન વાળી લેવાનું. કારણ કે, અનુકૂળતા એ દેહનો ખોરાક છે, અને પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે.  કપરા સંજોગોમાં જ મોટાભાગના લોકો ધર્મ અને આધ્યાત્મ તરફ વળે છે. તેનાથી જીવનમાં ક્લેશ ઘટે છે અને શાંતિ મળે છે.

નીતિ અને પ્રામાણિકતા

વ્યવહારનો સાર હોય તો તે છે, નીતિ. જીવનમાં નીતિ હશે, તો પછી પૈસા ઓછા હશે તો પણ અંદર શાંતિ રહેશે, અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હોય તોયે અશાંતિ રહેશે. કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ હોય, એવી અકળામણ-અકળામણ રહ્યાં કેરે તે શું કામનું!

પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. એમાંય પોતાનું બીજાને આપવું એ દેવધર્મ છે. બીજાનું અણહક્કનું ન લેવું એ માનવધર્મ છે. જ્યારે ‘ડિસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેશ! ’

સંત કબીરે કહ્યું છે કે,

“સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લીયા સો પાની,

ખીંચ લીયા સો રક્ત બરાબર, એહી કબીરા બાની.”

એટલે કે, જે કંઈ પણ આપણને સહજ પ્રયત્ને પ્રાપ્ત થાય તે દૂધ જેવું પૌષ્ટિક છે. માંગીને મેળવીએ એ પાણી જેવું સામાન્ય છે. પણ બીજા પાસેથી ખેંચીને પડાવી લેવું એ લોહી પીવા બરાબર છે. લક્ષ્મીની બાબતમાં આ કાયદો પાળવો જોઈએ.

વેપારી તરીકે આપણે “એકદમ ચોખ્ખો માલ છે” એમ કહીને ભેળસેળવાળો માલ વેચીને ખુશ થઈએ તો એ છેતરપીંડીનું ફળ ભોગવવાનું આવે. આપણે નક્કી કરીએ કે, આવું ખોટું કામ નથી જ કરવું, પોતાની સો ટકાની ઈચ્છા સારો માલ આપવાની જ રાખીએ, અને માલ ખરાબ હોય તો પ્રમાણિકતાથી તેમ કહીને ઓછા ભાવે વેચીએ તો પોતાની જોખમદારી ઘટે છે.

કોઈને છેતરીને પૈસા કમાતી વખતે સતત ધ્યાનમાં રાખવું કે કાં પૈસો જશે કાં આપણે જતા રહીશું. પણ પૈસા કમાતાં જે લોકોને દુઃખ આપ્યું તે પાપકર્મ આપણી જોડે આવશે. પછી તેનું ફળ ભોગવતી વખતે શું દશા થશે?  કોઈને દુઃખ દઈને પોતે સુખી કઈ રીતે થઈએ? ઊલટું, સાચે રસ્તે મેળવેલી લક્ષ્મી અંતરશાંતિ આપશે.  જ્યાં પ્રામાણિકપણું હોય ત્યાં કોઈ ભય ના રહે!

બે નંબરનું કાળું નાણું ઘરમાં આવે તો તેનાથી અધોગતિના કર્મનો બંધ પડે, જેને ભોગવવા જાનવરગતિમાં જવું પડે.  લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે.  જેમ નદીમાં પૂર આવે અને ઘરમાં પાણી ભરાઈ જાય, પછી પાણી ઊતરે ત્યારે કાદવ રહી જાય, જેને સાફ કરતા દમ નીકળી જાય. કાળું નાણું પૂરના પાણી જેવું છે, જે જતી વખતે રોમે-રોમે કૈડીને જશે, માટે ચેતીને ચાલવું.  ખરી રીતે છેતરનારા પોતે જ છેતરાય છે! જ્યારે જે પોતે છેતરાય છે તે અનુભવને પામે છે, ઘડાય છે. 

છેતરીને પૈસા કમાવા એટલે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય, તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જવું. આજે પ્રામાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મળતી હોય તો સમજવું કે પહેલેથી જ અવળા કામો કરીને મનુષ્યપણાની સિદ્ધિ વટાવીને જ આવ્યા છીએ, તેનું આ પરિણામ છે. માટે નવેસરથી સુધારી લેવું.

