ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય. અથવા આપણે લેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય અને તેની ઉઘરાણી કરવાની હોય. આ બંને વખતે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સચોટ સમજણ અહીં મળે છે.
લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. દરેકને પોતાના પૈસા વહાલા હોય. ધંધામાં આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને ચૂકવીએ નહીં ત્યારે સામાને ખૂબ દુઃખ થાય. એટલે આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈને કિચિંત્માત્ર દુઃખ ન હો. આપણે પહેલેથી નક્કી રાખવું, કે મારા કારણે કોઈના પૈસા ડૂબે નહીં અને વખતે ડૂબ્યા, તો ગમે તે ભોગે પણ પૈસા પાછા આપવા જ છે. ધંધામાં ખોટ જાય તો વાંધો નથી પણ જેના પૈસા લીધા છે એમનું દેવું ચૂકતે કરી દેવાનો આપણો ભાવ ચોખ્ખો રાખવો જોઈએ. આપણો ધ્યેય નિરંતર એ જ રહેવો જોઈએ કે મારે પાઈ-પાઈ ચૂકવી દેવી છે. આ મોટામાં મોટી વસ્તુ છે.
આજકાલ ધંધામાં ખોટ જાય તો લોકો લાખો-કરોડો રૂપિયા દાબીને નાદારી જાહેર કરે છે એટલે કે, ધંધામાં દેવાળું ફૂંકે છે, એ બહુ ખરાબ કહેવાય. કોઈનો પૈસો દબાવીને આપણે શાંતિથી જીવીએ અને જેના પૈસા ગયા હોય એને દુઃખ થાય તેનાથી તો અનંત અવતારો બગડે છે. માટે કોઈના પૈસા પચાવી પાડવાની આપણી દાનત બિલકુલ ન હોવી જોઈએ. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તો તેનો વાંધો નથી, પણ આપણી પાસે કોઈની લક્ષ્મી ના રહેવી જોઈએ.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે આ ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ધંધાના ખેલ ખેલો, પણ ખેલાડી ના થશો. જો ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ! ખેલાડી એટલે ધંધામાં એક પાર્ટી પાસેથી પાંચ લાખ ઉધાર લે. પછી બીજી પાર્ટી પાસેથી દસ લાખ ઉધાર લે, એમાંથી પહેલાના પાંચ લાખ ચૂકવી દે. પછી ત્રીજી પાર્ટી પાસેથી લઈને બીજાને ચૂકવી દે. આમતેમ કરીને બુદ્ધિનું ચક્કર ચલાવે, પણ છેવટે મોટું દેવું થઈ જાય ને પોક મૂકવાનો વારો આવે.
નિયમ એવો છે કે કોઈના પૈસા લેતાંની સાથે જ, આ પૈસા મારે પાછા આપવા છે, એમ નક્કી કરીને પછી જ લેવાય. વહેલી તકે દેવું ચૂકવવાનો આપણો ભાવ હોવો જોઈએ, પછી સંજોગોવશાત્ તેમાં મોડું થાય તેનો વાંધો નથી, પણ ભાવ ન બગાડવા દેવો. આપણને ધંધામાં અડચણ હોય અને પૈસા ચૂકવી ન શકતા હોઈએ ત્યારે એટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો છે કે નહીં. “આજે મારી પાસે બધા રૂપિયા હોત તો આજે જ પાછા આપી દેત!” એ ચોખ્ખો ભાવ કહેવાય. આવો ભાવ ચોખ્ખો હશે તો પૈસા ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી. ભાવ ચોખ્ખો નહીં રહેતો હોય તો પૈસા નહીં ચૂકવાય.
આપણે કોઈને પૈસા આપ્યા હોય અને પાછા ન આવતા હોય ત્યારે આપણે પાછા મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ કે આપણો હિસાબ છે એમ માનીને સંતોષ રાખીને બેસવું જોઈએ? તેના જવાબમાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, ‘અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.’ એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.” આપણી પાસે કોઈને પૈસા લેવા હોય ત્યારે એ જેટલો વિવેક રાખે, એટલો જ વિવેક આપણે કોઈની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો.
ઉઘરાણી વખતે આપણી અંદરની સમજણ એવી ગોઠવવી જેનાથી આપણને ચિંતા ન થાય. જો એક દિવસ આપણને શંકા પડે અને વિચાર આવે કે, “આ પૈસા નહીં આપે તો શું થશે?” તો આપણું મન નબળું પડતું જાય. પૈસા આપ્યા પછી નક્કી કરવું કે જાણે કાળી ચીંથરી બાંધીને દરિયામાં નાખી દીધા હોય એ રીતે પૈસા આપ્યા છે. આમ, પાછા આવવાની આશા રાખ્યા વગર પૈસા આપવા, નહીં તો આપવા જ નહીં. પૈસા આપ્યા પછી આશા રાખવી અને ન આવે તો ચિંતા કરવી એ મૂર્ખાઈ છે.
