Related Questions

તમારા જીવનમાંથી કેવી રીતે ક્રોધને દૂર કરી શકાય?

કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે છે.

અને કેટલાંક તો ક્રોધ કરે છે ને કહે, 'ક્રોધ ના કરે તો ચાલે જ નહીં મારું ગાડું, મારું ગાડું બંધ થઈ જાય.' એવું ય કહે.

ક્રોધ-માન-માયા-લોભ નિરંતર પોતાનું જ ચોરી ખાય છે, પણ લોકોને સમજાતું નથી. આ ચારેય ને જો ત્રણ વરસ ભૂખ્યાં રાખો તો તે ભાગી જાય. પણ તે જ ખોરાકથી જીવી રહ્યાં છે તે કયો ખોરાક ? તે જો જાણો નહીં તો તે શી રીતે ભૂખ્યાં મરે ? તેની સમજણ નહીં હોવાથી તેમને ખોરાક મળ્યે જ જાય છે. એ જીવે છે શી રીતે ? ને તે ય પાછાં અનાદિકાળથી જીવે છે ! માટે તેનો ખોરાક બંધ કરી દો. આવો વિચાર તો કોઈને ય નથી આવતો ને બધા મારીઠોકીને તેમને કાઢવા મથે છે. એ ચાર તો એમ જાય તેવાં નથી. એ તો આત્મા બહાર નીકળે એટલે મહીં બધું જ વાળીઝૂડીને સાફ કરીને પછી નીકળે. તેમને હિંસક માર ના જોઈએ. તેમને તો અહિંસક માર જોઈએ.

આચાર્ય શિષ્યને ક્યારે ટૈડકાવે ? ક્રોધ થાય ત્યારે. તે વખતે કોઈ કહે, 'મહારાજ આને શું કામ ટૈડકાવો છો ?' ત્યારે મહારાજ કહે, 'તેને તો ટૈડકાવવા જેવો જ છે.' બસ ખલાસ, આ બોલ્યા તે ક્રોધનો ખોરાક. કરેલા ક્રોધનું રક્ષણ કરે તે જ તેનો ખોરાક.

આ ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ સુધી જો ખોરાક ના મળે તો એની મેળે જ પછી ભાગી જાય, આપણે કહેવું જ ના પડે. કારણ કે દરેક વસ્તુ પોતપોતાના ખોરાકથી જીવતા રહ્યા છે અને આ જગતના લોકો શું કરે છે ? દરરોજ આ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપ્યા કરે છે, રોજ જમાડે છે અને પછી એ તગડા થઈને ફર્યા કરે છે.

છોકરાંને મારે, ખૂબ ક્રોધે થઈને મારે, પછી બાઈ કહેશે, 'આવું શું કરવા છોકરાને બિચારાને માર્યો ?' ત્યારે કહેશે, 'તું ના સમજે, મારવા જેવો જ છે' એટલે ક્રોધ સમજી જાય કે, 'ઓહોહો, મારો ખોરાક આપ્યો !' ભૂલ તો નથી જાણતો, પણ હજુ મારવા જેવો છે, એવો અભિપ્રાય આપ્યો છે, માટે આ મને ખોરાક આપે છે.' આને ખોરાક આપ્યો કહેવાય. આપણે ક્રોધને એન્કરેજ કરીએ, ક્રોધને સારો ગણીએ, એ એને ખોરાક આપ્યો કહેવાય. ક્રોધને 'ક્રોધ ખરાબ છે' એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે. લોક તો એનો પક્ષ લે ને ?

ક્રોધ-માન-માયા-લોભ કોઈ ચીજને અમે રક્ષણ નથી કરી. ક્રોધ થઈ ગયો હશે ત્યારે કો'ક કહેશે કે 'આ ક્રોધ કેમ કરો છો ?' ત્યારે હું કહી દઉં કે 'આ ક્રોધ એ બહુ ખોટી વસ્તુ છે. મારી નિર્બળતાને લઈને થઈ ગયો આ.' એટલે અમે રક્ષણ નથી કર્યું. લોકો રક્ષણ કરે.

આ સાધુ છીંકણી સૂંઘતા હોયને, તે આપણે કહીએ સાહેબ, તમારા જેવા છીકણી સૂંઘે છે ? ત્યારે એ કહે, છીકણીનો વાંધો નહીં. તે વધ્યું.

આ ચારેય ક્રોધ-માન-માયા-લોભ છે, એમાં એક ફર્સ્ટ મેમ્બરનો પ્રેમ હોય, બીજો એનાથી ઓછો હોય એમ.... જેનું ઉપરાણું બહુ, એની પ્રિયતા વધારે.

×
Share on
Copy