અત્યાર સુધી લક્ષ્મી સંબંધી જે કોઈ ચોરીઓ થઈ હોય, કોઈને છેતર્યા હોય કે કોઈનું પડાવી લીધું હોય તેવા અપ્રામાણિકતા અને અનીતિનો હૃદયથી પસ્તાવો કરવો જોઈએ, અને ફરી આવું ન થાય તે માટે નિશ્ચય કરવો જોઈએ. જેથી ચોરી કરવી જોઈએ એ અભિપ્રાય ઊડી જાય! જેટલી વાર પોતાનો દોષ દેખાય તેટલી વાર ફરી ફરી પસ્તાવો લેવો, તો દોષ ધોવાઈ જાય. 

માનવતાવાળો વ્યવહાર

કોઈનો એક પૈસો ખોટો લેવાય નહીં. માનવતા એને કહેવાય કે સામાને દુઃખ થાય ત્યારે આપણને વિચાર આવે કે કોઈ મારી સાથે આવું કરે તો? આ દુનિયામાં સુખ આપીએ તો સુખ મળે, અને દુઃખ આપીએ તો દુઃખ મળે.  આપણે સાચા રસ્તે ચાલીશું, તો બહાર ભલે પૈસા નહીં હોય, પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને દુઃખી દુઃખી કરી નાખશે.

આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો, અને કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. કારણ કે, લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી, પણ આપણી પાસે કોઈની લક્ષ્મી ન રહે એ નિરંતર ધ્યેય રાખવો.

કોઈના પૈસા ઉછીના લેતી વખતે જેનો દૃઢ નિશ્ચય વર્તે છે કે મારે પાછા આપી જ દેવાના છે, તેનો વ્યવહાર કંઈ ઓર જ દેખાય!  જ્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસાની ઉઘરાણી કરે, ત્યારે આપણી પાસે ન હોય તો વિનયપૂર્વક, સામાને દુઃખ ન થાય તેવી રીતે વાત કરવી.  આપણા ચોપડે જેમની જેમની રકમ જમે હોય તે બધાને ચૂકવી દેવાની દાનત રાખવી.

કોઈને ઊંચા વ્યાજે પૈસા ધીરીએ અને સામો ચૂકવી ન શકે, તો એને દુઃખ થાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, જે વ્યાજ ખાય છે તે માણસ કસાઈ જેવો નિર્દય થઈ જાય છે, માટે વ્યાજ ન ખાવું જોઈએ.

બિચારા મજૂરો આખો દિવસ મજૂરી કરે ત્યારે બે ટંકનું જમવાની વ્યવસ્થા કરતા હોય. તેમાં આપણે એને “છૂટક પૈસા નથી” કરીને ખાલી હાથ પાછા મોકલીએ તો એ રાત્રે શું જમશે, એનો વિચાર કરવો જોઈએ. કોઈના દુઃખમાં વધારો ન કરવો જોઈએ.

હૃષ્ટપુષ્ટ ભિખારી ભીખ માંગે ત્યારે એને દાન ન આપીએ તો વાંધો નહીં પણ મહેણાં-ટોણાં મારીને દુઃખ થાય તેવું ન બોલવું જોઈએ. કોઈના પણ સંજોગ અવળા આવી શકે, એમાં વ્યક્તિનો શો વાંક? તેવી જ રીતે, શાકભાજી વેચતા ફેરિયાઓ સાથે કચકચ ન કરાય. થોડા વધારે પૈસા આપી દેવા પણ કચકચ કરીને દુઃખ ન આપવું.  નોકરથી પ્યાલો ફૂટે ત્યારે એની સાથે, રિક્ષાવાળા સાથે, સામાન ઊંચકનારા હમાલ સાથે એમ દરેક જગ્યાએ પૈસાને લઈને કકળાટ કરીએ તો ઊલટા ઝઘડા વધે.  કામમાં નુકસાન થાય અને આપણા હાથ નીચે કામ કરનારા અંડરહેન્ડને ખખડાવી મૂકીએ, તો એને પણ દુઃખ થાય. કોઈને દુઃખ થાય એવો વ્યવહાર થાય, તો તેનો પસ્તાવો લેવો જોઈએ.

જો લક્ષ્મીનો કેફ ન ચડતો હોય તો વધુ કમાવાનો વાંધો નથી. પણ લક્ષ્મીનો કેફ દારૂના કેફ જેવો છે. પૈસાની ખુમારીમાં પોતે ભમ્યા કરે ને લોકોનો તિરસ્કાર કરે.

ગમે તેટલું કમાયા હોઈશું, પણ મરતી વખતે કર્મોનું સરવૈયું આવશે, માટે ચેતીને ચાલવું!

