Related Questions

પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?

ઈનામ પહેલાને જ, ને બાકીનાને...

રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લૂગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં.

પ્રશ્નકર્તા: જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?

દાદાશ્રી: લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?

પ્રશ્નકર્તા: પહેલા ઘોડાને.

દાદાશ્રી: તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?

પ્રશ્નકર્તા: જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?

દાદાશ્રી: તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

સંદર્ભ : દાદાવાણી Magazine April 1999 (Page #11)

'દાદા'નું ગણિત!

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચાયે ના પાય પછી. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા: બરોબર છે.

દાદાશ્રી: એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.

દોડ, દોડ, દોડ પણ શેના સારુ ? નંબર લાગવાનો હોય તો હેંડ, ચાલ, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરે ય નહીં, ઈનામે ય નહીં, કશું ય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં !

સંદર્ભ : દાદાવાણી Magazine April 1999 (Page #12)

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on
Copy