કોઈને આપેલા પૈસા પાછા લેવાની ઉઘરાણી માટે સહજ પ્રયત્નો કરવા. આપણે સવારમાં દસ વાગ્યાના ઉઘરાણી માટે નીકળી પડ્યા, પણ વ્યક્તિ ભેગી ના થઈ. પછી ફરી બાર વાગ્યે જઈએ, તોયે ના મળે તો ઘરે આવીને ફરી દોઢ વાગ્યે જઈએ, એમ ધક્કા ખાયા કરીએ એવું નહીં કરવાનું. આજકાલ ફોનથી ઉઘરાણી કરતા હોઈએ તો દર બે કલાકે ફોન કરીએ એવું ના કરવું જોઈએ. સહજ પ્રયત્ન એટલે એક વખત જઈ આવ્યા અને ના મળે તોય પછી બીજી વખત વિચાર નહીં કરવાનો. થોડા દિવસ પછી ફરીથી જવાનું કે ફોન કરવાનો. આપણા સહજ પ્રયત્નો હોય તો ઘણીવાર એમ પણ થાય કે આપણે ગયા ને કોઈ ન મળ્યું, પણ પાછા ફરતા હોઈએ ત્યારે એ સામા ભેગા થાય અને આપણું કામ થઈ જાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને? ‘આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો.’ એવાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તોય બગડે. ”
પૈસા સમયસર પાછા ન મળે ત્યારે “જે બન્યું તે જ ન્યાય!” એ સમજણ ગોઠવીએ તો સૌથી પહેલો બુદ્ધિનો બળાપો બંધ થઈ જાય. સવળી સમજણમાં શ્રદ્ધા હોય તો આપણને વ્યક્તિ ઉપર ક્રોધ ન આવે, અકળામણ ના થાય, દિવસ-રાત ચિંતા ન થાય. પછી વ્યવહારમાં આપણે ઉઘરાણીએ જવાનું અને વ્યવહાર પૂરેપૂરો નિભાવવો. વ્યક્તિ ભેગી થાય તો ગમ્મતમાં કહેવું કે, “ચાર વખત ફોન કર્યો મળ્યા નહીં, ને આજે હું લકી કે તમે લકી, આપણે ભેગા થયા! અત્યારે મને મોટી મુશ્કેલી છે. તમારી પાસે પૈસા ના હોય તો કોઈની પાસેથી લઈને, સગવડ કરીને પણ મને પૈસા અપાવડાવો.” આમતેમ વાત કરીને રસ્તો કાઢવો. ગુસ્સો કર્યા વગર વિનયથી વ્યવહારિક વાત કરીએ તો આપણું કામ નીકળે.
વખતે પૈસા પાછા આવ્યા તો આપનારને બેસાડીને ચા-પાણી કરાવવા અને કહેવું, “તમારો ઉપકાર માનવો પડે કે તમે આવીને રૂપિયા પાછા આપી ગયા, નહીં તો આ કાળમાં આવે નહીં.” અને વખતે કોઈ કહે કે વ્યાજ નહીં અપાય તો કહેવું, “મૂડી લાવ્યા એ જ બહુ છે!” જેણે પૈસા લીધા છે એને પાછા આપવાનું દુઃખ છે અને જેણે આપ્યા છે એને પાછા લેવાનું દુઃખ છે. બેમાંથી કોઈ સુખી નથી, એવો વિચિત્ર આ સંસાર છે.
આપણે જેને પૈસા આપ્યા હોય એની દાનત ફરે અને પૈસા ચૂકવવાની વાતથી ફરી જાય, ત્યારે આપણે કાયદાનો સહારો લઈને પૈસા મેળવવાના પ્રયત્નો કરીએ છીએ. તેમ છતાં આપણા પૈસા હાથમાં ન આવે ત્યારે સમજવું કે એ વ્યક્તિની દાનત બગડી છે, ભવિષ્યમાં કુદરતના ન્યાયમાં એ ગુનેગાર ઠરશે ત્યારે બહુ દુઃખી થશે. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે “હે ભગવાન! એ વ્યક્તિને સદ્બુદ્ધિ આપજો.” વ્યક્તિ આપણને પૈસા નહીં ચૂકવે તો પછી કુદરતની કોર્ટમાં ન્યાય થશે અને મોટા વ્યાજ સાથે અનેકગણી રકમ ચૂકવવી પડશે. કારણ કે, મનુષ્યોના કાયદાનો ભંગ થાય પણ કુદરતનો કાયદો કોઈ તોડી ન શકે.
ટૂંકમાં, આપણે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો ચોખ્ખા દિલથી પાછા આપી દેવાના ભાવ સાથે પૂરેપૂરા પ્રયત્નો કરવા. જ્યારે કોઈએ આપણી પાસેથી પૈસા ઉછીના લીધા હોય અને પાછા ન આપતા હોય તો સંપૂર્ણ વિનય સાથે પૈસા પાછા મેળવવાના વ્યવહારિક પ્રયત્નો કરવા અને પાછા ન મળે તો દુઃખી ન થવું.
Q. ધંધામાં નીતિ અને પ્રમાણિકતા કઈ રીતે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?
A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More
A. લોભ એટલે અંધાપો! પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં ને... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
A. લોકો એમ માને છે કે લક્ષ્મી મહેનત કરવાથી, એની પાછળ પડવાથી કે બુદ્ધિ વાપરવાથી મળે છે. પણ જો મહેનતથી... Read More
Q. પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?
A. હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં... Read More
Q. લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
A. લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો... Read More
A. લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી... Read More
Q. પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?
A. લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય;... Read More
subscribe your email for our latest news and events