મૂડીરોકાણનું ગણિત

મૂડીનું પૂરેપૂરું રોકાણ કોઈ એક જગ્યાએ ન કરતાં સ્થાવર અને જંગમ મિલકતમાં વહેંચીને કરવું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે બસો વર્ષ પહેલાંના વેપારીઓ મૂડીનું રોકાણ એવી રીતે કરતા જેથી વેપારમાં ક્યારેય નાદારી ન આવે. ધારો કે, તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની સ્થાવર મિલકત લઈ લે, પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આવી પદ્ધતિથી મૂડીરોકાણ કરે, પછી ગમે તેવી ખોટમાં નાદારીથી બચી શકે.

લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. જંગમ મિલકત એટલે રોકડા રૂપિયા ચંચળ સ્વભાવના છે, એ સ્થિર ના રહે. ચોથા ભાગને જંગમ એટલે કે, બેંકમાં રોકડા રાખવા જેથી રોજિંદો જીવન વ્યવહાર ચાલી શકે. સોનું એ સ્થાવર જંગમ કહેવાય. સોનું ચાળીસ-પચાસ વર્ષ ટકે. પા ભાગની મૂડી તેમાં રોકી હોય તો ગમે ત્યારે જરૂર પડ્યે રોકડા થઈ શકે. પણ લોકોને બુદ્ધિ ઊભી થાય કે સોનામાં રોકીશું તો વ્યાજ નહીં મળે, એટલે પછી બેંકમાં મૂકી આવે. પછી ચોથો ભાગ સ્થાવર મિલકતમાં રોકવો અને ચોથો ભાગ વેપારમાં. સ્થાવર મિલકત એટલે કે, મકાનમાં રોકાણ એ સો વર્ષ ટકે.

પરમ પૂજ્ય દાદાશ્રી ભારપૂર્વક એમ પણ કહે છે કે, શેરબજારમાં તો પડવું જ ન જોઈએ. કારણ કે એ રમતમાં પાંચ-સાત ખેલાડીઓ રમે ને વચ્ચેના ચકલાં બફાઈ મરે!  પણ દરેકને એવા સલાહકાર મળી આવે જે કહે કે, અત્યારે શેરબજારમાં ભાવ સારા છે, નાખી દે. પોતે એ લાલચમાં આવી ગયા એટલે પડ્યા સમજો!

છેવટે, આવકનો થોડો ભાગ ધર્માદામાં આપવો. પૈસા સારા રસ્તે એટલે કે પારકાં માટે વપરાય એમ કરવું. કોઈને અડચણ હોય, કોઈ દુઃખી હોય તેમને આપવું. અથવા જ્ઞાનદાનના રસ્તે સારા પુસ્તક છપાવીને આપવા જે લોકોને હિતકારી થાય. પૂર્વે પારકાંને આપ્યું હશે તો આજે લક્ષ્મી આવશે.

ધર્મમાં વેપાર ન ઘટે

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, વેપારમાં ધર્મ ઘટે પણ ધર્મમાં વેપાર ના ઘટે!  જો ધર્મમાં વેપાર પેસે તો ઉચ્છેદ (નિકંદન) નીકળે. લાખો વર્ષો સુધી ડુંગરનો પથ્થર થઈને બેસી રહેવું પડે એવો અવતાર થાય.

લોકો શાંતિ માટે ધર્મ તરફ વળે છે. પણ જ્યાં ધર્મના નામે વેપાર ચાલતો હોય ત્યાં ગુરુઓ થકી ભક્તો પાસેથી પૈસા, દાગીના પડાવી લેવાતા ઊલટું એનું દુઃખ વધે છે.  જો ધર્મમાં મોંઘી ફી લેવાય તો ગરીબોથી ધર્મ કેમનો પળાય? ગુરુ તો શુદ્ધ ચારિત્રવાળા હોવા જોઈએ. જ્યાં લક્ષ્મી અને વિષય-વિકાર પેસે, ત્યાં સાચા ગુરુ નથી.

ધર્મના નામે લોકોના ખોટા પૈસા લીધા હોય, વ્યભિચાર કર્યો, દૃષ્ટિ બગાડી હોય, તે સર્વેને યાદ કરીને સાચા હૃદયથી ખૂબ પસ્તાવો લઈએ અને ફરી એ દોષ ન થાય એવો દૃઢ નિશ્ચય કરીએ તો એ દોષ ઓછા થઈ શકે!

×
Share on